સુરતના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ જાહેર

સુરત : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્ય સચિવ અનિલ મુકિમ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, એ.સી.એસ. સંગીતા સિંહ અને સુરત શહેરનાં પોલીસ કમિશનર, મ્યુનિસીપલ કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લૉકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.

એવું જાહેર કરવામાં આવ્યું છે કે, આજે  16 એપ્રિલ- 2020 ગુરૂવારની મધ્યમરાત્રિથી 22 એપ્રિલ 2020 બુધવારના સવારે 6 વાગ્યા સુધી સુરત શહેરમાં 4 પોલીસ મથકો અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે. જે પોલીસ મથકોનાં વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા પોલીસ મથક, મહિધરપુરા પોલીસ મથક, લાલગેટ પોલીસ મથક, અઠવા પોલીસ મથક અને લિંબાયત પોલીસ મથકના કમરૂનગર પોલીસ મથક વિસ્તારમાં કર્ફ્યૂ રહેશે.

કર્ફ્યૂનાં આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે 1 થી 4 ના સમયમાં માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત આપવામાં આવશે.