કોરોનાના રિપોર્ટની રાહ જોયા વગર સંદિગ્ધનું શબ પરિવારને સોંપાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના સંદિગ્ધ કેસોમાં જીવ ગુમાવનાર લોકોનાં શબોના અંતિમ સંસ્કાર માટે તેમના પરિવારજનોને સોંપવાને લઈ નક્કી કરેલા દિશા-નિર્દેશોમાં રાહત આપી છે. હવે આવા કેસોમાં શબો માટે પરિવારજનોએ કોરોના રિપોર્ટ માટેની રાહ નહીં જોવી પડે. મંત્રાલયે ગઈ કાલે દિલ્હી સરકારે જણાવ્યું હતું કે કોવિડ-19ના સંદિગ્ધ કેસોમાં લેબોરેટરીનાં પરિણામની રાહ જોયા વગર પરિવારને સોંપી દેવા જોઈએ, પણ શબને સરકાર દ્વારા નિયત કરેલા માપદંડો મુજબ રાખવા જોઈએ. કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધને ટ્વીટ કરીને આ બાબતથી લોકોને માહિતગાર કર્યા હતા.

છ દિવસમાં કોરોનાના 10,000થી વધુ કેસ

દિલ્હીમાં છ દિવસમાં કોરોના વાઇરસના 10,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે અને કુલ સંક્રમિત લોકોની સંખ્યા 41,000ને પાર પહોંચી ગઈ છે. અહીં પ્રતિ દિન સરેરાશ 1600થી વધુ નવા કેસ સામે આવ્યા છે.

જુલાઈના અંત સુધીમાં દિલ્હીમાં સંક્રમણના 5.5 લાખ કેસ થવાની શક્યતા

દિલ્હીમાં સંક્રમણના કેસ 20,000થી 30,000 સુધી પહોંચવામાં આઠ દિવસ લાગ્યા, જ્યારે 10,000થી 20,000 સુધી પહોંચવામાં 13 દિવસ લાગ્યા હતા. ગઈ કાલે દિલ્હીમાં 2224 નવા કેસ સામે આવ્યા હતા. જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. ગઈ કાલે આ વાઇરસના કુલ કેસ 41,000એ પહોંચ્યા છે અને અત્યાર સુધીમાં 1327 લોકોનાં મોત થયાં છે. દિલ્હી સરકારે કહ્યું છે કે જુલાઈના અંત સુધીમાં દિલ્હીમાં સંક્રમણના 5.5 લાખ કેસ થવાની શક્યતા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]