નવી તારીખ આવીઃ નિર્ભયાનાં ચારેય હત્યારા અપરાધીઓને 3 માર્ચે ફાંસી અપાશે

નવી દિલ્હી – દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસના અપરાધીઓને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ આજે ઈશ્યૂ કર્યું છે. વિનય, મુકેશ, પવન અને અક્ષયને આવતી 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે.

કેસમાં ચારેય અપરાધીઓને નવું ડેથ વોરંટ ઈશ્યૂ કરવાની માગણી કરતી અરજીઓ પર કોર્ટે આજે સુનાવણી કરી હતી.

મુકેશ કુમાર સિંહ નામના અપરાધીએ કોર્ટને કહ્યું હતું કે એડવોકેટ વૃંદા ગ્રોવર પોતાનો કેસ લડે એવું તે ઈચ્છતો નથી.

એડિશનલ સેશન જજ ધર્મેન્દર રાણાને જાણકારી આપવામાં આવી હતી કે અન્ય અપરાધી વિનય શર્મા તિહાર જેલમાં ભૂખહડતાળ પર ઉતર્યો છે.

વિનયના વકીલોએ કોર્ટને કહ્યું કે વિનય પર જેલમાં હુમલો કરવામાં આવ્યો હતો અને એને માથામાં ઈજા થઈ છે. વળી, તે સખત માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે એટલે એને ફાંસીની સજા આપી શકાય એમ નથી.

કોર્ટે તિહાર જેલના સુપ્રીન્ટેન્ડન્ટને આદેશ આપ્યો હતો કે તેઓ કાયદા અનુસાર વિનયની યોગ્ય કાળજી લે.

અન્ય અપરાધી પવન ગુપ્તાના વકીલે કોર્ટને કહ્યું હતું કે પવન સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પીટિશન અને રાષ્ટ્રપતિને ફાંસીની સજા વિરુદ્ધ દયાની અરજી રજૂ કરવા માગે છે.

પવન ગુપ્તા ચારેય અપરાધીઓમાંનો એકમાત્ર છે, જેણે હજી સુધી ક્યૂરેટિવ પીટિશન નોંધાવી નથી. કોઈ પણ વ્યક્તિને ફાંસીની સજામાંથી બચવા માટે આ છેલ્લો કાનૂની ઉપાય ગણાય છે. એને દયાની અરજી નોંધાવવાનો પણ વિકલ્પ રહેતો હોય છે.

અક્ષય કુમારના વકીલે કોર્ટને જાણ કરી હતી કે અક્ષય રાષ્ટ્રપતિને ફરીથી દયાની અરજી કરવા માગે છે.

ઉલ્લેખનીય છે કે, ચારેય અપરાધીઓને પહેલાં 22 જાન્યુઆરી, 2020ના રોજ ફાંસી આપવાનું નક્કી કરાયું હતું, પણ એ તારીખને 31 જાન્યુઆરીએ કોર્ટના આદેશને પગલે મુલતવી રખાઈ હતી અને 1 ફેબ્રુઆરીની નવી તારીખ નક્કી કરાઈ હતી. પરંતુ 31 જાન્યુઆરીએ ટ્રાયલ કોર્ટના આદેશને પગલે એ તારીખે પણ ફાંસી આપવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું.

ચારેય અપરાધીને તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે.

નવી તારીખ વિશે પોતાનાં પ્રત્યાઘાત આપતાં દિવંગત નિર્ભયાનાં માતા આશાદેવીએ કહ્યું કે મને આશા છે કે અપરાધીઓને 3 માર્ચે ફાંસીએ લટકાવી જ દેવામાં આવશે. આખરે તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે. પરંતુ હું બહુ ખુશ નથી, કારણ કે આ ત્રીજી વાર તારીખ જાહેર કરવી પડી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]