ચીનના દુઃસાહસ મામલે પીએમ મોદી મૌન તોડેઃ રાહુલ

નવી દિલ્હી: કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં ચીન સાથેની સરહદ પર થયેલી અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયાના અહેવાલોને પગલે દેશભરમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ભારત અને ચીન વચ્ચે લદાખના મામલે વધતા જતા તણાવ મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, ‘બસ, હવે બહુ થયું, આપણે સત્ય જાણવું છે કે, હકીકતમાં થયું છે શું. વડાપ્રધાન મોદી ચૂપ શા માટે છે’? આપણા સૈનિકોને મારવાની ચીનની હિંમત કેવી રીતે થઈ? ચીન આપણી જમીન પર કેવી રીતે કબજો કરી શકે?

ભારત અને ચીનની બોર્ડર પર 20 જવાનોની મોતથી સમગ્ર દેશમાં ગુસ્સો છે. વિપક્ષી પાર્ટીઓ પણ સતત સરકારને સવાલ કરી રહી છે. તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ હવે સરકાર પર પ્રહાર કર્યા છે. મહુઆનું કહેવું છે કે, છેલ્લા એક સપ્તાહમાં ચીન, પાકિસ્તાન અને નેપાળ બોર્ડર પર જવાનોએ જીવ ગુમાવ્યો છે. સવાલ પૂછવા પર એન્ટી નેશનલ જાહેર કરી દેવામાં આવે છે.

મહુઆ મોઈત્રાએ લખ્યું કે, સરકારને સવાલ પૂછીએ તો એન્ટી-નેશનલ કહેવામાં આવે છે, અને કેવી રીતે થયું એમ પૂછવા પર અમારા પર દેશદ્રોહનો કેસ થઈ જાય છે.

મહત્વનું છે કે, ગલવાન ખીણવિસ્તાર પાસે બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું છે. આ ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા, જેમાં એક કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ છે. બીજી તરફ ચીનને પણ મોટું નુકસાન થયું છે. સમાચાર એજન્સી ANI નો દાવો છે કે, ચીનના 43 સૈનિકો માર્યા ગયા છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે, ચીને આ વાતની પુષ્ટી કરી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]