Home Blog Page 4962

પરમબીર સિંહ મુંબઈના નવા પોલીસ કમિશનર

મુંબઈ:  મહાનગરના પોલીસ કમિશનર સંજય બર્વેની મુદત પૂરી થતાં આજે તે નિવૃત થઈ રહ્યા છે. તેમના સ્થાને હવે શહેરના નવા પોલીસ કમિશનર તરીકે મહારાષ્ટ્ર એસીબીના ચીફ પરમબીર સિંહ કમાન સંભાળશે. પરમબીર સિંહ 1988ની બેન્ચના આઈપીએસ અધિકારી છે.

 

પરમબીર સિંહ તેની દબંગગીરી માટે પોલીસ વર્તુળમાં જાણીતું નામ છે. પરમબીર સિંહ આ પહેલા એટીએસમાં પણ રહી ચૂક્યા છે. એટીએસમાં તેમની પોસ્ટીંગ દરમ્યાન તેમણે 26/11 આતંકી હુમલા દરમ્યાન ઓબેરોય હોટલમાં ઘુસેલા આતંકીઓ વિરુદ્ધ બે દિવસ મોરચો સંભાળ્યો હતો. આ ઉપરાંત તે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટની તપાસને પણ અંજામ આપી ચૂક્યા છે.

મહત્વનું છે કે, મુંબઈ પોલીસ કમિશનરની રેસમાં પરમબીર સિંહનું નામ સૌથી આગળ હતું અને અંતે તેના પર પસંદગી ઉતારવામાં આવી છે. આ ઉપરાંત આ પદની રેસમાં 1990ની બેન્ચના આઈપીએસ ઓફિસર સદાનંદ દાતે અને 1988 બેન્ચના આઈપીએસ અધિકારી રજનીશ સેઠ પણ સામેલ હતા.

 

સ્ટેજ પર મુર્ગા બને એ સાંભળેલું, પણ આ લોકોએ તો મુર્ગાને…..

હૈદરાબાદઃ ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 3000 જેટલા લોકોના મોત થયા છે. વિશ્વભરમાં એક લાખથી વધારે લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ભારત સરકાર પણ આ વાયરસને લઈને ખૂબ સચેત છે. પરંતુ તાજેતરમાં જ એક વાત ફેલાઈ હતી કે ચિકન અને ઈંડા ખાવાથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે, બાદમાં લોકોએ ચિકન અને ઈંડા ખાવાનું છોડી દીધું. લોકોમાં ફેલાયેલા આ ભ્રમને દૂર કરવા માટે તેલંગાણા સરકારના મંત્રીઓ સામે આવ્યા અને તેમણે સ્ટેજ પર બધાની સામે ચિકન ખાઈને લોકોના ડરને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

તેલંગાણામાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેસી રામારાવના દીકરા અને રાજ્ય સરકારના મંત્રી કેટી રામારાવ સ્ટેજ પર ચિકન ખાતા જોવા મળ્યા. તેમની સાથે મંત્રી ઈટેલા રાજેન્દ્ર અને ટી શ્રીનિવાસ યાદવ સહિત સત્તાધારી પાર્ટીના ઘણા મોટા નેતાઓ ચિકન ખાતા દેખાયા.

ઉલ્લેખનીય છે કે, કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીનના વુહાન સ્થિત સી-ફૂડ માર્કેટમાંથી આ વાયરસ માણસોના શરીરમાં પહોંચ્યો છે. જો કે આ વાત હજી સાબિત થઈ શકી નથી. ચીની રિસર્ચર્સ આ મામલે માહિતી એકત્ર કરી રહ્યા છે. કોરોના વાયરસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

ભારતમાં પણ ત્રણ લોકોમાં આ વાયરસ મળી આવ્યો છે. આ ત્રણેય લોકો ચીનથી ભારત આવ્યા હતા. તમામને એક વિશેષ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. ભારત અત્યારસુધી પોતાના 800 જેટલા નાગરીકોને ચીનના કોરોના પ્રભાવિત વિસ્તારોમાં પાછા લાવ્યું છે. ચીનના વુહાનથી ત્રણ વાર એર ઈન્ડિયાનું વિશેષ વિમાન ભારતીય નાગરિકોને પોતાના દેશમાં પાછા લાવી ચૂક્યું છે.

130 કરોડ ભારતીયોની સેવા અમારી પ્રાથમિકતાઃ મોદી

પ્રયાગરાજઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં દિવ્યાંગોને ઉપકરણ વહેંચ્યા હતા. ત્યાર બાદ તેમણે લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે સિનિયર સિટિઝન, દિવ્યાંગજન, આદિવાસી, દલિત, પીડિત, દેશની કોઇ પણ વ્યક્તિ હોય એ બધા 130 કરોડ ભારતીયોનાં હિતોની રક્ષા કરવી, તેમની સેવા કરવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દિવ્યાંગોની તકલીફોને સમજીને જે પ્રકારે આ સરકારે કામ કર્યું છે, એટલું પહેલાં ક્યારેય નથી થયું. અમારી સરકાર દરેક વ્યક્તિના વિકાસ માટે, તેના જીવનને સરળ બનાવવા માટે કામ કરી રહી છે.   વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તમારા પ્રધાનસેવક તરીકે મને હજ્જારો દિવ્યાંગો અને સિનિયર સિટિઝનોની સેવા કરવાની તક મળી છે. થોડા સમય પહેલાં અહીં આશરે 27,000 સાથીઓને ઉપકરણ આપવામાં આવ્યા છે. કોઈને ટ્રાઇસિકલ મળી, કોઇને સાંભળવાનું મશીન મળ્યું અને કોઈને વ્હીલચેર મળી છે. આ ઉપકરણ તમારા જીવનમાંની મુશ્કેલીઓ ઓછી કરવામાં મદદ કરશે.

વડા પ્રધાને કહ્યું હતું કે આ અમારી જ સરકાર છે, જેણે દિવ્યાંગોના અધિકારોને સ્પષ્ટ કરવાવાળા કાયદાનો અમલ કર્યો. આ કાયદાનો મોટો લાભ છે એ છે કે પહેલાં દિવ્યાંગો માટે જે અલગ-અલગ સાત શ્રેણી હતી, એને વધારીને 21 કરવામાં આવી હતી.

દિવ્યાંગો માટેના નિયમો કડક કરવામાં આવ્યા

તેમણે કહ્યું હતું કે દિવ્યાંગો પર જો કોઈ અત્યાચાર કરે છે, તેમની હેરાનગતિ કરે છે તો એનાથી જોડાયેલા નિયમોને કડક કરવામાં આવ્યા છે. દિવ્યાંગોની નિયુક્તિ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે અનામત ત્રણ ટકાથી વધારીને ચાર ટકા કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન માટે પણ અનામત ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા તરવામાં આવી છે.સરકારે આશરે 9000 કેમ્પો કર્યા

તેમણે કહ્યું હતું કે પહેલાની સરકારોના કાર્યકાળમાં આ પ્રકારના કેમ્પ બહુ ઓછા લાગતા હતા અને આ પ્રકારના મેગા કેમ્પ આંગળીના વેઢે ગણાય એટલા જ થતા. પાછલાં પાંચ વર્ષમાં અમારી સરકારે દેશના વિવિધ વિસ્તારોમાં આશરે 9000 કોમ્પો લગાડ્યા છે. પાછલાં પાંચ વર્ષમાં દેશનાં અસંખ્ય બિલ્ડિંગો, 700થી વધુ રેલવે સ્ટેશનો, એરપોર્ટને દિવ્યાંગો માટે સુવિધાયુક્ત બનાવવામાં આવ્યા છે. અમારી સરકારે સુગમ્ય ભારત અભિયાન ચલાવીને દેશભરની મોટી સરકારી ઓફિસોને દિવ્યાંગો માટે સુવિધાયુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો છે.

 

 

 

દિલ્હી પોલીસ પર આરોપ: ઘાયલોને આ માટે મજબૂર કર્યા

નવી દિલ્હી: છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલી હિંસા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓ 23 વર્ષીય યુવક સહિત પાંચ લોકોને રાષ્ટ્રગીત ગાવા પર મજબૂર કરી રહ્યા છે. વિડિયોમાં દેખાઈ રહેલા 23 વર્ષીય યુવકનું ગુરુવારે મૃત્યુ થઈ ગયું. યુવકનું નામ ફૈઝાન છે અને તે ઉત્તર પૂર્વ દિલ્હીના કરદમપુરી વિસ્તારનો રહેવાસી હતો. તેમના પરિવારજનોનો આરોપ છે કે, પોલીસે તેમની ધરપકડ કરીને તેમની સાથે મોરાપીટ કરી. સીએએને લઈને થયેલી હિંસમાં અત્યાર સુધીમાં દિલ્હીમાંથી 42 લોકોના મોત થઈ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

વિડિયોમાં પાંચ લોકો ખરાબ રીતે ઘાયલ હાલતમાં રસ્તા પર પડેલા જોવા મળી રહ્યા છે અને સાથે રાષ્ટ્રગીત ગાતા દેખાઈ રહ્યા છે. આ પાંચેય લોકોની ફરતે પોલીસકર્મીઓ ઉભેલા દેખાઈ છે. જેમાંથી બે પોલીસકર્મીઓ આ લોકોના ચહેરા તરફ લાકડી લઈ જતા કહે છે કે, ‘વ્યવસ્થિત રીતે રાષ્ટ્રગીત ગાઓ’. ફેક ન્યૂઝ ચેકિંગ વેબસાઈટ AltNews એ આ વિડિયોની ખાતરી કરી છે.  દિલ્હીની ગુર તેગ બહાદુર હોસ્પિટલમાં ફૈઝાનને ગુરુવારે મૃત જાહેર કરવામાં આવ્યો.

ફૈઝાનની માતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ફૈઝાન અને અન્ય યુવકોને ખરાબ રીતે મારવામાં આવ્યા. ફૈઝાનના બંને પગ ભાંગી ગયા હતા. માર મારવાને કારણે તેમનું આખું શરીર કાળું પડી હયું હતું. પહેલા ફૈઝાનને રસ્તા પર મારવામાં આવ્યો અને પછી પોલીસ તેમને સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ.

ફૈઝાનને પોલીસે છોડી દીધા પછી તેના પરિવાર જનો તેને એક સ્થાનીક ડોક્ટર પાસે લઈ ગયા હતા. કદમપુરીમાં ક્લિનીક ચલાવનારા એક ડોક્ટર ખાલિક અહમદ શેરવાનીએ જણાવ્યું કે, જ્યારે ફૈઝાનને અહીં લાવવામાં આવ્યો ત્યારે તેમની માતાએ જણાવ્યું કે, પોલીસે તેમને માર માર્યો છે અને બે દિવસ પછી તેને પોલીસ સ્ટેશનમાંથી છોડવામાં આવ્યો હતો. ડોક્ટરે કહ્યું કે ફૈઝાનનું બ્લડ પ્રેશર અને પલ્સ ખૂબ જ લો હતા. તેમના માથા પર પણ ઈજા થઈ હતી અને તેમનો પીઠ ઈજાને કારણે લીલી થઈ ગઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રૂ. 14,716.26 કરોડના ખર્ચે બનનારા 296.07 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રે-વેનો શિલાન્યાસ બપોરે કર્યો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજથી હેલિકોપ્ટરમાં ચિત્રકૂટના ગોંડા ગામે બપોરે આવી પહોંચ્યા હતા અને શિલાન્યાસ કર્યા બાદ જનમેદનીને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે અલગ—અલગ ચીજવસ્તુઓના લાભાર્થીઓને સ્વીકૃતિ પત્ર અને ચેક વિતરણ પછી પ્રયાગરાજ માટે નીકળ્યા હતા અનેય ત્યાંથી એક વિશેષ વિમાન દ્વારા તેઓ દિલ્હી રવાના થયા હતા.

બુંદેલખંડ એક્સપ્રેસ-વે ચિત્રકૂટ જિલ્લાના ભરતકૂપ ક્ષેત્રથી શરૂ થઈને બાંદા, મહોબા, હમીરપુર, જાલોન, ઔરૈયા થઈને ઇટાવામાં કુદરૈલ ગામ પાસે આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વેથી જોડાશે. આ ચારથી છ લાઇનના એક્સપ્રેસ-વેની લંબાઈ 296.07 કિલોમીટર છે અને એનો અંદાજિત ખર્ચ રૂ. 14716.26 કરોડ છે.

આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રકૂટ જિલ્લાના બીહડ વિસ્તારની 239 ગ્રામ પંચાયતોનાં 470 ગામોમાં રૂ. 1515 કરોડના ખર્ચે પીવાના પાણીની પાંચ પાઇપલાઇનની યોજનાઓનો પણ શિલાન્યાસ કર્યો હતો.

 

દિલ્હીઃ તોફાનો ફેલાવવાના આરોપમાં કોંગ્રેસની ઇશરત જહાંની ધરપકડ

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈશરત જહાંની દિલ્હી પોલીસે તોફાનો ફેલાવવાના આરોપમાં ધરપકડ કરી છે. ઈશરતને 14 દિવસ માટે ન્યાયીક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઈશરત જહાં છેલ્લા 50 દિવસથી દિલ્હીના ખુરેજીમાં સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહી હતી. ગત રવિવારના રોજ ખુરેજી રોડ જામ કરવામાં ઈશરત જહાંનું નામ આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાને લઈને હિંસા ભડક્યા બાદ શનિવારના રોજ ઉત્તર પૂર્વ દિલ્હીમાં મોટાભાગની જગ્યાઓ પર માહોલ શાંત છે.

જે જગ્યાઓ પર હિંસા થઈ છે તેની આસપાસના ક્ષેત્રોમાં વધારે લોકો એકત્ર થવા પર અથવા તો પછી કોઈ મોટી સભા કરવા પર હજી પ્રતિબંધ છે. ઉત્તર પૂર્વના દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યારસુધીમાં 42 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે ઉત્તર દિલ્હી નગર નિગમે સાર્વજનિક સ્થાનોથી મોટાભાગનો જે કાટમાળ હતો તે હટાવી લીધો છે. હિંસામાં 300 થી વધારે લોકો ઘાયલ થયા છે. પોલીસે અત્યારસુધીમાં 123 જેટલી ઓફઆઈઆર નોંધી છે અને 630 જેટલા લોકોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે હિંસાના મામલાઓની તપાસ માટે બે એસઆઈટી બનાવી છે. ચોવીસ ફેબ્રુઆરી બાદથી ઉત્તર પૂર્વ દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સાત હજારથી વધારે સુરક્ષા દળોને તેનાત કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મદદ માટે પોકાર કરતા લોકોએ આશરે સાડા ત્રણ હજાર જેટલા લોક પોલીસને કર્યા પરંતુ કોઈ જવાબ ન મળ્યો. ઉલ્લેખનીય છે કે, ઉપદ્રવીઓએ દિલ્હીના યમુના વિહારમાં ઘણા મકાનો, દુકાનો, અને ગાડીઓને આગ લગાવી દીધી અને પથ્થરમારો કરતા રહ્યો, તો સ્થાનિક ભાજપના કોર્પોરેટરે જણાવ્યું કે, જ્યારે પોલીસને અમે ફોન કર્યો ત્યારે કોઈ જવાબ ન મળ્યો.

વોટ્સએપ: આ ટ્રીક અપનાવી વાંચો મેસેજ સામેવાળાને ખબર પણ નહીં પડે

નવી દિલ્હી: તમારું ચેટિંગ વધુ મજેદાર બનાવવા માટે વોટ્સએપમાં અનેક નવા ફિચર આવી ગયા છે. વોટ્સએપમાં કેટલીક સીક્રેટ ટ્રિક્સ પણ છે, જેની મદદથી તમે તમારા ચેટિંગ અને ફોટો-વિડિયો શેર કરવાની સાથે તમારી પ્રાઈવેસીને પણ સારી બનાવી શકે છે. વોટ્સએપમાં બ્લૂ ટીકનું ખાસ મહત્વ છે.

આ ફીચર લોન્ચ થયા બાદ જ્યારે તમે કોઇપણ વ્યક્તિને મેસેજ મોકલો છો તેની અંદર માત્ર સિંગલ ટીક નો અર્થ એ થાય છે કે મેસેજ પહોંચી ગયો છે ડબલ એક્સ નો અર્થ એ થાય છે કે જે તે વ્યક્તિને મેસેજ મળી ગયો છે પરંતુ તેમને હજુ સુધી જોયો નથી અને બ્લુ ટીક નો અર્થ એમ થાય છે કે તેઓએ મેસેજ વાંચી લીધો છે.

અહી અમે તમને એક ખાસ ટ્રીક બતાવી રહ્યા છીએ જેની મદદથી તમે સામે વાળી વ્યક્તિનો મેસેજ વાંચી પણ લેશો અને તેને ખબર પણ નહીં પડે

સૌથી પહેલા નોટિફિકેશનને ON કરો

બ્લુ ટીક વગર મેસેજ વાંચવા માટે સૌથી પહેલા વોટ્સએપ નોટિફિકેસન્સને ચાલુ કરો. ત્યારપછી તમારા સ્માર્ટફોન પરથી કોઈ વ્યક્તિનો મેસેજ આવવાની રાહ જુઓ.

ડિવાઈસ અનલોક કરો

ફોન પર વોટ્સએપ મેસેજ આવ્યા પછી તમારા ફોનને અનલોક કરો. અહીં ધ્યાન રાખો કે તમારે વોટ્સએપ નોટિફિકેસનને સ્વાઈપ કર્યા વગર ફોન અનલોક કરવાનો છે.

નોટિફિકેશનની અંદર મેસેજ વાંચો

ફોન પર આવેલા વોટ્સએપ નોટિફિકેશનને વાંચવા માટે નોટિફિકેશનની અંદર મેસેજને પ્રેસ કરીને રાખો. આ ટ્રીક પર કામ કરવા માટે જરૂરી છે કે, તમે નોટિફેકેશન વાંચ્યા પહેલા સ્વાઈપ ન કરો. વોટ્સએપની આ ટ્રીકને તમે એન્ડ્રોઈડની સાથે સાથે આઈફોન પર પણ અજમાવી શકો છો.

 

ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ વધીને 4.7 ટકા, અર્થતંત્રમાં રિકવરી

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે પાછલા કેટલાક મહિનાઓમાં લેવાયેલાં પગલાંને લીધે અર્થતંત્ર બોટમઆઉટ થયું છે. તેમણે કહ્યું હતું કે અર્થતંત્ર સ્થિર થઈ રહ્યું છે, એ સારા સંકેત છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર)માં જીડીપી વિકાસ દર વધીને 4.7 ટકા રહ્યો છે, એમ સત્તાવાર ડેટા કહે છે. જોકે એ પાછલા સાત વર્ષના ત્રિમાસિક ગાળાનો સૌથી નીચલો સ્તર છે. જોકે નિષ્ણાતો જણાવ્યા મુજબ વિશ્વભરમાં કોરોના વાઇરસ જે રીતે ઝડપથી ફેલાઈ રહ્યો છે, એ જોતાં આગામી સમયમાં પણ અર્થતંત્ર હજી ધીમું પડવાની વકી છે અને રિકવરીમાં મોડું થશે.

ચાલુ નાણાકીય વર્ષના  પહેલા અને બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસ દર 4.5 ટકા હતો, જે સાડાછ વર્ષના નીચલા સ્તરે હતો. નાણાકીય વર્ષ 2018-19ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસદર 5.6 ટકા રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં અર્થતંત્ર 5.1 ટકાના દરે આગળ વધ્યું હતું, જ્યારે પાછલા નાણાકીય વર્ષના સમાન ગાળામાં એ 6.3 ટકાના દરે વિકસ્યું હતું. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે પાંચ ટકા આર્થિક વૃદ્ધિ દર (જીડીપી) અંદાજ્યો છે, જે 11 વર્ષનો સૌથી નીચલો દર છે.

 

નાણાપ્રધાને કહ્યું અર્થતંત્ર રિકવર થયું

નાણાપ્રધાનને અર્થતંત્ર પર કોરોના વાઇરસની અસર વિશે કહ્યું હતું કે એનાથી તાત્કાલિક ગભરાવાની જરૂર નથી, પણ તેમણે ઉમેર્યું હતું કે જો કોરોના વાઇરસ હજી બે-ત્રણ સપ્તાહ લાંબો ચાલ્યો તો એ એક પડકારરૂપ બનશે. નાણાપ્રધાને કહ્યું હતું કે અર્થતંત્રમાં ફાર્મા અને ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ કાચા માલ માટે ચીન પર વધુ નિર્ભર રહે છે. જોકે તેમણે સંકેત આપ્યા હતા કે સરકારી જરૂરી ચીજવસ્તુઓ હવાઈ માર્ગે પણ મગાવી શકે છે. તેમણે કહ્યું કે સરકારનું ફોકસ છ કે બેન્કો તમામ પ્રકારની શ્રેણીઓમાં વધુમાં વધુ લોન આપે, જેમાં રિટેલ, ગૃહ અને કૃષિ સેગમેન્ટની ભૂમિકા સૌથી મહત્ત્વની છે.  તેમણે કહ્યું કે સરકારે 2008-09ની મંદીમાંથી પૂરતો પાઠ લીધો છે.

 

દિલ્હી હિંસામાં 42ના મોત પછી ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજધર્મને લઈને તૂ-તૂ, મેં-મેં

નવી દિલ્હી:   ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા પછી હવે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ અને કેન્દ્રમાં સત્તા પર રહેલી બીજેપી વચ્ચે રાજધર્મને લઈને દલીલ શરુ થઈ ગઈ છે. સોનિયા ગાંધી પર નિશાન સાધવાને કારણે કોંગ્રેસે ભાજપ પર પલટવાર કરતા દાવો કર્યો કે, કોંગ્રેસના શાસનકાળ દરમ્યાન રાજધર્મમાં સમાનતા અને સદભાવને મહત્વ આપવામાં આવતું હતુ, પણ બીજેપીના શાસનમાં પૂર્વાગ્રહ અને વિભાજનકારી માનસિકતા હાવી રહી છે.

મહત્વનું છે કે, દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં 42 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 200થી વધુ લોકોની જૂદી જૂદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. શાંતિ સ્થાપવા માટે પ્રભાવિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં કેન્દ્રીય સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કર્યું કે, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહના કાર્યકાળમાં રાજધર્મમાં સમાનતા, સદભાવને પ્રાથમિકતા આપવામાં આવતી હતી અને ભાજપ જે કરી રહ્યું છે તેમાં પૂર્વાગ્રહ છે; વિભાજનકારી માનસિકતા છે. એટલા માટે જરૂરી છે કે, તમે રાજધર્મ નિભાવો. પાર્ટી પ્રવક્ત અભિષેક મનુ સિંધવીએ રવિશંકર પ્રસાદના નિવેદન સામે પલટવાર કરતા કહ્યું કે, જો એનઆરસીનો વિરોધ કરવો રાષ્ટ્રવિરોધી વાત હોય તો ભાજપ સરકારે એવા લોકોની ધરપકડ કરવી જોઈએ.

કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા એ પણ ટ્વીટ કર્યું છે.

હકીકતમાં દિલ્હી હિંસા મુદ્દે સોનિયા ગાંધી અને મનમોહન સિંહ સહિત પાર્ટીના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ગુરુવારે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી મનમોહન સિંહે કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં જે થઈ રહ્યું છે તે ચિંતાજનક અને રાષ્ટ્ર માટે શરમજનક છે. કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નિવળી છે. તેમણે કહ્યું કે, અમે રાષ્ટ્રપતિને કહ્યું કે, તે કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવા માટે કહે.

જેનો જવાબ આપતા બીજેપી તરફ રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ વોટ બેંકની રાજનીતિ માટે અધિકારોનું દમન કરવાનો અને પોતાની વાતમાંથી પલટી જવાનો રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાજધર્મ પર ઉપદેશ ન આપે. પ્રસાદે રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ભાષણનો ઉલ્લેખ કરતા તેમના પર ઉત્તેજના ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

કોરોના બાદ ચીનમાં ખરડાયેલી પોતાની છબીને સુધારવાના પ્રયત્નોમાં લાગી જિનપિંગની પાર્ટી

નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના વાયરસને દેશ માટે સૌથી મોટી હેલ્થ ઈમરજન્સી ગણાવી હતી અને તેની ઈકોનોમી પર મોટી અસર થવાથી પોતાની કમ્યુનિસ્ટ પાર્ટીને ચેતવી છે. ત્યારે હવે લાગી રહ્યું છે કે જિનપિંગની આ ચેતવણીથી તેમની પાર્ટી ખૂબ એક્ટિવ થઈ ગઈ છે અને કોરોના વિરુદ્ધ લડાઈમાં પોતાની અને પાર્ટીની છબીને સુધારવામાં લાગી ગઈ છે. ખાલી ચીનમાં 2788 લોકોના આ જીવલેણ બિમારીના કારણે મોત થયા છે અને 78,824 લોકો આનાથી પ્રભાવિત છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાએ કોરોનાને લઈને વ્હિસલબ્લોઅર્સને ચૂપ કરાવી દીધા છે અને ઘણી મહત્વપૂર્ણ જાણકારીઓ દબાવી દેવામાં આવી છે જેના કારણે આ આખા દેશમાં ફેલાઈ ચૂક્યો છે. સરકાર જનતાના ગુસ્સાનો સામનો કરી રહી છે. ખરડાતી છબીની વચ્ચે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાએ પોતાના પ્રોપગેન્ડા મશિનને કામે લગાવ્યું છે કે જેથી પોતાની છબી સુધારી શકે. આ મિશનમાં સરકારી મીડિયા પણ એક્ટિવ છે અને તેણે કોરોનામાં સરકારની પ્રતિક્રિયાને વિશ્વ માટે હેલ્થ મોડલ સુધી બતાવી દીધું.

ચીનના એક સમાચારપત્રએ લખ્યું છે કે, વાયરસ સામેની લડાઈમાં કેટલાક દેશોએ ખૂબ સામાન્ય પ્રતિક્રિયા આપી છે. તો ચીનની ઓનલાઈન પ્રોપગેન્ડા મશિન સોશિયલ મીડિયા પર માત્ર ચીની મોડલ જ સફળ સાબિત થયું છે તે હેશટેગનો ઉપયોગ કરી રહી છે. આટલું જ નહી, પરંતુ પાર્ટીના નેતા આ સંકટના સમયને રાષ્ટ્રપતિ જિનપિંગના મજબૂત નેતૃત્વનું પ્રમાણ બતાવવામાં લાગી ગયા છે. તેમણે તો જિનપિંગને કોરોના સામેની લડાઈમાં શક્તિશાળી નેતા તરીકે બતાવવા માટે 6 અલગ-અલગ ભાષાઓમાં પુસ્તક પ્રકાશિત કરવાની પણ જાહેરાત કરી દીધી છે. આમાં એ દર્શાવાનો પ્રયત્ન કરવામાં આવશે કે જિનપિંગને પોતાના લોકોની કેટલી ચિંતા છે.

ઉલ્લેખનીય છે કે, માઓ બાદ જિનપિંગ દેશના સૌથી પ્રભાવશાળી નેતા બની ગયા છે. તેમની પ્રાથમિકતા ચીનની આર્થિક અને મિલિટરી શક્તિનો દુનિયાભરમાં વિસ્તાર કરી રહી છે અને તેઓ એ બતાવવા માંગે છે કે ચીન દુનિયામાં એક જવાબદાર સુપરપાવરની ભૂમિકા નિભાવી શકે છે.