જ્યારે સારાનાં ટ્રાવેલ દસ્તાવેજોએ અમેરિકી સત્તાવાળાઓને મૂંઝવી નાખ્યા હતા

મુંબઈ – ગયા જ અઠવાડિયાએ જેની ‘લવ આજ કલ’ ફિલ્મ રિલીઝ થઈ છે તે યુવા અભિનેત્રી સારા અલી ખાને પોતાને નડેલી એક તકલીફ વિશે જાણકારી આપી છે. એક ઈન્ટરવ્યૂમાં એણે કહ્યું કે, એને એ સમસ્યા અમેરિકાના એરપોર્ટ પર થઈ હતી.

જોકે એ વખતે એનાં નામમાં આવતો ‘ખાન’ શબ્દ એને નડતરરૂપ બન્યો નહોતો, પણ એના ઓળખપત્રમાં રહેલા એનાં ફોટાંને કારણે ધમાચકડી મચી ગઈ હતી.

વાત એમ છે કે, સારા શરીરે પહેલાં એકદમ જાડી હતી, પણ બાદમાં એણે કસરતો કરીને પોતાની કાયાને એકદમ કમનીય બનાવી દીધી હતી. તેનાં આ કાયાકલ્પને કારણે એનાં પ્રશંસકો તો નવાઈ પામ્યા હતા, પરંતુ અમેરિકાના એરપોર્ટ સત્તાવાળાઓ પણ અચંબામાં પડી ગયા હતા.

સારાએ કહ્યું કે અમેરિકામાં તેની એ પહેલી જ મુલાકાત હતી. અને એનાં ટ્રાવેલ દસ્તાવેજો જોઈને યુએસ એરપોર્ટ સત્તાવાળાઓએ એની પર શંકા કરી હતી.

એનું કારણ એ હતું કે પાસપોર્ટ અને આઈડેન્ટિટી કાર્ડ, બંનેનાં ફોટામાં સારા સાવ અલગ દેખાતી હતી.

ઈન્ટરવ્યૂમાં સારાએ કહ્યું કે, ‘મેં જ્યારે મારું આઈ-કાર્ડ બનાવડાવ્યું હતું ત્યારે મારું વજન 96 કિલોગ્રામ હતું. એમાં મારો એ વખતનો ફોટો હતો. જ્યારે મારાં રેગ્યૂલર વિઝા અને સ્ટુડન્ટ વિઝામાં મારાં ફોટા સાવ જુદા હતા. એને કારણે યુએસ સત્તાવાળાઓ ગૂંચવણમાં પડી ગયા હતા.’

સારાએ મજાકમાં એમ પણ કહ્યું કે, ‘હું એ ઘટના વિશે વધારે કોઈ કમેન્ટ કરવા માગતી નથી, કારણ કે કંઈક ઊંધુંચત્તું બોલીને મારી પર યુએસ વિઝિટનો પ્રતિબંધ મૂકાઈ જાય એવું હું ઈચ્છતી નથી.’

સારા પાસે હાલ બે ફિલ્મ છે. એક ફિલ્મ છે ‘કૂલી નંબર-1’, જેમાં એ વરુણ ધવન સાથે ચમકી રહી છે.