ભારતમાં કોવિડ-19ના સરેરાશ ટેસ્ટ વધુ : ICMR

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ સામેની લડાઈ અને લોકડાઉનની સ્થિતિને લઈને આરોગ્ય, સૂચના અને પ્રસારણ ગૃહ મંત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડો. રમણ આર. ગંગાખેડકરે કહ્યું હતું કે રેપિડ એન્ટિ-બોડી જલદી નિદાન માટે નથી કરવામાં આવતા, પણ એનો ઉપયોગ એની દેખરેખ માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી અમે 2,90,401 લોકોનો ટેસ્ટ કર્યો છે. આમાંથી 30,043 લોકો કે જેમનો ટેસ્ટ કાલે કરવામાં આવ્યો હતો, એમાં 26,331 જણનો ટેસ્ટ ICMR નેટવર્કની 176 લેબમાં થયો હતો અને 3,712 ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં થયો, જેની સંખ્યા 78 છે.

અમેરિકા, ઇટાલી કરતાં ભારતમાં સરેરાશ વધુ લોકોના ટેસ્ટ

દેશમાં ટેસ્ટ ઓછા કરવામાં આવે છે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું  કે ભારત એક પોઝિટિવ કેસ મામલે 24 લોકોનો ટેસ્ટ કરે છે, જ્યારે જાપાન 11.7, ઇટાલી 6.7 અને અમેરિકા 5.3 ટેસ્ટ કરે છે.

325 જિલ્લાઓમાં કોઈ પણ કેસ નહીં

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ  લવ અગ્રવાલે કહ્યું હતું કે અમારી આ લડાઈમાં અત્યાર સુધી ફીલ્ડ સ્તરે કરવામાં આવેલા એક્શન હેઠળ 325 જિલ્લા એવા છે, જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. પુડુચેરમાં માહે એક જિલ્લો એવો છે કે જ્યાં પાછલા 28 દિવસોથી કોઈ પોઝિટિવ કેસ નથી આવ્ય. 17 રાજ્યોમાં 27 જિલ્લા છે, જ્યાં પાછલા 14 દિવસોથી કોઈ પોઝિટિવ કકેસ નથી નોંધાયો. અમારો મૃત્યુ દર 3.3 ટકા છે તો જે લોકો અત્યાર સુધી સાજા થયા છે એની ટકાવારી 12.02 ટકા છે.