કલાજગત સાથે સંકળાયેલા કસબીઓને મદદ કરવાની પહેલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે અને ચિંતાનો માહોલ ફેલાયો છે ત્યારે કેટલાય એવા લોકો છે કે જેનો રોટલો આ વાયરસે છીનવી લીધો છે તેવું કહીએ તો પણ કંઈ ખોટું નથી.

કલાક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક કલાકાર-કસબીઓ કે જેઓની સ્થિતિ સારી નથી અને જો તેમને કામ મળે તો જ તેમનું ઘર ચાલે તેવી સ્થિતિ છે તેવા લોકોને મદદ કરવા માટે જાણીતા નિર્માતા-દિગ્દર્શક અભિલાષ ઘોડા અને તેમની ટીમ આગળ આવી છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અભિલાષ ઘોડા કહે છે કે, લોકડાઉન જાહેર થયું પછી 27 માર્ચે તારીખે વિશ્વ રંગભૂમિ દિવસ હતો. મને થયું કે કલા જગત માટે શું સંદેશ મૂકવો? ગુજરાત અને ગુજરાત બહારના કેટલાય કલાકારો છે કે જે લોકો રોજે-રોજના પેમેન્ટ પર નિર્ભર હોય છે. નાના સિંગર્સ, સ્પોર્ટ બોયઝ, મ્યુઝીયન્સ, નાના આર્ટીસ્ટો અને એવા લોકો કે શો કે શૂટિંગ ચાલુ રહે તો જ તેઓ તેમનું ગુજરાન ચલાવી શકે.

આ વિચારીને એમણે મિત્રો સાથે મળીને સોશિયલ મીડિયા પર એક પહેલ કરી. ગુજરાતના લગભગ તમામ શહેરોમાં આ જ ઇન્ડસ્ટ્રીના સેવાભાવી લોકોની એક આખી ટીમ ઉભી કરીને ઘઉંનો લોટ, મગદાળ, ચોખા, તેલ, જરૂરી મસાલા, ચા-ખાંડ જેવી રોજિંદી જરૂરીયાતની એક કીટ બનાવીને છેવાડાના જરૂરિયાત વાળા કલાકારો-કસબીઓ સુધી પહોંચે તે દિશામાં કામગીરી શરૂ કરી.

ગુજરાતમાં આશરે 35 જેટલા  કેન્દ્રો શરુ કરી દીધા અને નાનામાં નાના કલાકાર સુધી આ મદદ પહોંચી રહે તે માટેનો પ્રયત્ન થયો છે. અત્યાર સુધી કુલ 5000 જેટલી કીટ  જરુરિયાતમંદો સુધી પહોંચાડી છે.

જાણીતા લોકગાયક કિર્તિદાન ગઢવીએ આ કાર્યમાં 1,11,000 નું દાન કર્યું છે તો બીજા અનેક નામી-અનામી કલાકારો અને કલા-સંસ્થાઓ એમાં આર્થિક સહયોગ પણ આપી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]