Home Blog Page 4765

સુશાંત સિંહનું મોત આપઘાત નહીં, સુનિયોજિત હત્યા છેઃ કંગના

મુંબઈઃ ગઈ કાલે અહીં બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરસ્થિત પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવેલા અને પ્રાથમિક તપાસ અનુસાર આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દેનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આજે અંતિમ વિદાય આપવામાં આવી. વિલે પારલેસ્થિત સ્મશાનભૂમિમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એના પિતા કે.કે. સિંહે દીકરાના પાર્થિવ શરીરને અગ્નિદાહ આપ્યો હતો. સુશાંત સિંહની આત્મહત્યા મામલે અભિનેત્રી કંગના રણૌતે એક સનસનીખેજ નિવેદન કર્યું છે. એણે સુશાંતના મોત પર દુઃખ વ્યક્ત કરતાં બોલિવુડ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું છે કે સુશાંત સિંહે આત્મહત્યા નથી કરી, પણ આ એક પ્લાન્ડ મર્ડર છે.

સુશાંતના મોતે આપણને બધાયને ભાંગી નાખ્યા છે

કંગનાએ કહ્યું હતું કે સુશાંતના મોતે આપણને બધાને ભાંગી નાખ્યા છે, પણ કેટલાક લોકો એ વાતમાં ચાલાક હોય છે કે કેવી રીતે વાતને ફેરવીને કહેવી છે. તે કહે છે કે જેનું મગજ નબળું હોય છે, તે ડિપ્રેશનમાં આવે છે અને માનસિક તાણ સહન ન કરી શકતાં આપઘાત કરે છે.

સુશાંતને  એવોર્ડ નથી મળ્યા

તેણે વધુમાં કહ્યું હતું કે જે સુશાંત એન્જિનિયરિંગમાં ટોપ કરે, રેન્ક હોલ્ડર હોય એનું મગજ કેવી રીતે નબળું હોઈ શકે? જો તેની છેલ્લી કેટલીક પોસ્ટ જુઓ તો તે લોકોથી કહી રહ્યો છે કે તેઓ તેની ફિલ્મો જુએ. નહીં તો તેને આ ઇન્ડસ્ટ્રીથી બહાર ફેંકી દેવાશે. તેનો કોઈ ગોડફાધર નથી. હું આશ્ચર્યચકિત છું કે શું આ ઘટના (આત્મહત્યા)નું કોઈ કારણ નથી. સુશાંતની છ વર્ષની કરીઅરમાં ‘કાઈ પો છે’ જેવી ફિલ્મ આપ્યા પછી પણ કોઈ પ્રશંસા કે એવોર્ડ નથી મળ્યાં.

આ સુસાઇડ નથી આ પ્લાન મર્ડર હતું

કંગનાએ વધુમાં કહ્યું હતું કે ‘છિછોરે’ જેવી ફિલ્મને પણ કોઈ એવોર્ડ નથી મળ્યો. ‘ગલી બોય’ જેવી એક વાહિયાત ફિલ્મને કેટલાય એવોર્ડ મળ્યા છે. અમને તમારાથી કંઈ નહીં જોઈએ, પણ અમે જે કામ કરીએ છે, કમસે કમ એની પ્રશંસા તો કરો. મારી પર કેમ છ કેસ કરવામાં આવ્યા છે? કેમ મારી ફિલ્મોને ફ્લોપ જાહેર કરવામાં આવે છે? લોકો મને મેસેજ  કરીને કહે છે કે તારો બહુ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે, કોઈ આડુંઅવળું પગલું ન ભરતી. આવું કેમ કહે છે લોકો મને? મારા મગજમાં આવી વાતો કેમ ઘૂસાડે છે?  આ સુસાઇડ નથી આ પ્લાન્ડ મર્ડર હતું. સુશાંતની ભૂલ એ જ કે એણે તેમની વાત માની લીધી કે તું વર્થલેસ છો, તે માની ગયો.

વેજ ગોલ્ડન ટિક્કી

ઘરમાં ઉપલબ્ધ સામગ્રીમાંથી બની જાય છે વેજ ગોલ્ડન ટિક્કી! તળ્યા વગરની ટિક્કી ફ્રીજરમાં 15 દિવસ સુધી રાખી શકાય છે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ટિક્કી તળીને ખાવામાં લઈ શકાય છે!

સામગ્રી:

ચણાનો લોટ 1/2 કપ, 1/2 કપ રવો, 1/4 ટી સ્પૂન હળદર, ચપટી હિંગ, 1 ટી સ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ટી સ્પૂન જીરું પાવડર, 1 ટી સ્પૂન ચાટ મસાલો (ચાટ મસાલો ના હોય તો આમચૂર પાવડર લેવો અને એ પણ ના હોય તો એના વગર ચાલશે) 1/2 ટી સ્પૂન ધાણાજીરુ, 1 કપ ફુદીનો તેમજ કોથમીર ધોઈને સુધારેલા, 1 કાંદો ઝીણો સમારેલો, 1 સિમલા મરચું ઝીણું સમારેલું, 3 લાલ મરચાં ઝીણાં સમારેલાં, લીંબુનો રસ બે-ત્રણ ટી સ્પૂન, રેડ ચીલી ફ્લેક્સ હોય તો 1 ટી સ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે

વઘાર માટે: 1/2 ટી સ્પૂન અજમો, 2 ટી સ્પૂન તેલ, ચપટી હિંગ ૧ ટી.સ્પૂન લસણ ઝીણું સમારેલું, ૧ ટી-સ્પૂન આદુ ઝીણું સમારેલું

એક મોટા બાઉલમાં સ્વાદ મુજબ મીઠું, હળદર તેમજ હીંગ નાખીને ચણાનો લોટ તેમજ પાણી નાખીને મિક્સ કરો. છાશ જેટલું પાતળુ ખીરું બનાવો.

એક કઢાઈમાં બે ચમચી તેલ નાખીને તેલ ગરમ થાય એટલે અજમો, લસણ, હિંગ તેમજ આદુ વઘારીને ખીરું ઉમેરી દો. ગેસની આંચ મધ્યમ રાખીને ખીરું હલાવતા રહો, જ્યાં સુધી ખીરું બાંધેલા લોટ જેવું ઘટ્ટ ના થાય. ખીરું લોટ જેવું ઘટ્ટ થાય એટલે તેમાં ૧ ટી.સ્પૂન તેલ ઉમેરીને મિક્સ કરી દો અને ગેસ બંધ કરી દો.

ખીરું થોડું ગરમ હોય ત્યારે જ એમાં લાલ મરચા પાઉડર, જીરું પાઉડર, ચાટ મસાલો ધાણાજીરું, ફુદીનો, કોથમીર, કાંદા તેમજ સિમલા મરચાં ઝીણાં સમારેલા, એક લીંબુનો રસ, બે-ત્રણ લીલા મરચાં ઝીણાં સમારેલા મિક્સ કરી દો. હવે એક થાળીમાં એક ટીસ્પૂન જેટલું તેલ લગાડીને આ લોટ એ થાળીમાં એકસરખો ફેલાવીને થાપી દો. ઝારા અથવા ચપટા તળિયાની વાટકી વડે એકસરખો ફેલાવી દો. તેની જાડાઈ કટલેસની જાડાઈ જેટલી હોવી જોઈએ. થાળીને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દો. તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો.

15 મિનિટ બાદ આ મિશ્રણમાંથી તમને ગમતા આકારની ટિક્કી કટ કરી લો. ગોળ આકારની જોઈતી હોય તો નાનકડા ઢાંકણા અથવા નાની વાટકી વડે બધી કટ કરી લો.

એક ફ્રાઈંગ પેનમાં થોડું તેલ ઉમેરીને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે પેનમાં આવે એટલી ટિક્કી ગોઠવીને ગેસની આંચ મધ્યમ કરી લો. ટિક્કી ગોલ્ડન રંગની ક્રિસ્પી થાય એટલે એને ઉથલાવીને બીજીબાજુએથી પણ એ રીતે શેલો ફ્રાય કરી લો. તમે ઈચ્છો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો.

તૈયાર થયેલી ટિક્કી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે પીરસો.

54%ની ઈચ્છાઃ લોકડાઉન હટે તો ફરી થિયેટરમાં જઈને ફિલ્મ જોવી છે

મુંબઈઃ દેશમાં કોરોના વાઇરસને પગલે ગઈ 25 માર્ચથી લોકડાઉન કરવામાં આવ્યું છે. જોકે ગઈ પહેલી જૂનથી એને તબક્કાવાર ઉઠાવી લેવાનો પ્રારંભ પણ કરાયો છે. તેમ છતાં સિનેમા હોલ કે મલ્ટિપ્લેક્સ હજી પણ ખોલવામાં નથી આવ્યા. ત્યારે ઓનલાઇન ટિકિટિંગ વેબસાઇટ ‘બુકમાયશો’ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ પરથી જાણવા મળ્યું છે કે 54.54 ટકા ભારતીય એન્ટરટેઇનમેન્ટ ગ્રાહકો (દર્શકો) ઈચ્છે છે કે લોકડાઉન સંપૂર્ણ રીતે ઉઠાવી લેવાય તે પછીના 15-90 દિવસમાં તેઓ ફિલ્મ જોવા માટે સિનેમા હોલ અથવા મલ્ટિપ્લેક્સમાં જશે. બાકીના ગ્રાહકોએ કહ્યું કે તેઓ રાહ જોશે અને 90 દિવસ પછી સિનેમા હોલમાં જઈને ફિલ્મ જોવાનું પસંદ કરશે.

‘બેક ટુ આઉટ-ઓફ-હોમ એન્ટરટેઇનમેન્ટ’ શીર્ષકવાળા સર્વેમાં 4000 ઉત્તરદાતાઓએ ભાગ લીધો હતો. આ લોકો ‘બુકમાયશો’ના સક્રિય યૂઝર્સ છે. આ સર્વે ગયા મહિને હાથ ધરવામાં આવ્યો હતો. એમાં ભાગ લેનારાઓની વય 18થી 30 વર્ષની વચ્ચેની હતી.

આ સર્વેમાં ભાગ લેનાર 70 ટકા ઉત્તરદાતાઓ મુંબઈ, હૈદરાબાદ, બેંગલોર, દિલ્હી NCR, ચેન્નઈ, પુણે, કોલકાતા, અમદાવાદ, વિજયવાડા અને કોચીના હતા. એમાંના 49 ટકા ગ્રાહકોએ જવાબ આપ્યો હતો અને તેમની વય 25થી 34 વર્ષની વચ્ચેની છે.

98 ટકા લોકો સુરક્ષિત પગલાંનું પાલન કરવા તૈયાર

આ સર્વેમાં જણાવ્યા અનુસાર 98 ટકા દર્શકોએ કહ્યું કે ફિલ્મ જોવા માટે સિનેમા હોલમાં સલામતીને લગતાં પગલાંઓનું તેઓ પાલન કરશે અને ઉચ્ચ સ્તરની સ્વચ્છતા પણ જાળવશે. આ સર્વેમાં એ પણ બહાર આવ્યું હતું કે મહિલાઓ કરતાં પુરુષ ઉત્તરદાતાઓ મૂવી જોવા વધારે ઉત્સુક છે.

દક્ષિણ ભારતના લોકો સિનેમા હોલમાં જવા અધીરા

દેશના અન્ય પ્રદેશોના લોકોની સરખામણીમાં દક્ષિણ ભારતમાં લોકો થિયેટરમાં જઈને મૂવી જોવાનું વધારે પસંદ કરે છે. દક્ષિણ ભારતના 56 ટકા લોકો લોકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવાય તે પછી સિનેમા હોલમાં જવા અધીરા છે.

સિનેમા હોલમાં કર્મચારીઓને સલામતી અને સ્વચ્છતાનાં પગલાંની તાલીમ અપાય એ જરૂરી

આ સર્વેમાં તમામ લોકો ઇચ્છે છે કે સિનેમા હોલમાં કર્મચારીઓને સલામતી અને સ્વચ્છતાનાં પગલાંની તાલીમ આપવામાં આવે અને સિનેમા હોલને ખોલતાં પહેલાં એને સેનેટાઇઝ કરવામાં આવે છે. આ ઉપરાંત થિયેટરોમાં થર્મલ સ્કેનર મૂકવામાં આવે એની પણ દર્શકો તરફેણ કરે છે. 81 ટકા લોકોને નવી ટિકિટની ઓફરો જોઈએ છે, જ્યારે 95 ટકા લોકોને થિયેટરોમાં તાજો અને સુરક્ષિત ખોરાક અને પીણાં મળી રહે એવી વ્યવસ્થા જોઈએ છે.

મોટા ભાગના 90 ટકા ઉત્તરદાતાઓ સિનેમા ઘરોમાં જતી સમયે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા તૈયાર છે, જ્યારે 10 ટકા દર્શકોને કોરોના વાઇરસનો ચેપ લાગી જવાને કારણે સિનેમા હોલમાં જવાનું હાલપૂરતું પસંદ નથી. જોકે અડધાથી વધુ ઉત્તરદાતાઓને સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે હોલમાં બેઠકોની સંખ્યા ઘટે તો ટિકિટોના વધુ પૈસા ખર્ચવા તૈયાર નથી.

ડિપ્રેશનઃ આ ભારતીય ક્રિકેટરોએ પણ કર્યો હતો આત્મહત્યાનો વિચાર

મુંબઈઃ બોલીવૂડના યુવા, તેજસ્વી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગઈ કાલે મુંબઈમાં એના ઘરમાં આત્મહત્યા કરી લેતા સૌ કોઈ આશ્ચર્યમાં છે કે, શા માટે સુશાંતે આવું અંતિમ પગલું ભરવું પડ્યું? સુશાંત બોલીવુડની સાથોસાથ ક્રિકેટની રમતની પણ ઘણો નજીક રહ્યો હતો. ક્રિકેટ પર બનેલી ફિલ્મ ‘કાય પો છે’ થી ફિલ્મ કરિયરની શરુઆત કરનાર સુશાંતને એમ.એસ. ધોનીના જીવન પર બનેલી ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ એ જબ્બર સફળતા અપાવી હતી.

ચર્ચા એવી ચાલી રહી છે કે, સુશાંતે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી લીધી. અહીં એવા ક્રિકેટરોની વાત કરવી છે જેઓ પણ ભૂતકાળમાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરવા સુધીના વિચારો કરી ચૂક્યા હતા. સુશાંતના મૃત્યુ પછી ફરી એકવાર માનસિક હતાશાનો મુદ્દો ઉભો થયો છે.

રોબિન ઉથપ્પા

માનસિક સ્વાસ્થ્યની વાત કરવામાં આવી રહી છે ત્યારે 2007માં ભારતને પ્રથમ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ જીતવામાં મદદરૂપ બનનાર રોબિન ઉથપ્પા પણ સુશાંતના મોતના સમાચારથી ચોંકી ગયો છે. એણે દુખ વ્યક્ત કર્યું છે. ઉથપ્પાએ ડિપ્રેશન અંગે વાત કરતા કહ્યું કે, જો તમે સારું ફીલ કરતા ન હો તો એ ખરાબ બાબત નથી. આપણા અંતરમાં જે ધમાસાણ ચાલી રહ્યું હોય તેની પર ચર્ચા કરવી જરૂરી છે.

રોબિને થોડા દિવસો પહેલા પણ કહ્યું હતું કે, એક સમયે પોતે પણ ડિપ્રેશનમાં હતો અને તેના મનમાં આત્મહત્યા કરવાના વિચાર આવ્યા હતા. સુશાંતના મોત અંગે રોબિને ટ્વીટમાં લખ્યું છે કે, આપણે મનમાં જે અનુભવી રહ્યા હોઈએ એ અંગે બોલવાની જરૂર હોય છે.

રોબિન ઉથપ્પા, જે પોતે બે વર્ષથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો, તેણે થોડા સમય પહેલા કહ્યું હતું કે તેને બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા. ક્રિકેટ જ એક માત્ર કારણ હતું કે, જેણે તેને આવું કરતા રોક્યો હતો. રોબિને કહ્યું હતું કે, 2009થી 2011 દરમિયાન હું દરરોજ વિચારતો હતો કે, આવતીકાલે શું થશે?  મારા જીવનમાં શું ચાલી રહ્યું અને હું કઈ દિશામાં જઈ રહ્યો છું. ક્રિકેટે આ તમામ વિચારોને મારા મનમાંથી બહાર કાઢી નાંખ્યા. એ દિવસો દરમિયાન રોબિને ડાયરી લખવાનું પણ શરુ કર્યું હતું. રોબિને કહ્યું કે, એક માણસ તરીકે મેં મારી જાતને સમજવાની પ્રક્રિયા શરુ કરી, બહારની મદદ પણ લીધી જેથી મારા જીવનમાં બદલાવ લાવી શકું. એક સમય એવો હતો હું સખત મહેનત કરી રહ્યો હતો છતાં રન નહતા બની રહ્યા. આ સ્થિતિ હું સમજી શકતો નહતો. આપણે ઘણી વખત સ્વીકારવા તૈયાર નથી હોતા કે આપણે માનસિક બિમાર છીએ. રોબિનનું કહેવું છે કે, નકારાત્મક વસ્તુઓનો સામનો કરીને જ તમે સકારાત્મકતામાં ખૂશ રહી શકો છો.

પ્રવીણ કુમાર

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર પણ ડિપ્રેશનને કારણે એક સમયે આત્મહત્યાનો વિચાર કરી ચૂક્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં જ પ્રવીણ કુમારે કહ્યું હતું કે, એક વખત હું આત્મહત્યા કરવાના ઈરાદે મફલર અને બંદૂક લઈને હાઈવે પર ડ્રાઈવિંગ કરતો કરતો હરિદ્વાર પહોંચી ગયો હતો. પોતે લાંબો સમય સુધી ડિપ્રેશનનો શિકાર રહ્યો અને હાલ પણ તેની થેરાપી અને દવાઓ ચાલી રહી છે.

મહત્વનું છે કે પ્રવીણ કુમારને વર્ષ 2011માં ડેન્ગ્યુ થયો હતો તેથી તેને વર્લ્ડકપ વિજેતા ટીમમાં સામેલ કરાયો નહોતો. આ પછી, તેના માટે બીજો ખરાબ તબક્કો આવ્યો હતો 2014માં જ્યારે આઈપીએલની હરાજીમાં કોઈપણ ટીમમાં તેને સ્થાન મળ્યું નહોતું. એ વખતે પ્રવીણ કુમારને લાગ્યું હતું કે હવે તેના જીવનમાં બધું સમાપ્ત થઈ ગયું છે. તેણે કહ્યું કે હું ઘણી સારી બોલિંગ કરી રહ્યો હતો. લોકો મારી પ્રશંસા કરી રહ્યા હતા. હું ટેસ્ટ ક્રિકેટનું સપનું જોતો હતો. પરંતુ અચાનક બધું જાણે સમાપ્ત થઈ ગયું હતું.

મોહમ્મદ શમી

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, તે 2015ના વર્લ્ડ કપ પછી ઈજામાં સાજો થઈને પરત ટીમમાં ફરી રહ્યો હતો ત્યારે એને આત્મહત્યા કરવાનો વિચાર ત્રણ વખત આવ્યો હતો. શમીએ ઈન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા સાથે વાતચીત કરતા કહ્યું કે, જીવનમાં અંગત મુશ્કેલીઓ વચ્ચે એકાગ્રતા જાળવી રાખવા માટે એને ઘણો સંઘર્ષ કરવો પડયો હતો.

શમીએ વધુમાં કહ્યું કે, 2015ના વર્લ્ડ કપમાં મને ઈજા પહોંચતા હું 18 મહિના ટીમની બહાર રહ્યો હતો. ત્યારપછી ટીમમાં પરત ફરવું મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. શમીએ કહ્યું કે તે તેના પરિવારના સાથને કારણે ક્રિકેટમાં પરત ફરી શક્યો હતો. મને ત્રણ વખત આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. મારો પરિવાર સતત મારા પર નજર રાખતો. મારું ઘર 24મા માળ પર હતું જેથી મારા પરિવારને લાગતું ક્યાંક હું અહીંથી નીચે છલાંગ મારી દઈશ.

ઉદ્ધવ ઠાકરેના સસરાનું વૃદ્ધાવસ્થાને કારણે મુંબઈમાં નિધન

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સસરા અને ઉદ્ધવના પત્ની રશ્મી ઠાકરેના પિતા માધવ પાટણકરનું વૃદ્ધાવસ્થાને કારણે આજે નિધન થયું છે.

માધવ પાટણકર 78 વર્ષના હતા. એમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધો હતો. રશ્મી ઠાકરેનું પિયર મુંબઈની પડોશના થાણે જિલ્લાના ડોંબિવલી નગરમાં છે. માધવ પાટણકર જાણીતા ઉદ્યોગપતિ હતા. એ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. અંધેરીની ક્રિટીકેર હોસ્પિટલમાં એમની સારવાર ચાલુ હતી. એ દરમિયાન આજે સવારે એમનું નિધન થયું હતું.

પાટણકરના નિધનની જાણ થયા બાદ ઉદ્ધવ તથા રશ્મી ઠાકરે, જે શિવસેના પાર્ટીના મુખપત્ર દૈનિક સામનાનાં સંપાદક છે, તેમને શ્રદ્ધાંજલિ અને શોકસંદેશા મળી રહ્યાં છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી તથા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ટ્વીટ કરીને ઠાકરે દંપતી પ્રતિ દિલસોજી વ્યક્ત કરી હતી.

અજિત પવારે પત્ર લખીને રશ્મી ઠાકરેને પિતૃવિયોગનું દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના વ્યક્ત કરી હતી. ઠાકરે તથા પાટણકર પરિવારો પર આવી પડેલા આ દુઃખમાં પવાર કુટુંબ તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સામેલ છે એમ પણ અજિત પવારે વધુમાં લખ્યું છે.

મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે.

ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસના બે અધિકારી લાપતા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના આ પાટનગર શહેરમાંની ભારતીય દૂતાવાસના બે જૂનિયર કક્ષાના અધિકારી આજે સવારે 8 વાગ્યાથી લાપતા થયા છે. દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી અને પ્રવક્તા અખિલેશ સિંહે પાકિસ્તાની સત્તાવાળાઓને આની તત્કાળ જાણ કરી દીધી હતી.

નવી દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસના બે અધિકારીને જાસૂસી કરવાના આરોપસર પાકિસ્તાન પાછા મોકલી દેવાયા બાદ ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસ સાથે આ ઘટના બની છે. ભારતીય રાજદૂતોની વારંવાર ફરિયાદ રહી છે કે એમનો સતત પીછો કરવામાં આવતો હોય છે.

ભારતીય દૂતાવાસના બંને અધિકારી એમની સત્તાવાર ફરજ બજાવવા માટે એક વાહનમાં નીકળ્યા હતા, પરંતુ તેઓ ઓફિસે પહોંચ્યા જ નહોતા.

બે કલાક સુધી તેઓ ઓફિસે ન પહોંચતા પાકિસ્તાની સત્તાવાળાઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

કોરોનાના 11,502 નવા કેસ, 325નાં મોત

નવી દિલ્હીઃ વિશ્વના તમામ દેશોની સાથે ભારતમાં પણ કોરોના વાઇરસનો પ્રકોપ જારી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા 3,32,424 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 11,502 નવા કેસો સામે આવ્યા છે અને 325 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી 9520 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે 1,69,798 દર્દીઓ આ બીમારીને હરાવવામાં સફળ થયા છે. રિકવરી રેટ વધીને 51.07 ટકાએ પહોંચ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં ઉછાળો

મહારાષ્ટ્રમાં ગઈ કાલે 3390 નવા કેસ નોંધાયા છે અને 120 લોકોનાં મોત થયાં છે. જેમાં 69 મોત મુંબઈમાં થયાં છે. ઓવરઓલ કોરોના કેસો વધીને 1,07,958 થયા છે. અત્યાર સુધી રાજ્યમાં 3950 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 79 લાખને પાર

વિશ્વમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 79 લાખને પાર થઈ ગઈ છે. એ આંકડો દરરોજ વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં 4,35,177 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુદી આ બીમારીમાંથી  41,04,373 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

ICMR દ્વારા 56,58,514 લોકોની કોરોનાની તપાસ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં ગઈ કાલ સુધી 56,58,614 લોકોની કોરોના તપાસ થઈ ચૂકી છે. પાછલા 24 કલાકમાં 1,51,432 લોકોનો કોવિડ-19નો ટેસ્ટ થયો હતો, જેમાંથી 11,929 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પ્રકારે પોઝિટિવ કેસોનો દર 7.87 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

કોરોનાના રિપોર્ટની રાહ જોયા વગર સંદિગ્ધનું શબ પરિવારને સોંપાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના સંદિગ્ધ કેસોમાં જીવ ગુમાવનાર લોકોનાં શબોના અંતિમ સંસ્કાર માટે તેમના પરિવારજનોને સોંપવાને લઈ નક્કી કરેલા દિશા-નિર્દેશોમાં રાહત આપી છે. હવે આવા કેસોમાં શબો માટે પરિવારજનોએ કોરોના રિપોર્ટ માટેની રાહ નહીં જોવી પડે. મંત્રાલયે ગઈ કાલે દિલ્હી સરકારે જણાવ્યું હતું કે કોવિડ-19ના સંદિગ્ધ કેસોમાં લેબોરેટરીનાં પરિણામની રાહ જોયા વગર પરિવારને સોંપી દેવા જોઈએ, પણ શબને સરકાર દ્વારા નિયત કરેલા માપદંડો મુજબ રાખવા જોઈએ. કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધને ટ્વીટ કરીને આ બાબતથી લોકોને માહિતગાર કર્યા હતા.

છ દિવસમાં કોરોનાના 10,000થી વધુ કેસ

દિલ્હીમાં છ દિવસમાં કોરોના વાઇરસના 10,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે અને કુલ સંક્રમિત લોકોની સંખ્યા 41,000ને પાર પહોંચી ગઈ છે. અહીં પ્રતિ દિન સરેરાશ 1600થી વધુ નવા કેસ સામે આવ્યા છે.

જુલાઈના અંત સુધીમાં દિલ્હીમાં સંક્રમણના 5.5 લાખ કેસ થવાની શક્યતા

દિલ્હીમાં સંક્રમણના કેસ 20,000થી 30,000 સુધી પહોંચવામાં આઠ દિવસ લાગ્યા, જ્યારે 10,000થી 20,000 સુધી પહોંચવામાં 13 દિવસ લાગ્યા હતા. ગઈ કાલે દિલ્હીમાં 2224 નવા કેસ સામે આવ્યા હતા. જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. ગઈ કાલે આ વાઇરસના કુલ કેસ 41,000એ પહોંચ્યા છે અને અત્યાર સુધીમાં 1327 લોકોનાં મોત થયાં છે. દિલ્હી સરકારે કહ્યું છે કે જુલાઈના અંત સુધીમાં દિલ્હીમાં સંક્રમણના 5.5 લાખ કેસ થવાની શક્યતા છે.

 

મુંબઈમાં આજથી આવશ્યક સેવાઓના કર્મચારીઓ માટે લોકલ ટ્રેન સેવા ફરી શરૂ

મુંબઈઃ કોરોના વાઈરસ બીમારી સામેના જંગ વચ્ચે શહેરમાં આજથી માત્ર આવશ્યક સરકારી સેવાઓમાં સંકળાયેલા લોકો માટે પશ્ચિમ અને મધ્ય રેલવે વિભાગો પર 346 લોકલ ટ્રેનો ફરી દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

પશ્ચિમ રેલવેએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ ટ્રેનોમાં સામાન્ય લોકોને ચડવા દેવામાં નહીં આવે અને તેથી લોકોએ સ્ટેશનોની બહાર ટોળે પણ વળવું નહીં.

મુંબઈમાં કોરોનાનો ફેલાવો રોકવા માટે ગયા માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી લોકલ ટ્રેન સેવાને સ્થગિત કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે નક્કી કરેલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ માટેની લોકલ ટ્રેનો સવારે 5.30 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે અને રાતે 11.30 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. બે ટ્રેન વચ્ચેનો સમયગાળો 15-મિનિટનો રહેશે.

વધારે ટ્રેનો ચર્ચગેટ અને વિરાર વચ્ચે દોડાવવામાં આવશે. અમુક ટ્રેનોને દહાણુ રોડ સુધી લંબાવવામાં આવશે.

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું પડશે. એ માટે દરેક ટ્રેનમાં માત્ર 700 જણને જ ચડવા દેવામાં આવશે. સામાન્ય રીતે એક ટ્રેન 1,200 જણને લઈ જતી હોય છે.

મધ્ય રેલવે વિભાગ પર 200 ટ્રેનો શરૂ કરાઈ છે. 130 ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી કસારા, કસારા, કલ્યાણ અને થાણે સુધી જશે, જ્યારે બાકીની ટ્રેનો CSMTથી પનવેલ વચ્ચે દોડાવાશે. આ ટ્રેનો પણ ફાસ્ટ ટ્રેનો તરીકે દોડશે અને માત્ર મોટા સ્ટેશનો પર જ ઊભી રહેશે.

સુવિચાર – ૧૫ જૂન, ૨૦૨૦

સુવિચાર – ૧૫ જૂન, ૨૦૨૦