વેપાર સમજૂતિ ના થઈ, તોય અમેરિકન પ્રમુખની મુલાકાત અગત્યની

મેરિકાના પ્રમુખ ભારતની મુલાકાત આવશે ત્યારે કેટલાક મહત્ત્વના શસ્ત્રો સોદાઓ થશે. ભારત નૌકા દળ માટે વિશેષ હેલિકોપ્ટર ખરીદવા માગે છે. MH-60R સીહૉક પ્રકારના 24 હેલિકૉપ્ટર્સ ખરીદવા માટેની ડીલ થાય તેવી શક્યતા છે. લોકહીડ માર્ટીન કંપની આ હેલિકૉપ્ટર બનાવે છે. કંપની સાથે સોદો કરવામાં આવે તો મંજૂરી સહિતની લાંબી પ્રક્રિયા થાય કરવી પડે. તેના બદલે ભારત અને અમેરિકાની સરકારો વચ્ચે ફોરેન મિલિટરી સેલ્સ રૂટથી આ સોદો થાય તેવી શક્યતા છે.

અમેરિકાની જાણીતી કંપની બોઈંગ મિલિટ્રી એરક્રાફ્ટ્સ પણ બનાવે છે. બોઈંગ એફ-21 પ્રકારના વિમાનો ભારતને વેચવા માટે આતુર છે. તેના માટે પણ વાતચીત થઈ શકે છે. હેલિકૉપ્ટરના સોદાની કિંમત અઢી અબજ ડૉલરથી વધુની હશે. બોઈંગ તથા બીજા સોદા સાથે શસ્ત્રોની ખરીદીનું બિલ મોટું થઈ શકે છે. 2007 પછી ભારતે અમેરિકામાંથી 17 અબજ ડૉલરના શસ્ત્રોની ખરીદી કરી છે. રશિયા, ફ્રાન્સ પછી અમેરિકા પાસેથી ભારતની શસ્ત્ર ખરીદી વધી રહી છે.

શસ્ત્રોનો વેપાર વધી રહ્યો છે, પણ બીજા વેપારની બાબતમાં ભારતને ઉલટાનું નુકસાન થઈ શકે છે. ચીનની જેમ અમેરિકા ભારત સામે પણ વેપાર યુદ્ધની તૈયારીમાં છે. ટ્રમ્પ વહિવટીતંત્રે હાલમાં જ 12 દેશોને અપાતા પ્રેફરન્સ દૂર કરવાનું નક્કી કર્યું છે. આ દેશોને અમેરિકા હવે વિકાસશીલ ગણવા તૈયાર નથી. તેમને વિકસિત ગણીને WTO હેઠળ અપાતી આયાત પરના સબસિડી પ્રેફરન્સને ટ્રમ્પની સરકારે રદ કરી દીધા છે. તેના કારણે અમેરિકામાં નિકાસ કરવી ભારતીય કંપનીઓ માટે મુશ્કેલ બનશે.

નિકાસની બાબતમાં દેશો સબસિડી આપે અને તેના કારણે અમેરિકામાં તે આયાત સ્થાનિક ઉદ્યોગોને નુકસાન કરે તેવું ટ્રમ્પ સરકાર ઇચ્છતી નથી. વિશ્વ વેપારમાં અડધા ટકા કરતાં વધારે હિસ્સો હોય તેવા દેશોને ટ્રમ્પ હવે સ્પર્ધક ગણે છે અને તેમને કોઈ લાભ મળે તેમ ઇચ્છતા નથી. વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 2 ટકાથી થોડો વધુ છે, તેથી ટ્રમ્પ હવે ભારતને વિકાસશીલ નહિ વિકસિત દેશ ગણે છે. આલ્બેનિયા; આર્જેન્ટિના; આર્મેનિયા; બ્રાઝિલ; બલ્ગેરિયા; ચીન; કૉલંબિયા; કૉસ્ટા રિકા; જ્યોર્જિયા; હૉંગ કૉંગ; ભારત; ઇન્ડોનેશિયા; કઝાખસ્તાન; કિર્ગિસ્તાન; મલેશિયા; મોલ્દોવા; મોન્ટેન્ગ્રો; ઉત્તર મેસિડોનિયા; રોમાનિયા; સિંગાપોર; દક્ષિણ આફ્રિકા; દક્ષિણ કોરિયા; થાઈલેન્ડ; યુક્રેન; અને વિયેટનામ – આટલા દેશોને 1998થી સબસિડી પ્રેફરન્સ મળતો હતો તે બંધ કરી દેવાની જાહેરાત કરી દેવાઈ છે.
ગયા મહિને દાવોસની વિશ્વ વેપાર સંગઠનની બેઠક વખતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અહીં અમેરિકાને ન્યાય મળતો નથી. “ચીનને અને ભારતને વિકાસશીલ દેશ ગણવામાં આવે છે, અમને વિકાસશીલ ગણવામાં આવતા નથી. મને લાગે છે અમે વિકાસશીલ દેશ જ છીએ,” એવું તેમણે કહ્યું હતું.

ટ્રમ્પ ભારતને વિકસિત દેશ ગણાવે છે તે વખાણ કરવા માટે નથી. તેનાથી આપણે રાજી થવા જેવું નથી, કેમ કે વેપારમાં આપણને નુકસાન થવાનું છે. તેથી જ ભારત છેલ્લા 18 મહિનાથી અમેરિકા સાથે વેપાર કરવા માટે કોશિશ કરી રહ્યું છે. છેલ્લે ‘હાઉડી મોદી’ માટે નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસે ગયા ત્યારે પણ વેપાર કરાર થઈ શક્યો નહોતો.

આ વખતે ટ્રમ્પ અમદાવાદ, આગ્રા અને દિલ્હીની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વેપાર કરાર થશે કે કેમ તેના પર સૌની નજર હતી. તે શક્યતાનો નકાર ટ્રમ્પે જ કરી દીધો. ભારત મુલાકાતના અઠવાડિયા પહેલાં જ કહી દીધું કે ભારત અમારી સાથે સારું વર્તન કરતું નથી. ભારત સાથેની મોટી ડીલ બાદમાં થશે, એટલે કે હવે તેઓ બીજી વાર જીતીને આવે તે પછી જ. અમેરિકા ઇચ્છે છે કે ભારત સહિતના ડઝન દેશો સામેથી પોતાને વિકસિત દેશો માની લે અને દરજ્જામાં ફેરફાર પ્રમાણે અમેરિકા સાથે વેપાર કરાર કરે. બ્રાઝીલ, સિંગાપોર અને દક્ષિણ કોરિયાએ પોતાનો વિકાસશીલ દેશ તરીકેનો દરજ્જો જતો કરવાની તૈયારી બતાવી છે. તેથી આ ત્રણ દેશો સાથે કદાચ અમેરિકાની વેપારી સમજૂતિ થશે, પણ ભારત સાથે નજીકના ભવિષ્યમાં નહિ થાય તે સ્પષ્ટ થઈ ગયું છે.

તેથી ટીકા પણ થવાની કે ડોનાલ્ડ ટ્રમ્પનું ધામધૂમથી સ્વાગત થાય, પણ કંઈ ફાયદો તો થવાનો નથી. અમેરિકાને શસ્ત્રો વેચીને કમાણી થાય છે એટલે શસ્ત્રો વેચવા તૈયાર થઈ જાય છે, પણ ભારતમાંથી એલ્યુમિનિયમ, સ્ટીલ, કૃષિ ઉત્પાદનો આયાત કરવા તૈયાર નથી. ઉલટાની પોતાની ડેરી અને પૉલ્ટ્રી પ્રોડક્ટ્સ ભારતમાં ઠાલવવા માગે છે. દક્ષિણ ભારતના પૉલ્ટ્રી ઉદ્યોગમાં હાલમાં ભારે અસંતોષ જાગ્યો છે, કેમ કે અમેરિકા ચિકન લેગ્સની નિકાસ ભારતમાં વધારવા માગે છે. તમને થશે કે માત્ર ચિકન લેગ્સ જ કેમ? જાણકારોએ કહે છે કે તેની પાછળ અમેરિકાની મીટ ઇન્ડસ્ટ્રીની ચોક્કસ ગણતરી છે.

ગુજરાતીઓને આવું બધું ના ગમે, પણ માંસાહારીઓ ચર્ચા કરતાં હોય છે કે કઈ રીતે ચિકન લેગ્સ સ્વાદિષ્ટ હોય છે. તો પછી શા માટે અમેરિકનો તે ખાતા નથી? જાણકારો કહે છે કે ફેશનની જેમ ખાણીપીણીમાં પણ ટ્રેન્ડ બદલાતા રહેતા હોય છે. હાલના સમયમાં અમેરિકામાં વ્હાઇટ મીટનો ટ્રેન્ડ ચાલ્યો છે. અમેરિકામાં લોકો ચિકનના બ્રેસ્ટ અને બીજા હિસ્સાનું વ્હાઇટ મીટ પસંદ કરે છે, પણ લેગ્સનું ડાર્ક મીટ ટાળે છે. વ્હાઇટ મીટ થોડું સારું એવું ઠસાવાયું છે. તેના કારણે ચિકન ઉદ્યોગમાં ચિકન લેગ્સ પડ્યા રહે અને ચિકન બ્રેસ્ટ ફટાફટ વેચાઇ જાય. અમેરિકાની કંપનીઓ ઇચ્છે છે કે આ પડ્યા રહેતા ચિકન લેગ્સની નિકાસ ભારતમાં કરી દેવી. ભારતમાં મોટા રેસ્ટોરાં અને ફાઇવસ્ટાર ચેઇનને ચિકન લેગ્સ આ રીતે કદાચ સસ્તા પણ પડે. તેની સામે ભારતના મરઘા ઉછેર ઉદ્યોગને મોટો ફટકો પડે.

ગુજરાતના ડેરી ઉદ્યોગોએ થોડા મહિના પહેલાં એશિયા અને પેસિફિક દેશોના સંગઠનમાં જોડાવા માટે આના કારણે જ વિરોધ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝિલેન્ડમાંથી મોટા પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ્સ આવે તો ગુજરાત સહિતના દૂધ ઉત્પાદકોને અને પશુપાલકોને મોટો ફટકો પડે. બાંગ્લાદેશ, ચીન, તાઇવાન, વિયેટનામ જેવા દેશોના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગોને પણ ફટકો પડવાનો ભય હતો. તેથી ભારતે તે સંગઠનમાં ના જોડાવાનું નક્કી કર્યું હતું.
આવા સંજોગોમાં ભારત માટે પણ અમેરિકા સાથે વેપારી સમજૂતિ કરી લેવી સહેલી નથી. ભારત પોતાનો દરજ્જો જાતે વિકસિત તરીકે સ્વીકારે અને આયાત-નિકાસની જકાતમાં ફેરફાર કરે ત્યારે દેશી કંપનીઓએ સીધો અમેરિકાની કંપનીઓનો સામનો કરવો પડે. આ સ્પર્ધામાં ભારતીય કંપનીઓ હજી ઊભી રહી શકે તેમ નથી. હાઈટૅકની વાત જવા દો ડેરી અને પૉલ્ટ્રી સહિતના કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રને પણ ભારતમાં ફટકો પડે. મરઘાને ખવરાવવા માટેની જાર, મકાઇ અને સોયા અમેરિકામાં બહુ સસ્તા મળે છે, ભારતમાં તે પણ મોંઘા પડે છે. એટલે સ્પર્ધા થાય જ નહિ.

ટ્રમ્પ કદાચ વેપાર સમજૂતિ માટે તૈયાર થઈ ગયા હોત તો પણ ભારતે વિચાર કરીને, દરેક ક્ષેત્રના સંગઠનોને વિશ્વાસમાં લઈને જ આગળ વધવું પડે તેમ હતું. તેથી ટ્રમ્પની ટૂંકી મુલાકાતમાં વેપાર સમજૂતિ કરી લેવાની શક્યતા આમ પણ ઓછી હતી. શસ્ત્ર અંગેના કેટલાક સોદા થશે અને કેટલીક બીજી બાબતોમાં પણ સહમતિ થઈ શકે છે. સૌથી વધુ વ્યૂહાત્મક સંબંધોની બાબતમાં નિવેદનો થશે.

અમદાવાદમાં ટ્રમ્પની મહેમાનગતિ થવાની છે ત્યારે ગુજરાતના સીધા ફાયદાની વાતો થશે, પણ સીધો ફાયદો તો મોટેરા વિસ્તારના લોકોને થયો. ત્યાં સાફસફાઇ થઈ ગઈ અને રસ્તાઓ ચકાચક થઈ ગયા. પણ આડકતરો ફાયદો એ કે અમદાવાદ વર્લ્ડ મેપમાં થોડું મહત્ત્વ પામે. ભારતના શહેરોની વાત આવે ત્યારે દિલ્હી રાજધાની હોવાથી, મુંબઈ વેપાર-ઉદ્યોગનું કેન્દ્ર હોવાથી ચર્ચામાં આવે. તે પછી આઈટીને કારણે બેંગાલુરુ અને હૈદરાબાદની જ વાત આવે અને ચેન્નઇ જેવા રોકાણ માટેના આકર્ષક કેન્દ્ર તરીકે ચર્ચામાં આવે. અમદાવાદને તેની હરોળમાં મૂકવું મુશ્કેલ છે, ત્યારે ટ્રમ્પની મુલાકાતના કારણે આડકતરી રીતે તે ચર્ચામાં આવી શકે છે. બૂલેટ ટ્રેન માટે જાપાનના વડા પ્રધાન આવેલા, ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ આવી ગયા અને હવે અમેરિકાના પ્રમુખ આવે છે તે ફાયદો છે.

આમ પણ અમેરિકા હવે વિશ્વમાં એક માત્ર મહાસત્તા છે ત્યારે અમેરિકાના પ્રમુખની મુલાકાત પોતાની રીતે જ અગત્યની છે. તેથી ટ્રમ્પ મુલાકાત તે રીતે ભારત માટે અગત્યની છે. વ્યૂહાત્મક રીતે અને સંરક્ષણની બાબતમાં અમેરિકા સાથે સારા સંબંધો ભારતને ફાયદામાં છે. અમેરિકા પાકિસ્તાનની દોસ્તી છોડવાનું નથી, પણ તે સિવાયના આતંકવાદની બાબતમાં અને ચીન તરફથી સુરક્ષાના ખતરા સામે અમેરિકા બેલેન્સિંગ ફોર્સ તરીકે ભારતને ઉપયોગી છે. વ્યક્તિગત પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીને પણ આવી મુલાકાતો અને દોસ્તી કામ આવે છે, અને તેના કારણે બનતી ઇમેજનો થોડોક ફાયદો ચૂંટણીઓમાં પણ થતો રહે. ટ્રમ્પ થોડા મહિનામાં ચૂંટણી લડવાના છે ત્યારે ત્યાંના ઇન્ડિયન અમેરિકન્સનું સમર્થન તેમને ઇમેજમાં ઉપયોગી છે. મતોની સંખ્યા કરતાંય ઇન્ડિયન અમેરિકન્સ તગડું ચૂંટણી ભંડોળ આપે છે. અમેરિકાની દોઢ ડઝન કંપનીઓના વડા તરીકે ભારતીયો છે અને વિશ્વની ટોચની ત્રણ કંપનીઓ પણ ભારતીયો ચલાવી રહ્યો હોય ત્યારે ટ્રમ્પ માટે ભારતની અને નરેન્દ્ર મોદીની દોસ્તી કામની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]