ડિપ્રેશનઃ આ ભારતીય ક્રિકેટરોએ પણ કર્યો હતો આત્મહત્યાનો વિચાર

મુંબઈઃ બોલીવૂડના યુવા, તેજસ્વી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગઈ કાલે મુંબઈમાં એના ઘરમાં આત્મહત્યા કરી લેતા સૌ કોઈ આશ્ચર્યમાં છે કે, શા માટે સુશાંતે આવું અંતિમ પગલું ભરવું પડ્યું? સુશાંત બોલીવુડની સાથોસાથ ક્રિકેટની રમતની પણ ઘણો નજીક રહ્યો હતો. ક્રિકેટ પર બનેલી ફિલ્મ ‘કાય પો છે’ થી ફિલ્મ કરિયરની શરુઆત કરનાર સુશાંતને એમ.એસ. ધોનીના જીવન પર બનેલી ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ એ જબ્બર સફળતા અપાવી હતી.

ચર્ચા એવી ચાલી રહી છે કે, સુશાંતે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી લીધી. અહીં એવા ક્રિકેટરોની વાત કરવી છે જેઓ પણ ભૂતકાળમાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરવા સુધીના વિચારો કરી ચૂક્યા હતા. સુશાંતના મૃત્યુ પછી ફરી એકવાર માનસિક હતાશાનો મુદ્દો ઉભો થયો છે.

રોબિન ઉથપ્પા

માનસિક સ્વાસ્થ્યની વાત કરવામાં આવી રહી છે ત્યારે 2007માં ભારતને પ્રથમ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ જીતવામાં મદદરૂપ બનનાર રોબિન ઉથપ્પા પણ સુશાંતના મોતના સમાચારથી ચોંકી ગયો છે. એણે દુખ વ્યક્ત કર્યું છે. ઉથપ્પાએ ડિપ્રેશન અંગે વાત કરતા કહ્યું કે, જો તમે સારું ફીલ કરતા ન હો તો એ ખરાબ બાબત નથી. આપણા અંતરમાં જે ધમાસાણ ચાલી રહ્યું હોય તેની પર ચર્ચા કરવી જરૂરી છે.

રોબિને થોડા દિવસો પહેલા પણ કહ્યું હતું કે, એક સમયે પોતે પણ ડિપ્રેશનમાં હતો અને તેના મનમાં આત્મહત્યા કરવાના વિચાર આવ્યા હતા. સુશાંતના મોત અંગે રોબિને ટ્વીટમાં લખ્યું છે કે, આપણે મનમાં જે અનુભવી રહ્યા હોઈએ એ અંગે બોલવાની જરૂર હોય છે.

રોબિન ઉથપ્પા, જે પોતે બે વર્ષથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો, તેણે થોડા સમય પહેલા કહ્યું હતું કે તેને બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા. ક્રિકેટ જ એક માત્ર કારણ હતું કે, જેણે તેને આવું કરતા રોક્યો હતો. રોબિને કહ્યું હતું કે, 2009થી 2011 દરમિયાન હું દરરોજ વિચારતો હતો કે, આવતીકાલે શું થશે?  મારા જીવનમાં શું ચાલી રહ્યું અને હું કઈ દિશામાં જઈ રહ્યો છું. ક્રિકેટે આ તમામ વિચારોને મારા મનમાંથી બહાર કાઢી નાંખ્યા. એ દિવસો દરમિયાન રોબિને ડાયરી લખવાનું પણ શરુ કર્યું હતું. રોબિને કહ્યું કે, એક માણસ તરીકે મેં મારી જાતને સમજવાની પ્રક્રિયા શરુ કરી, બહારની મદદ પણ લીધી જેથી મારા જીવનમાં બદલાવ લાવી શકું. એક સમય એવો હતો હું સખત મહેનત કરી રહ્યો હતો છતાં રન નહતા બની રહ્યા. આ સ્થિતિ હું સમજી શકતો નહતો. આપણે ઘણી વખત સ્વીકારવા તૈયાર નથી હોતા કે આપણે માનસિક બિમાર છીએ. રોબિનનું કહેવું છે કે, નકારાત્મક વસ્તુઓનો સામનો કરીને જ તમે સકારાત્મકતામાં ખૂશ રહી શકો છો.

પ્રવીણ કુમાર

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર પણ ડિપ્રેશનને કારણે એક સમયે આત્મહત્યાનો વિચાર કરી ચૂક્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં જ પ્રવીણ કુમારે કહ્યું હતું કે, એક વખત હું આત્મહત્યા કરવાના ઈરાદે મફલર અને બંદૂક લઈને હાઈવે પર ડ્રાઈવિંગ કરતો કરતો હરિદ્વાર પહોંચી ગયો હતો. પોતે લાંબો સમય સુધી ડિપ્રેશનનો શિકાર રહ્યો અને હાલ પણ તેની થેરાપી અને દવાઓ ચાલી રહી છે.

મહત્વનું છે કે પ્રવીણ કુમારને વર્ષ 2011માં ડેન્ગ્યુ થયો હતો તેથી તેને વર્લ્ડકપ વિજેતા ટીમમાં સામેલ કરાયો નહોતો. આ પછી, તેના માટે બીજો ખરાબ તબક્કો આવ્યો હતો 2014માં જ્યારે આઈપીએલની હરાજીમાં કોઈપણ ટીમમાં તેને સ્થાન મળ્યું નહોતું. એ વખતે પ્રવીણ કુમારને લાગ્યું હતું કે હવે તેના જીવનમાં બધું સમાપ્ત થઈ ગયું છે. તેણે કહ્યું કે હું ઘણી સારી બોલિંગ કરી રહ્યો હતો. લોકો મારી પ્રશંસા કરી રહ્યા હતા. હું ટેસ્ટ ક્રિકેટનું સપનું જોતો હતો. પરંતુ અચાનક બધું જાણે સમાપ્ત થઈ ગયું હતું.

મોહમ્મદ શમી

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, તે 2015ના વર્લ્ડ કપ પછી ઈજામાં સાજો થઈને પરત ટીમમાં ફરી રહ્યો હતો ત્યારે એને આત્મહત્યા કરવાનો વિચાર ત્રણ વખત આવ્યો હતો. શમીએ ઈન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા સાથે વાતચીત કરતા કહ્યું કે, જીવનમાં અંગત મુશ્કેલીઓ વચ્ચે એકાગ્રતા જાળવી રાખવા માટે એને ઘણો સંઘર્ષ કરવો પડયો હતો.

શમીએ વધુમાં કહ્યું કે, 2015ના વર્લ્ડ કપમાં મને ઈજા પહોંચતા હું 18 મહિના ટીમની બહાર રહ્યો હતો. ત્યારપછી ટીમમાં પરત ફરવું મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. શમીએ કહ્યું કે તે તેના પરિવારના સાથને કારણે ક્રિકેટમાં પરત ફરી શક્યો હતો. મને ત્રણ વખત આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. મારો પરિવાર સતત મારા પર નજર રાખતો. મારું ઘર 24મા માળ પર હતું જેથી મારા પરિવારને લાગતું ક્યાંક હું અહીંથી નીચે છલાંગ મારી દઈશ.