દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસ જાણી જોઈને શૂન્ય પર આવી ગઈ?

દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં બીજીવાર આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય મળ્યો તે ભવ્ય વિશેષણને લાયક છે, કેમ કે ભારતના રાજકારણમાં સતત બીજી વાર આટલી મોટી જીત મેળવવી અત્યંત મુશ્કેલ હોય છે. પરંતુ ભવ્ય શબ્દને કટાક્ષમાં વાપરવો હોય તો કોંગ્રેસ સાથે વાપરી શકાય તેમ છે – કોંગ્રેસે બીજી વાર દિલ્હીમાં ‘ભવ્ય’ હાર મેળવી. દિલ્હી વિધાનસભાની 2015ની ચૂંટણીમાં કોંગ્રેસને શૂન્ય બેઠક મળી હતી અને 2020ની ચૂંટણીમાં પણ શૂન્ય બેઠક મળી!

કોંગ્રેસ દેશનો સૌથી જૂનો અને સૌથી મોટો બીજા નંબરનો રાષ્ટ્રીય રાજકીય પક્ષ છે. ભાજપ સૌથી મોટો રાષ્ટ્રીય પક્ષ બન્યો છે, પણ તે બનતા પહેલાં 1984માં એક વાર માત્ર 2 બેઠકો જ મળી હતી. જનસંઘ અવતારમાં ભાજપને સિંગલ ડિજિટમાં બેઠકો મળતી હતી, પણ તે તેનો ઉદયકાળ હતો. ભાજપ તરીકે નામાભિમાન થયા પછી ભાજપ સતત મજબૂત થતો રહ્યો. તેમાં માત્ર 2 બેઠકો મળી તે વિશિષ્ઠ કારણસર હતી અને અપવાદ હતો. તરત પછી ભાજપ ફરી 182 પર આવી શક્યો હતો. 182થી 282 બેઠકો મેળવી 2014માં સંપૂર્ણપણે પોતાના બળ પર કેન્દ્રમાં બહુમતી મેળવનારો કોંગ્રેસ પછીનો તે બીજો અને એકમાત્ર પક્ષ પણ બન્યો. સાથે જ કોંગ્રેસની પડતી પણ થઈ હતી અને માત્ર 44 બેઠકો સાથે તેના ઇતિહાસની સૌથી ઓછી બેઠકો તેને મળી હતી.

2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનો વિજયી રથ આગળ વધતો રહ્યો અને ફરી એકવાર કોંગ્રેસને 52 બેઠકો મળી. કોંગ્રેસને કુલ 11.86 કરોડ મતો મળ્યા, જે ભાજપના 22.6 કરોડથી ઘણા ઓછા હતા, પણ રાષ્ટ્રીય સ્તરે બીજું સ્થાન અપાવી શકે છે તેટલું આશ્વાસન જ લઈ શકશે. ટકાવારીમાં 19.3થી વધીને 19.6 ટકા મતો થયા હતા. ભાજપના મતો ટકાવારીમાં 31 ટકાથી વધીને 37.36 ટકા થયા હતા. બીજી વારની ચૂંટણીમાં 7 ટકાનો મત વધારો ભાજપ માટે બીજી વારનો ભવ્ય વિજય લાવ્યો હતો.

પરંતુ હારનારા પક્ષ માટે મતોની ટકાવારી આશ્વાસન લેવા માટે ઉપયોગી હોય છે. ભાજપ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આ જ આશ્વાસન લઈ રહ્યો છે. હારનારા પક્ષ ઉપરાંત વિશ્લેષકો પણ મતોની ટકાવારીને ધ્યાનમાં લેતા હોય છે, કેમ કે તેના કારણે ચિત્ર થોડું વાસ્તવિક લાગતું હોય છે. ભાજપ આશ્વાસન લઈ શકે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વધુ એક વાર હાર છતાંય પાંચ બેઠકો વધી છે અને 6 ટકા મતો પણ વધ્યા છે.

ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે શુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાંથી એકાએક ગાયબ થઈ ગઈ હતી. કોંગ્રેસ મેદાનમાંથી ખસી ગઈ અને સીધો મુકાબલો આપ સાથે થયો એટલે ભાજપને હાર મળી એવું તારણ જાવેડકરે કાઢ્યું હતું. કોંગ્રેસ પોતાની રીતે ગાયબ થઈ ગઈ કે લોકોએ ગાયબ કરી દીધી તે જુદી વાત છે, પણ તેના કારણે સીધો મુકાબલો થયો અને અમારું અનુમાન 42 ટકો મેળવવાનું હતું તે 38 ટકા થઈ ગયા. તેની સામે આપના 3 ટકા વધી ગયા તેથી અમે હાર્યા તેવું જાવેડકરે જણાવ્યું હતું.

ગત વખતે ભાજપને 32 ટકા મતો મળ્યા હતા અને માત્ર 3 બેઠકો મળી હતી. આ વખતે મતો વધ્યા અને 38.51 ટકા થયા, અને બેઠકો 8 થઈ. આમ આદમી પાર્ટીના મતો પોણો ટકા ઘટ્યા, પણ તેના કારણે પાંચ બેઠકો ઓછી થઈ ગઈ. ગયા વખતે 54 ટકા મતો હતો, તે આ વખતે 53.57 ટકા રહ્યા. શું જાવેડકરે પણ એ જ તારણ કાઢ્યું, જે ઘણા વિશ્લેષકોએ પણ કાઢ્યું હતું? ભાજપની હાર કેવી રીતે થઈ અને માત્ર પાંચ જ બેઠકો કેમ વધી? આપના માત્ર પોણો ટકો મત ઓછા થયા ને પાંચ બેઠક કેમ જતી રહી? ભાજપને 6 ટકા મતો વધુ મળ્યા, પણ તો આઠથી દસ બેઠકો વધારે કેમ ના મળી?

ના મળી, કેમ કે વિશ્લેષકોના એક અંદાજ મૂજબ કોંગ્રેસે ગુમાવેલા ચાર ટકા મતો નિર્ણાયક બન્યા હતા. કોંગ્રેસે ગયા વખતની જેમ ખાતું જ ના ખોલાવ્યું, એટલું જ નહિ 5.44 ટકા મતો ગુમાવ્યા અને આ વખતે માત્ર 4.26 મતો જ મેળવ્યા. આ સરખામણી ગત વખતની 2015ની વિધાનસભાની ચૂંટણી સાથે છે. લોકસભા 2019ની સાથે, આઠ મહિના પહેલા યોજાયેલી ચૂંટણી સાથે કરવામાં આવે તો 18 ટકાનું ગાબડું છે. લોકસભા 2019 વખતે કોંગ્રેસ દિલ્હીમાં બીજા નંબરે હતી અને 22 ટકા મતો મળ્યા હતા. ભાજપને 57 ટકા મતો મળ્યા હતા અને ભાજપનું મતોનું ગાબડું 20 ટકાનું ગણાય. વધારે ગાબડું પડ્યું તોય ભાજપની સ્થિતિ સુધરી, કોંગ્રેસની શૂન્યની શૂન્ય રહી.
માત્ર 4.26 મતો કોંગ્રેસ પક્ષ માટે બહુ નિરાશાજનક કહેવાય. દિલ્હીમાં સતત 15 વર્ષ શાસન પછી 2013માં જ કોંગ્રેસ હારી હતી. સાત વર્ષ પહેલાં અહીં તેનું શાસન હતું, ત્યાંથી આટલી પડતી કેમ થઈ. વિશ્લેષકો ઉપરાંત દિલ્હીના સ્થાનિક પત્રકારો, સંવાદદાતાઓનું પણ કહેવું હતું કે છેલ્લા દિવસોમાં કોંગ્રેસ મેદાનમાંથી હટી ગઈ હતી. છેલ્લા બે અઠવાડિયામાં એક તરફ ભાજપનો પ્રચાર તેજ બન્યો હતો, તેની સામે કોંગ્રેસનો પ્રચાર નહિવત થવા લાગ્યો હતો.

દિલ્હીના પત્રકારોનું કહેવું છે કે ભાજપનો આંતરિક સર્વે મોવડીઓ સમક્ષ મૂકવામાં આવ્યો તેમાં બહુ નિરાશાજનક ચિત્ર હતું. ભાજપને માંડ 18 ટકા મતો મળતા હતા અને બેઠકો શૂન્ય. તે પછી એવું કહેવાય છે કે અમિત શાહે બધું જ જોર અજમાવી લેવાનું નક્કી કર્યું હતું. ભલે સત્તા ના મળે, પણ મતોની ટકાવારી ઘટી તો ભાજપ માટે બચાવ કરવા જેવું પણ કશું રહેશે નહિ એમ માનીને તેમણે સંગઠનને કામે લગાડ્યું હતું. પરંતુ જો કોંગ્રેસ તરફથી મેદાન છોડી દેવામાં ના આવ્યું હોત તો આવું પરિણામ કદાચ ના આવ્યું હોત તેવું તારણ નીકળે છે. ભાજપના કેટલાક પ્રવક્તાઓને આવું તારણ અકળાવી ગયું, કેમ કે તેમને કોંગ્રેસ સામે હાર મળે તેનું પાચન થતું નથી. આપ કે બીજો પ્રાદેશિક પક્ષ હરાવી જાય તો ચાલે, તેમાં પ્રાદેશિક કારણો અને બીજા પરિબળોનું બહાનું મળે.

દિલ્હીમાં 2014માં પણ આપ ભવ્ય રીતે જીત્યો હતો. 2014માં ભાજપના ભવ્ય વિજય પછી જ આપે દિલ્હીમાં પાસું પલટ્યું હતું. તેથી 2019માં તેનું રિપિટેશન સાવ અણધાર્યું ના કહેવાય, પણ જો કોંગ્રેસની મતોની ટકાવારી અગાઉની જેમ 10 ટકા ટકી રહી હોત તો આપની બેઠકો બહુ ઓછી થઈ જાત અને ભાજપની બેઠકો ઘણી વધી જાત. કોંગ્રેસને મતોની ટકાવારીનો બેઠકોમાં ફાયદો ના થયો હોત, પણ ભાજપ ફાવી ગયો હોત. ભાજપ ઘણા એક્ઝિટ પોલમાં ધારણા હતી તે પ્રમાણે 20 સુધીની બેઠકો મેળવી શકે તે વાસ્તવિક લાગતું હતું.

કેટલાક એક્ઝિટ પોલની એવી ધારણા પ્રમાણે આપ 50-55 બેઠકો સાથે સત્તા જાળવી રાખે અને ભાજપ 15-20 બેઠકો સાથે મજબૂત બનેલો દેખાય તો પરિણામોની અસર કંઈક અલગ જ પડી હોત. તેના બદલે કોંગ્રેસે સઢ સંકેલી લીધા અને હોડીને એક કોરાણે કરી લીધી એટલે આપનું વહાણ સડસડાટ આગળ નીકળી ગયું. આપના વહાણની ગતિને કારણે ભાજપના વહાણના સઢમાં પણ પવનનો સૂસવાટો વાયો અને તેનું વહાણ એક ચક્કર ખાઈને ઘણું પાછળ રહી ગયું. આ રીતની હારની સાયકોલૉજિકલ અસર જોવા મળી, જે સાયકોલોજિકલ શૉક આપવાની ગણતરી કદાચ કોંગ્રેસની હશે.

આ એક અનુમાન છે અને રાજકારણમાં આવા અનુમાન ચાલતા હોય છે. કોંગ્રેસે ખરેખર પોતાના વૉટ આપને ટ્રાન્સફર કરાવ્યા, કેટલાક કરાવ્યા અને કેટલા થઈ શક્યા તેની ચર્ચાઓ ચાલતી રહેશે. કોંગ્રેસે આવું શા માટે કર્યું તેના કારણો પણ અપાતા રહેશે. પોતાનાથી સીધી રીતે ભાજપને હરાવવો કોંગ્રેસ માટે મુશ્કેલ બની રહ્યું છે. માત્ર છત્તીસગઢમાં જ કોંગ્રેસને સરખો વિજય મળ્યો હતો. રાજસ્થાનમાં સત્તા પરિવર્તનની પરંપરા જળવાઈ રહી હતી, મધ્ય પ્રદેશમાં માંડ માંડ વિજય મળ્યો હતો, હરિયાણામાં સ્થિતિ સુધરી પણ સત્તા ના મળી, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ-સેનાના આંતરિક વિખવાદનો સામનો કરવો પડ્યો. છેલ્લે ઝારખંડમાં પ્રાદેશિક પક્ષના સહારે કોંગ્રેસે આગળ વધવું પડ્યું હતું.

દિલ્હીમાં આપ સાથે જોડાણ થઈ શકે તેમ નહોતું. 2019માં પણ થઈ શક્યું નહોતું, કેમ કે આંતરિક જૂથબંધી વધારે પડતી હતી. આવી આંતરિક જૂથબંધી કોંગ્રેસને બીજા રાજ્યોમાં પણ પ્રાદેશિક પક્ષો સાથે સરખી રીતે જોડાણ કરવા દેતી નથી. તેવા સંજોગોમાં નિષ્ક્રિય થઈ જઈને, ભાજપની મજબૂતી એ ભાજપની પોતાની નથી, પણ નબળા અને વિખરાયેલા વિપક્ષોને કારણે છે એવું દેખાડવાની કોંગ્રેસની ગણતરી છે? કોંગ્રેસનો એવો કોઈ વ્યૂહ હશે તો તેની કસોટી વર્ષના અંતે બિહારમાં થશે. બિહારમાં તે ઝારખંડની જેમ પ્રાદેશિક પક્ષોને કેટલા આગળ થવા દે છે તે જોવાનું રહેશે.

બીજું કે કોંગ્રેસ એમ માનતું હોય કે વિખરાયેલા વિપક્ષને કારણે જ ભાજપને જીત મળે છે તો તે અર્ધસત્ય છે. ભાજપની પોતાની મજબૂત વૉટબેન્ક બની છે. 2014થી વધુ સજ્જડ થઈ છે અને 2019માં આગળ વધી છે. ભાજપ જ્યાં મજબૂત છે અને પ્રાદેશિક પક્ષ નથી ત્યાં 40 ટકાથી વધુ અને પ્રાદેશિક પક્ષો હોય તેવા કેટલાક રાજ્યોમાં પણ 30 ટકાથી વધુ મૂળભૂત ટેકેદારો ધરાવતો પક્ષ બન્યો છે. ત્રિપાંખીયા જંગમાં 35 ટકાથી વધુ અને સીધી લડાઈમાં 45 ટકાથી વધુ મતો તમને વિજય અપાવવાનું શરૂ કરે છે. તેથી ભાજપે જીત માટે પાંચથી સાત ટકા અનિર્ણાયક મતો માટે જ મથામણ કરવાની હોય છે. તે યાદ રાખીને કોંગ્રેસે દિલ્હી ફોર્મ્યુલા બીજા રાજ્યોમાં અપનાવતા પહેલાં વિચારવું પડે. દિલ્હીની જેમ નિષ્ક્રિય રહીને એકાદ વાર હરિફ પક્ષને હરાવી શકાય, દર વખતે નહિ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]