ફિલ્મફેર એવોર્ડ્સ 2020માં ‘ગલી બોય’ શ્રેષ્ઠ ફિલ્મ; કુલ 10 એવોર્ડ જીત્યા

ગુવાહાટી – 65મા ફિલ્મફેર એવોર્ડ્સ કાર્યક્રમનું ગઈ કાલે રાતે અહીં આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઝોયા અખ્તર દિગ્દર્શિત અને રણવીર સિંહ-આલિયા ભટ્ટ અભિનીત ‘ગલી બોય’ ફિલ્મ છવાઈ ગઈ. એણે કુલ 10 એવોર્ડ કબજે કર્યા હતા. આમાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડનો સમાવેશ થાય છે.

દર વર્ષે હિન્દી ફિલ્મો માટે વિભિન્ન કેટેગરીઓમાં કલાકારો તથા કસબીઓને અપાતા ફિલ્મફેર એવોર્ડ્સ એનાયત કાર્યક્રમનું આયોજન આ પહેલી જ વાર મુંબઈની બહાર કોઈ અન્ય સ્થળે કરવામાં આવ્યું હતું.

‘ગલી બોય’ ફિલ્મને બેસ્ટ પોપ્યૂલર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી હતી. આ કેટેગરીમાં એની સાથે સ્પર્ધામાં આ ફિલ્મો હતીઃ ‘છીછોરે’, ‘મિશન મંગલ’, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’, ‘વોર’.

શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ માટે રણવીર સિંહ સાથે સ્પર્ધામાં આ અભિનેતાઓ હતાઃ અક્ષય કુમાર (કેસરી), આયુષ્માન ખુરાના (બાલા), હૃતિક રોશન (સુપર 30), શાહિદ કપૂર (કબીર સિંહ), વિકી કૌશલ (ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક). રણવીર સિંહે આ ચોથી વાર બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે. આ પહેલાં એણે ‘બેન્ડ બાજા બારાતી’, ‘બાજીરાવ મસ્તાની’, ‘પદ્માવત’ ફિલ્મોમાં કરેલી ભૂમિકા માટે પણ આ એવોર્ડ જીત્યો હતો.

શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ માટે આલિયા ભટ્ટ સામે સ્પર્ધામાં આ અભિનેત્રીઓ હતીઃ કંગના રણૌત (મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી), કરીના કપૂર-ખાનન (ગૂડ ન્યૂઝ), પ્રિયંકા ચોપરા (ધ સ્કાય ઈઝ પિન્ક), રાની મુખરજી (મર્દાની 2), વિદ્યા બાલન (મિશન મંગલ).

શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીતનાર ઝોયા અખ્તર સામે હરીફાઈમાં આ સૌ હતાઃ આદિત્ય ધર (ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક), જગન શક્તિ (મિશન મંગલ), નિતેશ તિવારી (છીછોરે), સિદ્ધાર્થ આનંદ (વોર).

‘ગલી બોય’ ફિલ્મ માટે જ શ્રેષ્ઠ સંવાદનો એવોર્ડ વિજય મોર્યને આપવામાં આવ્યો હતો.

શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ સિદ્ધાંત ચતુર્વેદી (‘ગલી બોય’) અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ અમૃતા સુભાષ (‘ગલી બોય’)ને આપવામાં આવ્યો હતો.

‘ગલી બોય’ ફિલ્મના ‘અપના ટાઈમ આયેગા’ ગીત માટે ડીવાઈન અને અંકુર તિવારીને શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ આપવામાં આવ્યો.

‘ગલી બોય’ ફિલ્મે કુલ આટલા એવોર્ડ જીત્યા છેઃ

બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, બેસ્ટ ગીતકાર, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર.

65મા ફિલ્મફેર એવોર્ડ વિજેતાઓની યાદીઃ

શ્રેષ્ઠ ફિલ્મઃ ‘ગલી બોય’

શ્રેષ્ઠ ક્રિટીક ફિલ્મઃ ‘આર્ટિકલ 15’

શ્રેષ્ઠ અભિનેતાઃ રણવીર સિંહ (ગલી બોય)

શ્રેષ્ઠ અભિનેત્રીઃ આલિયા ભટ્ટ (ગલી બોય)

શ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ સિદ્ધાંત ચતુર્વેદી (ગલી બોય)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઃ અમૃતા સુભાષ (ગલી બોય)

શ્રેષ્ઠ મ્યુઝિક આલબમઃ મિથુન, અમાન મલિક, વિશાલ મિશ્રા, સાચેત-પરંપરા અને અખિલ સચદેવ (કબીર સિંહ ફિલ્મ માટે)

શ્રેષ્ઠ ગીતઃ ડીવાઈન અને અંકુર તિવારી વિજેતા ‘અપના ટાઈમ આયેગા’ (‘ગલી બોય’નું ગીત)

ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન માટે ગોવિંદાને ‘એવોર્ડ ઓફ એક્સિલન્સ ઈન સિનેમા’ (ઉત્કૃષ્ટતા પુરસ્કાર) એનાયત કરવામાં આવ્યો.

અનન્યા પાંડેને ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મમાં કરેલી ભૂમિકા બદલ ‘બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જાણીતા નિર્માતા-દિગ્દર્શક રમેશ સિપ્પીને ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]