Home Blog Page 4987

સુવિચાર – ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૦

સંજય છેલના ચિત્રોનું આજથી અમદાવાદમાં પ્રદર્શન – ‘મૂર્ત અમૂર્ત’

અમદાવાદ – બોલીવૂડના જાણીતા સંવાદલેખક, પટકથાલેખક, નિર્દેશક, કલાકાર સંજય છેલ નિર્મિત ચિત્રોનું પ્રદર્શન આજથી અહીં ‘અમદાવાદની ગુફા’ આર્ટ ગેલેરીમાં શરૂ થઈ રહ્યું છે.

‘મૂર્ત-અમૂર્ત’ શીર્ષક હેઠળ સંજય છેલના ચિત્રોનું આ પ્રદર્શન 23 ફેબ્રુઆરી સુધી ચાલશે. સમય રહેશે દરરોજ સાંજે 4 થી 8.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પીઢ ચિત્રકાર વૃંદાવન સોલંકી આ પ્રદર્શનનું આજે સાંજે 5.30 વાગ્યે ઉદઘાટન કરશે.

સંજય છેલનાં એબ્સ્ટ્રેક્ટ (અમૂર્ત) ચિત્રો અને શિલ્પકાર ચિંતન સોમપુરાનાં શિલ્પ એટલે ‘મૂર્ત’ કળા સાથે મળીને ચિત્ર અને શિલ્પની જુગલબંદી કરશે.

દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસ જાણી જોઈને શૂન્ય પર આવી ગઈ?

દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં બીજીવાર આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય મળ્યો તે ભવ્ય વિશેષણને લાયક છે, કેમ કે ભારતના રાજકારણમાં સતત બીજી વાર આટલી મોટી જીત મેળવવી અત્યંત મુશ્કેલ હોય છે. પરંતુ ભવ્ય શબ્દને કટાક્ષમાં વાપરવો હોય તો કોંગ્રેસ સાથે વાપરી શકાય તેમ છે – કોંગ્રેસે બીજી વાર દિલ્હીમાં ‘ભવ્ય’ હાર મેળવી. દિલ્હી વિધાનસભાની 2015ની ચૂંટણીમાં કોંગ્રેસને શૂન્ય બેઠક મળી હતી અને 2020ની ચૂંટણીમાં પણ શૂન્ય બેઠક મળી!

કોંગ્રેસ દેશનો સૌથી જૂનો અને સૌથી મોટો બીજા નંબરનો રાષ્ટ્રીય રાજકીય પક્ષ છે. ભાજપ સૌથી મોટો રાષ્ટ્રીય પક્ષ બન્યો છે, પણ તે બનતા પહેલાં 1984માં એક વાર માત્ર 2 બેઠકો જ મળી હતી. જનસંઘ અવતારમાં ભાજપને સિંગલ ડિજિટમાં બેઠકો મળતી હતી, પણ તે તેનો ઉદયકાળ હતો. ભાજપ તરીકે નામાભિમાન થયા પછી ભાજપ સતત મજબૂત થતો રહ્યો. તેમાં માત્ર 2 બેઠકો મળી તે વિશિષ્ઠ કારણસર હતી અને અપવાદ હતો. તરત પછી ભાજપ ફરી 182 પર આવી શક્યો હતો. 182થી 282 બેઠકો મેળવી 2014માં સંપૂર્ણપણે પોતાના બળ પર કેન્દ્રમાં બહુમતી મેળવનારો કોંગ્રેસ પછીનો તે બીજો અને એકમાત્ર પક્ષ પણ બન્યો. સાથે જ કોંગ્રેસની પડતી પણ થઈ હતી અને માત્ર 44 બેઠકો સાથે તેના ઇતિહાસની સૌથી ઓછી બેઠકો તેને મળી હતી.

2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનો વિજયી રથ આગળ વધતો રહ્યો અને ફરી એકવાર કોંગ્રેસને 52 બેઠકો મળી. કોંગ્રેસને કુલ 11.86 કરોડ મતો મળ્યા, જે ભાજપના 22.6 કરોડથી ઘણા ઓછા હતા, પણ રાષ્ટ્રીય સ્તરે બીજું સ્થાન અપાવી શકે છે તેટલું આશ્વાસન જ લઈ શકશે. ટકાવારીમાં 19.3થી વધીને 19.6 ટકા મતો થયા હતા. ભાજપના મતો ટકાવારીમાં 31 ટકાથી વધીને 37.36 ટકા થયા હતા. બીજી વારની ચૂંટણીમાં 7 ટકાનો મત વધારો ભાજપ માટે બીજી વારનો ભવ્ય વિજય લાવ્યો હતો.

પરંતુ હારનારા પક્ષ માટે મતોની ટકાવારી આશ્વાસન લેવા માટે ઉપયોગી હોય છે. ભાજપ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આ જ આશ્વાસન લઈ રહ્યો છે. હારનારા પક્ષ ઉપરાંત વિશ્લેષકો પણ મતોની ટકાવારીને ધ્યાનમાં લેતા હોય છે, કેમ કે તેના કારણે ચિત્ર થોડું વાસ્તવિક લાગતું હોય છે. ભાજપ આશ્વાસન લઈ શકે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વધુ એક વાર હાર છતાંય પાંચ બેઠકો વધી છે અને 6 ટકા મતો પણ વધ્યા છે.

ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે શુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાંથી એકાએક ગાયબ થઈ ગઈ હતી. કોંગ્રેસ મેદાનમાંથી ખસી ગઈ અને સીધો મુકાબલો આપ સાથે થયો એટલે ભાજપને હાર મળી એવું તારણ જાવેડકરે કાઢ્યું હતું. કોંગ્રેસ પોતાની રીતે ગાયબ થઈ ગઈ કે લોકોએ ગાયબ કરી દીધી તે જુદી વાત છે, પણ તેના કારણે સીધો મુકાબલો થયો અને અમારું અનુમાન 42 ટકો મેળવવાનું હતું તે 38 ટકા થઈ ગયા. તેની સામે આપના 3 ટકા વધી ગયા તેથી અમે હાર્યા તેવું જાવેડકરે જણાવ્યું હતું.

ગત વખતે ભાજપને 32 ટકા મતો મળ્યા હતા અને માત્ર 3 બેઠકો મળી હતી. આ વખતે મતો વધ્યા અને 38.51 ટકા થયા, અને બેઠકો 8 થઈ. આમ આદમી પાર્ટીના મતો પોણો ટકા ઘટ્યા, પણ તેના કારણે પાંચ બેઠકો ઓછી થઈ ગઈ. ગયા વખતે 54 ટકા મતો હતો, તે આ વખતે 53.57 ટકા રહ્યા. શું જાવેડકરે પણ એ જ તારણ કાઢ્યું, જે ઘણા વિશ્લેષકોએ પણ કાઢ્યું હતું? ભાજપની હાર કેવી રીતે થઈ અને માત્ર પાંચ જ બેઠકો કેમ વધી? આપના માત્ર પોણો ટકો મત ઓછા થયા ને પાંચ બેઠક કેમ જતી રહી? ભાજપને 6 ટકા મતો વધુ મળ્યા, પણ તો આઠથી દસ બેઠકો વધારે કેમ ના મળી?

ના મળી, કેમ કે વિશ્લેષકોના એક અંદાજ મૂજબ કોંગ્રેસે ગુમાવેલા ચાર ટકા મતો નિર્ણાયક બન્યા હતા. કોંગ્રેસે ગયા વખતની જેમ ખાતું જ ના ખોલાવ્યું, એટલું જ નહિ 5.44 ટકા મતો ગુમાવ્યા અને આ વખતે માત્ર 4.26 મતો જ મેળવ્યા. આ સરખામણી ગત વખતની 2015ની વિધાનસભાની ચૂંટણી સાથે છે. લોકસભા 2019ની સાથે, આઠ મહિના પહેલા યોજાયેલી ચૂંટણી સાથે કરવામાં આવે તો 18 ટકાનું ગાબડું છે. લોકસભા 2019 વખતે કોંગ્રેસ દિલ્હીમાં બીજા નંબરે હતી અને 22 ટકા મતો મળ્યા હતા. ભાજપને 57 ટકા મતો મળ્યા હતા અને ભાજપનું મતોનું ગાબડું 20 ટકાનું ગણાય. વધારે ગાબડું પડ્યું તોય ભાજપની સ્થિતિ સુધરી, કોંગ્રેસની શૂન્યની શૂન્ય રહી.
માત્ર 4.26 મતો કોંગ્રેસ પક્ષ માટે બહુ નિરાશાજનક કહેવાય. દિલ્હીમાં સતત 15 વર્ષ શાસન પછી 2013માં જ કોંગ્રેસ હારી હતી. સાત વર્ષ પહેલાં અહીં તેનું શાસન હતું, ત્યાંથી આટલી પડતી કેમ થઈ. વિશ્લેષકો ઉપરાંત દિલ્હીના સ્થાનિક પત્રકારો, સંવાદદાતાઓનું પણ કહેવું હતું કે છેલ્લા દિવસોમાં કોંગ્રેસ મેદાનમાંથી હટી ગઈ હતી. છેલ્લા બે અઠવાડિયામાં એક તરફ ભાજપનો પ્રચાર તેજ બન્યો હતો, તેની સામે કોંગ્રેસનો પ્રચાર નહિવત થવા લાગ્યો હતો.

દિલ્હીના પત્રકારોનું કહેવું છે કે ભાજપનો આંતરિક સર્વે મોવડીઓ સમક્ષ મૂકવામાં આવ્યો તેમાં બહુ નિરાશાજનક ચિત્ર હતું. ભાજપને માંડ 18 ટકા મતો મળતા હતા અને બેઠકો શૂન્ય. તે પછી એવું કહેવાય છે કે અમિત શાહે બધું જ જોર અજમાવી લેવાનું નક્કી કર્યું હતું. ભલે સત્તા ના મળે, પણ મતોની ટકાવારી ઘટી તો ભાજપ માટે બચાવ કરવા જેવું પણ કશું રહેશે નહિ એમ માનીને તેમણે સંગઠનને કામે લગાડ્યું હતું. પરંતુ જો કોંગ્રેસ તરફથી મેદાન છોડી દેવામાં ના આવ્યું હોત તો આવું પરિણામ કદાચ ના આવ્યું હોત તેવું તારણ નીકળે છે. ભાજપના કેટલાક પ્રવક્તાઓને આવું તારણ અકળાવી ગયું, કેમ કે તેમને કોંગ્રેસ સામે હાર મળે તેનું પાચન થતું નથી. આપ કે બીજો પ્રાદેશિક પક્ષ હરાવી જાય તો ચાલે, તેમાં પ્રાદેશિક કારણો અને બીજા પરિબળોનું બહાનું મળે.

દિલ્હીમાં 2014માં પણ આપ ભવ્ય રીતે જીત્યો હતો. 2014માં ભાજપના ભવ્ય વિજય પછી જ આપે દિલ્હીમાં પાસું પલટ્યું હતું. તેથી 2019માં તેનું રિપિટેશન સાવ અણધાર્યું ના કહેવાય, પણ જો કોંગ્રેસની મતોની ટકાવારી અગાઉની જેમ 10 ટકા ટકી રહી હોત તો આપની બેઠકો બહુ ઓછી થઈ જાત અને ભાજપની બેઠકો ઘણી વધી જાત. કોંગ્રેસને મતોની ટકાવારીનો બેઠકોમાં ફાયદો ના થયો હોત, પણ ભાજપ ફાવી ગયો હોત. ભાજપ ઘણા એક્ઝિટ પોલમાં ધારણા હતી તે પ્રમાણે 20 સુધીની બેઠકો મેળવી શકે તે વાસ્તવિક લાગતું હતું.

કેટલાક એક્ઝિટ પોલની એવી ધારણા પ્રમાણે આપ 50-55 બેઠકો સાથે સત્તા જાળવી રાખે અને ભાજપ 15-20 બેઠકો સાથે મજબૂત બનેલો દેખાય તો પરિણામોની અસર કંઈક અલગ જ પડી હોત. તેના બદલે કોંગ્રેસે સઢ સંકેલી લીધા અને હોડીને એક કોરાણે કરી લીધી એટલે આપનું વહાણ સડસડાટ આગળ નીકળી ગયું. આપના વહાણની ગતિને કારણે ભાજપના વહાણના સઢમાં પણ પવનનો સૂસવાટો વાયો અને તેનું વહાણ એક ચક્કર ખાઈને ઘણું પાછળ રહી ગયું. આ રીતની હારની સાયકોલૉજિકલ અસર જોવા મળી, જે સાયકોલોજિકલ શૉક આપવાની ગણતરી કદાચ કોંગ્રેસની હશે.

આ એક અનુમાન છે અને રાજકારણમાં આવા અનુમાન ચાલતા હોય છે. કોંગ્રેસે ખરેખર પોતાના વૉટ આપને ટ્રાન્સફર કરાવ્યા, કેટલાક કરાવ્યા અને કેટલા થઈ શક્યા તેની ચર્ચાઓ ચાલતી રહેશે. કોંગ્રેસે આવું શા માટે કર્યું તેના કારણો પણ અપાતા રહેશે. પોતાનાથી સીધી રીતે ભાજપને હરાવવો કોંગ્રેસ માટે મુશ્કેલ બની રહ્યું છે. માત્ર છત્તીસગઢમાં જ કોંગ્રેસને સરખો વિજય મળ્યો હતો. રાજસ્થાનમાં સત્તા પરિવર્તનની પરંપરા જળવાઈ રહી હતી, મધ્ય પ્રદેશમાં માંડ માંડ વિજય મળ્યો હતો, હરિયાણામાં સ્થિતિ સુધરી પણ સત્તા ના મળી, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ-સેનાના આંતરિક વિખવાદનો સામનો કરવો પડ્યો. છેલ્લે ઝારખંડમાં પ્રાદેશિક પક્ષના સહારે કોંગ્રેસે આગળ વધવું પડ્યું હતું.

દિલ્હીમાં આપ સાથે જોડાણ થઈ શકે તેમ નહોતું. 2019માં પણ થઈ શક્યું નહોતું, કેમ કે આંતરિક જૂથબંધી વધારે પડતી હતી. આવી આંતરિક જૂથબંધી કોંગ્રેસને બીજા રાજ્યોમાં પણ પ્રાદેશિક પક્ષો સાથે સરખી રીતે જોડાણ કરવા દેતી નથી. તેવા સંજોગોમાં નિષ્ક્રિય થઈ જઈને, ભાજપની મજબૂતી એ ભાજપની પોતાની નથી, પણ નબળા અને વિખરાયેલા વિપક્ષોને કારણે છે એવું દેખાડવાની કોંગ્રેસની ગણતરી છે? કોંગ્રેસનો એવો કોઈ વ્યૂહ હશે તો તેની કસોટી વર્ષના અંતે બિહારમાં થશે. બિહારમાં તે ઝારખંડની જેમ પ્રાદેશિક પક્ષોને કેટલા આગળ થવા દે છે તે જોવાનું રહેશે.

બીજું કે કોંગ્રેસ એમ માનતું હોય કે વિખરાયેલા વિપક્ષને કારણે જ ભાજપને જીત મળે છે તો તે અર્ધસત્ય છે. ભાજપની પોતાની મજબૂત વૉટબેન્ક બની છે. 2014થી વધુ સજ્જડ થઈ છે અને 2019માં આગળ વધી છે. ભાજપ જ્યાં મજબૂત છે અને પ્રાદેશિક પક્ષ નથી ત્યાં 40 ટકાથી વધુ અને પ્રાદેશિક પક્ષો હોય તેવા કેટલાક રાજ્યોમાં પણ 30 ટકાથી વધુ મૂળભૂત ટેકેદારો ધરાવતો પક્ષ બન્યો છે. ત્રિપાંખીયા જંગમાં 35 ટકાથી વધુ અને સીધી લડાઈમાં 45 ટકાથી વધુ મતો તમને વિજય અપાવવાનું શરૂ કરે છે. તેથી ભાજપે જીત માટે પાંચથી સાત ટકા અનિર્ણાયક મતો માટે જ મથામણ કરવાની હોય છે. તે યાદ રાખીને કોંગ્રેસે દિલ્હી ફોર્મ્યુલા બીજા રાજ્યોમાં અપનાવતા પહેલાં વિચારવું પડે. દિલ્હીની જેમ નિષ્ક્રિય રહીને એકાદ વાર હરિફ પક્ષને હરાવી શકાય, દર વખતે નહિ.

રાશિ ભવિષ્ય 18/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે


 

આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે,


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે,

પંચાંગ તા. 18/02/2020

મહિલાઓની ક્રિકેટ T20 વર્લ્ડ કપ સ્પર્ધાની ટીમોની કેપ્ટનોની સમૂહ તસવીર…

મહિલાઓની આગામી ક્રિકેટ T20 વર્લ્ડ સ્પર્ધા ઓસ્ટ્રેલિયામાં રમાવાની છે. 21 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ સ્પર્ધામાં યજમાન ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત 10 ટીમ ભાગ લેશે. તમામ ટીમોની કેપ્ટનોએ 17 ફેબ્રુઆરી, સોમવારે સિડનીમાં ટ્રોફી સાથે સમૂહ તસવીર માટે પોઝ આપ્યો હતો.


તસવીરમાં ડાબેથી જમણે આ કેપ્ટનો છેઃ સોર્નેરીન ટીપોક (થાઈલેન્ડ), સ્ટીફેની ટેલર (વેસ્ટ ઈન્ડિઝ), હરમનપ્રીત કૌર (ભારત), સોફી ડેવીન (ન્યૂઝીલેન્ડ), મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા), હીધર નાઈટ (ઈંગ્લેન્ડ), સલમા ખાતુન (બાંગ્લાદેશ), ચમારી અટાપટ્ટુ (શ્રીલંકા), બિસ્માહ મારૂફ (પાકિસ્તાન) અને ડેન વાન નાઈકર્ક (સાઉથ આફ્રિકા)


ભારતને ગ્રુપ-Aમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્રુપની અન્ય ટીમો છેઃ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશ. ગ્રુપ-Bમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, થાઈલેન્ડ, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન છે.


ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ અને ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌર.


સ્પર્ધાની પ્રારંભિક મેચમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મુકાબલો થવાનો છે. ફાઈનલ મેચ 8 માર્ચે મેલબોર્નમાં રમાશે.














તો શું વિશ્વની પ્રથમ હાઈપરલુપ ટ્રેન ભારતમાં દોડશે?

નવી દિલ્હી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પછી આવનારા ભવિષ્યમાં ભારતમાં વિશ્વની પ્રથમ હાઈપરલુપ ટ્રેન દોડે તો નવાઈ નહીં. હાઈપરલુપ ટ્રેન એક ટ્યૂબમાંથી પસાર થાય છે જેની મહત્તમ સ્પીડ 1200 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે. હાઈપરલુપ ટ્રેનને લઈને વર્જિન ગ્રુપે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સામે પ્રસ્તાવ રાખ્યો છે. વર્જિન ગ્રુપનું કહેવું છે કે, તે દિલ્હી અને મુંબઈ વચ્ચે આ ટ્રેન ચલાવવા માગે છે.

આ પ્રોજેક્ટને લઈને મહારાષ્ટ્ર સરકાર સાથે અગાઉ વાતચીત ચાલી રહી હતી પણ શિવસેના સરકાર સત્તા પર આવ્યા પછી પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવ્યો, ત્યારપછી ગ્રુપના પ્રતિનિધિ નીતિન ગડકરી સાથે વાતચીત કરીને પ્રોજેક્ટને આગળ વધારવાના પ્રયત્નમાં છે.

વર્જિન ગ્રુપના સુત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર કંપનીના પ્રતિનિધિ દિલ્હીથી મુંબઈ વચ્ચે 1300 કિલોમીટર વચ્ચે આ ટ્રેનને દોડવવા માટે નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. ગ્રુપના કેટલાક પ્રતિનિધિઓ અત્યારે ભારતના પ્રવાસે છે અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કરી રહ્યા છે.

અગાઉ મુંબઈ-પૂણે વચ્ચે હાઈપરલુપ ટ્રેન ચલાવવાનો પ્લાન હતો

ગયા સપ્તાહે નીતિન ગડકરીએ કહ્યું હતું કે, તેમણે બુલેટ ટ્રેનની જેમ બીજા પ્રોજેક્ટને લઈને કેટલાક રોકાણકારો સાથે મુલાકાત કરી. વર્જિન ગ્રુપ પહેલા મુંબઈ-પૂણે વચ્ચે ટ્રેન પ્રોજેક્ટ માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને તત્કાલિન ભાજપ સરકાર પાસેથી મંજૂરી પણ મળી ગઈ હતી. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 11.8 કિલોમીટર લાંબો ટ્રેક બનત જેમાં અંદાજે 10 અબજ ડોલરનો ખર્ચ થાત. આ ટ્રેક બનાવવામાં 2.5 વર્ષ જેટલો સમય લાગત.

મહારાષ્ટ્રનું કમાન સંભાળ્યા પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બુલેટ ટ્રેન સહિત એવા તમામ પ્રોજેક્ટ રદ કરી દીધા છે. નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું હતું કે, અમારી આર્થિક સ્થિતિ એટલી મજબૂત નથી કે અમે હાઈપરલુપ જેવા કોન્સેપ્ટને દેશમાં પ્રયોગ માટે લાવીએ. અત્યારે ટ્રાન્સપોર્ટના અન્ય માધ્યમો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ પ્રકારની ટેક્નોલોજી અન્ય દેશોમાં પ્રયોગમાં લેવામાં આવશે ત્યારે એમે એના વિશે વિચારીશું.

સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈપરલુપને લઈને ભલે વાતચીત ચાલી રહી હોય પણ એ અત્યારે શક્ય નથી. સમગ્ર વિશ્વમાં આ ટેક્નોલોજીનો ક્યાંય પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો. વર્જિન ગ્રુપે ભારતમાં એવિયેશન, હોસ્પિટાલિટી, મ્યૂઝિક અને ટેલિકોમ સેક્ટરમાં પણ રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ઈરફાન-કરીનાની ‘અંગ્રેજી મિડિયમ’ 13 માર્ચે રિલીઝ થશે

મુંબઈ – ઈરફાન ખાન અને કરીના કપૂર-ખાન અભિનીત નવી હિન્દી ફિલ્મ ‘અંગ્રેજી મિડિયમ’ આવતી 13 માર્ચે રિલીઝ કરવામાં આવશે. પહેલાં આ ફિલ્મને 20 માર્ચે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હીત, પરંતુ હવે એની રિલીઝને એક અઠવાડિયું વહેલી કરવામાં આવી છે.

ફિલ્મના ટ્રેલરને ઘણો સરસ પ્રતિસાદ મળ્યો છે. દર્શકો અને ઈરફાનનાં પ્રશંસકો એને રૂપેરી પડદા પર ફરી જોવા માટે આતુર બન્યા છે.

ફિલ્મના નિર્માતા દિનેશ વિજને કહ્યું કે, ”અંગ્રેજી મિડિયમ’ ઘણી રીતે અમારે મન વિશેષ છે, પરંતુ કમનસીબે ઈરફાન એમની સારવાર ચાલી રહી હોવાને કારણે ફિલ્મના પ્રચાર માટે હાજર રહી શકે એમ નથી. સમગ્ર ઈન્ડસ્ટ્રી તરફથી અમને ટેકો મળ્યો છે.’

‘અંગ્રેજી મિડિયમ’ 13 માર્ચે રિલીઝ થશે અને મારી અન્ય ફિલ્મ ‘રૂહી – અફઝા’ પાંચમી જૂને રિલીઝ કરાશે. ‘અંગ્રેજી મિડિયમ’ એકલે હાથે દીકરીને ઉછેરતા પ્રેમાળ પિતા (ઈરફાન) અને એની પુત્રી (રાધિકા માદન) વચ્ચેના સુંદર સંબંધની વાર્તા છે.

‘અંગ્રેજી મિડિયમ’ના દિગ્દર્શક હોમી અદાજનિયા છે. ફિલ્મમાં ઈરફાન ખાન, કરીના કપૂર-ખાન, ડિમ્પલ કાપડિયા, પંકજ ત્રિપાઠી, દીપક ડોબરિયાલ, રણવીર શોરી તથા અન્ય કલાકારો છે.

ફિલ્મને જિયો સ્ટુડિયોઝ અને પ્રેમ વિજન પ્રસ્તુત કરી રહ્યા છે.

‘અંગ્રેજી મિડિયમ’, ‘ગૂંજન સક્સેના’ અને ‘રૂહી અફઝા’ ફિલ્મોનાં નિર્માતાઓએ પરસ્પર સમજૂતી કરીને પોતપોતાની ફિલ્મોની તારીખ નક્કી કરી છે. ‘અંગ્રેજી મિડિયમ’ 13 માર્ચે રિલીઝ કરાશે. ‘ગૂંજન સક્સેના’ 24 એપ્રિલે અને ‘રૂહી અફઝા’ પાંચમી જૂને રિલીઝ કરાશે. ‘ગૂંજન સક્સેના’ અને ‘રૂહી અફઝા’, બંનેની હિરોઈન જાન્વી કપૂર છે.

(જુઓ ફિલ્મનું ટ્રેલર)

IRFC દ્વારા ઇન્ડિયા INX પર 1 અબજ ડોલરના ઈશ્યુનું લિસ્ટિંગ

ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટેડ બોન્ડ્સની કુલ રકમ 21.1 અબજ ડોલર યુએસ ડોલરની થઈ

મુંબઈ તા.17ઃ ભારતીય રેલવે મંત્રાલયની એકમાત્ર ધિરાણ સંસ્થા ઈન્ડિયન રેલવે ફાઈનાન્સિંગ કોર્પોરેશન(આઈઆરએફસી)એ , વૈશ્વિક રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરવા માટે ઈન્ડિયા આઈએનએક્સના 2 અબજ ડોલર યુએસ ગ્લોબલ સિક્યોરિટીઝ માર્કેટ (જીએસએમ) પર ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ બે તબક્કામાં 1 અબજ ડોલર એકત્ર કર્યા છે. આ બોન્ડ્સને ઈન્ડિયા આઈએનએક્સના ગ્લોબલ સિક્યોરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવ્યાં છે.

આઈઆરએફસીએ ભૂતકાળમાં ઈન્ડિયા આઈએનએક્સ પર તેના પ્રથમ ગ્રીન બોન્ડ ઇશ્યુને લિસ્ટ કર્યો છે. ભૂતપૂર્વ રેલવે અને કોલસા પ્રધાન શ્રી પીયૂષ ગોયલે જાન્યુઆરી 2018માં ગ્લોબલ સિક્યોરિટીઝ માર્કેટ પ્લેટફોર્મનો પ્રારંભ કર્યો હતો.

ગિફ્ટસ્થિત આ ગ્લોબલ સિક્યોરિટીઝ માર્કેટના પ્રારંભથી આ પ્લેટફોર્મ  એક અગ્રણી આઈએફએસસી-આધારિત લિસ્ટિંગ પ્લેટફોર્મ બની ગયું છે.

જાન્યુઆરી 2018માં ઈન્ડિયા આઈએનએક્સ પ્લેટફોર્મ પર એમટીએનના લિસ્ટિંગની સુવિધા શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં  21.1 અબજ યુએસ ડોલરથી અધિકનાં બોન્ડ્સ અને 46.5 અબજ યુએસ ડોલરના એમટીએન પ્રોગ્રામ લિસ્ટ કરવામાં આવ્યા છે. ઈન્ડિયા આઈએનએક્સ એવું પ્રથમ એક્સચેન્જ છે, જેણે ગ્રીન સિક્યુરિટીઝના લિસ્ટિંગ માટેનું પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે.

નવી તારીખ આવીઃ નિર્ભયાનાં ચારેય હત્યારા અપરાધીઓને 3 માર્ચે ફાંસી અપાશે

નવી દિલ્હી – દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસના અપરાધીઓને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ આજે ઈશ્યૂ કર્યું છે. વિનય, મુકેશ, પવન અને અક્ષયને આવતી 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે.

કેસમાં ચારેય અપરાધીઓને નવું ડેથ વોરંટ ઈશ્યૂ કરવાની માગણી કરતી અરજીઓ પર કોર્ટે આજે સુનાવણી કરી હતી.

મુકેશ કુમાર સિંહ નામના અપરાધીએ કોર્ટને કહ્યું હતું કે એડવોકેટ વૃંદા ગ્રોવર પોતાનો કેસ લડે એવું તે ઈચ્છતો નથી.

એડિશનલ સેશન જજ ધર્મેન્દર રાણાને જાણકારી આપવામાં આવી હતી કે અન્ય અપરાધી વિનય શર્મા તિહાર જેલમાં ભૂખહડતાળ પર ઉતર્યો છે.

વિનયના વકીલોએ કોર્ટને કહ્યું કે વિનય પર જેલમાં હુમલો કરવામાં આવ્યો હતો અને એને માથામાં ઈજા થઈ છે. વળી, તે સખત માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે એટલે એને ફાંસીની સજા આપી શકાય એમ નથી.

કોર્ટે તિહાર જેલના સુપ્રીન્ટેન્ડન્ટને આદેશ આપ્યો હતો કે તેઓ કાયદા અનુસાર વિનયની યોગ્ય કાળજી લે.

અન્ય અપરાધી પવન ગુપ્તાના વકીલે કોર્ટને કહ્યું હતું કે પવન સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પીટિશન અને રાષ્ટ્રપતિને ફાંસીની સજા વિરુદ્ધ દયાની અરજી રજૂ કરવા માગે છે.

પવન ગુપ્તા ચારેય અપરાધીઓમાંનો એકમાત્ર છે, જેણે હજી સુધી ક્યૂરેટિવ પીટિશન નોંધાવી નથી. કોઈ પણ વ્યક્તિને ફાંસીની સજામાંથી બચવા માટે આ છેલ્લો કાનૂની ઉપાય ગણાય છે. એને દયાની અરજી નોંધાવવાનો પણ વિકલ્પ રહેતો હોય છે.

અક્ષય કુમારના વકીલે કોર્ટને જાણ કરી હતી કે અક્ષય રાષ્ટ્રપતિને ફરીથી દયાની અરજી કરવા માગે છે.

ઉલ્લેખનીય છે કે, ચારેય અપરાધીઓને પહેલાં 22 જાન્યુઆરી, 2020ના રોજ ફાંસી આપવાનું નક્કી કરાયું હતું, પણ એ તારીખને 31 જાન્યુઆરીએ કોર્ટના આદેશને પગલે મુલતવી રખાઈ હતી અને 1 ફેબ્રુઆરીની નવી તારીખ નક્કી કરાઈ હતી. પરંતુ 31 જાન્યુઆરીએ ટ્રાયલ કોર્ટના આદેશને પગલે એ તારીખે પણ ફાંસી આપવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું.

ચારેય અપરાધીને તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે.

નવી તારીખ વિશે પોતાનાં પ્રત્યાઘાત આપતાં દિવંગત નિર્ભયાનાં માતા આશાદેવીએ કહ્યું કે મને આશા છે કે અપરાધીઓને 3 માર્ચે ફાંસીએ લટકાવી જ દેવામાં આવશે. આખરે તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે. પરંતુ હું બહુ ખુશ નથી, કારણ કે આ ત્રીજી વાર તારીખ જાહેર કરવી પડી છે.