મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ઓસ્ટ્રેલિયાની સરહદોને આવતા છ મહિના માટે સીલ કરવાનો ઓસ્ટ્રેલિયાની સરકારે નિર્ણય લેતાં ભારતીય ક્રિકેટ ટીમનો આ વર્ષના અંત ભાગે નિર્ધારિત પ્રવાસ મોટે ભાગે રદ કરવો પડશે.
ભારતીય ટીમ આ વર્ષના ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં ટ્વેન્ટી-20 ટ્રાઈ-સિરીઝ અને ડિસેંબરમાં ટેસ્ટ સિરીઝ રમવાની છે.
એની વચ્ચે, વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધા યોજાશે, જે ઓક્ટોબરની 18મીથી શરૂ થવાનું નિર્ધારિત છે. પરંતુ, કોરોના વાઈરસને કારણે દુનિયાભરમાં આરોગ્યને લગતી ઊભી થયેલી કટોકટીને કારણે આ વર્લ્ડ કપ પણ રમાશે કે કેમ તે વિશે શંકા છે.
ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 2000થી વધારે પોઝિટીવ કેસો નોંધાયા છે. 16 જણના મૃત્યુ થયા છે. પરિણામે સરકારે દેશની સરહદોને સીલ કરી દેવાનું નક્કી કર્યું છે. જાહેરમાં બે જણથી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકાશે.
દુનિયાભરમાં કોરોનાને કારણે 30 હજારથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ વર્ષની આઈપીએલ સ્પર્ધા રમાડવી કે નહીં એ વિશે પણ હજી આખરી નિર્ણય લીધો નથી.
ભારતીય ટીમ આ વર્ષે શ્રીલંકા (વન-ડે, ટ્વેન્ટી-20 સિરીઝ), ઝિમ્બાબ્વે, એશિયા કપ (ટ્વેન્ટી-20) રમવા જવાની છે તેમજ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે વ્હાઈટ બોલ સિરીઝ નિર્ધારિત છે.
ઓસ્ટ્રેલિયાએ છ-મહિનાનો ટ્રાવેલ પ્રતિબંધ મૂકતા કોઈ પણ ટીમ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશી નહીં શકે. પરિણામે વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધા અને ભારતીય ટીમનો પ્રવાસ પણ રદ થશે.
જો ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા પાછળ ઠેલવામાં આવશે તો ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર-ટેસ્ટની સિરીઝ પણ પાછી ઠેલાશે. એ સિરીઝ વર્લ્ડ ચેમ્પિયનશિપનો એક હિસ્સો રહેવાની છે.
નવી દિલ્હી- કોરોના વાઈરસના સંકટ અને લોકડાઉન વચ્ચે મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓને મોટી રાહત આપી છે. કર્મચારીઓને વાર્ષિક મૂલ્યાંકન રિપોર્ટ (APAR) ફાઈલ કરવાની અંતિમ તારીખ 15 એપ્રિલથી વધારીને 30 જૂન કરી દીધી છે.
27 માર્ચ 2020એ કર્મચારી અને તાલીમ વિભાગની એક ઓફિસ મેમોરેન્ડમમાં આ બાબતો સૂચના આપવામાં આવી છે. જે મુજબ નોવેલ કોરોના વાયરસના સંક્રમણને કારણે પેદા થયેલી સ્થિતિને જોતા એપીએઆર રિકોર્ડિંગ સંબંધી કેટલીક પ્રવૃત્તિઓ માટે ડેડલાઈન આગળ વધારવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય સેવાઓના ગ્રુપ-એના અધિકારીઓ સંબંધી મૂલ્યાંકન રિપોર્ટ જમા કરવાની સમય મર્યાદા પણ વધારી દેવામાં આવી છે. પહેલાંના કાર્યક્રમ અનુસાર, તમામ અધિકારીઓના એપીએઆર વિતરણની તારીખ 31 માર્ચ હતી. જેને હવે વધારીને 31 મે કરી દેવામાં આવી છએ. આ સિવાય અન્ય કર્મચારીઓ દ્વારા રિપોર્ટિંગ અધિકારી પ્રદર્શન મૂલ્યાંકન રિપોર્ટ (જ્યાં લાગુ થાય) સોંપવાની છેલ્લી તારીખ 15 એપ્રિલથી વધારીને 30 જૂન કરી દેવાઈ છે.
હાલ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આ પહેલાં સંક્રમણના ખતરાને જોતા કેન્દ્રએ 50 વર્ષથી વધુની ઉંમરના કર્મચારીઓને સરકારે 15 દિવસ ક્વોરંટાઈનમાં રહેવાની મંજૂરી આપી દીધી છે. જેના માટે આ કર્મચારીઓએ મેડિકલ સર્ટિફિકેટ પણ આપવો નહીં પડે. મોટાભાગના કર્મચારીઓને ઘરેથી કામ કરવા અને ફોન અને અન્ય કોમ્યુનિકેશનના માધ્યમથી સેવા આપવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે પણ જરૂર પડે છે ત્યારે તેમને ઉપલબ્ધ રહેવામાં આવે છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસના સંસદસભ્ય અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કોવિડ-19થી સંકળાયેલા કેટલાંક સૂચનો કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં અમે સરકાર સાથે છીએ. અમે પણ સરકારની સાથે મળીને આ પડકારોનો સામનો કરીશું. તેમણે પત્રમાં લખ્યું હતું કે આ માનવ જાતિ સામેની કટોકટીના સમયમાં હું અને મારા હજ્જારો કોંગ્રેસી કાર્યકરો તમારી પડખે ઊભા છે. દેશમાં પ્રસરેલા કોરોના વાઇરસની લડાઈમાં સરકારના દરેક પગલાં અમારો તમને સાથ-સહકાર છે.
લોકડાઉનન સિવાય ગરીબો માટે પગલાં લેવાની જરૂર
રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું હતું કે દેશમાં સંપૂર્ણ લોકડાઉન છે ત્યારે ગરીબોનાં હિતમાં કેટલાંક પગલાં લેવાની જરૂર છે. લોકડાઉનને કર્યા પછી દેશના કેટલાક ભાગોમાંથી ગરીબો હેરાન-પરેશાન હોવાના અહેવાલ આવી રહ્યા છે. શનિવાર સાંજે તો આનંદ વિહાર પર ગરીબો અને દાડિયા મજૂરો પોતપોતાનાં ઘરે જવા ઉતાવળા બન્યા હતા. આ પહેલાં દિલ્હી-ગાજિયાબાદ સરહદે પણ સેંકડો લોકો રસ્તા પર આવી ગયા હતા અને પગપાળા આ લોકો ઘર તરફ જવા રવાના થયા હતા.
તેમણે પત્રમાં લખ્યું હતું કે કોરોનાની કટોકટીમાં દેશની ઘણી કફોડી પરિસ્થિતિમાં મુકાયો છે. આપણે અન્ય મોટા દેશોએ અપનાવેલી સંપૂર્ણ લોકકડાઉનની વ્યૂહરચના કરતાં અન્ય પગલાં લેવાની જરૂર છે. દેશમાં અસંખ્ય ગરીબ લોકો દૈનિક આવક પર નિર્ભર છે ત્યારે આપણે બધી આર્થિક પ્રવૃત્તિ ઠપ ના કરી શકીએ. જો દેશમાં સંપૂર્ણ આર્થિક પ્રવૃત્તિ બંધ થશે તો કોવિડ-19 વાઇરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો થશે.
સરકારે વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા આપીને તેમને આઇસોલેટ કરવાની જરૂર છે. યુવાનો જે વતન ફર્યા એનાથી ચેપ વધુ ફેલાવાની શક્યતા
વળી આ ઘાતક વાઇરસ સામે લોકો સાથે સ્પષ્ટ અને વિસ્તૃત સંદેશવ્યવહાર કરવાની જરૂર છે. દેશનાં ગામડાંઓમાં લાખ્ખો વરિષ્ઠ નાગરિકો રહે છે, સંપૂર્ણ લોકડાઉનથી બેરોજગાર યુવાનો તેમના વતન પરત ફરશે, જેને લીધે તેમનાં માતા-પિતા, દાદા-દાદીને અને વરિષ્ઠ નાગરિકકોને આ રોગનો ચેપ લાગવાની વધુ શક્યતા છે, જેને પરિણામે અનેક લોકોનાં મોત થશે. ગરીબને સામાજિક સુરક્ષા આપવાની જરૂર
આપણે ગરીબ શ્રમિકને મદદ કરવા માટે સામાજિક સુરક્ષા બનાવવાની જરૂર છે, તેમના માટે જાહેર સ્થળોએકામચલાઉ શેલ્ટર બનાવવાની જરૂર છે. સરકારે ગરીબો માટે જે નાણાકીય પેકેજ જાહેર કર્યું છે સરાહનીય પગલું છે, પણ એનું અમલીકરણની સ્પષ્ટ રૂપરેખા જાહેર કરો. કામચલાઉ બેડ અને વેન્ટિલેટર્સ ઊભા કરવાની તાતી જરૂરિયાત
દેશની વિશાળ વસતિને ધ્યાનમાં રાખતાં આ રોગ સામે લડવા માટે મોટી હોસ્પિટલોમાં હજ્જારો બેડ્સ અને વેન્ટિલેટર્સની સુવિધા ઊભી કરવાની જરૂર છે. જેથી આ દર્દીઓને રાખી શકાયઆ ઉફરાંત જરૂરી આરોગ્યનાં સાધનોનું ઝડપી ઉત્પાદન કરવાની તાતી જરૂર છે, જે આપણને હાલ જરૂરી છે. કોરોના માટેના ટેસ્ટ કરવા માટેનાં વધુ કેન્દ્રો શરૂ કરવાની જરૂર છે ,જેથી આ વાઇરસને વધુ ફેલાતો અટકાવી શકાય અને આપણને આ વિશેનું સચોટ ચિત્ર મળી શકે.
સરકારે અચાનક લોકડાઉન કર્યું તેથી લોકોમાં ગભરાટ ફેલાયો અને મૂંઝવણમાં મુકાઈ ગયા. જેથી આ લોકો નિસહાય થઈ ગયા અને મને આગામી કેટલાક મહિનાઓ સુધી નાણાકીય સુરક્ષા આપવાની જરૂર છે.
નવી દિલ્હીઃ સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસથી નિધન થઈ ગયું છે. મારિયા વિશ્વમાં શાહી પરિવારના પ્રથમ સભ્ય છે જેનું આ મહામારીથી મોત થયું છે. 86 વર્ષીય રાજકુમારી મારિયા સ્પેનના રાજા ફેલિપે છઠ્ઠાની પિતરાઈ બહેન હતા. રાજકુમારી મારિયાના ભાઈ રાજકુમાર સિફ્ટો એનરિક ડી બોરબોને ફેસબુક પર રાજકુમારીના નિધનની જાણકારી આપી છે.
રાજકુમાર સિક્ટોએ જણાવ્યું કે રાજકુમારી મારિયાનું ફ્રાન્સની રાજધાની પેરિસમાં નિધન થયું છે. રાજકુમારી મારિયાનું નિધન તેવા સમય પર થયું છે જ્યારે સ્પેનના રાજા ફેલિપેની કોરોનાની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 28 જુલાઈ 1933માં જન્મેલા રાજકુમારી મારિયાએ ફ્રાન્સમાં અભ્યાસ કર્યો હતો અને પેરિસના વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર બન્યા હતા.
રાજકુમારી મારિયા મેડ્રિડની એક વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરાવતા હતા. તેઓ પોતાના આઝાદ વિચારો માટે જાણીતા હતા. તેમને રેડ પ્રિન્સેસના નામથી પણ બોલાવવામાં આવતા હતા. શુક્રવારે મેડ્રિડમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તો બ્રિટનના રાજકુમાર ચાર્લ્સ પણ કોરોનાથી પીડિત છે. રાજકુમાર ચાર્લ્સ હાલ ક્વોરેન્ટાઇનમાં છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પણ કોરોનાથી પીડિત છે.
મુંબઈઃ સ્પાઈસજેટ દ્વારા આજે જણાવવામાં આવ્યું છે કે એના એક પાઈલટે માર્ચ મહિનામાં એકેય ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાવી નહોતી તે છતાં એનો કોરોના વાઈરસ (COVID-19)નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
એરલાઈનના એક પ્રવક્તાએ કહ્યું કે, અમારા એક સાથી, જે ફર્સ્ટ ઓફિસર છે, એને COVID-19 લાગુ પડ્યો છે. એનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ રિપોર્ટ 28 માર્ચે આવ્યો હતો. એણે આ વર્ષના માર્ચમાં એકેય ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેટ કરી નહોતી તે છતાં એને કોરોના થયો છે.
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, એ પાઈલટે છેલ્લે એની ડોમેસ્ટિક ફ્લાઈટ ગઈ 21 માર્ચે ઓપરેટ કરી હતી. એ ફ્લાઈટ ચેન્નાઈથી દિલ્હીની હતી. એ પછી એણે પોતાને ઘરમાં જ સેલ્ફ-ક્વોરન્ટાઈન કર્યો હતો.
સાવચેતીના પગલા તરીકે એ પાઈલટ સાથે સીધા સંપર્કમાં રહેલા તમામ ક્રૂ મેમ્બર્સ તથા અન્ય સ્ટાફ સભ્યોને પણ આવતા 14 દિવસો માટે સેલ્ફ-ક્વોરન્ટાઈન માટે એમના ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કન્ફર્મ્ડ કેસની સંખ્યા 987 છે. દેશમાં 25 જણના મોત થઈ ચૂક્યા છે. 87 જણ કોરોનાની બીમારીથી સાજા પણ થઈ ચૂક્યા છે.
સ્પાઈસજેટના પ્રવક્તાએ કહ્યું કે, કોરોનાગ્રસ્ત પાઈલટને યોગ્ય તબીબી કાળજી પૂરી પાડવા માટે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. અમારા પ્રવાસીઓ તથા કર્મચારીઓની સલામતી અમારે મન ટોચની પ્રાથમિકતા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસનો ફેલાવો ભારતમાં રોકવા માટે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. હાલ 14 એપ્રિલ સુધી તમામ ઈન્ટરનેશનલ તથા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, અમે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ભારત સરકાર દ્વારા ઈસ્યૂ કરાયેલી માર્ગદર્શિકાઓનું કડક રીતે અનુસરણ કરીએ છીએ. અમારા તમામ વિમાનોને સંપૂર્ણપણે જંતુમુક્ત કરવામાં આવી રહ્યા છે. આ બધું વિશ્વ આરોગ્ય સંસ્થાના ધારાધોરણો અનુસાર જ કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ દેશસેવાની ચાહના વ્યક્તિને ગમે તેવી પરિસ્થિતિમાં પણ ખડે પગે કાર્યરત બનાવી રાખે છે! જેમાં પુનાની મહિલા વાયરોલોજીસ્ટ મીનલને જેટલું બિરદાવીએ તેટલું ઓછું છે. કારણ, તેઓ પોતાની ગર્ભાવસ્થાના છેલ્લા દિવસો સુધી કોરોના ટેસ્ટીંગ કિટ બનાવવા માટેના પ્રોજેક્ટ પર કાર્યરત હતા!
વાયરોલોજીસ્ટ મીનલ દાખવે ભોંસલે પૂનાની એક ડાયગ્નોસ્ટિક ફર્મ માઈલેબ ડીસ્કવરી સોલ્યુશન્સમાં કોરોના વાયરસ માટેની ટેસ્ટિંગ કિટ બનાવવા છેલ્લા ફેબ્રુઆરી મહિનાથી કાર્યરત હતા. તે સમયે તેઓ પ્રેગ્નન્ટ હતા. હમણાં ગયા અઠવાડિયે જ એમણે પુત્રીને જન્મ આપ્યો છે.
પ્રોજેક્ટ પૂરો થતાં જ આપ્યો દીકરીને જન્મ
દેશનું આ પહેલું કોરોના ટેસ્ટિંગ છે. જે વિદેશી કિટના પ્રમાણમાં ઘણું જ સસ્તું છે. પૂનાની એક ડાયગ્નોસ્ટિક ફર્મ માઈલેબ ડીસ્કવરી સોલ્યુશન્સે કોરોના ટેસ્ટીંગ કિટ બનાવવાના પ્રોજેક્ટ પર ગયા ફેબ્રુઆરી મહિનાથી કામ શરૂ કર્યું હતું. તે વખતે મીનલ પ્રેગ્નન્ટ હતા. પણ મીનલ જણાવે છે કે, ‘આ પ્રોજેક્ટ કરવો જરૂરી હતો. એટલે મેં એક પડકાર તરીકે એને મેં સ્વીકાર્યો. મારે મારા દેશની સેવા કરવી છે.’ વધુમાં તેઓ જણાવે છે કે, ‘મારી ટીમમાં દસ સભ્યો હતા. આ દરેકે દરેક સભ્યોએ આ પ્રોજેક્ટ બનાવવા માટે ઘણો જ કઠોર પરિશ્રમ કર્યો છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ કિટને અમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIV)ને 18 માર્ચે સોંપ્યો અને બીજા જ દિવસે મેં પુત્રીને જન્મ આપ્યો.
વિદેશી કિટના પ્રમાણમાં ઘણું જ સસ્તું
દેશનું પહેલું કોરોના વાયરસ કિટ ગુરુવારે બજારમાં આવી ગયું છે. આ ટેસ્ટ કિટથી કોરોનાથી સંક્રમિત લોકોની તપાસ વધુ ઝડપી બનશે. એક અંગ્રેજી દૈનિકને મિનલે જણાવ્યું કે, ‘અમારું કિટ ફક્ત અઢી કલાકમાં ટેસ્ટનું પરિણામ આપી દે છે ત્યારે વિદેશી કિટને છથી સાત કલાક લાગે છે. દરેક માઈલેબ કીટ સો જેટલા ટેસ્ટ કરી શકે છે. દરેક ટેસ્ટની કિંમત માત્ર 1,200 રૂપિયા છે. જે વિદેશી ટેસ્ટ કરતાં પા ભાગ જેટલો ખર્ચ છે. વિદેશી ટેસ્ટિંગના 4,500 રૂપિયા થાય છે.
દરરોજ બને છે 15000 કિટ
માઈલેબ ડીસ્કવરી સોલ્યુશન્સ દરરોજની 15000 ટેસ્ટીંગ કિટ મ બનાવવાની ક્ષમતા છે. પૂના માં આવેલી લોનાવાલાની ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવે તો દરરોજ 25,000 કીટ બનાવી શકાય છે. તેમની કિટના પહેલા બૅચમાં પૂના, મુંબઈ, દિલ્હી, ગોવા અને બેંગલુરુના ડાયગ્નોસ્ટિક લેબમાં પ્રત્યેકને ૧૫૦ જેટલાં કિટ મોકલ્યા છે. સોમવાર સુધીમાં કીટ નો બીજો બૅચ પણ પહોંચી જશે.
શરૂઆતમાં સરકારે આ વાયરસની તપાસ વિદેશથી આવેલા અમુક લોકો માટે જ મર્યાદિત રાખી હતી. પરંતુ હવે સરકારે નિર્ણય બદલ્યો છે અને શ્વાસને લગતી ગંભીર સમસ્યા વાળા દર્દીઓને પણ કોરોના વાયરસની તપાસ કરવી જરૂરી બનાવી દીધી છે.
એક તરફ ગુજરાત-ભારતમાં લોકડાઉનની ચર્ચા છે, તો બીજી તરફ અમેરિકામાં લોકો અગાઉથી લોકડાઉન કેમ ન કર્યું એ વાતને લઇને ચિંતામાં છે. અમેરિકા જેવું અમેરિકા પણ કોરોના સામે ઝઝૂમી રહયું છે ત્યારે મિની-ગુજરાત ગણાતા ન્યૂજર્સી સહિત અમેરિકામાં આજકાલ કેવો માહોલ છે?
મૂળ ગુજરાતી અને હાલ અમેરિકામાં વસતા પત્રકાર નીરવ પટેલનો વિશેષ અહેવાલ…
જગત જમાદાર અને આર્થિક મહાસત્તા તરીકે ઓળખાતા અમેરિકાને પણ હવે ‘કોરોના વાયરસ’ એ બરોબર ભરડામાં લીધું છે, અને પરિસ્થિતિ આપણે ધારીએ એના કરતાં ય વધારે ગંભીર બનતી જતી દેખાય છે. એક તરફ, અમેરિકામાં જ પોઝિટીવ કેસનો આંકડો એક લાખની ઉપર પહોંચ્યો છે ત્યારે, અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓની ચિંતામાં પણ વધારો થયો છે. થોડા વર્ષોથી સ્થાયી થયેલા ગુજરાતીઓ સિવાય, ખાસ કરીને જે લોકો સ્ટુડન્ટ વિઝા કે વિઝિટર્સ વિઝા પર આવ્યા છે તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. વર્ષોથી અહીં સ્થાયી થયેલા ગુજરાતી-ભારતીયો તો સમજી શકાય કે અહીંની સિસ્ટમ સાથે એડજસ્ટ થઇ ચૂક્યા હોય. એમના સ્થાનિક સંપર્કો પણ હોય એટલે મુશ્કેલીના સમયમાં એકબીજાને મદદનું આશ્વાસન પણ હોય, પરંતુ જે લોકો સ્ટુડન્ટ વિઝા પર છે કે વિઝિરટ વિઝા પર આવ્યા છે એમના માટે પ્રમાણમાં મુશ્કેલી વધારે છે.
અમેરિકાના નોર્થ ઈસ્ટ ભાગમાં ખૂબ જ પ્રમાણમાં ગુજરાતીઓ સ્થાયી થયેલા છે. આ વિસ્તાર એટલે કે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયેલા આ વાયરસ ના કારણે અહીં વસતા ગુજરાતીઓની તકલીફમાં વધારો થયો છે. લોકડાઉન જાહેર કર્યું ન હોવા છતાં પણ પરિસ્થિતિ લગભગ લોકડાઉન જેવી જ છે. રસ્તા સૂમસામ છે. રોડ પર જરૂર પૂરતી જ અવરજવર છે. ક્યાંક ક્યાંક ભારતીયોના ગ્રોસરી સ્ટોર ચાલુ છે, પણ ભારતીય ઉત્પાદનની સૌથી મોટી ગ્રોસરી ચેન ‘પટેલ બ્રધર્સ’ ગયા સોમવારથી તેમના તમામ સ્ટોર્સ બંધ કરવાની જાહેરાત કરી ચૂક્યું છે. તેમની website પણ ઓનલાઇન ઓડર્સના વધુ પડતા ટ્રાફિકના કારણે લગભગ બંધ થઈ ગઈ છે.
અમેરિકાના મધ્ય-દક્ષિણ વિસ્તાર મિસિસિપી રાજ્યના કોલંબસ ટાઉનમાં અંદાજિત ૭૫ જેટલા પટેલ પરિવાર વસે છે. દર વર્ષે અહીં ગુજરાતી પરંપરા પ્રમાણે તમામ તહેવારનું આયોજન કરવામાં આવે છે. છેલ્લે હોલિકાદહનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો, પણ ત્યાર પછીના તમામ કાર્યક્રમ આયોજન હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે. શહેર માં રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યૂ અમલમાં છે.
સાઉથ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં, જ્યાં ગયા સપ્ટેમ્બરમાં ‘Howdy મોદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ હ્યુસ્ટન શહેરમાં ભારતીઓ અને ગુજરાતીઓની સંખ્યા ઘણા પ્રમાણમાં છે. માનવામાં આવી રહ્યું છે કે આ જ શહેરમાં માર્ચની શરૂઆતમાં યોજાયેલા એક લગ્નના આયોજનના કારણે અહીંના ગુજરાતી લોકોમાં આ વાયરસએ દસ્તક દીધી છે. જો કે પણ તેની અધિકૃત વિગત પ્રાપ્ત થઇ નથી.
દરમ્યાન, ગુજરાતી સમાજના અગ્રણીઓ સાથેની ચર્ચામાં એક વાત સામે આવી કે જેમ ભારતમાં જનતા કરફ્યૂ પછી ૨૧ દિવસનું લોકડોઉન જાહેર કરવામાં આવ્યું છે એમ અમેરિકામાં પણ કરવાની જરૂર હતી, પણ એ ન કરવાના પરિણામે બીમારીનો આટલો બધો ફેલાવો થયો. હાલમાં લગભગ તમામ ગુજરાતી પરિવારો ઘરેથી જ કામ કરે છે અથવા ઘરે બેસી રહ્યા છે. બીજો કોઇ રસ્તો પણ નથી.
મહત્વનું છે કે, આ આફતના કારણે અમેરિકામાં હોટલ ઉદ્યોગને ખૂબ મોટી અસર થઇ છે. અને અને અહીંના હોટલ ઉદ્યોગમાંથી લગભગ 48 ટકા જેટલી હોટેલ્સ-મોટેલ્સ ગુજરાતીઓની માલિકીની છે! દેખીતી રીતે જ, આર્થિક રીતે ગુજરાતીઓન ઘણું નુકસાન સહન કરવાનું આવશે. વળી, આ ઉદ્યોગ અહીં સૌથી વધુ રોજગારનો ફાળો આપે છે એટલે એ રીતે પણ ગુજરાતીઓની હાલત અહીં કફોડી બની ચૂકી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોના કોવીડ19 ના કુલ 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં ત્રણ નવા કેસ નોંધાયા છે.
અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો.આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. આ સિવાય 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. આમ ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં નવા ત્રણ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.
તાજેતરના આંકડા પ્રમાણે, કોરોના વાયરસના કારણે પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે 19,661 વ્યક્તિઓ ક્વૉરેન્ટાઈન હેઠળ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ક્વૉરેન્ટાઈનનો ભંગ કરનાર 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે હાલ જ્યારે આખા દેશમાં 21-દિવસનું લોકડાઉન ઘોષિત કરાયું છે ત્યારે સ્થળાંતરિત મજૂરો-કામદારોની હિલચાલને રોકવા માટે રાજ્ય તથા જિલ્લા સરહદોને અસરકારક રીતે બંધ કરી દેવાની કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને સૂચના આપી છે.
કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવો તથા પોલીસ વડાઓ સાથે આજે વિડિયો કોન્ફરન્સ કરી હતી અને એમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી તમામ શહેરોમાં કે હાઈવે ઉપર લોકોની હિલચાલ બંધ થવી જોઈએ.
સરકારી અધિકારીએ કહ્યું કે દેશના કેટલાક ભાગોમાં માઈગ્રન્ટ કામદારોની આવ-જા જોવા મળી છે. રાજ્યોની તેમજ જિલ્લાઓની સરહદોને અસરકારક રીતે સીલ કરી દેવાના આદેશો આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવ્યો છે કે શહેરોમાં તેમજ ધોરીમાર્ગો પર લોકોની કોઈ પ્રકારની હિલચાલ દેખાવી ન જોઈએ. માત્ર માલસામાન માટે જ અવરજવર કરવાની પરવાનગી આપવાની.
આ આદેશોનો અમલ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટો અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ વ્યક્તિગત રીતે જવાબદાર ગણાશે.
સ્થળાંતરિત મજૂરો-કામદારો સહિત ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને એમના કામકાજના જ સ્થળે ખાવાનું તેમજ આશરો પૂરા પાડવા માટેની પર્યાપ્ત વ્યવસ્થા થવી જોઈએ.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત‘ દ્વારા દેશને સંબોધિત કર્યો હતો. તેમણે સૌપ્રથમ દેશભરમાં જનતાથી આ લોકડાઉન અને લોકોને થનારી હેરાનગતિ માટે માફી માગી હતી. મને વિશ્વાસ છે કે તમે મને જરૂર માફ કરશો. ગરીબ ભાઈ-બહેનોની પણ માફી માગું છું. તમારી મુશ્કેલીઓ હું સમજી શકું છું, પણ દેશની 130 કરોડની વસતિને બચાવવા માટે આ પગલું ભરવું અત્યંત જરૂરી હતું. આના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. આ રોગને પ્રસરતો અટકકાવવા માટે અને એનાથી થતા નુકસાનને ઓછું કરવા માટે લોકડાઉન કરવું પડ્યું હતું, એમ તેમણે કહ્યું હતું.
કોરોના વાઇરસથી વિશ્વને કેદ
વડા પ્રધાને મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે કોરોનાથી દેશવાસીઓને બચાવવા માટે કડક પગલાં લેવાં આવશ્યક છે. વિશ્વની હાલત જોયા પછી લાગ્યું હતું કે આનાથી બચવાનો એકમાત્ર રસ્તો લોકડાઉન છે. કોરોનાવાઇરસે વિશ્વને કેદ કર્યું છે. એ દરેક પ્રકારના પડકાર આપી રહ્યો છે. આ વાઇરસ વ્યક્તિને મારવાની જીદ લઈને આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો સાથે સંવાદ સાધતાં નીચેની વાત કરી હતી…
તેમણે સૌ પહેલાં લોકડાઉન કરવા બદલ દેશની જનતાથી માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસનો ચેપ અટકાવવા માટે લોકકડાઉનનો કડક નિર્ણય લેવો પડ્યો હતો.
તેમણે કહ્યું હતું કે વિશ્વની હાલત જુઓ. તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે આ એક જ રસ્તો બચ્યો હતો. અનેક લોકો મારાથી નારાજ હશે કે કેવી રીતે બધાને ઘરમાં બંધ કરી દીધા છે. તમને જે અસુવિધા થઈ છે. એના માટે ક્ષમા માગું છું
તમારે લક્ષમણરેખાનું પાલન કરવું પડશે, જો નહીં પાળો તો તમને જ નુકકાન થશે.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ વધારો અને ઇમોશનલ ડિસ્ટન્સિંગ ઘટાડો, સંબંધોને મજબૂત કરવાનો આ સમય છે.
કોઈ કાયદો, કોઈ નિયમ તોડવા ઇચ્છતું, પણ કેટલાક લોકો હજી આવું કરી રહ્યા છે. આ લોકો પરિસ્થિતિની ગંભીરતા નથી સમજી રહ્યા.
વડા પ્રધાન કહ્યું હતું કે કેટલાક લોકો આઇસોલેશનમાં રહેતા લોકો અથવા હોસ્પિટલો વગેરેમાં કતામ કરતા લોકો સાથે ખરાબ વ્યવહાર કરે છે. હાલ તેમની સાથે સહાનુભૂતિ રાખો અને તેમને સહકાર આપો.
કેટલાક લોકો જે કોરોનાથી સંદિગ્ધ છે, તેમની સાથે પણ દુર્વ્યવહાર કરી રહ્યા છે. તેમની સાથે સહાનુભૂતિ રાખો અને તેમની મુશ્કેલીઓ સમજવાનો પ્રયાસ કરો
કોરોનાથી લડવાનો મતલબ સોશિયલ ડિસ્ટન્સિંગ છે, પણ એનો અર્થ એવૌ નથી કે સોશિયલ ઇન્ટરેક્શનને ખતમ કરવાનો છે.
આ સમય સંબંધોમાં તાજગી લાવવાનો છે, પ્રાણ ફૂંકવાનો છે. આ સમય સોશિયલ ડિસ્ન્સિંગ ઘટાડવાનો અને ભાવનાત્મક ડિસ્ન્ટન્સ ઘટાડવાનો છે.
કોરોનાની સામે જંગ એટલે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ છે અને આ જંગમાં આપણે જીતવાનો છે.
રોગ અને શત્રુને ઊગતો જ ડામી દેવો જોઈએ એમ બીમારી અને એના પ્રકોપથી શરૂઆતમાં જ ઉપચાર કરવો જોઈએ. ત્યાર બાદ રોગ એસાધ્ય થઈ જાય અને સારવાર મુશ્કેલ બની જાય છે. આજે સંપૂર્ણ ભારત એમ જ કરી રહ્યું છે.
કોરોના સામેના જંગમાં અનેક યોદ્ધા એવા છે કે જે ઘરોમાં નહીં, ઘરથી બહાર નીકળીને આ વાઇરસનો મુકાબલો કરી રહ્યા છે, જે આપણા ફ્રન્ટ લાઇન સોલ્જર્સ છે. તેમનાથી આપણે પ્રેરણા લેવાની છે.
કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે કે વિદેશથી આવેલા અથવા એરલાઇનના કર્મચારીઓ સાથે કેટલાક લોકો ખરાબ વર્તન કરી રહ્યા છે. આ સિવાય એરલાઇન્સમાં કામ કરતી મહિલાની માતાને દુકાકનદારે ચીજવસ્તુઓ આપવાનો ઇનકાર કરી દીધો.
કેટલાક લોકએ પોતાના ભાડૂઆતોને ઘર છોડવાની ધમકી આપી દીધી છે. ઉદેપુરમાં હોસ્પિટલમાં કામ કરતા લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના ઘર છોડી દે.
કેટલાક એવા મામલા સામે આવ્યા છે કે કોઈ વ્યક્તિને કોરોનાની શંકા હોય તેનાથી તેનાં સગાવહાંલાઓએ એ લોકોથી ભાવનાત્મક અંતર બનાવી લીધું.
વડા પ્રધાન મોદીએ એ પણ કહ્યું હતું કે તમારે બહાર નહીં જવાનું એનો મતલબ એ નથી કે તમે તમારી અંદર (અંતરાત્મા) પણ ના જુઓ. તમે હાલ તમારા જૂના શોખ અને યાદોને તાજા કરી શકો છે. આ સિવાય સંબંધોને વધુ મજબૂત પણ કરી શકો છો. વડા પ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં એ લોકોથી વાત કરી હતી, જેમણે કોરોનાથી મુક્ત થયા હતા અને એ લોકો સાથે પણ વાત કરી હતી કે જે લોકો હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે.