ઈરફાન-કરીનાની ‘અંગ્રેજી મિડિયમ’ 13 માર્ચે રિલીઝ થશે

મુંબઈ – ઈરફાન ખાન અને કરીના કપૂર-ખાન અભિનીત નવી હિન્દી ફિલ્મ ‘અંગ્રેજી મિડિયમ’ આવતી 13 માર્ચે રિલીઝ કરવામાં આવશે. પહેલાં આ ફિલ્મને 20 માર્ચે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હીત, પરંતુ હવે એની રિલીઝને એક અઠવાડિયું વહેલી કરવામાં આવી છે.

ફિલ્મના ટ્રેલરને ઘણો સરસ પ્રતિસાદ મળ્યો છે. દર્શકો અને ઈરફાનનાં પ્રશંસકો એને રૂપેરી પડદા પર ફરી જોવા માટે આતુર બન્યા છે.

ફિલ્મના નિર્માતા દિનેશ વિજને કહ્યું કે, ”અંગ્રેજી મિડિયમ’ ઘણી રીતે અમારે મન વિશેષ છે, પરંતુ કમનસીબે ઈરફાન એમની સારવાર ચાલી રહી હોવાને કારણે ફિલ્મના પ્રચાર માટે હાજર રહી શકે એમ નથી. સમગ્ર ઈન્ડસ્ટ્રી તરફથી અમને ટેકો મળ્યો છે.’

‘અંગ્રેજી મિડિયમ’ 13 માર્ચે રિલીઝ થશે અને મારી અન્ય ફિલ્મ ‘રૂહી – અફઝા’ પાંચમી જૂને રિલીઝ કરાશે. ‘અંગ્રેજી મિડિયમ’ એકલે હાથે દીકરીને ઉછેરતા પ્રેમાળ પિતા (ઈરફાન) અને એની પુત્રી (રાધિકા માદન) વચ્ચેના સુંદર સંબંધની વાર્તા છે.

‘અંગ્રેજી મિડિયમ’ના દિગ્દર્શક હોમી અદાજનિયા છે. ફિલ્મમાં ઈરફાન ખાન, કરીના કપૂર-ખાન, ડિમ્પલ કાપડિયા, પંકજ ત્રિપાઠી, દીપક ડોબરિયાલ, રણવીર શોરી તથા અન્ય કલાકારો છે.

ફિલ્મને જિયો સ્ટુડિયોઝ અને પ્રેમ વિજન પ્રસ્તુત કરી રહ્યા છે.

‘અંગ્રેજી મિડિયમ’, ‘ગૂંજન સક્સેના’ અને ‘રૂહી અફઝા’ ફિલ્મોનાં નિર્માતાઓએ પરસ્પર સમજૂતી કરીને પોતપોતાની ફિલ્મોની તારીખ નક્કી કરી છે. ‘અંગ્રેજી મિડિયમ’ 13 માર્ચે રિલીઝ કરાશે. ‘ગૂંજન સક્સેના’ 24 એપ્રિલે અને ‘રૂહી અફઝા’ પાંચમી જૂને રિલીઝ કરાશે. ‘ગૂંજન સક્સેના’ અને ‘રૂહી અફઝા’, બંનેની હિરોઈન જાન્વી કપૂર છે.

(જુઓ ફિલ્મનું ટ્રેલર)