ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ વધીને 4.7 ટકા, અર્થતંત્રમાં રિકવરી

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે પાછલા કેટલાક મહિનાઓમાં લેવાયેલાં પગલાંને લીધે અર્થતંત્ર બોટમઆઉટ થયું છે. તેમણે કહ્યું હતું કે અર્થતંત્ર સ્થિર થઈ રહ્યું છે, એ સારા સંકેત છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર)માં જીડીપી વિકાસ દર વધીને 4.7 ટકા રહ્યો છે, એમ સત્તાવાર ડેટા કહે છે. જોકે એ પાછલા સાત વર્ષના ત્રિમાસિક ગાળાનો સૌથી નીચલો સ્તર છે. જોકે નિષ્ણાતો જણાવ્યા મુજબ વિશ્વભરમાં કોરોના વાઇરસ જે રીતે ઝડપથી ફેલાઈ રહ્યો છે, એ જોતાં આગામી સમયમાં પણ અર્થતંત્ર હજી ધીમું પડવાની વકી છે અને રિકવરીમાં મોડું થશે.

ચાલુ નાણાકીય વર્ષના  પહેલા અને બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસ દર 4.5 ટકા હતો, જે સાડાછ વર્ષના નીચલા સ્તરે હતો. નાણાકીય વર્ષ 2018-19ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસદર 5.6 ટકા રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં અર્થતંત્ર 5.1 ટકાના દરે આગળ વધ્યું હતું, જ્યારે પાછલા નાણાકીય વર્ષના સમાન ગાળામાં એ 6.3 ટકાના દરે વિકસ્યું હતું. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે પાંચ ટકા આર્થિક વૃદ્ધિ દર (જીડીપી) અંદાજ્યો છે, જે 11 વર્ષનો સૌથી નીચલો દર છે.

 

નાણાપ્રધાને કહ્યું અર્થતંત્ર રિકવર થયું

નાણાપ્રધાનને અર્થતંત્ર પર કોરોના વાઇરસની અસર વિશે કહ્યું હતું કે એનાથી તાત્કાલિક ગભરાવાની જરૂર નથી, પણ તેમણે ઉમેર્યું હતું કે જો કોરોના વાઇરસ હજી બે-ત્રણ સપ્તાહ લાંબો ચાલ્યો તો એ એક પડકારરૂપ બનશે. નાણાપ્રધાને કહ્યું હતું કે અર્થતંત્રમાં ફાર્મા અને ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ કાચા માલ માટે ચીન પર વધુ નિર્ભર રહે છે. જોકે તેમણે સંકેત આપ્યા હતા કે સરકારી જરૂરી ચીજવસ્તુઓ હવાઈ માર્ગે પણ મગાવી શકે છે. તેમણે કહ્યું કે સરકારનું ફોકસ છ કે બેન્કો તમામ પ્રકારની શ્રેણીઓમાં વધુમાં વધુ લોન આપે, જેમાં રિટેલ, ગૃહ અને કૃષિ સેગમેન્ટની ભૂમિકા સૌથી મહત્ત્વની છે.  તેમણે કહ્યું કે સરકારે 2008-09ની મંદીમાંથી પૂરતો પાઠ લીધો છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]