વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રૂ. 14,716.26 કરોડના ખર્ચે બનનારા 296.07 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રે-વેનો શિલાન્યાસ બપોરે કર્યો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજથી હેલિકોપ્ટરમાં ચિત્રકૂટના ગોંડા ગામે બપોરે આવી પહોંચ્યા હતા અને શિલાન્યાસ કર્યા બાદ જનમેદનીને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે અલગ—અલગ ચીજવસ્તુઓના લાભાર્થીઓને સ્વીકૃતિ પત્ર અને ચેક વિતરણ પછી પ્રયાગરાજ માટે નીકળ્યા હતા અનેય ત્યાંથી એક વિશેષ વિમાન દ્વારા તેઓ દિલ્હી રવાના થયા હતા.

બુંદેલખંડ એક્સપ્રેસ-વે ચિત્રકૂટ જિલ્લાના ભરતકૂપ ક્ષેત્રથી શરૂ થઈને બાંદા, મહોબા, હમીરપુર, જાલોન, ઔરૈયા થઈને ઇટાવામાં કુદરૈલ ગામ પાસે આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વેથી જોડાશે. આ ચારથી છ લાઇનના એક્સપ્રેસ-વેની લંબાઈ 296.07 કિલોમીટર છે અને એનો અંદાજિત ખર્ચ રૂ. 14716.26 કરોડ છે.

આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રકૂટ જિલ્લાના બીહડ વિસ્તારની 239 ગ્રામ પંચાયતોનાં 470 ગામોમાં રૂ. 1515 કરોડના ખર્ચે પીવાના પાણીની પાંચ પાઇપલાઇનની યોજનાઓનો પણ શિલાન્યાસ કર્યો હતો.