ભારત-કઝાકિસ્તાન બિઝનેસ ડાયલોગમાં ગ્રીન એનર્જીથી લઈને ડાયરેક્ટ ફ્લાઇટ સુધી મંથન

ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને ટકાઉ વિકાસની ભાગીદારીને વધુ મજબૂત કરવાના હેતુથી અમદાવાદ ખાતે ‘ભારત-કઝાકિસ્તાન સ્ટ્રેટેજિક બિઝનેસ ડાયલોગ 2026’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ગુજરાત દ્વારા આયોજિત આ ઉચ્ચ સ્તરીય ફોરમનો મુખ્ય વિષય વેપાર, રોકાણ અને ટકાઉ વિકાસ માટે દ્વિપક્ષીય ભાગીદારીનું સુદ્રઢીકરણ રાખવામાં આવ્યો હતો. આ સંવાદમાં કઝાકિસ્તાનને યુરેશિયન બજારો માટે ભારતના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે સ્થાપિત કરવા માટે રાજદ્વારીઓ, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ મહત્વપૂર્ણ ચર્ચાની આગેવાની ભારતમાં કઝાકિસ્તાનના એમ્બેસેડર મહામહિમ અઝામત યેસ્કરાયેવ, સીએઆઈ (CII) ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અચલ બેકેરી અને સીએઆઈ ગુજરાત ઇન્ટરનેશનલ ટ્રેડ, એક્સપોર્ટ એન્ડ કોલાબોરેશન (ITEC) પેનલના નેતૃત્વ દ્વારા કરવામાં આવી હતી. કઝાકિસ્તાન દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી યેરમેક આઈતમાગામ્બેટોવે જણાવ્યું હતું કે, કઝાકિસ્તાનની ભૌગોલિક સ્થિતિ યુરોપ, એશિયા, ચીન અને રશિયાને જોડતા મહત્વના સેતુ સમાન છે, જે વૈશ્વિક રોકાણકારો માટે વૈવિધ્યસભર અને સુરક્ષિત સપ્લાય ચેઈન નેટવર્ક પૂરું પાડે છે.

લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક ક્ષેત્રો પર વિશેષ ભાર

ચર્ચા દરમિયાન લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. એમ્બેસેડરે ભારતીય ઉદ્યોગોને વેપારની ક્ષમતા વધારવા માટે ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) અને મલ્ટિમોડલ ટ્રાન્ઝિટ નેટવર્કનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત, ગુજરાતના મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમને ધ્યાનમાં રાખીને ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી, ક્રિટિકલ મિનરલ્સ અને પેટ્રોકેમિકલ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક તકોની ઓળખ કરવામાં આવી હતી.

અમદાવાદ-અલમાટી ડાયરેક્ટ ફ્લાઇટ અને ટેકનોલોજી સેક્ટરમાં સહયોગ

વેપાર અને પ્રવાસનને વેગ આપવા માટે અમદાવાદ અને કાઝકિસ્તાનના અલમાટી શહેર વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા અંગે પણ ગંભીર ચર્ચા થઈ હતી. આ સાથે હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ લોકલાઇઝેશન, એગ્રીકલ્ચર ટેકનોલોજી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંભાવનાઓ ચકાસવામાં આવી હતી. કઝાકિસ્તાને ભારતના ટેક લીડર્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ફિનટેક અને ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ કરવા આમંત્રણ આપ્યું હતું. વિશેષ આર્થિક ક્ષેત્રો (SEZs), રોકાણકારો માટે ટેક્સ બેનિફિટ્સ અને કુશળ માનવબળના કારણે કાઝકિસ્તાન બિઝનેસ શરૂ કરવા માટે એક આદર્શ વાતાવરણ પૂરું પાડે છે.

સીઆઈઆઈ (CII) ગુજરાતે રાજદ્વારી સંબંધોને સક્રિય વ્યવસાયિક સાહસોમાં બદલવા માટે બિઝનેસ ચેમ્બર્સની ભૂમિકાને પુનઃવ્યાખ્યાયિત કરી હતી. આ સંવાદ ગુજરાત અને સેન્ટ્રલ એશિયા વચ્ચેના વ્યૂહાત્મક જોડાણોને મજબૂત કરવા અને ટકાઉ આર્થિક પરિણામો મેળવવા માટેના સંયુક્ત સંકલ્પ સાથે સંપન્ન થયો હતો. છેલ્લા 130 વર્ષથી વધુ સમયથી કાર્યરત CII ભારતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વર્ષ 2026-27 માટે સંસ્થાએ એક્સિલરેટિંગ કોમ્પિટિટિવનેસ: ગ્રોથ, રેઝિલિયન્સ, ઇન્ક્લુઝન, સસ્ટેનેબિલિટી, ટ્રસ્ટ (સ્પર્ધાત્મકતા વધારવી: વૃદ્ધિ, સ્થિતિસ્થાપકતા, સર્વસમાવેશકતા, ટકાઉપણું, વિશ્વાસ) ને પોતાની થીમ તરીકે પસંદ કરી છે.