લોકડાઉનમાં બાળકોને એક્ટીવ રાખે છે આ મહિલા

રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસે પોતાનો કાળો કહેર વર્તાવ્યો છે. દેશમાં કોરોનાની પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ સ્થિતિ ગંભીર છે. ત્યારે દરેક લોકો અત્યારે ઘરમાં જ છે. મોટેરાઓ તો તોય સમજી શકે આ સ્થિતિને પરંતુ આવા સમયને બાળકોને ઘરમાં જ રાખવા તે ખરેખર એક મોટો પડકાર હોય છે અને પેરેન્ટ્સ માટે ખૂબ અઘરું બની જતું હોય છે. 

ત્યારે એક એવા બહેનની વાત કરીએ કે જે બાળકોને ઘરમાં જ એવી એક્ટિવીટીમાં તરબોળ કરી દે છે કે જેનાથી બાળકોને ઘરમાં ને ઘરમાં કંટાળો પણ ન આવે અને આ લોકડાઉનના સમયમાં તેમને ઘર સાથે જોડાયેલા કેટલાક શીખવા જેવા અને જીવન માટે જરુરી એવા કામો પણ શીખવા મળી જાય.  વાત છે ક્રિષ્ના સ્કૂલ ઓફ ગ્રુપના ટ્રસ્ટી તૃપ્તિબહેન ગજેરાની. રાજકોટમાં બાળકો અને એના માતા-પિતાને ઘરમાં રાખવા માટે આ મહિલા દરરોજ સોશિયલ મીડિયા થકી અવનવી એક્ટિવિટી વ્હોટ્સએપ, ફેસબુક જેવા માધ્યમો દ્વારા કરે છે. એ દરરોજ વ્હોટ્સએપ અને ફેસબુકમાં એક પોસ્ટર મુકે છે કે જેમાં એ દિવસની એક્ટિવિટી સાથે કંઇક મેસેજ હોય અને સાથે એ જ એક્ટિવિટી કરતા એમના ફોટો પણ મૂકે. સામે બાળકો એ જોઇને એવી જ એકટીવીટી કરીને એના ફોટો પાડીને એમને મોકલે છે.

તૃપ્તિબેન ચિત્રલેખા.કોમ ને કહે છે અત્યારે દેશભરમાં કોરોનાને કારણે લોકડાઉન હોવાથી ધંધા ઉધોગની સાથે સ્કૂલ અને કોલેજ પણ બંધ છે. આ રોગ સામેની લડત એક જ છે કે ઘરમાં રહીએ. ત્યારે ઘરમાં રહીને લોકો કંટાળો ન અનુભવે એ માટે આ પહેલ કરી છે. જેમાં દરરોજ એક એક્ટિવિટીની માહિતી મૂકૂ અને આ એક્ટિવિટી હું પણ કરું જેથી સામેવાળા વ્યક્તિને એ કરવામાં આનંદ આવે.

અમારી સ્કૂલના તમામ બાળકોના માતા-પિતાના સોશ્યલ મીડિયામાં એ શેર થાય છે અને મારો નંબર જેટલા લોકોના મોબાઇલમાં હોય એ બધાને મારુ સ્ટેટસ બતાવે સાથે ફેસબુકમાં પણ શેર થાય. જેને સારો એવો આવકાર પણ મળી રહયો છે. બાળકો મારા જેવી જ એક્ટિવિટી કરીને મને ફોટા મોકલે છે.

એ કહે છેઃ માત્ર બાળકો માટે જ નહીં, એમના માતા-પિતા પણ એક્વિટ રહે એવી એક્ટિવિટી પણ અમે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, હમણાં અમે પ્રાઉડ ટુ બી ઇન્ડિયન(ભારતીય હોવાનું ગૌરવ છે) નામે એક એક્ટિવિટી કરી હતી. જેમાં બાળકો સાથે એમના વાલીઓએ પણ પરંપરાગત ડ્રેસ પહેરેલા ફોટો શેર કર્યા હતા. મને ઘણા માતાપિતાના ફોન પણ આવે છે કે અમારા બાળકો તમારા કામ કરતા ફોટો જોઇને ઘરકામમાં મદદ કરવા લાગ્યા છે.

જયારથી લોકડાઉનની શરુઆત થઇ ત્યારથી દરરોજ કોઇને કોઇ એકટીવીટી થકી બાળકોને ઘરમાં રાખવાનું કામ તૃપ્તિબેન કરી રહયા છે. એમની એકટીવીટી પણ એવી હોય છે જેમાં બાળકો આનંદભેર જોડાય છે. જેમ કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો, માતા-પિતા સાથે ચેસ અને કેરમ રમો તો વળી સ્વાસ્થ્યને ધ્યાને લઇને એની પણ પોસ્ટ જોવા મળે. ઘરનું કામ કરો. જેમ કે બટન ટાંકો, કપડા ધોવો અને વાસણ સાફ કરો. તો વળી કોરોનાથી બચવા તમે તમારા પરીવાર માટે કેવી તકેદારી રાખી રહયા છો એના ફોટો અને વિગત શેર કરો. બાળકો યોગા કરતા અને કસરત કરતા તથા પોતાના માતાપિતા સાથેની જૂની યાદોના ફોટો શેર કરે છે.

જીતેન્દ્ર રાદડિયા(રાજકોટ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]