Home Blog Page 493

PMએ વેંકટેશ્વર મંદિરની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, સહાયની જાહેરાત

આંધ્ર પ્રદેશ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીકાકુલમ જિલ્લામાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી ભાગદોડ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં દસ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા PMએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. અકસ્માતમાં ઘાયલોને 50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવાની પણ જાહેરાત કરી.

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, “આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી ભાગદોડથી હું ખૂબ જ દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.”

જીત બાદ જેમિમાહની સ્પીચ થઈ VIRAL: બસ હવે એક મેચ બાકી…

મુંબઈ: વુમન્સ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 નવેમ્બરે ટક્કર થવાની છે. આ મુકાબલો નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાશે. આ તે જ સ્ટેડિયમ છે, જ્યાં ભારતીય ટીમે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને રેકોર્ડ રનચેઝ કરીને 5 વિકેટે હરાવ્યું હતું.સેમિફાઈનલમાં 7 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પછી જેમિમાહ રોડ્રિગ્ઝ ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ હતી. મેચ જીત્યા પછી તે મેદાન પર રડવા લાગી. આ ઉપરાંત તે ‘પ્લેયર ઑફ ધ મેચ’નો ખિતાબ લેતી વખતે પણ તે ખૂબ રડતી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં પણ તેણે ચિંતા, પોતાના ફોર્મ અને ટીમમાંથી ડ્રોપ થવા પર વાત કરી.

હવે જેમિમાહનો એક વધુ નવો વીડિયો BCCIએ શેર કર્યો છે. જેમાં પહેલા મહિલા ટીમના ફીલ્ડિંગ કોચ મુનીશ બાલીએ ટીમને સંબોધિત કરી અને પછી જેમિમાહ બોલી. જેમિમાહને આ દરમિયાન તેની શાનદાર ફિલ્ડિંગ માટે મેડલ પણ આપ્યો.

મુનીશે આ વિડિયોમાં રેણુકા ઠાકુરના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે તેણે 10 વખત બોલ રોક્યો. તો શ્રી ચારણીના કૉટ એન્ડ બોલ્ડના પણ તેમણે વખાણ કર્યા. ક્રાંતિ ગૌડે જે રીતે મેદાનમાં ડાઇવ લગાવી, તેનાથી પણ ફિલ્ડિંગ કોચ ખુશ દેખાયા.

આંધ્રપ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ, 9ના મોત

આંધ્ર પ્રદેશ: શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 9 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ સામેલ છે.

9 શ્રદ્ધાળુઓનાં મોત

કાશિબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે સવારે મોટી સંખ્યામાં લોકો ભગવાન વેંકટેશ્વરના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. રાજ્ય સરકાર પાસેથી મળતી માહિતી મુજબ અચાનક ભીડ વધી જવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. જેના કારણે ઘણા લોકો દબાઈ ગયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ અને મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું. CMએ X પર પોસ્ટ કરતા તેમણે લખ્યું, “આ હૃદયદ્રાવક ઘટના શ્રીકાકુલમ જિલ્લાના વેંકટેશ્વર મંદિરમાં બની.” તેમણે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે વહીવટીતંત્રને તમામ પીડિતો અને ઘાયલોને તાત્કાલિક સહાય પૂરી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બી.આર. ચોપરાએ ‘નયા દૌર’ વખતે ઘણી નવા-જૂની કરી હતી!    

બી.આર. ચોપરા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘નયા દૌર’ (1957) ભારતીય સિનેમાની એક ક્લાસિક ફિલ્મ છે. તેમાં મધુબાલાના બદલે વૈજયંતિમાલા કેમ આવ્યા? અશોકકુમારે ફિલ્મ કેમ ના સ્વીકારી? મહેબૂબ ખાને વાર્તા માટે શું કહ્યું હતું? જેવી અનેક રસપ્રદ વાતો ઉપરાંત એ સમયની ફિલ્મ માટેની ચર્ચા તથા વિવાદોની કેટલીક અજાણી વાતો જાણવા જેવી છે.

1955 માં ‘બી.આર. ફિલ્મ્સ’ ની સ્થાપના કરીને પહેલી ફિલ્મ ‘એક હી રાસ્તા’ (1956) બનાવ્યા પછી નિર્માતા-નિર્દેશક બી.આર. ચોપરા એક અલગ વિષય પર અને મોટા પાયા પર કોઈ ફિલ્મ બનાવવા માગતા હતા. તેમણે ગાંધીજીના એક વિચારને લઈ ફિલ્મની વાર્તા ‘માણસ વિરુદ્ધ મશીન’ની થીમ પર તૈયાર કરાવી. જે આઝાદી પછીના ભારતમાં આધુનિકીકરણ અને તેના કારણે શ્રમિકો પર પડતા પ્રભાવને દર્શાવતી હતી. તેથી ફિલ્મની શરૂઆતમાં ગાંધીજીનું એક વાક્ય પણ લખ્યું હતું. ફિલ્મમાં દિલીપકુમારનો એક સંવાદ પણ છે કે, ‘અમીર ઔર ગરીબ આદમી કા કાહે કા ઝઘડા બાબુ. ઝઘડા તો આદમી કા હાથ ઔર મશીન કા હૈ બસ.’ બી.આર. ચોપરાએ આ વાર્તાને અંતિમ સ્વરૂપ આપ્યું અને ‘મધર ઇન્ડિયા’ બનાવનાર મહેબૂબ ખાન સમક્ષ પ્રતિભાવ મેળવવા રજૂ કરી હતી.

મહેબૂબ ખાનને આ વાર્તામાં કલાત્મક દમ લાગ્યો ન હતો. તેમણે ચોપરાને ચેતવણી પણ આપી હતી કે આ ફિલ્મ તેમની કારકિર્દીને નુકસાન પહોંચાડશે. પરંતુ તેઓ પોતાની વાર્તાની સચ્ચાઈ અને તેની અસરકારકતા પર સંપૂર્ણપણે વિશ્વાસ ધરાવતા હતા. તેથી તેમણે પડકાર સ્વીકાર્યો. જ્યારે ફિલ્મ સુપરહિટ થઈ અને તેની સફળતાના ૧૦૦મા દિવસે ચોપરાએ મહેબૂબ ખાનને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા હતા હતા ત્યારે ખાને જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી હતી અને ચોપરાના નિર્ણયની પ્રશંસા કરી હતી. દિલીપકુમારે શરૂઆતમાં એના વિષયને કારણે આ ફિલ્મ માટે ના પાડી દીધી હતી. કદાચ તેઓ સમાન વિષયવસ્તુ ધરાવતી અન્ય એક ફિલ્મ માટે વચન આપી ચૂક્યા હતા.

દિલીપકુમારના ઇનકાર પછી ચોપરાએ મુખ્ય ભૂમિકા (શંકર) માટે અભિનેતા અશોકકુમારનો સંપર્ક કર્યો હતો. અશોકકુમારને વાર્તા ખૂબ ગમી પરંતુ તેમણે અનુભવ્યું કે તેમનો ‘સૉફિસ્ટિકેટેડ’ દેખાવ ટાંગાવાળા (શંકર)ના ગ્રામીણ અને દેશી પાત્રને યોગ્ય નહીં લાગે. તેમણે ચોપરાને સલાહ આપી કે ફરીથી દિલીપકુમારનો સંપર્ક કરવો જોઈએ. અને કહ્યું કે, ‘ચિંતા કરશો નહીં. તે કાલે અથવા પરમ દિવસે તમને ફોન કરશે.’ અને અશોકકુમારે દિલીપકુમારને ચોપરાની ફિલ્મની વાર્તા ફરીથી ધ્યાન આપીને સાંભળવાનું સૂચન કર્યું. આ એક સારી ફિલ્મ બની શકે એવી છે. તમારે એમાં જરૂર કામ કરવું જોઈએ.

થોડા દિવસોમાં જ દિલીપકુમારે બી.આર. ચોપરાનો સંપર્ક કર્યો હતો અને વાર્તા સાંભળ્યા પછી ફિલ્મ કરવા માટે સહમત થયા હતા. અશોકકુમારની સલાહ પછી દિલીપકુમાર જ્યારે સહમત થયા ત્યારે તેમણે મજાકમાં ચોપરાની પત્ની પાસે ‘સાઇનિંગ અમાઉન્ટ’ તરીકે રૂ.૫૦,૦૦૦ ની મોટી રકમ માગી હતી. ચોપરાએ આ ક્ષણને ખૂબ જ હૃદયસ્પર્શી યાદગીરી તરીકે વર્ણવી હતી.

( ફિલ્મ ‘નયા દૌર’ માં હીરોઈન તરીકે પહેલાં મધુબાલા આવ્યા હતા. પરંતુ પછી એમના નામ પર ચોપરાએ જાહેરમાં કેમ ચોકડી મારી દીધી હતી એની રસપ્રદ વાતો હવે પછીના લેખમાં વાંચશો.)

ભૌતિકવાદી ચીજવસ્તુઓનો ઉપભોગ જરૂર કરો, પરંતુ વૃત્તિઓને સંકોરીને

આપણે બધા ભગવાન શિવને સંહારક તરીકે ઓળખીએ છીએ. આપણામાંથી કેટલાને ખબર છે કે તેઓ શેનો નાશ કરે છે? સૌપ્રથમ હું સ્પષ્ટ કરી દઉં કે શિવ લોકોને મારી નાખે કે બૉમ્બ વિસ્ફોટ અને વિનાશ કરે એવા કોઈ આતંકવાદી નથી. તેઓ સ્મશાનમાં રહે છે, જ્યાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. સ્મશાનમાં શરીર બળી જાય છે પણ આત્મા ક્યારેય નાશ પામતો નથી. આત્મા બીજા દેહમાં પુનર્જન્મ લે છે. આત્મા તેની સાથે આપણા સંસ્કારોનું વહન કરે છે. મનુષ્ય આગલા જન્મમાં એ સંસ્કારોનું વહન કરે છે. આ સંસ્કારો અહંકાર, ઈર્ષ્યા, અસલામતી, ક્રોધ, હતાશા, ભય અને બીજા અનેક સ્વરૂપમાં હોય છે. ભગવાન શિવ એ જ નકારાત્મક સંસ્કારોનો સંહાર કરે છે. આ જ શિવજી કૈલાસ પર્વત પર રહીને ધ્યાન કરે છે અને આત્માઓને મોક્ષની પ્રાપ્તિમાં મદદ કરે છે.

શિવજીને આદિ યોગી (પ્રથમ યોગી) પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે શિવજી તેમનું ત્રીજું નેત્ર ખોલશે અને વિનાશ સર્જાશે. તેનો અર્થ એ છે કે જ્યારે પણ અધર્મમાં વધારો થશે ત્યારે તેઓ ત્રીજું નેત્ર ખોલશે. અધર્મ એટલે એવી લાગણીઓ, જે માનવજાત અને બ્રહ્માંડ માટે હાનિકારક હોય.

વાસ્તવમાં, યોગેશ્વરના નામે ઓળખાતા ભગવાન કૃષ્ણે પણ ભગવદ્ ગીતાના શ્લોક ક્ર. 4.7 અને 4.8માં આ જ વાત કહી છેઃ

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत |

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ||

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् |

धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ||

આમ, શિવજી અને ભગવાન કૃષ્ણ બંને યોગ સાથે સંકળાયેલા છે. તેઓ બંને ઝેરનો નાશ કરે છે અને મોક્ષની પ્રાપ્તિમાં મદદ કરે છે.

જોકે, અહીં ખાસ કહેવાનું કે આ કટારનો ઉદ્દેશ્ય શિવજી અને ભગવાન કૃષ્ણ વચ્ચે સરખામણી કરવાનો કે એમની વચ્ચેના તફાવત શોધવાનો નથી. તેનો ઉદ્દેશ્ય તો આપણી વૃત્તિઓ (મનનું વિષ)નો નાશ કરીને નિજાનંદ માણવાનો છે.

યોગિક વેલ્થ આપણા મનમાં રહેલી અહંકાર, ભય, અસુરક્ષા, ચિંતા, હતાશા, અસહિષ્ણુતા જેવી વૃત્તિઓ (વિષ)નો નાશ કરવાનું શીખવે છે. એકવાર આ વૃત્તિઓ ખતમ થઈ જાય, પછી આપણે પોતાની સંપત્તિનો સાચી રીતે આનંદ માણી શકીએ છીએ. આથી જ આ કટારમાં આપણે ક્યારેય સંપત્તિની ટીકા કરી નથી અથવા સંપત્તિના ઉપભોગ પર નિયંત્રણ અથવા પ્રતિબંધ મૂકવાની વાત કરી નથી.

ભૌતિકવાદનો ઉપયોગ ખરાબ નથી. આપણને બધાને રોટી, કપડાં, મકાન અને બીજી ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે. આપણે સમાજમાં રહીએ છીએ. આપણે એવા લોકો નથી કે જેઓ જંગલમાં કે પહાડોમાં રહેતા હોય અને જેમને કોઈ વસ્તુની જરૂર પડતી ન હોય. જોકે, જ્યારે પણ આપણે ભૌતિકવાદી ચીજવસ્તુઓ અથવા સેવાઓનો ઉપયોગ કરીએ ત્યારે આપણે મનમાં વૃત્તિઓનું પ્રમાણ નજીવું હોય એ રીતે ઉપયોગ કરવો જોઈએ.

 

જો તમને કાર જોઈતી હોય તો ચોક્કસ ખરીદો, પરંતુ જે ક્ષણે કાર ‘સામાજિક મોભો’ બની જાય છે ત્યારે સમસ્યા સર્જાય છે. જો આપણે સરસ રેસ્ટોરાંમાં જઈને જમવાનું ઈચ્છતા હોઈએ તો જવું જ જોઈએ, પરંતુ “હું કંઈક છું અને હું માત્ર અમુક પ્રકારની રેસ્ટોરાંમાં જવાનું પસંદ કરું છું અથવા જો હું સામાન્ય રેસ્ટોરાંમાં ખાઉં તો લોકો શું વિચારશે” એવી લાગણી થાય ત્યારે સમસ્યા સર્જાય છે.

લોકો શું વિચારશે એવું વિચારવાને બદલે, “ભગવાન શું વિચારશે” એવું વિચારો. મારી પાસે કોઈ કાર છે કે નહીં અથવા હું કઈ રેસ્ટોરાંમાં ખાવા જાઉં છું એ વાતથી ભગવાનને કોઈ ફરક પડશે કે કેમ એવું વિચારો.

મનની વૃત્તિઓનું શમન થાય અને પ્રસન્નતા પ્રાપ્ત થાય એ માટે શિવજીને, ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

ગુલકંદ – ૦૧ નવેમ્બર ૨૦૨૫

રાઈતા મરચાં

જમવામાં કે નાસ્તા-ફરસાણમાં સ્વાદ, રાઈતા મરચાંથી વધી શકે છે!

સામગ્રીઃ

  • ભાવનગરી અથવા વઢવાણી મરચાં 500 ગ્રામ (લાલ અને લીલા બંને લઈ શકાય છે)
  • રાઈના કુરિયા ½ કપ
  • તેલ 4 ટે.સ્પૂન
  • હળદર 1-2 ટી.સ્પૂન
  • વરિયાળી 4 ટે.સ્પૂન
  • મેથીના કુરિયા 3 ટે.સ્પૂન
  • ધાણાના કુરિયા 4 ટે.સ્પૂન
  • હિંગ 1 ટે.સ્પૂન
  • 1 મોટા લીંબુનો રસ
  • મીઠું

રીતઃ મરચાંને ધોઈને નિતારી લીધા બાદ એક ચોખ્ખા કાપડ વડે લૂછીને કોરા કરી લેવા.

ત્યારબાદ તેની ઉભી ચીરી કરી 6-7 ટુકડા કરી લેવા. લગભગ 1 ઈંચ જેટલા ટુકડા હોવાં જોઈએ. અથવા મરચાંમાં ફક્ત ઉભી ચીરી કરીને બીયાં કાઢી લઈને પણ તેમાં મસાલો ભરી શકાય છે.

હવે મરચાંમાં 1 ટી.સ્પૂન હળદર અને 1 ટે.સ્પૂન મીઠું ઉમેરીને હાથ વડે મિક્સ કરી લો અને મરચાંનું વાસણ ઢાંકી દઈ, અડધોથી એક કલાક માટે રાખી મૂકો.

એક કલાક બાદ મરચાંને સ્ટીલની ચાળણીમાં મૂકીને વધારાનું પાણી નિતારી લેવું. 10 મિનિટ બાદ પંખા નીચે એક કિચન પેપર પાથરી, તેની ઉપર આ મરચાંને 15-20 મિનિટ માટે મૂકીને કોરા કરી લેવા.

મરચાં માટે મસાલો તૈયાર કરવા માટે એક મિક્સી બાઉલમાં મેથીના કુરિયા, ધાણાના કુરિયા તેમજ વરિયાળી લઈ પલ્સ મોડ ઉપર અધકચરા વાટી લો. ત્યારબાદ તેમાં રાઈના કુરિયા મેળવીને ફરીથી મિક્સી ચલાવી અધકચરો ભૂકો તૈયાર કરી લો. આ પાઉડરમાં ½ ટી.સ્પૂન હીંગ તથા ½ ટી.સ્પૂન હળદર તેમજ એક ચમચી મીઠું મેળવી લો.

મરચાં માટેનું તેલ એક વાસણમાં સરખું ગરમ કરી લઈ તેને દળેલા પાઉડર ઉપર રેડીને મિક્સ કરીને 10 મિનિટ માટે ઢાંકીને રાખો.

ત્યારબાદ આ મસાલામાં કોરા કરેલાં મરચાં મેળવી દો. અને લીંબુનો રસ પણ મેળવીને 2 કલાક માટે ઢાંકીને મૂકો.

મરચાં ભરવા માટે કાચની બરણી અથવા એરટાઈટ જાર કોરી કરી લઈ તેમાં આથેલાં મરચાં ભરીને ઢાંકીને 2-3 દિવસ રૂમમાં મૂકી રાખો. ત્યારબાદ તેને ફ્રીજમાં મૂકી દો. આ રાઈતા મરચાં ફ્રીજમાં 1 મહિના સુધી રાખી શકાય છે.

૦૧ નવેમ્બર ૨૦૨૫

પંચાંગ 01/11/2025

સંજય રાઉતની તબિયત લથડી, PM મોદીએ સ્વસ્થ થવાની કામના કરી

શિવસેના (UBT) ના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે તેમની તબિયત ગંભીર રીતે બગડી ગઈ છે અને તેઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે.

મહારાષ્ટ્રથી મોટા સમાચાર આવી રહ્યા છે. શિવસેના (UBT) ના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉત અચાનક બીમાર પડી ગયા છે. રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેમના સ્વાસ્થ્યની માહિતી આપી હતી. તેમણે X પર એક પત્ર પણ જાહેર કર્યો હતો. રાઉતે જણાવ્યું હતું કે તેમની તબિયત ગંભીર રીતે બગડી ગઈ છે અને તેઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે. પીએમ મોદીએ પણ રાઉતના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. રાઉત હાલમાં સારવાર હેઠળ છે.

સંજય રાઉતે X પર માહિતી શેર કરી

સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના સ્વાસ્થ્ય વિશે પોસ્ટ કરી. તેમના સંદેશમાં તેમણે લખ્યું, “તમે બધાએ હંમેશા મારા પર વિશ્વાસ કર્યો છે અને મારા પર પ્રેમ વરસાવ્યો છે, પરંતુ હવે મારી તબિયત અચાનક બગડી ગઈ છે. હું સારવાર લઈ રહ્યો છું, અને મને વિશ્વાસ છે કે હું જલ્દી સ્વસ્થ થઈશ.” ડોક્ટરોની સલાહને અનુસરીને તેમને હાલ માટે બહાર જવાનું અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. તેમણે આગળ લખ્યું, “મને વિશ્વાસ છે કે હું જલ્દી સ્વસ્થ થઈશ અને નવા વર્ષમાં તમને બધાને મળવા આવીશ. તમારો પ્રેમ અને આશીર્વાદ ચાલુ રહે.”

પીએમ મોદીએ સંજય રાઉતની પોસ્ટ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. સંજય રાઉતની પોસ્ટનો જવાબ આપતા પીએમ મોદીએ લખ્યું, “સંજય રાઉત જી, હું તમારા ઝડપી સ્વસ્થતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.” પીએમ મોદીની પોસ્ટનો જવાબ આપતા સંજય રાઉતે જવાબ આપ્યો, “આભાર, માનનીય પ્રધાનમંત્રી! મારો પરિવાર તમારો આભારી છે! જય હિંદ, જય મહારાષ્ટ્ર!” સંજય રાઉત હજુ પણ સારવાર હેઠળ છે.