ચીન સાથે ઘર્ષણઃ 19 જૂને મોદીએ બોલાવી સર્વપક્ષીય બેઠક

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં ચીન સાથેની સરહદ પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરના ગલવાન ખીણવિસ્તારમાં ગયા સોમવારે રાતે ચીની સૈનિકો સાથે થયેલા લોહિયાળ ઘર્ષણ અને એમાં ભારતના જવાનો શહીદ થયા એને કારણે દેશભરમાં રોષ ફેલાયો છે તથા વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડી છે ત્યારે આ મામલે ચર્ચા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તે બેઠક વર્ચુઅલ હશે. કોરોના વાઈરસના ફેલાવાને કારણે લોકડાઉન નિયમો લાગુ હોવાને કારણે આ સર્વપક્ષીય બેઠક ઓનલાઈન યોજવામાં આવશે.

વડા પ્રધાન કાર્યાલય તરફથી આજે એક ટ્વીટ કરવામાં આવ્યું છે કે ભારતીય દળો તથા ચાઈનીઝ પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ સંબંધિત મુદ્દાઓ પર 19 જૂને સાંજે પાંચ વાગ્યે સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

તે બેઠકમાં અનેક રાજકીય પક્ષોના પ્રમુખો હાજરી આપશે.

સરકારી સૂત્રોનું કહેવું છે કે ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતના અનેક સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને એમની સારવાર ચાલી રહી છે. પરંતુ મરણાંક વધી શકે છે. ગંભીર રીતે ઘાયલ થયેલા સૈનિકોનો આંકડો ડબલ ફીગરમાં છે.

ભારતીય લશ્કરે આ વિશે વધારે વિગત આપવાનો ઈનકાર કર્યો છે.

ગલવાન ખીણપ્રદેશમાં ગયા સોમવારની રાતે ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી તે લોહિયાળ અથડામણ લગભગ સાત કલાક સુધી ચાલી હતી.

આ છે, શહીદ થયેલા એ 20 જવાનોના નામઃ

ભારતીય જવાનોના મૃતદેહો તથા ઘાયલ સૈનિકોને ગલવાન વેલીમાં હુમલાના સ્થળેથી લદાખમાં લઈ આવવા માટે ભારતીય લશ્કરના હેલિકોપ્ટરોએ અનેક ફેરા કર્યા હતા.

અહેવાલ અનુસાર, તે લડાઈમાં ભારતે 20 જવાનને ગુમાવ્યા છે, જેમાં અમુક ઓફિસરો સામેલ છે.

કહેવાય છે કે 17 જવાન ઘાયલ થયા હતા. ખૂબ ઊંચાઈ પર આવેલી ગલવાન વેલીમાં સબ-ઝીરો તાપમાનની પરિસ્થિતિ વચ્ચે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લડાઈ થઈ હતી.

દરમિયાન, આજે બપોરે, વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનોએ વર્ચુઅલ મીટિંગમાં 2-મિનિટનું મૌન પાળીને લદાખના ગલવાન ખીણવિસ્તારમાં શહીદ થયેલા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.