અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે અને ચિંતાનો માહોલ ફેલાયો છે ત્યારે કેટલાય એવા લોકો છે કે જેનો રોટલો આ વાયરસે છીનવી લીધો છે તેવું કહીએ તો પણ કંઈ ખોટું નથી.
કલાક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક કલાકાર-કસબીઓ કે જેઓની સ્થિતિ સારી નથી અને જો તેમને કામ મળે તો જ તેમનું ઘર ચાલે તેવી સ્થિતિ છે તેવા લોકોને મદદ કરવા માટે જાણીતા નિર્માતા-દિગ્દર્શક અભિલાષ ઘોડા અને તેમની ટીમ આગળ આવી છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અભિલાષ ઘોડા કહે છે કે, લોકડાઉન જાહેર થયું પછી 27 માર્ચે તારીખે વિશ્વ રંગભૂમિ દિવસ હતો. મને થયું કે કલા જગત માટે શું સંદેશ મૂકવો? ગુજરાત અને ગુજરાત બહારના કેટલાય કલાકારો છે કે જે લોકો રોજે-રોજના પેમેન્ટ પર નિર્ભર હોય છે. નાના સિંગર્સ, સ્પોર્ટ બોયઝ, મ્યુઝીયન્સ, નાના આર્ટીસ્ટો અને એવા લોકો કે શો કે શૂટિંગ ચાલુ રહે તો જ તેઓ તેમનું ગુજરાન ચલાવી શકે.
આ વિચારીને એમણે મિત્રો સાથે મળીને સોશિયલ મીડિયા પર એક પહેલ કરી. ગુજરાતના લગભગ તમામ શહેરોમાં આ જ ઇન્ડસ્ટ્રીના સેવાભાવી લોકોની એક આખી ટીમ ઉભી કરીને ઘઉંનો લોટ, મગદાળ, ચોખા, તેલ, જરૂરી મસાલા, ચા-ખાંડ જેવી રોજિંદી જરૂરીયાતની એક કીટ બનાવીને છેવાડાના જરૂરિયાત વાળા કલાકારો-કસબીઓ સુધી પહોંચે તે દિશામાં કામગીરી શરૂ કરી.
ગુજરાતમાં આશરે 35 જેટલા કેન્દ્રો શરુ કરી દીધા અને નાનામાં નાના કલાકાર સુધી આ મદદ પહોંચી રહે તે માટેનો પ્રયત્ન થયો છે. અત્યાર સુધી કુલ 5000 જેટલી કીટ જરુરિયાતમંદો સુધી પહોંચાડી છે.
જાણીતા લોકગાયક કિર્તિદાન ગઢવીએ આ કાર્યમાં 1,11,000 નું દાન કર્યું છે તો બીજા અનેક નામી-અનામી કલાકારો અને કલા-સંસ્થાઓ એમાં આર્થિક સહયોગ પણ આપી રહી છે.
નવી દિલ્હી: પાકિસ્તાન નૌકાદળ અંગે એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાન નૌકાદળ એક અત્યંત ઘાતક સબમરીનનો ઉપયોગ કરી રહી છે જેને અત્યાર સુધી દુનિયાથી છૂપાવીને રાખી હતી. આ રહસ્યમય સબમરીન પાકિસ્તાનના કરાચી સ્થિત પીએનએસ ઈકબાલ સ્પેશિયલ નેવલ બેઝ પર તૈનાત છે. આ સબમરીનના ખુલાસા પછી ભારતની ચિંતા વધી ગઈ છે. આવો જાણીએ આ સબમરીન અંગે વિસ્તારથી….
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન નેવી સીલ આ કિલર સબમરીનનો ઉપયોગ કરી રહી છે. પાકિસ્તાનની આ સબમરીનનું નામ X-Craft છે. આ સબમરીન અંગેની તમામ માહિતી પાકિસ્તાને ગુપ્ત રાખી છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર પ્રથમ વખત વિશ્વ સમક્ષ આ સબમરીન અંગેની જાણકારી સામે આવી છે.
પાકિસ્તાનની આ સબમરીન કદમા નાની પણ અત્યંત ઘાતક છે. આને સ્પેશિયલ ફોર્સિસ માટે બનાવવામાં આવી છે. આ સબમરીન 55 ફૂટ લાંબી અને 7થી8 ફૂટ પહોળી છે. એક્સક્રાફ્ટનો ઉપયોગ અને તેને કમાન્ડ પાકિસ્તાનનું સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG N) કરે છે. આ અમેરિકન નેવી સીલની જેમ જ કામ કરે છે. એટલા માટે જ આને પાકિસ્તાની નેવી સીલ કહેવામાં આવે છે.
ઈટલીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ટેકનિકને બ્રિટિશ નૌકાદળ પાસેથી ખરીદી હતી. પાકિસ્તાનની અત્યાધુનિક એક્સક્રાફ્ટ સબમરીનની સરખામણી અમેરિકાની ડ્રાઈ કોમ્બેટ સબમરીન સાથે કરવામાં આવે છે. પાકિસ્તાન સરંક્ષણ ઉત્પાદન ડિવિઝનના વર્ષ 2016ના વાર્ષિક રિપોર્ટમાં માત્ર એટલી જ માહિતી આપવામાં આવી છે કે, આ સબમરીનની ડિઝાઈન અને નિર્માણ પાકિસ્તાનમાં જ કરવામાં આવ્યા છે.
સેટેલાઈટ તસવીરો પરથી જાણવા મળ્યું છે કે, આ સબમરીન પાણીમાં ઓછો સમય રાખવામાં આવે છે, મોટાભાગે તે પીએનએસ નેવલ બેઝ પર જ રહે છે. આ સબમરીનની વર્ષ 2016માં સ્પષ્ટ તસવીર સામે આવી હતી. અત્યારે આ સબમરીન કેવી હાલતમાં છે એ અંગે કોઈ જાણકારી નથી. આ સબમરીન ઉપર ટેન્ટ લગાવવામાં આવ્યા છે. કહેવમાં આવી રહ્યું છે કે, આ સબમરીનનું અત્યાર સમારકામ ચાલી રહ્યું છે. જોકે, આ સબમરીનનું સાચુ નામ શું છે અને તેનો ઉપયોગ શું કરવામાં આવી રહ્યો છે એ અંગે કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો.
વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન એવું વિચારી રહ્યું હતું કે, તે ભારતને સરળતાથી હરાવી દેશે. પાકિસ્તાને ભારત સાથે યુદ્ધની તૈયારી પહેલાથી જ આરંભી દીધી હતી. પાકિસ્તાને તેમના મિત્ર અમેરિકા પાસેથી યુદ્ધના નવા હથિયારોની ખરીદી પણ શરુ કરી દીધી હતી. તેમણે પીએનએસ-71 નેવલ સબમરીન ડાયબ્લો લીઝ પર લીધી હતી. એ સમયે ભારત પાસે એક પણ સબમરીન નહતી. પાકિસ્તાનને એ સમયે ભારતના સૌથી મોટા યુદ્ધ હથિયાર આઈએનએસ વિક્રાતની શક્તિનો પણ અંદાજ હતો. એટલા માટે પાકિસ્તાને વિક્રાંતને તોડી પાડવા માટે તેમની નેવલ સબમરીન ગાઝીને મોકલી હતી. ભારતીય નૌકાદળે પાકિસ્તાનને ચકમો આપીને આઈએનએસ રાજપૂતને આઈએનએસ વિક્રાંત બનાવીને મોકલી. જ્યારે પાકિસ્તાની સબમરીન ગાઝીએ આઈએનએસ રાજપૂત પર વિક્રાત સમજીને હુમલો કર્યો તો આઈએનએસ રાજપૂતે ગાઝીને તબાહ કરી દીધી હતી.
અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આપણે કેટલીક તકેદારી રાખવી જરુરી હોય છે. ત્યારે એન 75 માસ્કનો ઉપયોગ પણ હવે વધી ગયો છે અને તેની માંગ પણ ખૂબ વધી છે. N-95 માસ્કની ફિલ્ટરેશન કેપેસિટી 95% જેટલી હોય છે. 0.3 માઇક્રોનથી મોટા તમામ કણો (પાર્ટિક્યુલેટ મેટર) N95 માસ્ક ૯૫%ની ક્ષમતા સાથે ફિલ્ટર કરી શકે છે. જ્યારે N99 માસ્કની ગાળણ ક્ષમતા લગભગ ૧૦૦% (૯૯.૯૯%) હોય છે.અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ એસોશીએશન અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે હાલ દેશમાં અદ્યતન N99 માસ્કનું ઉત્પાદન WHO ના માપદંડ અનુસાર થઈ રહ્યું છે. ડી.આર.ડી.ઓ. ભારત સરકાર માન્ય માસ્ક ઉત્પાદન એકમ ધરાવે છે. અટીરા ભારતની એકમાત્ર સંસ્થા છે જ્યાં N99 માસ્કનું ફિલ્ટર મટીરીયલ તૈયાર કરવામાં આવે છે. અટીરા દ્વારા ૩,૮૫,૦૦૦ N99 માસ્ક બને તેટલું કાપડ ડી.આર.ડી.ઓ.ને આપવામાં આવ્યું છે. કુલ ઓર્ડર ૫ લાખ માસ્ક બને તેટલા કાપડનો છે. ‘અટીરા’ના નેનો વિભાગમાં અદ્યતન નેનો ઈલેક્ટ્રો સ્પિનીંગ મશીન રાજ્ય સરકારના ઉદ્યોગ કમિશનર કચેરીના આર્થિક સહયોગથી ખરીદવામાં આવ્યું છે.
કોટેડ ફાઇબરના ઉપયોગથી N99 માસ્કનું ફિલ્ટર લેયર તૈયાર કરવામાં આવે છે. N99 માસ્કમાં 5 લેયર આવે છે જેમાં ૩ સામાન્ય સ્તરની વચ્ચે ૨ ફિલ્ટર લેયર હોય છે. N99 માસ્ક ભારતમાં ઉપલબ્ધ વિવિધ માસ્કનો સર્વોચ્ચ પ્રકાર છે.
અટીરાના નાયબ નિયામક દિપાલી પ્લાવતના જણાવ્યા અનુસાર N99 માસ્ક ડી.આર.ડી.ઓ દ્વારા એઇમ્સ, સ્વાસ્થ્ય મંત્રાલય અને રક્ષા સંસ્થાનોને ઉપલબ્ધ કરાવાયા છે. દિપાલી પ્લાવતના જણાવ્યા અનુસાર અટીરા-ATIRA એક ટેક્સટાઇલ સંશોધન સંસ્થા છે, તેને ઉત્પાદન એકમમાં પરિવર્તિત કરવું એક પડકાર હતો. પરંતુ નેનો વિભાગની ટેકનિકલ ટીમ દ્વારા આ કામ પાર પાડવામાં આવ્યું. શરૂઆતમાં અહીં રોજના ૧૦,૦૦૦ માસ્ક માટેનું કાપડ તૈયાર થતું હતું જે ક્ષમતા હવે રોજના ૧૫ હજાર માસ્કના કાપડ સુધી વધારવામાં આવી છે.
માસ્ક ઉત્પાદનમાં સૌથી મોટો પડકાર લોકડાઉનને કારણે કાચા માલની ઉપલબ્ધતા અને માનવબળની આપૂર્તિ હતું. આવા સમયે ગુજરાત સરકારના સહકાર વિશે સુશ્રી દિપાલીબેન જણાવે છે કે. ડી.આર.ડી.ઓ. દ્વારા આ કામ સોંપાયાના દિવસે જ મને રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમનો ફોન આવ્યો અને કોઈપણ જરૂરિયાત માટે સંપૂર્ણ સહકારની તત્પરતા દાખવતામાં આવી હતી. અનિલ મુકિમના સહયોગથી રાજ્યની G.N.F.C. અને G.S.F.C. એ પણ કાચો માલ ગુજરાતમાંથી જ મળે તેવા પ્રયાસો કર્યા.
તેઓ કહે છે કે, પોલીએમાઇડ-૬ પ્રકારનું નાયલોન ફિલ્ટરના ઉત્પાદનમાં વાપરવામાં આવે છે આ માટેના ગ્રેન્યુઅલ્સ જર્મનીથી તાત્કાલિક લાવવાની જરૂરિયાત પડી હતી. ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલય અને વિદેશ મંત્રાલયના સહયોગથી ૪ ટન ગ્રેન્યુઅલ્સ પેસેન્જર પ્લેનથી ભારત પહોંચાડવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જર્મનીની એક ખાનગી કંપનીએ માનવતાના આ કામમાં કાચો માલ અટીરાને વિનામૂલ્યે પૂરો પાડ્યો હતો.
દિપાલીબેન જણાવે છે કે, ફોર્મિક એસિડનો જથ્થો ખૂટી પડતાં શહેરની એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજનો સંપર્ક કરવામાં આવ્યો. મોટાભાગના ઉદ્યોગો બંધ હોવાથી આ રસાયણ મેળવવું લગભગ અશક્ય હતું ત્યારે કોલેજના રસાયણ વિભાગના સહયોગથી એસિડનો જથ્થો ખરીદી શકાયો.
‘અટીરા’ના નેનો ટેકનોલોજી વિભાગમાં સાયન્ટિફિક ઓફિસર, રિસર્ચર, પ્રોડક્શન યુનિટ સહિત ૧૫ જેટલા લોકો કામ કરે છે. તમામને અવરજવર માટે પાસ તથા અમદાવાદમાં કાચા માલની આયાત અને કાપડની નિર્યાત માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અટીરાને સંપૂર્ણ સહયોગ મળ્યો અને તમામ મુશ્કેલીઓનું ઝડપી નિરાકરણ લાવવામાં તેઓ મદદરૂપ થયા.
ઉલ્લેખનીય છે કે, વિક્રમ સારાભાઇ અને કસ્તુરભાઇ લાલભાઇએ સ્થાપેલી સંસ્થા ‘અટીરા’ની વર્તમાન ઇમારતનો પાયો સરદાર વલ્લભભાઇ પટેલે નાખ્યો હતો. ‘અટીરા’ ઈસરો સાથે મળીને વિવિધ સંશોધન કાર્યો પણ કરી રહી છે. ટેક્સટાઇલ ક્ષેત્રે સંશોધનનો ઉત્કૃષ્ટ વારસો ધરાવતી ‘અટીરા’ કોરોનાની મહામારી સમયે ફરીથી દેશને કાજે આગળ આવી છે.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF)એ કહ્યું છે કે કોરોના વાઇરસના રોગચાળાને અટકાવવા માટે એશિયાના દેશોએ સારું પ્રદર્શન કર્યું છે. વર્ષ 2020માં વિશ્વના તમામ વિકસિત દેશોનો વિકાસદર નકારાત્મક રહેશે, પરંતુ ભારત અને ચીનનો ગ્રોથ રેટ સકારાત્મક રહેશે. ભારતનો વિકાસ દર 1.9 ટકા રહેવાની શક્યતા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે, જ્યારે ચીનનો વિકાસદર 1.2 ટકા રહેશે.
મોટા ભાગના દેશોનો વિકાસ નકારાત્મક રહેશે
કોરોનાને કારણે વર્ષ 2020માં વિશ્વના મોટા ભાગના દેશ પછી એ વિકસિત હોય કે વિકાસશીલ, નકારાત્મક ગ્રોથનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. IMFના અનુમાન મુજબ એડવાન્સ અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રમાં ગ્રોથ રેટ નકારાત્મક રહેશે. જોકે બે દેશ- ચીનનો વિકાસદર પોઝિટિવ રહેશે. ચીનના વિકાસદરનું અનુમાન 1.2 ટકા અને ભારતનો વિકાસદરનું અનુમાન સૌથી વધુ 1.9 ટકા દર્શાવ્યો હતો. 2021માં ચીન 9.2 ટકા અને ભારત 7.4 ટકાના દરથી વિકાસ કરે એવી શક્યતા છે.
કોરોનાના સામે એશિયન દેશોનું સારું પ્રદર્શન
IMFના એક અધિકારીએ કહ્યું હતું કે કોરોના વાઇરસ રોગચાળાને અટકાવવાની દિશામાં એશિયાના દેશો અન્ય દેશોની તુલનાએ સારો દેખાવ કરી રહ્યા છે. આ દેશો ઝડપથી વિકાસના માર્ગે પાછા ફરશે. IMFના એશિયા અને પ્રશાંત વિભાગના ડિરેક્ટર ચાંગ યોગ રીએ કહ્યું હતું કે એશિયામાં કોરોના વાઇરસની અસર દરેક ક્ષેત્રમાં થશે અને એ ગંભીર અને અજાણી હશે.
વિકાસદરમાં તેજી આવશે, પણ નુકસાનની ભરપાઈ જલદી નહીં
એશિયાનો વૃદ્ધિદર 2021માં વધીને 7.6 ટકા થવાની આશા છે, પરંતુ એનો મતલબ એ નથી કે પૂરા નુકસાનની ભરપાઈ તરત નહીં થઈ શકે. વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડાની અસર એશિયા પર અસર થશએ. જોકે એની વર્ષ 2021 દરમ્યાન આ રોગચાળાની અસર પહેલાંની તુલનાએ ઓછી રહેશે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ સામેની લડાઈ અને લોકડાઉનની સ્થિતિને લઈને આરોગ્ય, સૂચના અને પ્રસારણ ગૃહ મંત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડો. રમણ આર. ગંગાખેડકરે કહ્યું હતું કે રેપિડ એન્ટિ-બોડી જલદી નિદાન માટે નથી કરવામાં આવતા, પણ એનો ઉપયોગ એની દેખરેખ માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી અમે 2,90,401 લોકોનો ટેસ્ટ કર્યો છે. આમાંથી 30,043 લોકો કે જેમનો ટેસ્ટ કાલે કરવામાં આવ્યો હતો, એમાં 26,331 જણનો ટેસ્ટ ICMR નેટવર્કની 176 લેબમાં થયો હતો અને 3,712 ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં થયો, જેની સંખ્યા 78 છે.
અમેરિકા, ઇટાલી કરતાં ભારતમાં સરેરાશ વધુ લોકોના ટેસ્ટ
દેશમાં ટેસ્ટ ઓછા કરવામાં આવે છે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ભારત એક પોઝિટિવ કેસ મામલે 24 લોકોનો ટેસ્ટ કરે છે, જ્યારે જાપાન 11.7, ઇટાલી 6.7 અને અમેરિકા 5.3 ટેસ્ટ કરે છે.
325 જિલ્લાઓમાં કોઈ પણ કેસ નહીં
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે અમારી આ લડાઈમાં અત્યાર સુધી ફીલ્ડ સ્તરે કરવામાં આવેલા એક્શન હેઠળ 325 જિલ્લા એવા છે, જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. પુડુચેરમાં માહે એક જિલ્લો એવો છે કે જ્યાં પાછલા 28 દિવસોથી કોઈ પોઝિટિવ કેસ નથી આવ્ય. 17 રાજ્યોમાં 27 જિલ્લા છે, જ્યાં પાછલા 14 દિવસોથી કોઈ પોઝિટિવ કકેસ નથી નોંધાયો. અમારો મૃત્યુ દર 3.3 ટકા છે તો જે લોકો અત્યાર સુધી સાજા થયા છે એની ટકાવારી 12.02 ટકા છે.
નવી દિલ્હીઃ કોરોના સંકટને કારણે દેશમાં લોકડાઉન જારી છે. આ દરમ્યાન લોકો એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે વિડિયો કોલિંગ એપ ઝૂમ (Zoom App)નો ઉપયોગ કરી રહ્યા છે. મોટા ભાગની ઓફિસોમાં પણ વિડિયો કોન્ફન્સિંગ માટે આ એપનો ઉપયોગ કરવામાં આવી રહી છે. જોકે સરકારે એક એડવાઇઝરી જાહેર કરીને લોકોને ચેતવ્યા હતા કે આ એપ સુરક્ષિત નથી.
ઝૂમ મિટિંગ એપ વિડિયો કોન્ફરન્સ માટે સુરક્ષિત પ્લેટફોર્મ નથી. સરકારે આ બાબતમાં ગાઇડલાઇન્સ જારી કરી છે. જે ઉપયોગકર્તા ઝૂમ એપનો ઉપયોગ ખાનગી કાર્યો માટે કરે છે, તેમને માટે ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે.
લોકડાઉન દરમ્યાન લોકો એપનો ઉપયોગ સૌથી વધુ
લોકડાઉન દરમ્યાન લોકો આ એપનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે. ગૃહ મંત્રાલયે એક નવી એડવાઇઝરી જારી કરીને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ માટે ઝૂમ એપ એક સુરક્ષિત પ્લેટફોર્મ નથી જ નથી.
આ ગાઇડલાઇન્સની મદદથી ગેરકાયદે વ્યક્તિને કોન્ફરન્સમાં હસ્તક્ષેપ અને અવાંછિત કામગીરીને રોકી શકાય છે. આ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે તો ઉપયોગકર્તાઓ સિવાય કોઈ અન્ય વ્યક્તિ કામગીરીને પ્રભાવિત નથી કરી શકતી. પાસવર્ડ અને યુઝર એક્સેસ દ્વારા DOS અટેકને પણ રોકી શકાય છે.
ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સ મુજબ વધુ સેટિંગ લોગિન કરીને કરી શકાય છે અથવા પછી પોતાના લેપટોપ ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને કરી શકાય છે. કોન્ફરન્સ દરમ્યાન આ બદલાવ કરી શકાય છે. જોકે કેટલાંક સેટિંગ એક ખાસ ચેનલ પર જ કરી શકાય છે.
ઝૂમ એપથી વ્યક્તિગત સુરક્ષા જોખમાય
ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઝૂમ એપથી વ્યક્તિગત સુરક્ષાને લઈને કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે. ટિક ટોક અને ઝૂમ સર્વર ચીનમાં છે અને એમાં કેટલીક ખામીઓ છે ટેક્નિકલ વિશ્લેષણ કહે છે કે આ વિડિયો કોન્ફરન્સિંગ એપથી મિટિંગનો ડેટા લીક થઈ શકે છે.
વેપારીઓ અથવા સરકારી અધિકારીઓ આ એપનો ઉપયોગ ના કરે
એક અધિકારીએ કહ્યું હતું કે વેપારીઓ હોય કે સરકારી અધિકારી કૃપયા આનો ઉપયોગ ના કરે. ભારતની સાઇબર સિક્યોરિટી એજન્સીએ પહેલેથી જ ઉપયોગકર્તાઓને આ વિડિયો કન્ફરન્સિંગ એપમાંની ચૂકને લઈને જાગ્રત કર્યા છે. પાસવર્ડ લીક થવા પર અને હેકર્સ દ્વારા વિડિયો કોલ કોન્ફરન્સ દરમ્યાન હાઇજેક થવાની ફરિયાદો પછી આના માટે ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે.
મુંબઈઃ ક્રિકેટરો અને સંબંધિત વ્યાપારીઓને પૈસાથી અને દર્શકોને મનોરંજનથી ન્યાલ કરી દેતી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવાને ધ્યાનમાં લઈને અચોક્કસ મુદત સુધી સ્થગિત કરી દીધી છે.
આઈપીએલની 13મી આવૃત્તિ કે આઈપીએલ-2020ને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે એ વિશે ક્રિકેટ બોર્ડે તમામ આઠ ફ્રેન્ચાઈઝ ટીમોને જાણ કરી દીધી છે.
ભારત સરકારે દેશવ્યાપી લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યાની જાહેરાત કર્યા બાદ આઈપીએલના ચીફ ઓપરેટિંગ ઓફિસર હેમાંગ અમીને તમામ ફ્રેન્ચાઈઝ માલિકો સાથે બેઠક યોજી હતી અને એમને જણાવ્યું હતું કે કોરોના વાઈરસ રોગચાળાને કારણે આ સ્પર્ધા આ વર્ષે પરંપરાગત સમયગાળા એપ્રિલ-મે મહિનામાં યોજી શકાય એમ નથી.
આઈપીએલ સ્પર્ધાને મોકૂફ રાખવામાં આવશે એવી ધારણા હતી જ અને આખરે બીસીસીઆઈ તરફથી એની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
ગયા મંગળવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમનું રાષ્ટ્રવ્યાપી સંબોધન પૂરું કર્યાના થોડા જ કલાકો બાદ બીસીસીઆઈના હોદ્દેદારોએ વિડિયો કોન્ફરન્સ યોજી હતી.
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, ખજાનચી અરૂણ ધુમલ, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલ અને હેમાંગ અમીને નક્કી કર્યું હતું કે કોરોનાએ સર્જેલી કટોકટી જ્યાં સુધી હળવી ન થાય ત્યાં સુધી આઈપીએલ યોજી શકાશે નહીં.
2008માં આઈપીએલ સ્પર્ધાની શરૂઆત કરાઈ ત્યારથી આ પહેલી જ વાર સ્પર્ધાને ભારતના ઉનાળા દરમિયાન રમાડી શકાઈ નથી. અત્યાર સુધીમાં તમામ આવૃત્તિઓ માર્ચ અને મે મહિના વચ્ચેના સમયગાળામાં રમાડાઈ ચૂકી છે.
13મી આવૃત્તિને આ વર્ષની 29 માર્ચથી 24 મે વચ્ચેના સમયગાળામાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
માર્ચ મહિનામાં જ્યારે દેશમાં કોરોના વાઈરસના કેસો વધવા માંડ્યા ત્યારે બીસીસીઆઈએ આ સ્પર્ધાને 15 એપ્રિલ સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ, કેન્દ્ર સરકારે લોકડાઉનને 14 એપ્રિલથી 3 મે સુધી લંબાવતા બીસીસીઆઈએ હવે આઈપીએલને બેમુદત મોકૂફ રાખી દીધી છે.
સુરત : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્ય સચિવ અનિલ મુકિમ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, એ.સી.એસ. સંગીતા સિંહ અને સુરત શહેરનાં પોલીસ કમિશનર, મ્યુનિસીપલ કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લૉકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.
એવું જાહેર કરવામાં આવ્યું છે કે, આજે 16 એપ્રિલ- 2020 ગુરૂવારની મધ્યમરાત્રિથી 22 એપ્રિલ 2020 બુધવારના સવારે 6 વાગ્યા સુધી સુરત શહેરમાં 4 પોલીસ મથકો અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે. જે પોલીસ મથકોનાં વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા પોલીસ મથક, મહિધરપુરા પોલીસ મથક, લાલગેટ પોલીસ મથક, અઠવા પોલીસ મથક અને લિંબાયત પોલીસ મથકના કમરૂનગર પોલીસ મથક વિસ્તારમાં કર્ફ્યૂ રહેશે.
કર્ફ્યૂનાં આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે 1 થી 4 ના સમયમાં માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત આપવામાં આવશે.
નવી દિલ્હીઃ વિમાન પ્રવાસીઓને મોટી રાહત થાય એવો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. કોરોના વાઈરસને કારણે લાગુ કરેલા લોકડાઉનની મુદત 3 મે સુધી લંબાવવામાં આવી હોવાથી આ દિવસો દરમિયાન જેમણે વિમાન પ્રવાસ માટેની ટિકિટ બુક કરાવી હોય એમને પૂરેપૂરી રકમનું રીફંડ આપવાનો સરકારે તમામ એરલાઈન્સને આજે આદેશ આપ્યો છે.
કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઈન્સને આદેશ આપ્યો છે કે કોરોના વાઈરસ લોકડાઉનને કારણે ટિકિટો રદ થવાથી ગ્રાહકોને સંપૂર્ણ રીફંડ ચૂકવી દેવું.
એરલાઈન્સ માટે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ટિકિટ રદ કરવા પર કોઈ કેન્સલેશન ચાર્જ વસુલ કરવો નહીં.
મુલ્કી ઉડ્ડયન મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે જો કોઈ પ્રવાસીએ લોકડાઉનના પ્રથમ તબક્કા (25 માર્ચ-14 એપ્રિલ) દરમિયાન વિમાન પ્રવાસની ટિકિટ બુક કરાવી હોય તો એરલાઈને એને પૂરેપૂરી રકમનું રીફંડ આપી દેવું. પ્રવાસી ટિકિટ રદ કરવાની વિનંતી કરે એ તારીખથી 3 અઠવાડિયાની અંદર એને રકમનું રીફંડ મળી જવું જોઈએ.
મુલ્કી ઉડ્યન મંત્રાલયના સિનિયર અધિકારીઓ અને ભારતની એરલાઈન કંપનીઓના સીઈઓ વચ્ચે યોજાઈ ગયેલી બેઠકમાં રદ કરાયેલી ટિકિટનું પૂરું રીફંડ આપવું એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પોતાની ફ્લાઈટ રદ કરાય તો પ્રવાસીઓને રોકડમાં રીફંડ ન આપવાનો અને તેને બદલે ભવિષ્યમાં પ્રવાસ માટે ક્રેડિટ ઈસ્યૂ કરવાનો ડોમેસ્ટિક એરલાઈન્સોએ નિર્ણય લીધા બાદ ઘણા પ્રવાસીઓએ સોશિયલ મિડિયા પર એમની નારાજગી વ્યક્ત કરી હતી.
સ્પાઈસજેટે એક નિવેદનમાં જણાવ્યું છે કે જે લોકોએ 3 મે, 2020 સુધીના વિમાન પ્રવાસ માટે ટિકિટ બુક કરાવી હશે એ અમે રદ કરી રહ્યા છીએ. રદ કરાયેલી ટિકિટની સમગ્ર રકમને અમે ક્રેડિટ તરીકે જાળવી રાખીશું અને એ જ પ્રવાસી 28 ફેબ્રુઆરી, 2021 સુધી નવેસરથી ટિકિટ બુક કરાવે અને પ્રવાસ કરે ત્યારે એ રકમનો ઉપયોગ કરી શકશે.
સરકારે લોકડાઉનને 3 મે સુધી લંબાવી દીધું છે એટલે તમામ કમર્શિયલ એર પેસેન્જર સેવાઓને બીજા 19 દિવસ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.