અમેરિકામાં વસતા ગુજરાતીઓની શું સ્થિતિ છે?

એક તરફ ગુજરાત-ભારતમાં લોકડાઉનની ચર્ચા છે, તો બીજી તરફ અમેરિકામાં લોકો અગાઉથી લોકડાઉન કેમ ન કર્યું એ વાતને લઇને ચિંતામાં છે. અમેરિકા જેવું અમેરિકા પણ કોરોના સામે ઝઝૂમી રહયું છે ત્યારે મિની-ગુજરાત ગણાતા ન્યૂજર્સી સહિત અમેરિકામાં આજકાલ કેવો માહોલ છે? 

મૂળ ગુજરાતી અને હાલ અમેરિકામાં વસતા પત્રકાર નીરવ પટેલનો વિશેષ અહેવાલ…


જગત જમાદાર અને આર્થિક મહાસત્તા તરીકે ઓળખાતા અમેરિકાને પણ હવે ‘કોરોના વાયરસ’ એ બરોબર ભરડામાં લીધું છે, અને પરિસ્થિતિ આપણે ધારીએ એના કરતાં ય વધારે ગંભીર બનતી જતી દેખાય છે. એક તરફ, અમેરિકામાં જ પોઝિટીવ કેસનો આંકડો એક લાખની ઉપર પહોંચ્યો છે ત્યારે, અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓની ચિંતામાં પણ વધારો થયો છે. થોડા વર્ષોથી સ્થાયી થયેલા ગુજરાતીઓ સિવાય, ખાસ કરીને જે લોકો સ્ટુડન્ટ વિઝા કે વિઝિટર્સ વિઝા પર આવ્યા છે તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. વર્ષોથી અહીં સ્થાયી થયેલા ગુજરાતી-ભારતીયો તો સમજી શકાય કે અહીંની સિસ્ટમ સાથે એડજસ્ટ થઇ ચૂક્યા હોય. એમના સ્થાનિક સંપર્કો પણ હોય એટલે મુશ્કેલીના સમયમાં એકબીજાને મદદનું આશ્વાસન પણ હોય, પરંતુ જે લોકો સ્ટુડન્ટ વિઝા પર છે કે વિઝિરટ વિઝા પર આવ્યા છે એમના માટે પ્રમાણમાં મુશ્કેલી વધારે છે.

અમેરિકાના નોર્થ ઈસ્ટ ભાગમાં ખૂબ જ પ્રમાણમાં ગુજરાતીઓ સ્થાયી થયેલા છે. આ વિસ્તાર એટલે કે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયેલા આ વાયરસ ના કારણે અહીં વસતા ગુજરાતીઓની તકલીફમાં વધારો થયો છે. લોકડાઉન જાહેર કર્યું ન હોવા છતાં પણ પરિસ્થિતિ લગભગ લોકડાઉન જેવી જ છે. રસ્તા સૂમસામ છે. રોડ પર જરૂર પૂરતી જ અવરજવર છે. ક્યાંક ક્યાંક ભારતીયોના ગ્રોસરી સ્ટોર ચાલુ છે, પણ ભારતીય ઉત્પાદનની સૌથી મોટી ગ્રોસરી ચેન ‘પટેલ બ્રધર્સ’ ગયા સોમવારથી તેમના તમામ સ્ટોર્સ બંધ કરવાની જાહેરાત કરી ચૂક્યું છે. તેમની website પણ ઓનલાઇન ઓડર્સના વધુ પડતા ટ્રાફિકના કારણે લગભગ બંધ થઈ ગઈ છે.

અમેરિકાના મધ્ય-દક્ષિણ વિસ્તાર મિસિસિપી રાજ્યના કોલંબસ ટાઉનમાં અંદાજિત ૭૫ જેટલા પટેલ પરિવાર વસે છે. દર વર્ષે અહીં ગુજરાતી પરંપરા પ્રમાણે તમામ તહેવારનું આયોજન કરવામાં આવે છે. છેલ્લે હોલિકાદહનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો, પણ ત્યાર પછીના તમામ કાર્યક્રમ આયોજન હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે. શહેર માં રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યૂ અમલમાં છે.

સાઉથ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં, જ્યાં ગયા સપ્ટેમ્બરમાં ‘Howdy મોદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ હ્યુસ્ટન શહેરમાં ભારતીઓ અને ગુજરાતીઓની સંખ્યા ઘણા પ્રમાણમાં છે. માનવામાં આવી રહ્યું છે કે આ જ શહેરમાં માર્ચની શરૂઆતમાં યોજાયેલા એક લગ્નના આયોજનના કારણે અહીંના ગુજરાતી લોકોમાં આ વાયરસએ દસ્તક દીધી છે. જો કે પણ તેની અધિકૃત વિગત પ્રાપ્ત થઇ નથી.

દરમ્યાન, ગુજરાતી સમાજના અગ્રણીઓ સાથેની ચર્ચામાં એક વાત સામે આવી કે જેમ ભારતમાં જનતા કરફ્યૂ પછી ૨૧ દિવસનું લોકડોઉન જાહેર કરવામાં આવ્યું છે એમ અમેરિકામાં પણ કરવાની જરૂર હતી, પણ એ ન કરવાના પરિણામે બીમારીનો આટલો બધો ફેલાવો થયો. હાલમાં લગભગ તમામ ગુજરાતી પરિવારો ઘરેથી જ કામ કરે છે અથવા ઘરે બેસી રહ્યા છે. બીજો કોઇ રસ્તો પણ નથી.

મહત્વનું છે કે, આ આફતના કારણે અમેરિકામાં હોટલ ઉદ્યોગને ખૂબ મોટી અસર થઇ છે. અને અને અહીંના હોટલ ઉદ્યોગમાંથી લગભગ 48 ટકા જેટલી હોટેલ્સ-મોટેલ્સ ગુજરાતીઓની માલિકીની છે! દેખીતી રીતે જ, આર્થિક રીતે ગુજરાતીઓન ઘણું નુકસાન સહન કરવાનું આવશે. વળી, આ ઉદ્યોગ અહીં સૌથી વધુ રોજગારનો ફાળો આપે છે એટલે એ રીતે પણ ગુજરાતીઓની હાલત અહીં કફોડી બની ચૂકી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]