ઓસ્ટ્રેલિયાએ સરહદો સીલ કરીઃ ટીમ ઈન્ડિયાનો પ્રવાસ કદાચ રદ થશે

મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ઓસ્ટ્રેલિયાની સરહદોને આવતા છ મહિના માટે સીલ કરવાનો ઓસ્ટ્રેલિયાની સરકારે નિર્ણય લેતાં ભારતીય ક્રિકેટ ટીમનો આ વર્ષના અંત ભાગે નિર્ધારિત પ્રવાસ મોટે ભાગે રદ કરવો પડશે.

ભારતીય ટીમ આ વર્ષના ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં ટ્વેન્ટી-20 ટ્રાઈ-સિરીઝ અને ડિસેંબરમાં ટેસ્ટ સિરીઝ રમવાની છે.

એની વચ્ચે, વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધા યોજાશે, જે ઓક્ટોબરની 18મીથી શરૂ થવાનું નિર્ધારિત છે. પરંતુ, કોરોના વાઈરસને કારણે દુનિયાભરમાં આરોગ્યને લગતી ઊભી થયેલી કટોકટીને કારણે આ વર્લ્ડ કપ પણ રમાશે કે કેમ તે વિશે શંકા છે.

ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 2000થી વધારે પોઝિટીવ કેસો નોંધાયા છે. 16 જણના મૃત્યુ થયા છે. પરિણામે સરકારે દેશની સરહદોને સીલ કરી દેવાનું નક્કી કર્યું છે. જાહેરમાં બે જણથી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકાશે.

દુનિયાભરમાં કોરોનાને કારણે 30 હજારથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ વર્ષની આઈપીએલ સ્પર્ધા રમાડવી કે નહીં એ વિશે પણ હજી આખરી નિર્ણય લીધો નથી.

ભારતીય ટીમ આ વર્ષે શ્રીલંકા (વન-ડે, ટ્વેન્ટી-20 સિરીઝ), ઝિમ્બાબ્વે, એશિયા કપ (ટ્વેન્ટી-20) રમવા જવાની છે તેમજ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે વ્હાઈટ બોલ સિરીઝ નિર્ધારિત છે.

ઓસ્ટ્રેલિયાએ છ-મહિનાનો ટ્રાવેલ પ્રતિબંધ મૂકતા કોઈ પણ ટીમ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશી નહીં શકે. પરિણામે વર્લ્ડ ટ્વેન્ટી-20 સ્પર્ધા અને ભારતીય ટીમનો પ્રવાસ પણ રદ થશે.

જો ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા પાછળ ઠેલવામાં આવશે તો ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર-ટેસ્ટની સિરીઝ પણ પાછી ઠેલાશે. એ સિરીઝ વર્લ્ડ ચેમ્પિયનશિપનો એક હિસ્સો રહેવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]