અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યાના સંકેતો દેખાય છે: PM

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં ફરી એક વાર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્ય પ્રધાનોને સંબોધન કર્યું હતું. આજે યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું હતું કે કોરોના વાઈરસ સામેની લડાઈમાં ભારત અન્ય દેશોની તુલનાએ સારી કામગીરી કરી રહ્યો છે. ભારત એ દેશોમાં સામેલ છે, જ્યાં મૃત્યુદર સૌથી ઓછો છે. વડા પ્રધાને રાજ્યોના મુખ્ય પ્રધાનોને કહ્યું હતું કે આર્થિક કામકાજો પુનઃ જૂના સ્તરે પાછાં ફરી રહ્યાં છે, પણ એની પર હજી વધુ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાંક સપ્તાહમાં હજારોની સંખ્યામાં આપણા ભાઈ-બહેનો વિદેશમાંથી વતન ફર્યાં છે. તો લાખોની સંખ્યામાં શ્રમિકો પોતપોતાના વતન ગામે પહોંચ્યાં છે.

દેશમાં રિકવરી રેટ 50 ટકાની ઉપર

રેલવે, રોડ, એર અને સમુદ્ર સહિત બધા માર્ગ હવે ખૂલી ચૂક્યા છે, પણ તેમ છતાં ભારતમાં કોરોના સંક્રમણ એનું વિનાશક રૂપ નથી બતાવી શક્યું, જે વિશ્વના અન્ય દેશોમાં કોરોના વાઇરસે બતાવ્યું છે. તેમણે કહ્યું હતું કે વિશ્વના મોટા-મોટા નિષ્ણાતો, હેલ્થના જાણકાર લોકડાઉન અને ભારતના લોકો દ્વારા દેખાડવામાં આવેલી શિસ્તની ભારે ચર્ચા કરી રહ્યા છે. દેશમાં રિકવરી રેટ 50 ટકાની ઉપર ચાલી ગયો છે. ભારત વિશ્વના એ દેશોમાં અગ્રણી છે, જ્યાં કોરોના વાઇરસના સંક્રમણ દરમ્યાન જીવન બચાવી શકાયું છે. કોઈનું પણ મૃત્યુ દુઃખદ અને ગમગીન કરનારું છે, પણ એ પણ સત્ય છે કે આજે ભારત વિશ્વના એ દેશોમાં છે, જ્યાં કોરોનાને કારણે સૌથી ઓછાં મૃત્યુ થઈ રહ્યાં છે. હવે અનેક રાજ્યોના અનુભવ આત્મવિશ્વાસ વધારે છે કે ભારત કોરોનાના સંકટ કાળમાં નુકસાનને સીમિત કરીને આગળ વધી શકે છે અને અર્થતંત્રને ઝડપથી સંભાળી શકે છે.

માસ્ક પહેરવાની આવશ્યકતા અને બે ગજની દૂરી

વડા પ્રધાને કહ્યું હતું કે ગત બે સપ્તાહે આપણને સબક શીખવાડ્યો છે કે જો આપણે નિયમોનું પાલન કરતા રહીશું, બધા દિશા-નિર્દેશોને માનતા રહીશું તો કોરોના સંકટથી દેશને ઓછામાં ઓછું નુકસાન થશે. એટલે માસ્ક અથવા મોઢાને ઢાંકવા પર બહુ ભાર આપવાની આવશ્યકતા છે. માસ્ક પહેરીનને અથવા ફેસ શિલ્ડથી મોઢું ઢાંક્યા વગર ઘરથી બહાર નીકળવાની અત્યારે કલ્પના પણ કરવી યોગ્ય નથી. આ જેટલું પોતાના માટે હાનિકારક છે એટલું જ તેની આસપાસના લોકો માટે પણ જોખમથી ભરેલું છે.  એટલે બે ગજની દૂરી જ અમારો મંત્ર છે અને દિવસમાં કેટલીય વાર 20 સેકન્ડ માટે હાથ ધોવા જરૂરી છે. સેનિટાઇઝરના ઉપયોગની વાત હોય, આ બધું બહુ ગંભીરતાથી કરવું જોઈએ. ખુદની સુરક્ષા માટે, પરિવારની સુરક્ષા માટે અને વિશેષ કરીને ઘરનાં બાળકો અને વડીલોની સુરક્ષા માટે આ બહુ જરૂરી છે.

થોડી બેદરકારી કોરોના સામેની લડાઈને નબળી પાડશે

તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ બધી ઓફિસો ખૂલી ગઈ છે. થોડી બેદરકારી અથવા શિસ્તની ઊણપ કોરોના સામેની લડાઈને નબળી પાડશે. તેમણે કહ્યું હતું કે કોરોનાને જેટલો રોકી શકીશું, એટલા જ આપણે સામાન્ય જીવન તરફ ઝડપથી પાછા ફરી શકીશું. પાછલાં કેટલાંક સપ્તાહોમાં પ્રયાસોથી અર્થતંત્રમાં ગ્રીન સ્પોટ દેખાવા લાગ્યા છે.

ફર્ટિલાઇઝરનું વેચાણ બે ગણું થયું

તેમણે કહ્યું હતું કે વીજવપરાશ ઘટતો હતો, એ ફરી વધવા લાગ્યો છે. આ વખતે ખરીફ પાકની વાવણી પાછલા વર્ષ કરતાં 12થી 13 ટકા વધુ થઈ છે. ફર્ટિલાઇઝરનું વેચાણ બે ગણું થયું છે. ટૂ વ્હીલરનું ઉત્પાદન લોકડાઉનના પહેલાંના સ્તરના આશરે 70 ટકાએ પહોંચી ચૂક્યું છે. ડિજિટલ પેમેન્ટ પણ લોકડાઉનના પહેલાંના સ્તરે પહોંચ્યું છે. નિકાસમાં પણ બાઉન્સબેક થઈ ગયું છે. આ તમામ સંકેત આપણને પ્રોત્સાહિત કરે છે.

MSMEને ટેકો આપવા માટે અનેક નિર્ણય લેવામાં આવ્યા

તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તમામ ક્ષેત્રો માટે અનેક જોગવાઈ કરવામાં આવી છે. MSMEને ટેકો આપવા માટે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. MSMEને બેન્કથી ક્રેડિટ અપાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, જેથી તે જલદી કામ શરૂ કરી શકે અને લોકોને રોજગાર આપી શકે. 100 કરોડ સુધીના ટર્નઓવરવાળા ઉદ્યોગોને 20 ટકા વધારાનો લાભ આપવામાં આવ્યો છે.

ખેડૂતની આવક વધશે, તેનાથી ચોક્કસ માગ વધશે

તેમણે કહ્યું હતું કે ખેડૂતોને તેમના ઉત્પાદનના માર્કેટિંગ મામલે ડે પ્રયાસ કરવામાં આવ્યા છે, એનાથી ખેડૂતોને વધુ લાભ થશે અને તેમને માટે નવા વિકલ્પ ઉપલબ્ધ થશે. એનાથી ખેડૂતોની આવક વધશે અને ખરાબ મોસમને કારણે અને સંગ્રહક્ષમતાના અભાવને કારણે જે નુકસાન થાય છે એને આપણે ઓછું કરી શકીશું. જ્યારે ખેડૂતની આવક વધશે, તેનાથી ચોક્કસ માગ વધશે અને રાજ્યના અર્થતંત્રની ઝડપ વધશે.આદિવાસી વિસ્તારોમાં ઓર્ગેનિક અને હોર્ટિકલ્ચરમાં નવી તકો

વડા પ્રધાને કહ્યું હતું કે પૂર્વોત્તર અને આદિવાસી વિસ્તારોમાં ઓર્ગેનિક અને હોર્ટિકલ્ચરમાં નવી તકો શોધતા લોકો માટે નવાં માર્કેટનાં દ્વાર ખૂલવાનાં છે. લોકલ ઉત્પાદન માટે જે ક્લસ્ટરબેઝ્ડ સમિતિ યોજના હેઠળ બનાવવામાં આવી હતી, એનો લભ દરેક રાજ્યને થશે. એના માટે જરૂરી છે કે આપણે દરેક બ્લોક, દરેક જિલ્લામા એવાં ઉત્પાદનોની ઓળખ કરીએ, જેના પ્રોસેસિંગ અથવા માર્કેટિંગ કરીને એક સારી પ્રોડક્ટ આપણે દેશ અને વિશ્વના બજારોમાં ઉતારી શકીએ.

તેમણે કહ્યું હતું કે આપણે સંગઠિત થઈને કામ કરવું પડશે. તમારાં જે સૂચનો છે, જે તૈયારીઓ છે, એ જાણવા હું બહુ ઉત્સુક છું અને મને વિશ્વાસ છે કે અનુભવને આધારે જે વાત આવશે એ આવનારા સમયમાં વ્યૂહરચના બનાવવાના કામમાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]