તીડનું આક્રમણ બનવાનું છે તેજઃ પાંચસો ગણા થઈને ત્રાટકવાના છે તીડ

નાસકાંઠામાં તીડ આવ્યા તેના સમાચારો ગુજરાતમાં ચમક્યા હતા. તીડ આગળ વધીને રાજસ્થાન તરફ ગયા અને રણની ગરમીમાં તેમનો નાશ પામ્યા એટલે તીડની સમસ્યા ટળી ગઈ એમ બધાએ માની લીધું હશે. તીડની સમસ્યા ટળી ગઈ છે એમ માની લેવું ભૂલભરેલું ગણાશે, કેમ કે તીડનું અસલી આક્રમણ આવતા ચોમાસા પછી આવવાનું છે એવી ચેતવણી સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઇઝેશન (FAO)એ આપી છે. રાજસ્થાનનું રણ ઉત્તર ગુજરાતને પણ સ્પર્શે છે અને પશ્ચિમ તરફ કચ્છનું રણ છે, તેથી તીડથી થનારું નુકસાન માપસરનું હશે એવું માની લેવું પણ ભૂલભરેલું છે.

અત્યારે આફ્રિકાના દેશોથી શરૂ કરીને સાઉદી અરેબિયા અને યમન સુધીના સૂકા પ્રદેશોમાં પણ તીડનો ત્રાસ ફેલાયો છે. આ વખતે રણ પ્રદેશમાં થતા તીડનું ટોળું બેકાબૂ બની ગયું છે. સહારા રણના કિનારે આવેલા દેશોથી શરૂ કરીને છેક ભારતના રાજસ્થાન અને ગુજરાત સુધીના રણ જેવો સૂકો પ્રદેશ ધરાવતા 30 દેશોમાં આ વર્ષે તીડનું આક્રમણ વધારે તેજ થવાનું છે તેવી ચેતવણી FAOએ આપી છે. 2018-19ના વર્ષમાં વાવાઝોડાંની સંખ્યા વધી હતી. ભારતમાં પણ આપણે જોયું હતું કે અતિવૃષ્ટિ થઈ હતી. તેના કારણે રણપ્રદેશમાં સામાન્ય રીતે હોય તેવા કરતાં વધારે પાણી અને ભેજ જમા થયા. તેના કારણે આ વિશાળ સૂકા પ્રદેશોમાં તીડ પેદા થવાની ગતિ વધી ગઈ છે. આફ્રિકાથી શરૂ કરીને વાયા સાઉદી અરેબિયા, ઈરાન, પાકિસ્તાન અને ભારતના રાજસ્થાન સુધીના દોઢ કરોડ ચોરસ કિમી વિસ્તારના સૂકા હવામાનમાં આ વખતે તીડને માફક આવે તેવું વાતાવરણ ઊભું થયું છે. ત્રીસેક વર્ષ પછી સૌથી મોટી સંખ્યામાં તીડ પેદાં થયા છે. તીડનું એક ટોળું એક કરોડ કરતાં વધારે તીડ ધરાવતું હોય છે. આવા સેંકડો ટોળાં હોય એટલે તીડની સંખ્યા અબજોમાં પહોંચી છે. હવે FAOનો અંદાજ મૂકાયો છે તે કેટલાનો છે ખ્યાલ છે? FAOનો અંદાજ છે કે આગામી જૂન મહિનામાં ફરી ચોમાસું આવશે અને ઈંડા મૂકવાની અનુકૂળતા થશે ત્યારે તીડની સંખ્યામાં 500 ગણો વધારો થઈ શકે છે. બે પાંચ નહિ, પાંચસો ગણો વધારો થવાની શક્યતા છે, ત્યારે તીડની સંખ્યા ખર્વ અને નિખર્વમાં ગણવી પડશે – અબજ બહુ નાની સંખ્યા લાગશે.


FAO દ્વારા તીડની ઉત્પતિ અને તેનાં ટોળાં કઈ દિશામાં આગળ વધી રહ્યા છે તેનું સતત મોનિટરિંગ થાય છે. જુદા જુદા દેશોને તેની માહિતી પહોંચાડવામાં આવે છે. તીડના ઈંડાનો નાશ કરવાની કોશિશ પણ થાય છે, પણ આ પ્રયાસો જુદા જુદા દેશોની સરકારો સાથે મળીને કરવાના હોવાથી ધાર્યા પરિણામો આવતા નથી. ગયા વર્ષે 2019ની શરૂઆત સુધીમાં પ્રથમ મોટું ટોળું યમન, સાઉદી અરેબિયા અને ઇરાનમાં ફરતું થયું હતું. સારા વરસાદથી ઈંડા મૂકીને ટોળું પૂર્વ આફ્રિકા તરફ આગળ વળ્યું હતું. આગલા વર્ષે 2018માં વાવાઝોડાને કારણે પાણી ભરાયા હતા અને રણ પ્રદેશમાં મોટી પ્રમાણમાં ઈંડા મૂકાયા હતા. તેના તરફ કોઈનું ધ્યાન ના ગયું અને ઈંડામાંથી તીડ પેદા થયા અને પાંખો આવી એટલે ઊડીને આફ્રિકાના ખેતરોમાં પાકનો સફાયો કરવાનું શરૂ કરી દીધું. તેમાંથી બીજી પેઢી અને તેમાંથી ત્રીજી પેઢીના અબજો તીડ પેદા થયા તે એરિટ્રિયા, જીબુટી અને કેન્યા સુધી પહોંચી ગયા હતા. ત્રણ દાયકા પછી તીડની આફત આફ્રિકાના દેશો પર ત્રાટકી છે અને FAOને ચિંતા છે કે તેના કારણે આફ્રિકામાં અનાજની અછત ઊભી થઈ શકે છે. કરોડો તીડ ધરાવતું ટોળું એક વિસ્તારમાં ત્રાટકે એટલે અઢી હજાર કુટુંબોને આખું વર્ષ ચાલે તેટલું અનાજ એક દિવસમાં સાફ કરી નાખે. એક મોટું ટોળું ખેતીની સિઝનમાં ત્રણેક લાખ કુટુંબોનું ભોજન સ્વાહા કરી જાય.

FAOના ધોરણ પ્રમાણે એક હદથી વધારે મોટા પ્રમાણમાં તીડનું આક્રમણ થાય ત્યારે તેને મહામારી સમકક્ષ ગણીને કટોકટી જાહેર કરવી પડે. 1930, 1940 અને 1950ના દાયકામાં આવી રીતે તીડનાં ટોળાંની તબાહીને કારણે આફ્રિકા અને એશિયાના દેશોમાં ભૂખમરા જેવી સ્થિતિ પેદા થઈ હતી. તે પછી 1980ના દાયકામાં ફરી તીડનાં ટોળાંઓએ તબાહી મચાવી હતી. ત્રણેક દાયકાની થોડી ઓછી મુસિબત પછી આ વખતે ફરી તીડની સેના આક્રમણ માટે તૈયાર છે.

ગુજરાતમાં પણ ઘણા વર્ષો પછી મોટા પાયે તીડનું આક્રમણ દેખાયું. તેના કારણે એવું બનતું હોય છે કે નવી પેઢીને અથવા તીડનું અગાઉનું આક્રમણ યાદ ના હોય તેમને સામનો કઈ રીતે કરવો તેનો ખ્યાલ હોતો નથી. તીડનું ટોળું વીજળી વેગે ત્રાટકે છે અને તેનો નાશ કરવાનો ઉપાય કરીએ ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ જાય છે. જંતુનાશકો છાંટવા, ઈંડા મૂક્યા હોય તે વિસ્તાર શોધી કાઢીને તેનો નાશ કરવો, પાંખો આવે તે પહેલાં જ તીડના બચ્ચાનો નાશ કરવો, હવાની દિશાની પારખી જે દિશામાં તીડ પહોંચવાના હોય ત્યાં પહોંચે તે પહેલાં જંતુનાશક છાંટવા માટેની તૈયારી કરી રાખવી વગેરે ઉપાયો છે ખરા, પણ તેમાં આગોતરું આયોજન ના હોય તો મુશ્કેલી થાય છે.
અનુકૂળ વાતાવરણ હોય ત્યારે તીડનું ટોળું બહુ ઝડપથી મોટું થઈ જાય છે. આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં એક ટોળું 10 અબજથી વધુ તીડનું હોવાનું જોવા મળ્યું છે. તીડનું ગંજાવર ટોળું એકસો કિલોમિટર જેટલું લાંબું હોઈ શકે. આ ટોળું એક દિવસમાં 200 કિમી સુધી ઊડી શકે છે. પ્રાચીન સાહિત્યમાં તેના વર્ણનો મળે છે. ઇશ્વરિય શક્તિની સેના ત્રાટકી તેવા વર્ણનો થતા, કેમ કે 1000 કરોડ તીડ એકસામટા આવે ત્યારે સૂર્ય પણ ઢંકાઈ જાય અને ચોમાસું અંધાર્યું હોય તેવું અંધારું થઈ જાય. બે પાંચ કલાકમાં જંગલની જગ્યાએ રણ બની જાય. 2003થી 2005માં પશ્ચિમ આફ્રિકામાં તીડનું આક્રમણ તેજ બનેલું ત્યારે ઊભા પાકને 2.5 અબજ ડૉલરનું નુકસાન થયાનો અંદાજ સંયુક્ત રાષ્ટ્રસંઘે મૂક્યો હતો. આ વખતે પણ મોટું નુકસાન થવાનો અંદાજ છે.


FAO તરફથી નિયમિત ચેતવણી જાહેર થઈ રહી છે. મોનિટરિંગ સેન્ટરના જણાવ્યા પ્રમાણે છેલ્લા થોડા સમયમાં સોમાલિયા અને ઇથિયોપિયામાં વિનાશ વેર્યા પછી તીડનું આક્રમણ કેન્યા સુધી પહોંચી ગયું છે. 70 વર્ષ પછી કેન્યા પર તીડનું આ સૌથી ખતરનાક આક્રમણ થયું છે. સોમાલિયામાં 25 વર્ષ પછી એટલું વ્યાપક નુકસાન થયું છે કે તીડના આક્રમણને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાને પણ તીડના આક્રમણને કટોકટી જાહેર કરેલી છે. પાકિસ્તાનમાં કપાસ, ઘઉં અને મકાઈને તીડનાં ટોળાંએ સફાચટ કરી નાખ્યા અને ત્યાંથી આગળ વધીને ગુજરાત અને રાજસ્થાનમાં પણ ઊભા પાકનો સોથ વાળી દીધો હતો. પણ હવે પછીનું આક્રમણ વધારે તીવ્ર બનવાનું છે કે આ વખતે અતિવૃષ્ટિને કારણે કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાનના થરપારકર રણમાં તીડે અબજોની સંખ્યામાં ઈંડા મૂક્યા છે. તે ઈંડામાંથી તીડ થશે તે ટ્રિલિયનમાં હશે અને ટ્રિલિયનમાં ઇંડા મૂકશે ત્યારે એકડાં માથે 12 મીંડા એટલી મોટી સંખ્યામાં તીડ ફરીથી રાજસ્થાન અને ગુજરાત પર ત્રાટકશે તેવી ચેતવણી છે.


સોમાલિયા અને ઇથિયોપિયામાં 175,000 એકર જેટલી વિશાળ ખેતીને તીડે ખતમ કરી નાખી છે. ત્યાંથી કેટલાંક ટોળાં યુગાન્ડા અને દક્ષિણ સુદાન સુધી પહોંચ્યો છે. 350 ચોરસ કિલોમિટર જેટલું રાક્ષસી કદ તીડનાં ટોળાંનું થઈ ગયું છે અને આફ્રિકામાં રોજેરોજ 1.8 મેટ્રિક ટન વનસ્પતિનો નાશ થઈ રહ્યો છે. કેન્યામાં તીડનું એક ટોળું 40થી 60 કિમી જેટલું મોટું બન્યું હતું. તેણે ઈંડા મૂક્યા હશે તેમાંથી વધારે કદાવર ટોળું પેદા થવાનુંછે. તીડ આકારમાં નાના હોય છે, પણ અબજોની સંખ્યામાં થઈ જાય ત્યારે તેના દળકટક સામે માનવી લાચાર બનીજાય છે. તેનું વચન માંડ બેથી ચાર ગ્રામનું હોય, પણ પોતાના વજન જેટલું તેને ખાવા જોઈએ. એક ચોરસ કિમી વિસ્તારમાં તીડનું ટોળું ત્રાટકે ત્યારે 35,000 લોકો, 20 ઊંટ કે 6 હાથીને ચાલે એટલો ખોરાક એક દિવસમાં સફાચટ કરી નાખે. તીડનાં ટોળાં હવે 100 કિમી જેટલા વિશાળ બનવા લાગ્યા છે ત્યારે 2 કરોડ લોકોની જરૂરિયાતનું અનાજ તીડ ખાઈ જશે તેવી ચિંતા સંયુક્ત રાષ્ટ્રસંઘ વ્યક્ત કરી છે.


આ ચેતવણી ભારત સહિત 30 દેશોની મળી ગઈ છે, પણ ચિંતા એ છે કે સરકાર કેટલી તૈયારી કરશે. ગુજરાતમાં પણ આ વખતે વધારે તીડ આવશે તેવી ચેતવણી મળી હતી. પાકિસ્તાનમાં તીડે ભારે નુકસાન પહોંચાડ્યું તે પછી વધારે ઝડપથી સાવધ થઈ જવાની જરૂર હતી. આમ છતાં ઉત્તર ગુજરાતમાં તીડ મોટા પાયે નુકસાન પહોંચાડીને રાજસ્થાન તરફ જતા રહ્યા. જોઈએ તેટલી સાવધાની રાખવામાં આવી નહોતી, ત્યારે આગામી જૂનમાં અબજોના તીડનું ગુણાવાર 500 સાથે થવાનો છે ત્યારે કેટલી મોટી સાવધાની રાખવી પડશે તેની કલ્પના કરી લો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]