દિલ્હી હિંસામાં 42ના મોત પછી ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજધર્મને લઈને તૂ-તૂ, મેં-મેં

નવી દિલ્હી:   ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા પછી હવે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ અને કેન્દ્રમાં સત્તા પર રહેલી બીજેપી વચ્ચે રાજધર્મને લઈને દલીલ શરુ થઈ ગઈ છે. સોનિયા ગાંધી પર નિશાન સાધવાને કારણે કોંગ્રેસે ભાજપ પર પલટવાર કરતા દાવો કર્યો કે, કોંગ્રેસના શાસનકાળ દરમ્યાન રાજધર્મમાં સમાનતા અને સદભાવને મહત્વ આપવામાં આવતું હતુ, પણ બીજેપીના શાસનમાં પૂર્વાગ્રહ અને વિભાજનકારી માનસિકતા હાવી રહી છે.

મહત્વનું છે કે, દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં 42 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 200થી વધુ લોકોની જૂદી જૂદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. શાંતિ સ્થાપવા માટે પ્રભાવિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં કેન્દ્રીય સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કર્યું કે, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહના કાર્યકાળમાં રાજધર્મમાં સમાનતા, સદભાવને પ્રાથમિકતા આપવામાં આવતી હતી અને ભાજપ જે કરી રહ્યું છે તેમાં પૂર્વાગ્રહ છે; વિભાજનકારી માનસિકતા છે. એટલા માટે જરૂરી છે કે, તમે રાજધર્મ નિભાવો. પાર્ટી પ્રવક્ત અભિષેક મનુ સિંધવીએ રવિશંકર પ્રસાદના નિવેદન સામે પલટવાર કરતા કહ્યું કે, જો એનઆરસીનો વિરોધ કરવો રાષ્ટ્રવિરોધી વાત હોય તો ભાજપ સરકારે એવા લોકોની ધરપકડ કરવી જોઈએ.

કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા એ પણ ટ્વીટ કર્યું છે.

હકીકતમાં દિલ્હી હિંસા મુદ્દે સોનિયા ગાંધી અને મનમોહન સિંહ સહિત પાર્ટીના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ગુરુવારે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી મનમોહન સિંહે કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં જે થઈ રહ્યું છે તે ચિંતાજનક અને રાષ્ટ્ર માટે શરમજનક છે. કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નિવળી છે. તેમણે કહ્યું કે, અમે રાષ્ટ્રપતિને કહ્યું કે, તે કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવા માટે કહે.

જેનો જવાબ આપતા બીજેપી તરફ રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ વોટ બેંકની રાજનીતિ માટે અધિકારોનું દમન કરવાનો અને પોતાની વાતમાંથી પલટી જવાનો રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાજધર્મ પર ઉપદેશ ન આપે. પ્રસાદે રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ભાષણનો ઉલ્લેખ કરતા તેમના પર ઉત્તેજના ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.