હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આકરાપાણીએઃ ઉઠાવ્યા સવાલો

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની ચૂંટણીમાં થઈ રહેલી દુર્દશાને લઈને દિગ્ગજ નેતાઓએ પણ અવાજ ઉઠાવવાનું શરુ કરી દિધું છે. ત્યારે હવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના દિકરા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે પણ કોંગ્રેસના નેતૃત્વને લઈને વરિષ્ઠ નેતાઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, અત્યારે કોંગ્રેસ પાસે સૌથી મોટો અને મુશ્કેલ પડકાર અધ્યક્ષની નિયુક્તિનો છે. તેમણે આની સાથે કોંગ્રેસના નેતાઓને ઘેરતા કહ્યું કે, આટલો સમય વિતી જવા છતા પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી કરી શકી નથી. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો છે.

સંદીપ દીક્ષિતે કહ્યું કે, કોંગ્રસના ઘણા મોટા નેતાઓ ડરે છે, આ જ કારણ છે કે કોંગ્રેસ અધ્યક્ષની શોધ થઈ નથી રહી. ડરનું કારણ એ છે કે આખરે કોણ બિલાડીની ડોકે ઘંટડી બાંધે.

સંદીપે કહ્યું કે, કોંગ્રેસમાં ઓછામાં ઓછા 6-8 જેટલા નેતા છે કે જેઓ નેતૃત્વ કરવામાં સક્ષમ છે. તેમણે એપણ કહ્યું કે, ક્યારેક-ક્યારે તમે નિષ્ક્રિયતા ઈચ્છો છો કારણ કે આપ એક નિશ્ચિત કાર્યવાહી નથી કરવા ઈચ્છતા.

તેમણે જણાવ્યું કે, હકીકતમાં આપણા વરિષ્ઠ નેતાઓ તરફથી નિરાશા અનુભવી રહ્યો છે. તેમણે આગળ આવવું જોઈએ. આમાંથી મોટાભાગના રાજ્યસભામાં છે, કેટલાક લોકો પૂર્વ મુખ્યમંત્રી છે અને કેટલાક રાજ્યોમાં મુખ્યમંત્રી પણ છે કે જેઓ આ જવાબદારી નિભાવી શકે છે. આ લોકો આગળ આવે અને પાર્ટી માટે કંઈક સાબિત કરે. આમાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ છે કે જેઓ આ ભૂમિકા નિભાવી શકે છે. સંદીપે એ.કે.એન્ટોની, પી.ચિદમ્બરમ, સલમાન ખુર્શીદ, જેવા મોટા નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, હજી આ તમામ નેતાઓ પાસે 4-5 વર્ષ બચ્યા છે, ત્યારે તેમણે બૌદ્ધિક રુપે પાર્ટીનો સહયોગ કરવો જોઈએ. આ લોકો નેતાઓની પસંદગી કરવામાં પણ પાર્ટીની મદદ કરી શકે છે.