ગાંધીનગર: ગ્લોબલ વોર્મિંગ અને વધતા તાપમાન વચ્ચે વીજળીની વધતી માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. “વીજ બચત એ જ વીજ ઉત્પાદન”ના મંત્ર સાથે રાજ્યની તમામ સરકારી, અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનો અને જાહેર ઇમારતોમાં ઊર્જા બચત માટે વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગતેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ અંગેની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જારી કરાયેલી આ ગાઈડલાઈન મુજબ, કામકાજની ક્ષમતાને અસર કર્યા વિના બિનજરૂરી વીજ વપરાશ ઘટાડીને નાણાકીય શિસ્ત અને પર્યાવરણીય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સરકારી કચેરીઓને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવશે.
ઊર્જા બચત માટેની મુખ્ય માર્ગદર્શિકા:
-
એસીનું તાપમાન: તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડીશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત ૨૪ ડિગ્રી સેલ્સિયસ રાખવાનું રહેશે.
-
ઓટોમેશન ટેકનોલોજી: કચેરીના કોરિડોર્સ, મીટિંગ રૂમ, પાર્કિંગ અને શૌચાલયોમાં મેન્યુઅલ ભૂલોથી થતો વીજ વ્યય અટકાવવા ‘ઓક્યુપન્સી સેન્સર્સ’ અને ટાઈમર આધારિત ઓટોમેશન સિસ્ટમ લગાવવામાં આવશે.
-
ઉપકરણો બંધ રાખવા: ઓફિસ સમય બાદ, જાહેર રજાઓમાં કે અધિકારી ફિલ્ડ ડ્યુટી પર હોય ત્યારે તમામ લાઈટ, પંખા, એસી અને કમ્પ્યુટર ફરજિયાત બંધ કરવાના રહેશે. વોટર કુલર સાંજે ૬ થી સવારે ૯ વાગ્યા સુધી બંધ રાખવા પડશે. દેખરેખ માટે દરેક મોટા વિભાગમાં ‘નોડલ અધિકારી’ નિમાશે.
-
LED લાઈટો અને 5-સ્ટાર સાધનો: જૂની પરંપરાગત લાઈટોને બદલીને આધુનિક LED લાઈટો લગાવાશે અને નવી ખરીદીમાં માત્ર 5-સ્ટાર રેટિંગવાળા સાધનોને પ્રાથમિકતા અપાશે.
સ્ટ્રીટ લાઈટો અને સોલાર એનર્જી માટેનું આયોજન: મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં CCMS (સેન્ટ્રલાઇઝ કંટ્રોલ મોનિટરિંગ સિસ્ટમ) દ્વારા સ્ટ્રીટ લાઈટોને સૂર્યોદય અને સૂર્યાસ્તના ખગોળીય સમય સાથે લિંક કરી દરરોજ ૬૦ મિનિટની સીધી વીજ બચત કરાશે. રાત્રે ૧૨ થી સવારે ૪ દરમિયાન ઓછા ટ્રાફિક વાળા વિસ્તારોમાં પ્રાયોગિક ધોરણે એકાંતરે પોલની લાઈટો બંધ રખાશે. આ ઉપરાંત, સરકારી મકાનોની ખુલ્લી જગ્યામાં સોલાર પેનલ લગાવવામાં આવશે અને GEDA દ્વારા બંધ પડેલી સોલાર સિસ્ટમને પુનઃકાર્યરત કરાશે.
તમામ સરકારી વિભાગોએ આગામી ૪૫ દિવસમાં પોતાનો “ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન” તૈયાર કરી GEDAને સબમિટ કરવાનો રહેશે અને દર વર્ષે થર્ડ-પાર્ટી દ્વારા ફરજિયાત એનર્જી ઓડિટ કરાવવાનું રહેશે.




