સ્ટેજ પર મુર્ગા બને એ સાંભળેલું, પણ આ લોકોએ તો મુર્ગાને…..

હૈદરાબાદઃ ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 3000 જેટલા લોકોના મોત થયા છે. વિશ્વભરમાં એક લાખથી વધારે લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ભારત સરકાર પણ આ વાયરસને લઈને ખૂબ સચેત છે. પરંતુ તાજેતરમાં જ એક વાત ફેલાઈ હતી કે ચિકન અને ઈંડા ખાવાથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે, બાદમાં લોકોએ ચિકન અને ઈંડા ખાવાનું છોડી દીધું. લોકોમાં ફેલાયેલા આ ભ્રમને દૂર કરવા માટે તેલંગાણા સરકારના મંત્રીઓ સામે આવ્યા અને તેમણે સ્ટેજ પર બધાની સામે ચિકન ખાઈને લોકોના ડરને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

તેલંગાણામાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેસી રામારાવના દીકરા અને રાજ્ય સરકારના મંત્રી કેટી રામારાવ સ્ટેજ પર ચિકન ખાતા જોવા મળ્યા. તેમની સાથે મંત્રી ઈટેલા રાજેન્દ્ર અને ટી શ્રીનિવાસ યાદવ સહિત સત્તાધારી પાર્ટીના ઘણા મોટા નેતાઓ ચિકન ખાતા દેખાયા.

ઉલ્લેખનીય છે કે, કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીનના વુહાન સ્થિત સી-ફૂડ માર્કેટમાંથી આ વાયરસ માણસોના શરીરમાં પહોંચ્યો છે. જો કે આ વાત હજી સાબિત થઈ શકી નથી. ચીની રિસર્ચર્સ આ મામલે માહિતી એકત્ર કરી રહ્યા છે. કોરોના વાયરસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

ભારતમાં પણ ત્રણ લોકોમાં આ વાયરસ મળી આવ્યો છે. આ ત્રણેય લોકો ચીનથી ભારત આવ્યા હતા. તમામને એક વિશેષ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. ભારત અત્યારસુધી પોતાના 800 જેટલા નાગરીકોને ચીનના કોરોના પ્રભાવિત વિસ્તારોમાં પાછા લાવ્યું છે. ચીનના વુહાનથી ત્રણ વાર એર ઈન્ડિયાનું વિશેષ વિમાન ભારતીય નાગરિકોને પોતાના દેશમાં પાછા લાવી ચૂક્યું છે.