વડોદરા: બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યની ચોથી રિજનલ મીટ છે. મંગળવારે બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મનિષા વકીલ હાજર રહ્યા હતા.
વડોદરાની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ (GSFC) યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કોન્ફરન્સના બીજા દિવસે ‘આત્મનિર્ભર ભારત ઇન એરોસ્પેસ એન્ડ ડિફેન્સ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતમાં ડિફેન્સ ક્ષેત્રે ₹2550 કરોડના રોકાણ માટે MoU કરવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત સહભાગીઓ પાસેથી ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે અને તેને આગળ લઇ જવા માટે વિવિધ સૂચનો સાંભળીને તેમની સાથે સંવાદ કર્યો હતો.
સંરક્ષણ ક્ષેત્રમાં ₹2550 કરોડના રોકાણ માટે MoU
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં ચાર કંપનીઓએ કુલ ₹2550 કરોડના MOU કર્યા છે. જે ગુજરાતમાં ખેડા, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં કરવામાં આવશે. ડિફેન્સ ક્ષેત્રમાં થનારા આ રોકાણ દ્વારા 4 હજારથી વધુ રોજગારીનું સર્જન થશે. આ કંપનીઓ ડિફેન્સ સિસ્ટમ્સ, ડિફેન્સના સાધનો, એરોસ્પેસ ટુલિંગ અને એન્જિન તથા UAV સિસ્ટમ્સ અને એપ્લિકેશન હાર્ડવેરના નિર્માણ ક્ષેત્રે કાર્યરત છે.
રાજનાથસિંહે જણાવ્યું હતું કે, “ઔદ્યોગિક ક્ષેત્રમાં અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અહીં ઉપસ્થિત સ્ટાર્ટઅપ્સ કે ઉદ્યોગોને કોઈ પ્રશ્નો હોય અથવા તો તેમની પાસે કોઈ સૂચનો હોય, તો અમને જણાવો. તમે જણાવો કે સરકાર પાસેથી તમારી શું અપેક્ષા છે ? અમે એ જાણવા માંગીએ છીએ.”
આ પ્રસંગે ઉપસ્થિત સહભાગીઓએ ટેસ્ટિંગ સુવિધાઓને ગ્લૉબલ સ્તરની કેવી રીતે બનાવી શકાય, ટેસ્ટિંગ સુવિધાઓનું નિર્માણ, સંરક્ષણ ક્ષેત્રમાં ગુજરાતની ભૂમિકા, દેશમાં બેઝિક મટેરિયલ્સની ઉપલબ્ધતા, ગુજરાતમાં ડિફેન્સ કૉરિડોરના નિર્માણ અને અન્ય સંલગ્ન સૂચનો રજૂ કર્યા હતા.
એક સ્ટાર્ટઅપ તરીકે તમે સીધી સંરક્ષણ મંત્રીની અપોઇન્ટમેન્ટ લઈ શકો છો: સંરક્ષણ મંત્રી ડિફેન્સ ક્ષેત્રમાં કાર્યરત અને ડોન નિર્માણ કરતા અમૃત ડિફેન્સના ફાઉન્ડર નીલ વૈદ્યએ સંરક્ષણ મંત્રીને વિનમ્રતા પૂર્વક એક સૂચન રજૂ કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે ઘણીવાર તેમણે તેના ઉત્પાદો અને સેવાઓ માટે યોગ્ય એન્ડ યુઝરની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. તેના વિશે તેમણે મંત્રીશ્રી પાસેથી માર્ગદર્શન માંગ્યું હતું.
તેના જવાબમાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, “હું સતત ડિફેન્સ ક્ષેત્રમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરતો રહું છું. તેમના પ્રશ્નો, તેમને જે પડકારોનો સામનો કરવો પડે છે, તેની માહિતી મને મળતી રહે છે. અમારી સાથે અધિકારીઓ પણ મોજૂદ રહે છે. આવશ્યક સૂચનાઓ ત્યાંજ આપી દેવામાં આવે છે. આ ક્ષેત્રમાં વિવિધ કોન્ફરન્સિઝ અને કાર્યક્રમો સતત થતા રહે છે. પણ હું તમને કહીશ કે તમે કે કોઈ કોન્ફરન્સ થાય કે ન થાય, મિટિંગ પણ ભલે ન થાય, એક સ્ટાર્ટઅપ તરીકે તમે સીધી સંરક્ષણ મંત્રીની અપોઇન્ટમેન્ટ લઈ શકો છો.”
સેમિનારની શરૂઆત ગુજરાતના એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર અને ઇન્ડેક્સ બી (iNDEXTb)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) કે.સી. સંપત (IAS) દ્વારા કરવામાં આવી હતી. તેમણે સેમિનારમાં થનારી ચર્ચાઓ અંગેનો સંદર્ભ આપ્યો હતો અને ગુજરાતની ડિફેન્સ ઇકોસિસ્ટમ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદેશમાંથી આયાત કરવામાં આવતી સંરક્ષણની આઇટમો આપણા દેશમાં બનાવવામાં આવે, અને તેના માટે MSMEs કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે આ સેમિનારમાં ચર્ચા થશે. તેમણે જણાવ્યું હતું કે લઘુ ઉદ્યોગો ડિફેન્સ ક્ષેત્રને ઘણો સહયોગ કરી રહ્યા છે. MSMEs સંરક્ષણ ક્ષેત્ર માટેના આવશ્યક પાર્ટ્સ બનાવી શકશે અને તેને ઝડપથી ડિલિવર કરી શકશે. તેમણે જણાવ્યું હતું કે ડિફેન્સ ક્ષેત્રનું સ્વદેશીકરણ MSMEs વિના અધૂરું છે.
આ સેમિનારમાં લઘુ ઉદ્યોગ ભારતીના જનરલ સેક્રેટરી હંસરાજ ગજેરા, IIT ગાંધીનગરના ચીફ ટેક્નોલોજી ઓફિસર (સિસ્ટમ્સ) કોમોડોર મનીષ ત્રિપાઠી (નિવૃત્ત), ભારતીય વાયુસેનાના એર હેડક્વાર્ટર ખાતે એરોસ્પેસ ડિઝાઇન ડિરેક્ટોરેટના એર કોમોડોર જ્ઞાનદીપ સિંઘ અને DRDOના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સેક્રેટરી તથા ડિરેક્ટર જનરલ (PC&SI) ડૉ. ચંદ્રિકા કૌશિકે વિવિધ વિષયો પર સંબોધન કર્યું હતું અને પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
લઘુ ઉદ્યોગ ભારતીના જનરલ સેક્રેટરી હંસરાજ ગજેરાએ ‘રોલ ઑફ MSMEs ઇન ડિફેન્સ ઇન્ડિજિનાઇઝેશન’ (સંરક્ષણ સ્વદેશીકરણમાં MSMEsની ભૂમિકા) વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે સંરક્ષણ ક્ષેત્રમાં ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત’ની પહેલને આવકારી હતી અને જણાવ્યું કે દેશની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને આત્મનિર્ભરતા હાંસલ કરવામાં MSMEs (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો)ની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
તેમણે જણાવ્યું કે, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સાકાર કરવામાં MSMEs અત્યંત મહત્વની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે તેમની પાસે આ ક્ષેત્રમાં મહત્વના ઘટકો (સ્પેરપાર્ટ્સ) સપ્લાય કરવાની ક્ષમતા છે. ગુજરાત પાસે આ સેગમેન્ટ માટે એક મજબૂત આધાર છે અને તેમાં અપાર સંભાવનાઓ રહેલી છે.
IIT ગાંધીનગરના મુખ્ય ટેક્નોલૉજી અધિકારી (સિસ્ટમ્સ) કોમોડોર મનીષ ત્રિપાઠી (નિવૃત્ત) એ ‘ધ ઇવોલ્વિંગ લેન્ડસ્કેપ ઑફ વૉરફેર’ (યુદ્ધના બદલાતા પરિદૃશ્ય) વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “આજના સમયમાં યુદ્ધની પરંપરાગત વ્યાખ્યા બદલાઈ રહી છે. ડિજિટલ યુગમાં માહિતીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે ત્યારે સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોનોમસ સિસ્ટમ્સ, ડ્રોન ટેક્નોલોજી અને સુરક્ષિત સંચાર વ્યવસ્થા સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.”
તેમણે ઉમેર્યું કે, “ભવિષ્યના સંરક્ષણ પડકારોને ધ્યાનમાં રાખીને આપણે એવી ટેક્નોલોજી વિકસાવવી પડશે જે માત્ર આજની જરૂરિયાતો પૂરી ન કરે, પરંતુ આવનારા વર્ષોની સુરક્ષા જરૂરિયાતો માટે પણ સક્ષમ બને. IIT ગાંધીનગર જેવી સંસ્થાઓ, સરકાર અને સશસ્ત્ર દળો વચ્ચેનો સહયોગ આત્મનિર્ભર ભારતના સંરક્ષણ ક્ષેત્રને નવી દિશા આપી શકે છે. આજે યુદ્ધ માત્ર મેદાન પૂરતું સીમિત નથી રહ્યું; માહિતી, સાયબર ક્ષેત્ર અને નવી ટેક્નોલોજી પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી સંરક્ષણ ટેક્નોલોજીનો વિકાસ સમયની જરૂરિયાત છે.”
ભારતીય વાયુસેનાના એર હેડક્વાર્ટર ખાતે એરોસ્પેસ ડિઝાઇન ડિરેક્ટોરેટના એર કોમોડોર જ્ઞાનદીપ સિંહે એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર વિશેષ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, “આજના સમયમાં સુરક્ષા સંબંધિત પડકારો ભૌતિક સીમાઓથી આગળ વધી રહ્યા છે. હાઇપરસોનિક ટેક્નોલોજી જેવા પડકારોનો સામનો કરવા માટે દેશે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની જરૂર છે અને સંરક્ષણ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની વિદેશી નિર્ભરતા ઘટાડવી જરૂરી છે.”
તેમણે આત્મનિર્ભર ભારત માટે આર્થિક વિકાસ, મજબૂત નીતિ માળખું અને કુશળ માનવબળમાં રોકાણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે સહયોગ, નવીનતા અને ઝડપી પ્રક્રિયાઓ પર ધ્યાન આપવું પડશે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ અને સશસ્ત્ર દળો વચ્ચેનો સહયોગ ખૂબ જ જરૂરી છે.”
DRDOના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સેક્રેટરી તથા ડિરેક્ટર જનરલ (PC&SI) ડૉ. ચંદ્રિકા કૌશિકે એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રમાં સ્વદેશી ટેક્નોલોજીના વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “DRDO દ્વારા બ્રહ્મોસ, આકાશ જેવી વિવિધ સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓ વિકસાવવામાં આવી રહી છે. ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને હાઇપરસોનિક સિસ્ટમ્સ, સ્પેસ અને સાયબર ક્ષમતાઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લેસર આધારિત સિસ્ટમ્સ અને સુરક્ષિત સંચાર જેવી અદ્યતન ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.”
તેમણે ઉમેર્યું કે, “સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે સંશોધન, નવીનતા અને ટેક્નોલોજીનો વિકાસ જરૂરી છે. સૈનિકોની સુવિધા અને ક્ષમતાઓ વધારવા માટે નવી ટેક્નોલોજી વિકસાવવાની તેમજ પ્રોટોટાઇપ વિકાસ માટે MSME ક્ષેત્રનો સહયોગ વધારવાની પણ આવશ્યકતા છે. એકેડેમિયા, ઉદ્યોગ અને સરકાર વચ્ચેનો મજબૂત સહયોગ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને વધુ આત્મનિર્ભર બનાવી શકે છે.”
સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતોના પ્રેઝન્ટેશન અને સંબોધન બાદ ‘આયાત નિર્ભરતાથી સ્વદેશી ક્ષમતા સુધી: આત્મનિર્ભર એરોસ્પેસ અને સંરક્ષણ ઇકોસિસ્ટમનું નિર્માણ’ વિષય પર એક પેનલ ચર્ચા યોજાઇ હતી. આ પેનલ ચર્ચામાં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના પ્રો-વાઇસ પ્રેસિડેન્ટ કલ્પેશ એચ. વંડ્રાએ મોડરેટરની ભૂમિકા નિભાવી હતી. પેનલ ચર્ચામાં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી, ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝના ડાયરેક્ટર (પ્રોજેક્ટ્સ) એર કોમોડોર ડૉ. જયંતા કુમાર સાહૂ (નિવૃત્ત), શ્રીરામ એરોસ્પેસના સ્થાપક અને સીઇઓ સંદીપ સતાની, ફોર્બ્સ 30 U 30 એશિયા 2024માં ઇનસાઇડ FPV ડ્રોન્સના સીઇઓ અર્થ ચૌધરી, જૈવલ એરોસ્પેસના સ્થાપક અને સીઇઓ વિપુલ વાછાણી, હજીરા ખાતે એલ એન્ડ ટી પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ્સના સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજર, પ્રોજેક્ટ મેનેજમેન્ટ આનંદ મિસ્ત્રી, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના આસિસ્ટન્ટ જનરલ મેનેજર આશુતોષ સિંઘ બઘેલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.ના જનરલ મેનેજર શ્રીનિવાસ કે., IN-SPACeના સ્ટ્રેટેજી એન્ડ પ્લાનિંગના ડાયરેક્ટર એર વાઇસ માર્શલ ધનંજય ખોટ (નિવૃત્ત), ગુજરાત ચૅમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડિફેન્સ ટાસ્કફોર્સના ચેરમેન અંશુલ નાણાવટી અને સોસાયટી ઑફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચર્સના ચેરમેન પિયુષ તંબોલી સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં ડિફેન્સ ક્ષેત્રના વિવિધ સ્ટાર્ટઅપ્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ આભારવિધિ સાથે સેમિનારનું સમાપન કર્યું હતું.




