મુંબઈમાં આજથી આવશ્યક સેવાઓના કર્મચારીઓ માટે લોકલ ટ્રેન સેવા ફરી શરૂ

મુંબઈઃ કોરોના વાઈરસ બીમારી સામેના જંગ વચ્ચે શહેરમાં આજથી માત્ર આવશ્યક સરકારી સેવાઓમાં સંકળાયેલા લોકો માટે પશ્ચિમ અને મધ્ય રેલવે વિભાગો પર 346 લોકલ ટ્રેનો ફરી દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

પશ્ચિમ રેલવેએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ ટ્રેનોમાં સામાન્ય લોકોને ચડવા દેવામાં નહીં આવે અને તેથી લોકોએ સ્ટેશનોની બહાર ટોળે પણ વળવું નહીં.

મુંબઈમાં કોરોનાનો ફેલાવો રોકવા માટે ગયા માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી લોકલ ટ્રેન સેવાને સ્થગિત કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે નક્કી કરેલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ માટેની લોકલ ટ્રેનો સવારે 5.30 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે અને રાતે 11.30 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. બે ટ્રેન વચ્ચેનો સમયગાળો 15-મિનિટનો રહેશે.

વધારે ટ્રેનો ચર્ચગેટ અને વિરાર વચ્ચે દોડાવવામાં આવશે. અમુક ટ્રેનોને દહાણુ રોડ સુધી લંબાવવામાં આવશે.

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું પડશે. એ માટે દરેક ટ્રેનમાં માત્ર 700 જણને જ ચડવા દેવામાં આવશે. સામાન્ય રીતે એક ટ્રેન 1,200 જણને લઈ જતી હોય છે.

મધ્ય રેલવે વિભાગ પર 200 ટ્રેનો શરૂ કરાઈ છે. 130 ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી કસારા, કસારા, કલ્યાણ અને થાણે સુધી જશે, જ્યારે બાકીની ટ્રેનો CSMTથી પનવેલ વચ્ચે દોડાવાશે. આ ટ્રેનો પણ ફાસ્ટ ટ્રેનો તરીકે દોડશે અને માત્ર મોટા સ્ટેશનો પર જ ઊભી રહેશે.