વિમાન પ્રવાસીઓને પૂરું રીફંડ આપવાનો તમામ એરલાઈન્સને આદેશ

નવી દિલ્હીઃ વિમાન પ્રવાસીઓને મોટી રાહત થાય એવો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. કોરોના વાઈરસને કારણે લાગુ કરેલા લોકડાઉનની મુદત 3 મે સુધી લંબાવવામાં આવી હોવાથી આ દિવસો દરમિયાન જેમણે વિમાન પ્રવાસ માટેની ટિકિટ બુક કરાવી હોય એમને પૂરેપૂરી રકમનું રીફંડ આપવાનો સરકારે તમામ એરલાઈન્સને આજે આદેશ આપ્યો છે.

કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઈન્સને આદેશ આપ્યો છે કે કોરોના વાઈરસ લોકડાઉનને કારણે ટિકિટો રદ થવાથી ગ્રાહકોને સંપૂર્ણ રીફંડ ચૂકવી દેવું.

એરલાઈન્સ માટે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ટિકિટ રદ કરવા પર કોઈ કેન્સલેશન ચાર્જ વસુલ કરવો નહીં.

મુલ્કી ઉડ્ડયન મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે જો કોઈ પ્રવાસીએ લોકડાઉનના પ્રથમ તબક્કા (25 માર્ચ-14 એપ્રિલ) દરમિયાન વિમાન પ્રવાસની ટિકિટ બુક કરાવી હોય તો એરલાઈને એને પૂરેપૂરી રકમનું રીફંડ આપી દેવું. પ્રવાસી ટિકિટ રદ કરવાની વિનંતી કરે એ તારીખથી 3 અઠવાડિયાની અંદર એને રકમનું રીફંડ મળી જવું જોઈએ.

મુલ્કી ઉડ્યન મંત્રાલયના સિનિયર અધિકારીઓ અને ભારતની એરલાઈન કંપનીઓના સીઈઓ વચ્ચે યોજાઈ ગયેલી બેઠકમાં રદ કરાયેલી ટિકિટનું પૂરું રીફંડ આપવું એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પોતાની ફ્લાઈટ રદ કરાય તો પ્રવાસીઓને રોકડમાં રીફંડ ન આપવાનો અને તેને બદલે ભવિષ્યમાં પ્રવાસ માટે ક્રેડિટ ઈસ્યૂ કરવાનો ડોમેસ્ટિક એરલાઈન્સોએ નિર્ણય લીધા બાદ ઘણા પ્રવાસીઓએ સોશિયલ મિડિયા પર એમની નારાજગી વ્યક્ત કરી હતી.

સ્પાઈસજેટે એક નિવેદનમાં જણાવ્યું છે કે જે લોકોએ 3 મે, 2020 સુધીના વિમાન પ્રવાસ માટે ટિકિટ બુક કરાવી હશે એ અમે રદ કરી રહ્યા છીએ. રદ કરાયેલી ટિકિટની સમગ્ર રકમને અમે ક્રેડિટ તરીકે જાળવી રાખીશું અને એ જ પ્રવાસી 28 ફેબ્રુઆરી, 2021 સુધી નવેસરથી ટિકિટ બુક કરાવે અને પ્રવાસ કરે ત્યારે એ રકમનો ઉપયોગ કરી શકશે.

સરકારે લોકડાઉનને 3 મે સુધી લંબાવી દીધું છે એટલે તમામ કમર્શિયલ એર પેસેન્જર સેવાઓને બીજા 19 દિવસ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]