Home Blog Page 4763

ચીનના દુઃસાહસ મામલે પીએમ મોદી મૌન તોડેઃ રાહુલ

નવી દિલ્હી: કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં ચીન સાથેની સરહદ પર થયેલી અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયાના અહેવાલોને પગલે દેશભરમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ભારત અને ચીન વચ્ચે લદાખના મામલે વધતા જતા તણાવ મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, ‘બસ, હવે બહુ થયું, આપણે સત્ય જાણવું છે કે, હકીકતમાં થયું છે શું. વડાપ્રધાન મોદી ચૂપ શા માટે છે’? આપણા સૈનિકોને મારવાની ચીનની હિંમત કેવી રીતે થઈ? ચીન આપણી જમીન પર કેવી રીતે કબજો કરી શકે?

ભારત અને ચીનની બોર્ડર પર 20 જવાનોની મોતથી સમગ્ર દેશમાં ગુસ્સો છે. વિપક્ષી પાર્ટીઓ પણ સતત સરકારને સવાલ કરી રહી છે. તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ હવે સરકાર પર પ્રહાર કર્યા છે. મહુઆનું કહેવું છે કે, છેલ્લા એક સપ્તાહમાં ચીન, પાકિસ્તાન અને નેપાળ બોર્ડર પર જવાનોએ જીવ ગુમાવ્યો છે. સવાલ પૂછવા પર એન્ટી નેશનલ જાહેર કરી દેવામાં આવે છે.

મહુઆ મોઈત્રાએ લખ્યું કે, સરકારને સવાલ પૂછીએ તો એન્ટી-નેશનલ કહેવામાં આવે છે, અને કેવી રીતે થયું એમ પૂછવા પર અમારા પર દેશદ્રોહનો કેસ થઈ જાય છે.

મહત્વનું છે કે, ગલવાન ખીણવિસ્તાર પાસે બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું છે. આ ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા, જેમાં એક કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ છે. બીજી તરફ ચીનને પણ મોટું નુકસાન થયું છે. સમાચાર એજન્સી ANI નો દાવો છે કે, ચીનના 43 સૈનિકો માર્યા ગયા છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે, ચીને આ વાતની પુષ્ટી કરી નથી.

ચાઈનીઝ એપ Vigo video ભારતમાં બંધ થશે

નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં ટિકટોકને લઈને વિવાદ છેડાતો રહે છે, હવે ટિકટોક એપ બનાવનાર કંપની બાઈટડાન્સ (ByteDance) ભારતમાં પોતાની બે પોપ્યુલર વિડિયો એપ્લિકેશન – Vigo Video અને Vigo Lite બંધ કરવાની છે. કંપનીએ આ બંને એપના યુઝર્સને તેમના વિડિયો ટિકટોક પર એક્સપોર્ટ કરવાની તેણે સલાહ આપી છે. ચાઈનિઝ એપ નિર્માતા કંપની ભારતમાં 31 ઓકટોબર 2020 સુધીમાં આ બંને એપને સંપૂર્ણ શટડાઉન કરવા જઈ રહી છે.

ભારતમાં વિગો વિડિયો અને વિગો લાઈટ – બંને એપ્સ બંધ થઇ જશે. વિગો યુઝર્સ 31 ઓકટોબર 2020 સુધી પોતાના વિડિયોને ટિકટોક પર ટ્રાન્સફર કરી શકે છે.

કંપનીએ આ વિડિયો મેકિંગ એપ વર્ષ 2017માં જ લોન્ચ કરી હતી જેમાં 15 સેકંડ સુધીના વિડિયો બનાવી શકાય છે. ટેક ક્રંચના એક રિપોર્ટ અનુસાર વિગો વિડિયો એપના મહિને 40 લાખ એક્ટિવ યુઝર્સ હતા જ્યારે વિગો લાઈટના 15 લાખ જેટલા માસિક એક્ટિવ યુઝર્સ હતા.

કંપનીએ એક લેટર પોસ્ટ કર્યો છે જેનું હેડિંગ –A Farewell Letter છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કંપની Vigo અને Vigo Lite એપ બંધ કરી રહી છે. મહત્વનું છે કે, આ પહેલા આ એપ બ્રાઝિલ અને મિડલ ઈસ્ટ સહિતના કેટલાક દેશોમાં બંધ થઇ ગઈ છે. કંપનીનું કહેવું છે કે, આ એપ બંધ કરીને પોતાનું ધ્યાન અન્ય બિઝનેસ પર કેન્દ્રિત કરવા માંગે છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા 3.50 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 2003નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ મોત થયાં છે. દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાથી 2000થી વધુ મોત થયાં છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 10,974 નવા કેસ સામે આવ્યા છે અને 2003 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,54,065 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 11,903 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,86,935 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,55,227એ પહોંચી છે. રિકવરી રેટ 52.79 ટકાએ પહોંચ્યો છે. આ વાઇરસ માટે હજી સુધી કોઈ રસી વિકસિત નથી કરી શકાઈ.

વિશ્વમાં કોરોનાથી 4,37,283 લોકોનાં મોત

દેશમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્ 10,000ને પાર થઈ ગઈ છે. કેન્દ્રએ પ્રતિદિન પરીક્ષણ ક્ષમતા વધારીને ત્રણ લાખ કરી દીધી છે. વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,37,283 લોકોનાં મોત થયાં છે અને આ પ્રમાણે ભારતનો આઠમો ક્રમાંક છે.  આ બીમારીથી અત્યાર સુધી 11,903 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 70 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીના છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત 11મા દિવસે વધારો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત 11મા દિવસે વધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમાઈ છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો સતત ચાલુ છે. ક્રૂડ ઓઇલ સસ્તું છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ 21 મહિનાની ટોચે પહોચ્યા છે.  પાછલા 11 દિવસોમાં પેટ્રોલમા જ્યાં પ્રતિ લિટરે રૂ. છનો વધારો થયો છે, ત્યાં ડીઝલની કિંમતમાં પણ રૂ. 6.40નો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રતિ લિટરે પેટ્રોલનો ભાવ વધીને રૂ. 77.28 થયો હતો, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે રૂ. 75.79એ પહોંચ્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અનુક્રમે 53 પૈસા અને 60 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

 

સોનિયા ગાંધીએ વડા પ્રધાનને કિંમતોમાં વધારા અંગે પત્ર લખ્યો

પેટ્રોલ અને ડીઝલમાં સતત 11 દિવસથી થઈ રહેલા વધારાને લઈને કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને આ વધારો પાછો ખેંચવાની માગ કરી છે. તેમણે પત્રમાં કહ્યું હતું કે કોરોના વાઇરસ સંકટથી ઝઝૂમી રહેલા દેશ માટે આ નિર્ણય અસંવેદનશીલ છે. સરકાર લોકોને લાભ પહોંચાડવા માટે કોઈ કામ નથી કરી રહી.  તેમણે કહ્યું હતું કે દેશમાં એક તો લોકોની નોકરીઓ ગઈ છે અને એમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોનો મારથી મોંઘવારી બેકાબૂ બનશે.

શહેરનું નામ   પેટ્રોલ

રૂ. પ્રતિ લિટર

ડીઝલ  

 રૂ. પ્રતિ લિટર

દિલ્હી  77.28  75.79
મુંબઈ 84.15 74.32
ચેન્નઈ   80.86   73.69
કોલકાતા  79.08 71.38
નોએડા 78.67 68.89
રાંચી 75.86 72.08
બેંગલુરુ 79.79 72.07
પટના 80.79 73.76
ચંડીગઢ  74.39 67.75
લખનૌ 78.57    68.80

 

તમારા શહેરમાં શું પેટ્રોલ અને ડીઝલની કિંમત… આવો જાણીએ

પેટ્રોલ અને ડીઝલની કિંમતો રોજ બદલાય છે અને સવારે છ કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો RSP લખીને 922499249 નંબર પર BPCLના ગ્રાહકો RSP લખીને 9223112222 લખીને અને HPCLના ગ્રાહકો HPPrice ળખીને 9222201122 નંબરક પર મોકલીને ભાવ જાણી શકે છે.

 

 

પંચાંગ 17/06/2020

રાશિ ભવિષ્ય 17/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુ ભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિક સ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

સુશાંતના મોતથી ખૂબ જ દુ:ખી, ઉદાસ છે ધોની

નવી દિલ્હી:  સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના સમાચાર સાંભળી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ખૂબ જ દુ:ખી અને ઉદાસ છે. ધોનીના જીવન પર બનેલી ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ટ સ્ટોરી’માં અભિનેતાએ માહીની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મના કારણે સુશાંત સિંહ અને મહેંદ્ર સિંહ ધોની વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. સુશાંતના આકસ્મિક નિધન પર ધોનીએ સામે આવીને કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ  ધોની ખૂબ જ ઉદાસ અંદરથી તુટી ગયો છે.

ફિલ્મમાં માહીની ભૂમિકા માટે સુશાંતની પસંદગી કર્યા પછી પૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરેએ તેમને ટ્રેનિંગ આપી હતી. 9 મહિના સુધી સુશાંતને ધોનીની તમામ સ્ટાઈલ અને ટેકનિકો અંગે ટ્રેનિંગ આપવામાં આવી.  ટ્રેનિંગ દરમિયાન તેમના હાથ પર ઈજા પણ પહોંચી હતી છતાં તે અટકયો નહીં અને ધોનીનો ટ્રેડમાર્ક માનવામાં આવતો હેલીકોપ્ટર શોર્ટ પણ શીખ્યો.

ધોનીના મિત્ર અને ધોનીની બાયોપીક ફિલ્મના નિર્માતા અરૂણ પાંડેએ જણાવ્યું કે, સુશાંત માહીની ભૂમિકા એકદમ સારી રીતે નિભાવી શક્યો તેની પાછળનું કારણ એ હતું કે, તે આ ફિલ્મનો ભાગ બન્યા પહેલા જ તેણે ધોનીને સારી રીતે ઓળખી લીધો હતો. ધોની સુશાંત માટે એક પ્રેરણાસ્ત્રોત હતો. સુશાંત સિંહ પણ ધોનીની જેમ એક નાના શહેરમાંથી આવ્યો હતો.

ફિલ્મના નિર્દેશક નીરજ પાંડેએ સુશાંતના મોતના સમાચાર રવિવારે બપોરે ધોનીને ફોન કરીને આપ્યા હતાં. તેમણે કહ્યું કે, આ સમાચાર સાંભળી માહી ખૂબ જ દુ:ખી અને ઉદાસ છે. આ ખૂબ જ દુખદ છે. સુશાંત માત્ર 34 વર્ષનો હતો અને તમામ કરિયર બાકી હતું. એ વાતમાં કોઈ શંકા નથી કે તે ખૂબ જ શાનદાર કામ કરતો હતો. જિંદગીમાં ઉતાર ચડાવ તો આવતા રહે.

 

 

અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યાના સંકેતો દેખાય છે: PM

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં ફરી એક વાર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્ય પ્રધાનોને સંબોધન કર્યું હતું. આજે યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું હતું કે કોરોના વાઈરસ સામેની લડાઈમાં ભારત અન્ય દેશોની તુલનાએ સારી કામગીરી કરી રહ્યો છે. ભારત એ દેશોમાં સામેલ છે, જ્યાં મૃત્યુદર સૌથી ઓછો છે. વડા પ્રધાને રાજ્યોના મુખ્ય પ્રધાનોને કહ્યું હતું કે આર્થિક કામકાજો પુનઃ જૂના સ્તરે પાછાં ફરી રહ્યાં છે, પણ એની પર હજી વધુ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાંક સપ્તાહમાં હજારોની સંખ્યામાં આપણા ભાઈ-બહેનો વિદેશમાંથી વતન ફર્યાં છે. તો લાખોની સંખ્યામાં શ્રમિકો પોતપોતાના વતન ગામે પહોંચ્યાં છે.

દેશમાં રિકવરી રેટ 50 ટકાની ઉપર

રેલવે, રોડ, એર અને સમુદ્ર સહિત બધા માર્ગ હવે ખૂલી ચૂક્યા છે, પણ તેમ છતાં ભારતમાં કોરોના સંક્રમણ એનું વિનાશક રૂપ નથી બતાવી શક્યું, જે વિશ્વના અન્ય દેશોમાં કોરોના વાઇરસે બતાવ્યું છે. તેમણે કહ્યું હતું કે વિશ્વના મોટા-મોટા નિષ્ણાતો, હેલ્થના જાણકાર લોકડાઉન અને ભારતના લોકો દ્વારા દેખાડવામાં આવેલી શિસ્તની ભારે ચર્ચા કરી રહ્યા છે. દેશમાં રિકવરી રેટ 50 ટકાની ઉપર ચાલી ગયો છે. ભારત વિશ્વના એ દેશોમાં અગ્રણી છે, જ્યાં કોરોના વાઇરસના સંક્રમણ દરમ્યાન જીવન બચાવી શકાયું છે. કોઈનું પણ મૃત્યુ દુઃખદ અને ગમગીન કરનારું છે, પણ એ પણ સત્ય છે કે આજે ભારત વિશ્વના એ દેશોમાં છે, જ્યાં કોરોનાને કારણે સૌથી ઓછાં મૃત્યુ થઈ રહ્યાં છે. હવે અનેક રાજ્યોના અનુભવ આત્મવિશ્વાસ વધારે છે કે ભારત કોરોનાના સંકટ કાળમાં નુકસાનને સીમિત કરીને આગળ વધી શકે છે અને અર્થતંત્રને ઝડપથી સંભાળી શકે છે.

માસ્ક પહેરવાની આવશ્યકતા અને બે ગજની દૂરી

વડા પ્રધાને કહ્યું હતું કે ગત બે સપ્તાહે આપણને સબક શીખવાડ્યો છે કે જો આપણે નિયમોનું પાલન કરતા રહીશું, બધા દિશા-નિર્દેશોને માનતા રહીશું તો કોરોના સંકટથી દેશને ઓછામાં ઓછું નુકસાન થશે. એટલે માસ્ક અથવા મોઢાને ઢાંકવા પર બહુ ભાર આપવાની આવશ્યકતા છે. માસ્ક પહેરીનને અથવા ફેસ શિલ્ડથી મોઢું ઢાંક્યા વગર ઘરથી બહાર નીકળવાની અત્યારે કલ્પના પણ કરવી યોગ્ય નથી. આ જેટલું પોતાના માટે હાનિકારક છે એટલું જ તેની આસપાસના લોકો માટે પણ જોખમથી ભરેલું છે.  એટલે બે ગજની દૂરી જ અમારો મંત્ર છે અને દિવસમાં કેટલીય વાર 20 સેકન્ડ માટે હાથ ધોવા જરૂરી છે. સેનિટાઇઝરના ઉપયોગની વાત હોય, આ બધું બહુ ગંભીરતાથી કરવું જોઈએ. ખુદની સુરક્ષા માટે, પરિવારની સુરક્ષા માટે અને વિશેષ કરીને ઘરનાં બાળકો અને વડીલોની સુરક્ષા માટે આ બહુ જરૂરી છે.

થોડી બેદરકારી કોરોના સામેની લડાઈને નબળી પાડશે

તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ બધી ઓફિસો ખૂલી ગઈ છે. થોડી બેદરકારી અથવા શિસ્તની ઊણપ કોરોના સામેની લડાઈને નબળી પાડશે. તેમણે કહ્યું હતું કે કોરોનાને જેટલો રોકી શકીશું, એટલા જ આપણે સામાન્ય જીવન તરફ ઝડપથી પાછા ફરી શકીશું. પાછલાં કેટલાંક સપ્તાહોમાં પ્રયાસોથી અર્થતંત્રમાં ગ્રીન સ્પોટ દેખાવા લાગ્યા છે.

ફર્ટિલાઇઝરનું વેચાણ બે ગણું થયું

તેમણે કહ્યું હતું કે વીજવપરાશ ઘટતો હતો, એ ફરી વધવા લાગ્યો છે. આ વખતે ખરીફ પાકની વાવણી પાછલા વર્ષ કરતાં 12થી 13 ટકા વધુ થઈ છે. ફર્ટિલાઇઝરનું વેચાણ બે ગણું થયું છે. ટૂ વ્હીલરનું ઉત્પાદન લોકડાઉનના પહેલાંના સ્તરના આશરે 70 ટકાએ પહોંચી ચૂક્યું છે. ડિજિટલ પેમેન્ટ પણ લોકડાઉનના પહેલાંના સ્તરે પહોંચ્યું છે. નિકાસમાં પણ બાઉન્સબેક થઈ ગયું છે. આ તમામ સંકેત આપણને પ્રોત્સાહિત કરે છે.

MSMEને ટેકો આપવા માટે અનેક નિર્ણય લેવામાં આવ્યા

તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તમામ ક્ષેત્રો માટે અનેક જોગવાઈ કરવામાં આવી છે. MSMEને ટેકો આપવા માટે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. MSMEને બેન્કથી ક્રેડિટ અપાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, જેથી તે જલદી કામ શરૂ કરી શકે અને લોકોને રોજગાર આપી શકે. 100 કરોડ સુધીના ટર્નઓવરવાળા ઉદ્યોગોને 20 ટકા વધારાનો લાભ આપવામાં આવ્યો છે.

ખેડૂતની આવક વધશે, તેનાથી ચોક્કસ માગ વધશે

તેમણે કહ્યું હતું કે ખેડૂતોને તેમના ઉત્પાદનના માર્કેટિંગ મામલે ડે પ્રયાસ કરવામાં આવ્યા છે, એનાથી ખેડૂતોને વધુ લાભ થશે અને તેમને માટે નવા વિકલ્પ ઉપલબ્ધ થશે. એનાથી ખેડૂતોની આવક વધશે અને ખરાબ મોસમને કારણે અને સંગ્રહક્ષમતાના અભાવને કારણે જે નુકસાન થાય છે એને આપણે ઓછું કરી શકીશું. જ્યારે ખેડૂતની આવક વધશે, તેનાથી ચોક્કસ માગ વધશે અને રાજ્યના અર્થતંત્રની ઝડપ વધશે.આદિવાસી વિસ્તારોમાં ઓર્ગેનિક અને હોર્ટિકલ્ચરમાં નવી તકો

વડા પ્રધાને કહ્યું હતું કે પૂર્વોત્તર અને આદિવાસી વિસ્તારોમાં ઓર્ગેનિક અને હોર્ટિકલ્ચરમાં નવી તકો શોધતા લોકો માટે નવાં માર્કેટનાં દ્વાર ખૂલવાનાં છે. લોકલ ઉત્પાદન માટે જે ક્લસ્ટરબેઝ્ડ સમિતિ યોજના હેઠળ બનાવવામાં આવી હતી, એનો લભ દરેક રાજ્યને થશે. એના માટે જરૂરી છે કે આપણે દરેક બ્લોક, દરેક જિલ્લામા એવાં ઉત્પાદનોની ઓળખ કરીએ, જેના પ્રોસેસિંગ અથવા માર્કેટિંગ કરીને એક સારી પ્રોડક્ટ આપણે દેશ અને વિશ્વના બજારોમાં ઉતારી શકીએ.

તેમણે કહ્યું હતું કે આપણે સંગઠિત થઈને કામ કરવું પડશે. તમારાં જે સૂચનો છે, જે તૈયારીઓ છે, એ જાણવા હું બહુ ઉત્સુક છું અને મને વિશ્વાસ છે કે અનુભવને આધારે જે વાત આવશે એ આવનારા સમયમાં વ્યૂહરચના બનાવવાના કામમાં આવશે.

માનસિક રોગીઓને વીમાકવચ કેમ નહીં?: સુપ્રીમ કોર્ટની સરકારને નોટિસ

નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે, ચોંકાવનારા મોત પછી છેડાયેલી ચર્ચાની વચ્ચે સુપ્રીમ કોર્ટે દાખલ થયેલી એક અરજી પર સુનાવણી કરતાં મંગળવારે કેન્દ્ર સરકાર અને વીમા ઉદ્યોગ માટેની નિયામક એજન્સી ઈન્શ્યુરન્સ રેગ્યૂલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA)ને નોટિસ મોકલી છે. માનસિક બીમારીની સારવાર માટે આરોગ્ય વીમાનો વ્યાપ વધારવા માટે પણ બધી વીમા કંપનીઓને નિર્દેશ આપવાની માગ આ અરજીમાં કરવામાં આવી છે. 14 જૂને આત્મહત્યા કરનાર સુશાંત માનસિક તાણ અનુભવતો હતો એવું કહેવાય છે. જસ્ટિસ રોહિન્ટન ફલી નરિમાન, નવીન સિન્હા અને બી.આર. ગવઈની બેન્ચે નોટિસ જારી કરી છે અને કેન્દ્ર અને IRDA પાસે જવાબ માગ્યો છે.

અત્યાર સુધી IRDAનું ઢીલા વલણ

જસ્ટિસ નરિમાન, જસ્ટિસ સિન્હા અને જસ્ટિસ ગવઈની બેન્ચે આ મામલે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી દરમ્યાન આ નોટિસ જારી કરી હતી. બેન્ચે કેન્દ્ર અને IRDAથી અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પર જવાબ માગ્યો છે. આ અરજી ગૌરવકુમાર બંસલે નોંધાવી છે. ગૌરવ બંસલે દલીલ કરતાં બેન્ચને કહ્યું હતું કે માનસિક સ્વાસ્થ્ય કાનૂન, 2017ની કલમ 21 (4)માં જોગવાઈ છે કે વીમા પોલિસીમાં માનસિક રોગને સામેલ કરવામાં આવે, પણ અત્યાર સુધી IRDAના ઢીલા વલણને કારણે આ જોગવાઈનો અમલ નથી થઈ શક્યો.

માનસિક સ્વાસ્થ્ય કાનૂન, 2017ની જોગવાઈનું પાલન કરવાનો નિર્દેશ

તેમણે કહ્યું હતું કે IRDA માનસિક સ્વાસ્થ્ય કાનૂન, 2017ની કલમ 21 (4) પર અમલ કરવા માટે વીમા કંપનીઓને નિર્દેશ નથી આપી રહી અને એને કારણે માનસિક રોગથી પીડિત વ્યક્તિઓને બહુ હેરાનગતિઓનો સામનો કરવો પડી રહ્યો છે. બંસલે કહ્યું હતું કે કાનૂનમાં સ્પષ્ટ જોગવાઈ છતાં IRDA આના પર કાર્યવાહી કરવા પ્રત્યે ખાસ ઉત્સાહ નથી દાખવી રહી. બંસલનો તર્ક છે કે IRDAની રચના મુખ્ય રૂપથી પોલિસીધારકોનાં હિતોનું રક્ષણ કરવા માટે થયું છે, પણ એવું લાગે છે કે એ તેના લક્ષ્યથી દૂર થઈ ગઈ છે.

માનસિક સ્વાસ્થ્ય કાનૂન, 2017ની જોગવાઈનું પાલન કરવાનો નિર્દેશ

બંસલે અરજીમાં કહ્યું છે કે માનસિક સ્વાસ્થય કાનૂન, 2017માં જોગવાઈ છે કે વીમાકર્તા નિર્દેશ છે કે કોઈ વ્યક્તિ માનસિક રોગથી પીડિત હોય એ કારણસર તે એની સાથે ભેદભાદ નહીં કરે અને સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં મેડિકલ વીમાને મામલે મનોરોગીઓની સાથે અન્ય લોકોની જેમ જ વર્તણૂક કરવામાં આવશે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદો બન્યા પછી IRDAએ 16 ઓગસ્ટ, 2018એ બધી વીમા કંપનીઓને એક સરક્યુલર જારી કર્યો હતો, જેમાં માનસિક સ્વાસ્થ્ય કાનૂન, 2017ની જોગવાઈનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

જૈસે થે સ્થિતિ

બંસલે કહ્યું હતું કે 16 ઓક્ટોબર, 2018ના સરક્યુલરનું પરિણામ જાણવા માટે તેમણે 10 જાન્યુઆરી, 2019એ માહિતી અધિકાર કાયદાની કલમ 6 હેઠળ એક અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ અરજીના જવાબમાં છ ફેબ્રુઆરી, 2019એ IRDAએ જાણ કરી હતી કે આ સંબંધમાં અત્યાર સુધી 16 ઓગસ્ટ, 2018ના આદેશ પર અમલ નથી કરવામાં આવ્યો. આ અરજી અનુસાર એક વર્ષ વીત્યા છતાં માનસિક સ્વાસ્થ્ય કાનૂન, 2017ની કલમ 21 (4) વિશે જે સ્થિતિ હતી, એ સ્થિતિ હાલ છે અને વીમા કંપનીઓ પર લગામ કસવાને બદલે IRDAએ તેમને મદદગાર સાબિત થઈ રહી છે.

 

કોરોનાના ઊંચા મૃત્યુદરે ખોલી ગુજરાત મોડલની પોલ: રાહુલ ગાંધી

નવી દિલ્હી: ભારતના ઘણા રાજ્યોમાં કોરોના વાઈરસ દિવસે દિવસે વકરી રહ્યો છે, દેશમાં દરરોજ હજારો કેસ સામે આવી રહ્યા છે, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર ખૂબ ઊંચો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હવે આ મામલે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે કોરોનામાં સૌથી વધુ મૃત્યુદરના આંકડાએ ગુજરાત મોડલની પોલ ખોલી નાંખી છે. ગુજરાત મોડલનું સત્ય સામે આવ્યું છે.

રાહુલ ગાંધીએ કેટલાક આંકડા શેર કર્યા હતા જે મુજબ, ગુજરાતમાં કોરોના વાઈરસનો મૃત્યુદર 6.25 ટકા છે જે સૌથી વધારે છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુદરનો આંકડો સમગ્ર દેશના મૃત્યુદરના આંકથી બમણો છે.

રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં ગુજરાતની સરખામણી કોંગ્રેસ શાસિત રાજ્યોની સાથે કરી છે. રાહુલ ગાંધીએ તેમની ટ્વિટમાં મીડિયા રિપોર્ટ પણ શેર કર્યો છે. જે મુજબ, ગુજરાતમાં કોરોનનો મૃત્યુદર 6.25 ટકા, મહારાષ્ટ્ર 3.73 ટકા, રાજસ્થાન 2.32 ટકા, પંજાબ 2.17 ટકા, પુડુચેરી 1.98 ટકા, ઝારખંડ 0.5 ટકા અને છત્તીસગઢમાં 0.35 ટકા મૃત્યુદર છે.

આ પહેલા ગઈકાલે પણ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભારતમાં લગાવેલા લોકડાઉનથી સાબિત થાય છે કે, આજ્ઞાનતાથી વધુ ખતરનાક અહંકાર હોય છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ કેસ 23 હજારથી વધારે છે. જ્યારે 1400થી વધારે લોકોના મોત નીપજ્યાં છે. જો તમિલનાડુ સાથે ગુજરાતની સરખામણી કરીએ તો, ત્યાં કુલ પોઝિટિવ કેસ 44 હજારથી વધુ છે, પરંતુ મોતનો આંકડો 435 જ છે. આજ કારણ છે કે, ગુજરાતને લઈને સતત સવાલ ઉઠી રહ્યાં છે.