શું ખરેખર પાકિસ્તાન પાસે છે રહસ્યમય સબમરીન?

નવી દિલ્હી: પાકિસ્તાન નૌકાદળ અંગે એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાન નૌકાદળ એક અત્યંત ઘાતક સબમરીનનો ઉપયોગ કરી રહી છે જેને અત્યાર સુધી દુનિયાથી છૂપાવીને રાખી હતી. આ રહસ્યમય સબમરીન પાકિસ્તાનના કરાચી સ્થિત પીએનએસ ઈકબાલ સ્પેશિયલ નેવલ બેઝ પર તૈનાત છે. આ સબમરીનના ખુલાસા પછી ભારતની ચિંતા વધી ગઈ છે. આવો જાણીએ આ સબમરીન અંગે વિસ્તારથી….

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન નેવી સીલ આ કિલર સબમરીનનો ઉપયોગ કરી રહી છે. પાકિસ્તાનની આ સબમરીનનું નામ X-Craft છે. આ સબમરીન અંગેની તમામ માહિતી પાકિસ્તાને ગુપ્ત રાખી છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર પ્રથમ વખત વિશ્વ સમક્ષ આ સબમરીન અંગેની જાણકારી સામે આવી છે.

પાકિસ્તાનની આ સબમરીન કદમા નાની પણ અત્યંત ઘાતક છે. આને સ્પેશિયલ ફોર્સિસ માટે બનાવવામાં આવી છે. આ સબમરીન 55 ફૂટ લાંબી અને 7થી8 ફૂટ પહોળી છે. એક્સક્રાફ્ટનો ઉપયોગ અને તેને કમાન્ડ પાકિસ્તાનનું સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG N) કરે છે. આ અમેરિકન નેવી સીલની જેમ જ કામ કરે છે. એટલા માટે જ આને પાકિસ્તાની નેવી સીલ કહેવામાં આવે છે.

ઈટલીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ટેકનિકને બ્રિટિશ નૌકાદળ પાસેથી ખરીદી હતી. પાકિસ્તાનની અત્યાધુનિક એક્સક્રાફ્ટ સબમરીનની સરખામણી અમેરિકાની ડ્રાઈ કોમ્બેટ સબમરીન સાથે કરવામાં આવે છે. પાકિસ્તાન સરંક્ષણ ઉત્પાદન ડિવિઝનના વર્ષ 2016ના વાર્ષિક રિપોર્ટમાં માત્ર એટલી જ માહિતી આપવામાં આવી છે કે, આ સબમરીનની ડિઝાઈન અને નિર્માણ પાકિસ્તાનમાં જ કરવામાં આવ્યા છે.

સેટેલાઈટ તસવીરો પરથી જાણવા મળ્યું છે કે, આ સબમરીન પાણીમાં ઓછો સમય રાખવામાં આવે છે, મોટાભાગે તે પીએનએસ નેવલ બેઝ પર જ રહે છે. આ સબમરીનની વર્ષ 2016માં સ્પષ્ટ તસવીર સામે આવી હતી. અત્યારે આ સબમરીન કેવી હાલતમાં છે એ અંગે કોઈ જાણકારી નથી. આ સબમરીન ઉપર ટેન્ટ લગાવવામાં આવ્યા છે. કહેવમાં આવી રહ્યું છે કે, આ સબમરીનનું અત્યાર સમારકામ ચાલી રહ્યું છે. જોકે, આ સબમરીનનું સાચુ નામ શું છે અને તેનો ઉપયોગ શું કરવામાં આવી રહ્યો છે એ અંગે કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો.

વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન એવું વિચારી રહ્યું હતું કે, તે ભારતને સરળતાથી હરાવી દેશે. પાકિસ્તાને ભારત સાથે યુદ્ધની તૈયારી પહેલાથી જ આરંભી દીધી હતી. પાકિસ્તાને તેમના મિત્ર અમેરિકા પાસેથી યુદ્ધના નવા હથિયારોની ખરીદી પણ શરુ કરી દીધી હતી. તેમણે પીએનએસ-71 નેવલ સબમરીન ડાયબ્લો લીઝ પર લીધી હતી. એ સમયે ભારત પાસે એક પણ સબમરીન નહતી. પાકિસ્તાનને એ સમયે ભારતના સૌથી મોટા યુદ્ધ હથિયાર આઈએનએસ વિક્રાતની શક્તિનો પણ અંદાજ હતો. એટલા માટે પાકિસ્તાને વિક્રાંતને તોડી પાડવા માટે તેમની નેવલ સબમરીન ગાઝીને મોકલી હતી. ભારતીય નૌકાદળે પાકિસ્તાનને ચકમો આપીને આઈએનએસ રાજપૂતને આઈએનએસ વિક્રાંત બનાવીને મોકલી. જ્યારે પાકિસ્તાની સબમરીન ગાઝીએ આઈએનએસ રાજપૂત પર વિક્રાત સમજીને હુમલો કર્યો તો આઈએનએસ રાજપૂતે ગાઝીને તબાહ કરી દીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]