Home Blog Page 4830

મહારાષ્ટ્ર સરકાર કર્મચારીઓનો DA વધારો કદાચ બે વર્ષ માટે સ્થગિત કરશે

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાએ ઊભા કરેલા આર્થિક સંકટને કારણે મહારાષ્ટ્ર સરકાર તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA)માં વધારો આપવાનું અને લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) આપવાનું બે વર્ષ માટે સ્થગિત કરે એવી ધારણા છે.

ઉત્તર પ્રદેશની સરકાર બાદ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ સરકાર પણ તેના કર્મચારીઓને અપાતા મોંઘવારી ભથ્થામાં વધારો અને લીવ ટ્રાવેલ કન્સેશન આપવાનું બે વર્ષ માટે મોકૂફ રાખે એવી શક્યતા છે. કારમી આર્થિક કટોકટી સર્જાઈ છે ત્યારે કોરોના રોગચાળાનો સામનો કરવા માટેના એક પગલા તરીકે મહારાષ્ટ્ર સરકાર તેના કર્મચારીઓને એમની આ બે પ્રકારની આવકમાં કાપ મૂકશે.

એક સરકારી અમલદારનું કહેવું છે કે 24 માર્ચે દેશવ્યાપી લોકડાઉન ઘોષિત કરાયા બાદ તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ તથા પેન્શનધારકોને મોંઘવારી ભથ્થામાં વધારો આપવાનું 2021ના જુલાઈ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લીધા બાદ રાજ્ય સરકારો પણ એનું અનુકરણ કરીને પોતપોતાના કર્મચારીઓને આ વધારો મોકૂફ રાખે એવી ધારણા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર સરકાર વિકાય યોજનાઓ માટેના ખર્ચમાં તેમજ એના કર્મચારીઓને આપવામાં આવતા જિલ્લા વિકાસકાર્યો માટેના ભંડોળમાં પણ કાપ મૂકે એવી ધારણા છે.

એક સિનિયર અધિકારીએ કહ્યું કે હાલ સરકારને આવકનો કોઈ જ સ્રોત રહ્યો નથી. તેથી અમારે બજેટમાં આપવામાં આવેલી જોગવાઈઓમાં કાપ મૂક્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી. એ રીતે અમારે રૂ. 70,000 કરોડ ઊભા કરવાના છે. અમે કર્મચારીઓના પગાર, પેન્શનની રકમમાં કાપ મૂકી શકીએ એમ નથી. તેથી અમારે વિકાસ યોજનાઓ પાછળના ખર્ચને ઘટાડવો જ પડશે અને આશરે 12 લાખ કર્મચારીઓના ડીએમાં વધારો તથા એલટીસી આપવાનું સ્થગિત કરી દેવું પડશે.

મહારાષ્ટ્ર સરકાર જો કર્મચારીઓને 2021ના જૂન સુધી મોંઘવારી ભથ્થામાં વધારો આપવાનું માંડી વાળે તો એને રૂ. 18,000 કરોડ મળશે અને જો એલટીસી નહીં આપીએ તો રૂ. 1,000 કરોડ બચાવી શકશે.

કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે તે એના 1.13 કરોડ સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોને બે વર્ષ સુધી વધારો નહીં આપે.

‘માસ્ક’ સભ્ય સમાજનું પ્રતીક: મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મનની વાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અનેક લોકોએ મને સૂચનો કર્યાં છે. કોરોના વાઇરસથી જનતા લડી રહી છે. દેશનો દરેક નાગરિક આ લડાઈમાં યોદ્ધા છે અને આ લડાઈમાં નેતૃત્વકર્તા છે. સંપૂર્ણ દેશ એકજૂટ છે. દેશવાસીઓ એકમેકની મદદ કરી રહ્યા છે. દેશમાં મહાયજ્ઞ ચાલી રહ્યો છે. લોકોના આ તપને હું નમન કરું છું. કોરોના સામે આપણી આ લડાઇ પબ્લિક ડ્રિવન છે. આ મનની વાત કાર્યક્રમની 64મી આવૃત્તિ છે. આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત કરવામાં આવે છે.

 

વડા પ્રધાન મોદીએ મનની વાત કાર્યક્રમ દ્વારા જે વાત કરી હતી એના મુખ્ય અંશો આ પ્રમાણે છે.

  • આપણે ભાગ્યશાળી છીએ કે દેશનો દરેક નાગરિક આ લડાઈમાં સૈનિક છે. વિશ્વઆખું આ રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે. તમે ક્યાંય પણ નજર નાખો આ જનતાની લડાઈ છે.
  • શહેર હોય કે ગામ હોય- એવું લાગી રહ્યું છે કે દેશમાં મહાયજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં દરેક જણ પોતાનું યોગદાન આપી રહ્યો છે. ખેડૂતો દિવસ-રાત ખેતરોમાં સતત મહેનત કરી રહ્યા છે અને ચિંતા કરી રહ્યા છે કે કોઈ વ્યક્તિ ભૂખે ના સૂએ.
  • કોઈ પગારનું દાન આપી રહ્યું છે, કોઈ માસ્ક બનાવી રહ્યું છે તો કોઈ ખેતરમાંની શાકભાજીનું દાન કરી રહ્યું છે. કોઈ મજૂર જે સ્કૂલમાં ક્વોરોન્ટાઇન છે એમાં સ્કૂલનું રંગકામ કરી રહ્યું છે. આ જ ભાવ કોરોના સામેની લડાઈમાં તાકાત આપી રહ્યું છે.
  • પાછલાં કેટલાંક વર્ષોમાં લાખ્ખો લોકોએ ગેસ સબસિડી છોડી છે.
  • cavidworriors.gov.in –સરકારે આ પ્લેટફોર્મના માધ્યમથી સિવિલ સોસાઇટીના પ્રતિનિધિ અને સ્થાનિક વહીવટી તંત્રને સાંકળ્યા છે. આમાં અત્યાર સુધી સવા કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે.
  • અમારા એવિયેશનના સાથીઓએ આટલા સમયમાં ત્રણ લાખ કિલોમીટરની હવાઈ પ્રવાસ દ્વારા 500 ટન મેડિકલ સામગ્રી દેશના ખૂણેખૂણામાં પહોંચાડી છે. એવી જ રીતે રેલવે પણ દિવસ-રાત કામ કરી રહી છે.
  • દેશમાં આરોગ્ય ક્ષેત્રે જોડાયેલા લોકો માટે વટહુકમ લાવવામાં આવ્યો છે. આ વટહુકમમાં આરોગ્ય કર્મયચારીઓની સામે હિંસા પર કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ભારતના આયુર્વેદને લોકો વિશિષ્ટ ભાવથી જોઈ રહ્યા છે. કોરોનાની દ્રષ્ટિએ ઇમ્યુનિટી વધારવા માટે જે પ્રોટોકોલ આપવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે તમે એનો ઉપયોગ કરી રહ્યા હશો.
  • દેશની યુવા પેઢી આ પડકારનો સ્વીકાર કરવો પડશે. જેવી રીતે વિશ્વએ યોગનો સ્વીકાર કર્યો છે, એવી રીતે આયુર્વેદને વિશ્વ જરૂર સ્વીકારશે.
  • દેશમાં મોટું પરિવર્તન થયું છે અને લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. હવે માસ્ક સભ્ય સમાજનું પ્રતીક બની જશે.
  • રમજાનનો પવિત્ર મહિનો શરૂ થયો છે. કોકઈએ વિચાર્યું પણ નહીં હોય કે રમજાનમાં આટલી મોટી મુશ્કેલી ઊભી થશે. આપણે પહેલાથી વધુ નમાજ અદા કરીએ અને કોરોના સામેની લડાઈ મજબૂત કરીએ.
  • હું તમને આગ્રહ કરું છુ કે ક્યારે વધુપડતા આત્મવિશ્વાસમાં ના આવતા. કોરોના સામે સાવધ રહેવું અત્યંત જરૂરી છે. આને હલકામાં લઈને છોડી ના દેતા. આપણા પૂર્વજો કહી ગયા છે કે આગ, ઋણ અને બીમારી તક જોઈને ફરી વધી જાય છે. એટલે આની સંપૂર્ણ સારવાર જરૂરી છે.
  • બે ગજનું અંતર બહુ જરૂરી છે. પ્રાર્થના કરું છું કે આવતી વખતે આપણે મળીએ ત્યારે વિશ્વ કોરોનાથી મુક્તિના સમાચાર મળે.

 

 

 

પૃથ્વીની નજીકથી પસાર થશે વિશાળકાય ઉલ્કાપિંડ

નવી દિલ્હી: બ્રહ્માંડમાં અવારનવાર  ખગોળીય ઘટનાઓ થતી હોય છે ત્યારે આગામી 29 એપ્રિલના રોજ પણ આવી એક અનોખી ખગોળીય ઘટના બ્રહ્માંડમાં થવા જઈ રહી છે. આ દિવસે માઉન્ટ એવરેસ્ટની અડધી ઊંચાઇ બરાબર એક ઉલ્કાપિંડ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે. જો કે ચિંતાની કોઇ વાત નથી કારણ કે નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આ પહાડ જેવડો ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાશે નહીં.

આ ઉલ્કાપિંડ 4.1 કિલોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. જે 29મી સવારે 4:56 કલાકે 31320 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની નજીકથી પસાર થશે. આ સમયે તે ધરતીથી 3.9 મિલિયન માઇલ્સ દૂર હશે. લોકડાઉનના સમયમાં તમે પણ આ ખગોળીય ઘટનાને જોવાનું વિચારતા હોવ તો તેના માટે તમારે ટેલિસ્કોપની જરૂર પડશે. નરી આંખે તમે આ નજરો નહીં જોઇ શકો.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાને આ ઉલ્કાપિંડ વિશે વર્ષ 1998માં માહિતી મેળવી લીધી હતી.ત્યાર પછી વૈજ્ઞાનિકોએ તેને 52766 અને 1998માં ઓઆર-2 નામ આપ્યું હતું. જો કે તેના મોટો આકારના કારણે વૈજ્ઞાનિકો સતત તેના પર નજર રાખતા હતા.

4.5 અબજ વર્ષ પહેલા જ્યારે સૌરમંડળનું નિર્માણ થયું ત્યારે આવા અનેક ઉલ્કાપિંડ કે જે ગ્રહનો આકાર ન લઇ શક્યા અને આકાશમાં તરવા લાગ્યા. મહત્વનું છે કે આ પહેલા પણ અનેક વાર મોટા મોટા ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થઇ ચૂક્યા છે. જેણે ખગોળશાસ્ત્રીઓનો ઉત્સાહ વધાર્યો છે.

 

પંચાંગ 26/04/2020

રાશિ ભવિષ્ય 26/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે. હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી, એલર્જી, ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.

કોરોના વાઇરસના ટેસ્ટ માટે IIT દિલ્હીએ કરી આ કમાલ…

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના ટેસ્ટને લઈને કિટ મોટી સંખ્યામાં જરૂર છે અને ચીન જેવા દેશોથી જે કિટ આવી છે, એમાંથી મોટા ભાગની કિટ ખરાબ ગુણવત્તાની છે, ત્યારે હવે આ મુશ્કેલ સમયમાં ભારતીય વૈજ્ઞાનિકોએ એક કમાલ કરી દીધી છે. હા, IIT દિલ્હીએ RT-PCR કિટ બનાવીને તૈયાર કરી છે, જેને ICMRએ પણ તપાસ કરીને લીલી ઝંડી આપી દીધી છે.

IIT-દિલ્હીનામા પ્રોફેસર વી. પેરુમલે કહ્યું હતું કે અમે જાન્યુઆરીના અંતમાં કોવિડ-19ને ટેસ્ટની કિટ પર કામ શરૂ કર્યું હતું અને એ ત્રણ મહિનામાં તૈયાર થઈ ગઈ હતી. જોકે અમે એને સસ્તી કિંમતે વિકસાવવા માગીએ છીએ, જેથી એનો ઉપયોગ મોટી સંખ્યામાં થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે કે એ સ્વેબ પરીક્ષણ કિટ છે.  તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસ માટે હાલ  જે ડિવાઇસ ઉપલબ્ધ છે, એ તમામ ઉપકરણો કરતાં એ સસ્તી હશે. આ નવી વિકસાવાયેલી કિટની કિંમત રૂ. 300 કરતાં પણ ઓછી હશે.

આ કિટથી દેશભરમાં RT-PCR દ્વારા કોરોન વાઇરસનું ટેસ્ટિંગ થશે. આ કિટ ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે. IIT દિલ્હીની બે કંપનીઓથી એના માટે વાતચીત ચાલી રહી છે. આ કિટ બજારમાં આવશે, એ પછી સસ્તા અને યોગ્ય રીતે કોરોનાની તપાસ થઈ શકશે. IIT દિલ્હીની કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સિયના સંશોધકોએ કોવિડ-19ની તપાસ માટે જે કિટ તૈયાર કરી છે, એને ICMRએ પણ મંજૂરી આપી દીધી છે.

IIT દિલ્હી એવી પહેલી શૈક્ષણિક સંસ્થા બની ગઈ છે જેણે RT-PCR આધારિત કિટ માટે ICMRથી મંજૂરી મળી ગઈ છે. દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસોએ સરકારની ચિંતા વધી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ હાલ દેશનાં ત્રણ રાજ્યો કોરોનામુક્ત થઈ ચૂક્યા છે.

 

 

 

 

 

ભારતમાં કોરોનાનાં કેસોનો આંક 25,000ને પાર

નવી દિલ્હીઃ વિશ્વભરમાં મોતનું તાંડવ રચનાર મહાબીમારી કોરોના વાઈરસ ભારતમાં પણ જીવલેણ બન્યો છે. અત્યાર સુધીમાં ભારતમાં આ ચેપી બીમારીનો શિકાર બનેલાઓનો આંક વધીને 26,496 થયો છે. જ્યારે આ રોગથી અત્યાર સુધીમાં 824 જણ મૃત્યુને શરણ થયા છે.

આ રોગચાળાને કાબૂમાં રાખવા કેન્દ્ર અને રાજ્ય સરકારો તનતોડ મહેનત કરી રહ્યાં છે, કડક પગલાં ભરી રહ્યાં છે. દેશભરમાં હાલ લોકડાઉન લાગુ છે, જેને 3 મે સુધી લંબાવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 14 એપ્રિલે જાહેરાત કરી હતી.

લોકડાઉનની લંબાવેલી મુદતનો આજે 12મો દિવસ છે.

લોકડાઉનના કડક અમલ છતાં કોરોના બીમારીનો શિકાર બનતા લોકોની સંખ્યા વધી રહી છે.

ભારતમાં આ રોગનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર રાજ્ય છે, જ્યાં કેસોની સંખ્યા 7,600ને પાર કરી ગઈ છે. ગઈ કાલે એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં 811 નવા કેસો નોંધાયા હતા.

મુંબઈ શહેર મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ફેલાવાનું હોટબેડ બન્યું છે. મુંબઈમાં ગઈ કાલે વધુ 600 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 13 જણે જાન ગુમાવ્યો હતો. આ સાથે મુંબઈમાં કોરોનાને કારણે થયેલા મરણનો આંક વધીને 200ની નજીક પહોંચ્યો છે.

ગુજરાતમાં, કોરોનાનાં કુલ 2,815 કેસો નોંધાયા છે. મરણનો સત્તાવાર આંક 127 દર્શાવાયો છે.

દરમિયાન, એક રાહતના સમાચાર એ છે કે દેશમાં 15 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 28 દિવસોમાં કોરોનાનાં નવા એકેય કેસ નોંધાયા નથી.

સુવિચાર – ૨૬ એપ્રિલ, ૨૦૨૦

સુવિચાર – ૨૬ એપ્રિલ, ૨૦૨૦

આ વ્યક્તિ બની શકે છે કોરિયાનો નવો તાનાશાહ

પ્યોંગયોંગ: ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન 11 એપ્રિલ પછી જાહેરમાં જોવા મળ્યો નથી, જેને પગલે તેમના સ્વાસ્થયને લઈને અટકળો શરુ થઈ છે. અમેરિકન મીડિયા મુજબ તે હાર્ટની એક સર્જરી પછી ગંભીરરૂપથી બીમાર છે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે અને સાઉથ કોરિયા મીડિયાએ કિમ જોંગ ગંભીર રૂપે બીમાર હોવાની વાતને ફગાવી છે. આ બધા વચ્ચે કિમ પછી ઉત્તર કોરિયાની ગાદીના ઉત્તરાધિકારી તરીકે તેમની બહેન કિમ યો જોંગનું નામ ચર્ચામાં છે, પણ હવે એક એવુ નામ સામે આવ્યું છે જેની સામે કિમ યોનું ટકી શકવું મુશ્કેલ છે.

નોર્થ કોરિયાની કમ્યુનિસ્ટ પાર્ટીના સીનિયર લીડર, પોલિટ બ્યૂરો સ્ટેંડિંગ કમેટીના ચીફ અને સેનાના ફાયરિંગ સ્ક્વોડના જનરલ ચો રયોંગ હાય (Choe Ryong Hae) નું નામ હાલ ઉત્તર કોરિયાના નવા તાનાશાહ તરીકે ચર્ચાઇ રહ્યું છે. નોર્થ કોરિયાના આ ક્રૂર સૈનિકનું નામ દુનિયાભરમાં જાણીતું છે. અમેરિકા સમેત યુરોપના અનેક દેશોમાં તેમને માનવતાના અપરાધી જાહેર કરવામાં આવ્યા છે. તેણે કિમ જોંગના કહેવા પર દુશ્મનોને તોપ સામે બાંધીને ઉડાવ્યા છે. ચો ને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સમર્થક માનવામાં આવે છે.

કિમ જોંગના પરિવારના જ સભ્યો હંમેશા જે ડિપાર્ટમેન્ટમાં સામેલ રહેતા તે ડિપાર્ટમેન્ટમાં ચો રયોંગને વર્ષ 2018માં સામેલ કરવામાં આવ્યો હતો. ઓર્ગેનાઇઝેશન ઓફ ગાઇડેંસ ડિપાર્ટમેન્ટ (ODG) ને ઉત્તર કોરિયાની સૌથી પાવરફૂલ સંસ્થા માનવામાં આવે છે. જે દેશના તમામ મહત્વના નિર્ણય લે છે અને ચો રયોંગ આ ડિપાર્ટમેન્ટના ચેરમેન છે. કિમ જોંગની ગેરહાજરીમાં હાલ ચો જ મહત્વના નિર્ણયો લે છે.

નોર્થ કોરિયાની સેનામાં ચો વાઇસ માર્શલ છે. અને પ્રસિદ્ધ ફાયરિંગ સ્ક્વોડ બનાવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. આ સ્ક્વોડ એન્ટી એરક્રાફ્ટ ગનથી દુશ્મનને બાંધીને ઉડાવવા માટે જાણીતી છે.

ચો રયોંગ એટલો પાવરફૂલ છે કે હાલમાં તેમણે નોર્થ કોરિયન આર્મીના સિનિયર ઓફિસર હ્વાંગ પ્યોંગ સો અને કિમ વોંગ હોન્ગને કડક સજા સંભળાવી હતી. ચો રયોંગના જાણીતા પોપ્યુલેશન કંટ્રોલ પ્રોગ્રામ બદલ અમેરિકા સહિત અનેક દેશોએ તેમના પર પ્રતિબંધ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, કિમ જોંગે ગાદી સાંભળ્યા પછી વર્ષ 2012માં આર્મી ચીફ રહેલા રી યોંગ હો ને રસ્તાથી હટાવવા માટે પણ ચો રયોંગે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.

કોરોનામાં જ્યારે હોસ્પિટલ જ બની ઈબાદતગાહ

અમદાવાદ: મુસ્લિમોમાં પવિત્ર ગણાતો રમઝાન મહિનો શરુ થઈ ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ 472 દર્દીઓ કોરોનાગ્રસ્ત છે જેમાં શહેરના કોટ વિસ્તારના મુસ્લિમ બિરાદરો પણ સામેલ છે. આ મુસ્લિમ દર્દીઓએ રમઝાન દરમિયાન રોજા રાખવાની વાત સિવિલ તંત્ર સમક્ષ કરી હતી. આથી સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ બાબતે ત્વરિત નિર્ણય લઇ રોજા રાખનાર દર્દીઓના ભોજન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ દર્દીઓને વહેલી સવારે શહેરી સમયે 3:00 વાગ્યે દૂધ, લીંબુ શરબત અને ફળાહાર અપાય છે. તથા સાંજની ઇફ્તારમાં ખજૂર, દૂધ અને જ્યુસ આપવામાં આવે છે. કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ બિરાદરો નિયમિત નમાઝ અદા કરે છે અને સંપૂર્ણપણે રોજાનું પાલન કરવા કૃતનિશ્ચયી છે.

શહેરના દરીયાપુર વિસ્તારના ઈકબાલ હુસૈને પણ રોજા રાખ્યા છે. તેઓ કહે છે કે, ‘કોરોનાના આ કપરા સમયમાં જે જ્યાં છે ત્યાંથી જ તેમણે ખુદાની ઇબાદત કરવી જોઈએ. ખુદાની ઇબાદત કરી રાજી કરીશું તો જલદીથી કોરોના ભાગશે.’ ઈકબાલ હુસૈન પાંચ વાર નમાઝ અદા કરે છે અને ધાર્મિક પુસ્તકોના વાંચનથી સમય પસાર કરી રહ્યા છે. રમજાનના પવિત્ર માસ દરમિયાન સિવિલ હોસ્પિટલના સહયોગથી તેઓ ખૂબ જ ખુશ છે.

દરિયાપુરના આરીફ ખાન પઠાણ ભાવુક થતાં કહે છે કે, ‘આવી મહામારી વચ્ચે કોઈ બહાર ન નીકળે એ જ મારી અપીલ છે. હું મારા વહાલસોયા સંતાનો અને પત્નીથી દુર અહીં દાખલ થયો છું. આ વિકટ પરિસ્થિતિમાં આપણે સાવચેતી રાખીશું તો અલ્લાહતાલા જરૂર આપણને આમાંથી બહાર લાવશે.’ તેઓ વધુમાં કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલ દ્વારા અમારા રોજાનો સમય સચવાશે એવું મેં વિચાર્યું ન હતું પરંતુ અહીં અમારી પૂરતી વ્યવસ્થા થઈ રહી છે.’

મહત્વનું છે કે, સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત આ મુસ્લિમ દર્દીઓએ હાલ હોસ્પિટલને જ પોતાનું ઈબાદતગાહ બનાવ્યું છે અને બીજાને પણ ઘરમાં જ રહી રમઝાન મહિનામાં ઈબાદત કરવાની અપીલ કરી છે.

કહેવાય છે ને.. ઝુક જાયે સર જહા ખુદા કા ઘર વહા….