Home Blog Page 4744

ટ્રેડમાર્ક ‘ગ્લો એન્ડ હેન્ડસમ’ મામલે HUL, ઈમામી આમને-સામને

નવી દિલ્હી: હિન્દુસ્તાન યૂનિલીવર (એચયૂએલ) તરફથી પુરુષોની ત્વચાની સુરક્ષા સાથે જોડાયેલ પ્રોડક્ટ ‘ગ્લો એન્ડ હેન્ડસમ’ નામ આપવા પર ઘરેલૂ એફએમસીજી કંપની ઈમામી લિ. એ વાંધો ઉઠાવ્યો છે. ઈમામીએ આ નામ પર તેનો ટ્રેડમાર્ક અધિકાર હોવાનો દાવો કર્યો છે. ઈમામીએ આ મામલે એચયૂએલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના પણ સંકેત આપ્યા છે. કંપનીએ પહેલા જ પુરુષોની ફેરનેસ ક્રીમનું નામ ‘ઈમામી ગ્લો એન્ડ હેન્ડસમ’ કરી દીધું છે.

ઈમામીએ તેના નિવેદનમાં કહ્યું કે, ‘અમે એ જોઈને ચોંકી ગયા કે એચયુએલે તેની પુરુષોની ફેર એન્ડ લવલી શ્રેણીનું નવું નામ’ ગ્લો અને હેન્ડસમ’ રાખવાનું નક્કી કર્યું છે. ઇમામી ‘ફેર અને હેન્ડસમ’ બ્રાન્ડની માલિકી ધરાવે છે અને તેની પાસે ટ્રેડમાર્કના કાનૂની અધિકાર છે.

ઈમામી ગ્રુપે કહ્યું કે, એચયૂએલના આ પગલાથી અમને ઝટકો લાગ્યો છે પણ આ નવું નથી અનેક વખત એચયૂએલ અમારી બ્રાન્ડ વેલ્યુને નીચી દેખાડવા ગેરકાયદે વ્યાપાર વ્યવહારનો સહારો લે છે. ઈમામી આ મામલે એચયૂએલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા કાયદા નિષ્ણાંતોની મદદ લઈ રહી છે.

મહત્વનું છે કે, એફએમસીજી ક્ષેત્રની પ્રમુખ કંપની હિન્દુસ્તાન યુનિલિવરે ગુરુવારે કહ્યું હતું કે તેણે તેની લોકપ્રિય બ્રાન્ડ ફેર એન્ડ લવલીનું નામ ‘ગ્લો એન્ડ લવલી’ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોડક્ટની પુરુષ શ્રેણીનું નામ ‘ગ્લો અને હેન્ડસમ’ રાખવામાં આવ્યું  છે. આ સમગ્ર મામલે હિન્દુસ્તાન યુનિલિવર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

કોરોનાની ‘સ્વદેશી’ રસી 15 ઓગસ્ટ સુધીમાં લોન્ચ થવાની શક્યતા

નવી દિલ્હીઃ કોરોના વાઇરસથી લડવા માટે વિશ્વભરમાં વેક્સિન અને દવા બનાવવાનું કામ જોરશોરથી થઈ રહ્યું છે અને કેટલાક દેશે આ માટેની રસી કે દવા બનાવી લીધાના દાવા પણ કરી ચૂક્યા છે, પણ એનાં કોઈ નક્કર પરિણામો સામે નથી આવ્યાં. આ દરમ્યાન ભારતીય ફાર્મા કંપનીએ મોટી સફળતા હાંસલ કરી છે અને કોરોના વાઇરસની વેક્સિન લોન્ચ કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ વેક્સિન 15 ઓગસ્ટ સુધી લોન્ચ થવાની સંભાવના છે. કોવાક્સિન નામની આ વેક્સિનને બીજા તબક્કામાં ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે, જે સાત જુલાઈથી શરૂ થવાની છે.   સાત જુલાઈએ ક્લિનિકલ ટ્રાયલ માનવો પર થશે

ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની સાથે મળીને આ વેક્સિન કેન્ડિડેટ કોવાક્સિનને વિકસિત કરી છે. એની સાત જુલાઈએ ક્લિનિકલ ટ્રાયલ માનવો પર થશે. આ વેક્સિનને પ્રાણીઓ પર કરવામાં આવેલા પ્રયોગોમાં સફળતા મળી છે.  ત્યાર બાદ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ એને માનવો પર ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે.

દવા નિયામક સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પાછલા દિવસોમાં આ સ્વદેશી વેક્સિનના પહેલા તબક્કા અને બીજા તબક્કામાં માનવ ક્લિનિકલ પરીક્ષણની મંજૂરી આપી હતી. વેક્સિનને બનાવવા માટે NIV-પુણેમાં આઇસોલેટ કોરોના વાઇરસ સ્ટ્રેનને ભારત બાયોટેકને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

‘સ્વદેશી’ વેક્સિન કોવાક્સિનની ઘોષણા કરતાં ગર્વ 

ભારત બાયોટેકના ચેરમેન અને MD ડો. કૃષ્ણા ઇલ્લાએ કહ્યું હતું કે અમને દેશની પહેલી સ્વદેશી વેક્સિન કોવાક્સિનની ઘોષણા કરતાં ગર્વ થઈ રહ્યો છે. એને તૈયાર કરવામાં ICMR અને NIVનો સહયોગ ઉલ્લેખનીય રહ્યો છે. CDSCOના સક્રિય દ્રષ્ટિકોણથી એના પરીક્ષણને મંજૂરી મળવામાં મદદ મળી.

કોવિડ-19ની વેક્સિન સૈયાર કરવા માટે વિશ્વભરમાં પ્રયાસો ચાલી રહ્યા છે. હજી સુધી કોઈને સફળતા નથી મળી. જોકે કેટલીક કંપનીઓ વેક્સિનને માનવ પરીક્ષણના તબક્કામાં પહોંચી ગઈ છે.

પીએમ મોદી ઓચિંતા પહોચ્યા લેહની મુલાકાતે, સૈનિકોને સંબોધિત કર્યા

નવી દિલ્હી: ભારત ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા લશ્કરી તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓચિંતા લેહ પહોંચ્યા છે. ગલવાન ખીણપ્રદેશમાં ચીનના સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ મોદી પ્રથમ વખત લેહની મુલાકાતે ગયા છે. ત્યાં બપોરે એમણે સૈનિકોને સંબોધિત પણ કર્યા હતા. એ પહેલા તેમણે ભૂમિદળ, હવાઈ દળ અને ITBPના જવાનો સાથે મુલાકાત કરી હતી. તેઓ મિલિટ્રી હોસ્પિટલમાં ભરતી કરાયેલા ઘાયલ સૈનિકોને પણ મળ્યા હતા.

વડાપ્રધાન મોદી સાથે ચીફ ઓફ ડિફેન્સ જનરલ બિપિન રાવત અને લશ્કરી વડા એમ.એમ. નરવણે પણ હતા. વડાપ્રધાન સાથે વાતચીત દરમિયાન જવાનો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને બેઠા હતા. વડાપ્રધાને લેહના નિમૂમાં જવાનો સાથે અડધો કલાક વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ મેપ દ્વારા સીમાની સ્થિતિની જાણકારી મેળવી હતી.

જવાનો સાથે પોતાની વાતચીતનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે ગલવાન ખીણપ્રદેશમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં ઘાયલ થયેલા સૈનિકો સાથે પણ આજે મુલાકાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 કોર્પ્સના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. CDS બિપિન રાવતની સાથે મળીને હાલની સ્થિતિની માહિતી મેળવી હતી. એ વખતે નોર્ધર્ન આર્મી કમાન્ડના લેફ્ટેનન્ટ જનરલ વાય.કે. જોશી, લેફ્ટેનન્ટ જનરલ હરિંદર સિંહ પણ હાજર હતા. ગયા મે મહિનાથી ચીનની સાથે સરહદ પર તણાવ ચાલુ છે અને પરિસ્થિતિ હજી પણ ગંભીર છે.

કોરોનાના 20,000થી વધુ નવા કેસો, 379નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 20,903 નવા કેસ સામે આવ્યા છે અને 379 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત સાતમા દિવસે કોવિડ-19ના 18,000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 6,254,544 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 18,213 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 3,79,891 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,27,439એ પહોંચી છે. રિકવરી રેટ 60.72 ટકાએ પહોંચ્યો છે.

કોરોનાની પહેલી દેશી વેક્સિન તૈયાર, 15 ઓગસ્ટે લોન્ચ કરાશે

ભારત બાયોટેક કંપનીએ પોલિયો, રેબિઝ, રોટા વાઇરસ, જાપાની ઇનસેફ્લાઇટિસ, ચિકનગુનિયા અને જિકા વાઇરસ માટે પણ વેક્સિન બનાવી છે. હ્યુમન ટ્રાયલ માટે એનરોલમેન્ટની શરૂઆત સાત જુલાઈથી થવાની શક્યતા છે. ત્યાર બાદ તબક્કાવાર ટ્રાયલ કરવામાં આવશે. જો ટ્રાયલ સફળ થશે તો 15 ઓગસ્ટે વેક્સિનને લોન્ચ કરવામાં આવશે.

અમેરિકામાં 24 કલાકમાં કોરોનાના 53,000 નવા કેસ

અમેરિકામાં કોરોના વાઇરસે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 53,069 નવા કેસ નોંધાયા છે અને 649 લોકોનાં મોત થયાં છે. આ સાથે કોરોનાથી મોતનો આંકડો 1,28,677એ પહોંચ્યો છે.  આ એક દિવસમાં સંક્રમિત દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. સતત બીજા દિવસે અમેરિકામાં કોરોનાના નવા કેસો 50,000થી વધુ આવ્યા છે. અમેરિકામાં કોરાનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 27 લાખને પાર થઈ ગઈ છે.

વિશ્વમાં કોરોનાથી 1.09 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,24,036 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 10,984,735એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

મશહૂર કોરિયાગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની વયે નિધન

મુંબઈઃ બોલીવૂડનાં જાણીતાં કોરિયાગ્રાફર સરોજ ખાનનું ગુરુવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાને કારણે મુંબઈમાં નિધન થયું છે. શ્વાસ લેવાની તકલીફ ઊભી થતાં એમને ગઈ 17 જૂને મુંબઈના બાંદરા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યાં ગઈ કાલે રાત્રે હૃદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું હતું. તેઓ 71 વર્ષનાં હતાં. કેટલાક દિવસો પહેલાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાને માધુરી દીક્ષિત અને શ્રીદેવી સહિત બોલીવૂડની અનેક અભિનેત્રીઓ માટે નૃત્ય દિગ્દર્શન કર્યું હતું.

2000થી વધુ ગીતોની કોરિયોગ્રાફી

ચાર દાયકાની લાંબી કારકિર્દીમાં સરોજ ખાને 2000થી વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી હતી. એમને કોરિયોગ્રાફીની કળા માટે ત્રણ વાર રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘દેવદાસ’માં ‘ડોલા રે ડોલા’ની કોરિયોગ્રાફી માટે તેમને કોરિયોગ્રાફીનો રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. સરોજ ખાને શીખવાડેલા ડાન્સને લીધે બોલીવૂડમાં અનેક અભિનેત્રીઓની કારકિર્દી બની ગઈ. 1983માં ‘હીરો’ ફિલ્મ સાથે સરોજ ખાને બોલીવૂડમાં કોરિયોગ્રાફી શરૂ કરી હતી, જ્યારે કોરિયોગ્રાફર તરીકે તેમની છેલ્લી ફિલ્મ ‘કલંક’ હતી, જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી.

અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી

મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સહિત બોલીવૂડના અનેકક દિગ્ગજ કલાકારોએ તેમને ટ્વિટર દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી.

 

‘ગીતા મેરા નામ’થી કોરિયોગ્રાફર તરીકે કામ મળ્યું

સરોજ ખાનને માત્ર ત્રણ વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પોતાની કરિયર શરૂ કરી હતી. 1974માં ‘ગીતા મેરા નામ’ ફિલ્મ સાથે કોરિયોગ્રાફર તરીકે એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્રેક મળ્યો હતો.

તેમણે સુપરહિટ ફિલ્મોનાં ગીતોને કોરિયોગ્રાફ કર્યાં

તેમની સુપરહિટ ફિલ્મોમાં ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘ચાંદની’, ‘બેટા’, ‘તેજાબ’, ‘નગીના’, ‘ડર’, ‘બાઝિગર’, ‘અંજામ’, ‘મોહરા’, ‘યારાના’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘પરદેસ’, ‘દેવદાસ’, ‘લગાન’, ‘સોલ્જર’, ‘તાલ’, ‘ફિઝા’, ‘સાથિયા’, ‘સ્વદેશ’, ‘કુછ ના કહો’, ‘વીર ઝારા’, ‘નમસ્તે લંડન’, ‘જબ વી મેટ’, ‘એજન્ટ વિનોદ’, ‘રાઉડી રાઠોર’, ‘ABCD’, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’, અને ‘મણિકર્ણિકા’ જેવી ફિલ્મોનાં ગીતોમાં તેમણે નૃત્ય દિગ્દર્શન સંભાળ્યું હતું.

 

વાહ ભાઈ વાહ! ૩ જુલાઈ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૩ જુલાઈ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 03/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પડવા, વાગવા, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

પંચાંગ 03/07/2020

સિનેમા હોલ્સ બંધ રાખવાના સરકારના નિર્ણયથી મલ્ટીપ્લેક્સ માલિકો નારાજ

મુંબઈઃ કેન્દ્ર સરકારે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા લોકડાઉન લાગુ કર્યા બાદ હવે ‘અનલોક-2’ની માર્ગદર્શિકા જાહેર કરી છે, તેમાં અનેક ગ્રાહક સંબધિત સેવાઓને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, પણ સિનેમા અને જિમ્નેશિયમ્સ સહિત અનેક સેવાઓ, ઉદ્યોગોને મંજૂરી આપવામાં નથી આવી. સિનેમા હોલ્સ અને મલ્ટીપ્લેક્સીસને હજી બંધ રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (MAI) નારાજ છે.  

ગુરુવારે MAIએ સરકારના નિર્ણય સાથે અસંતોષ દર્શાવતું નિવેદન જારી કર્યું છે. તેમાં કહ્યું છે કે અર્થતંત્ર પુનઃ ધબકતું થઈ રહ્યું છે, જેમાં સ્થાનિક ટ્રાવેલ, ઓફિસો, હાઇ સ્ટ્રીટ, માર્કેટો અને શોપિંગ કોમ્પ્લેક્સીસ વગેરેનો સમાવેશ થાય છે, ત્યારે સિનેમા અને મલ્ટીપ્લેક્સને કેન્દ્ર સરકારે અનલોક-2ની માર્ગદર્શિકામાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓની યાદીમાં સામેલ કર્યાં છે, જે માટે MAI ખેદ અનુભવ છે.

સિનેમા અને મલ્ટીપ્લેક્સ એક સારું ઉદાહરણ બની રહેત

વાસ્તવમાં સિનેમા અને મલ્ટીપ્લેક્સ સરકારની માર્ગદર્શિકા સોશિયલ ડિસ્ટન્સિંગ અને ભીડને નિયંત્રણમાં કેવી રીતે રાખવી એનું એક સારું ઉદાહરણ બની રહેત, એમ MAIએ જણાવ્યું હતું. અસંગઠિત ક્ષેત્રે રિટેલ અને દુકાનોની તુલનામાં મલ્ટીપ્લેક્સ અને સિનેમા સંગઠિત ક્ષેત્રનો હિસ્સો છે અને સરકારને ગ્રાહકો પાસેથી મનોરંજન કર વસૂલ કરી આપે છે.

મલ્ટીપ્લેક્સ ઉદ્યોગ બે લાખ લોકોને રોજગાર આપે છે

સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ બંધ થવાને કારણે એનાથી સંકળાયેલા લોકો પ્રભાવિત થયા છે, એમ કહેતાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં મલ્ટીપ્લેક્સ ઉદ્યોગ સીધી રીતે બે લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. અમે ભારતીય ફિલ્મ ઉદ્યોગની કરોડરજ્જુ છીએ, જેનો ફિલ્મ વેપારની આવકમાં 60 ટકાનો હિસ્સો છે.

એક લાખથી વધુ લોકોની આજીવિકા

સ્પોટ બોય, મેકઅપ કલાકારો, સંગીતકારો, ડિઝાઇનરો, ટેક્નિશિયનો અને એન્જિનિયરોથી માંડીને સિનેમા કર્મચારીઓ સુધી, ડિરેક્ટર અને કલાકારો સહિત 10 લાખથી પણ વધારે લોકોની આજીવિકા ભારતીય સિનેમાના અસ્તિત્વ નિર્ભર છે.

20થી વધુ મોટાં સિનેમા માર્કેટ ખૂલી ચૂક્યાં છે

વાસ્તવમાં સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ ખોલ્યા પછી પણ સ્થિતિ સામાન્ય થતાં આશરે ત્રણથી છ મહિના થશે. જોકે વૈશ્વિક સ્તરે ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા જેવા દેશ, સંયુક્ત આરબ અમીરાત, અમેરિકા, બેલ્જિયમ અને મલેશિયાએ સુરક્ષા પ્રોટોકોલની ઉચ્ચતમ સુરક્ષા સાથે સામાન્ય જનતા માટે સિનેમા ઘરોને ખોલી દીધા છે અને દર્શકો દ્વારા એની સાનુકૂળ પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિશ્વભરમાં 20થી વધુ મોટાં સિનેમા માર્કેટ ખૂલી ચૂક્યા છે, ત્યારે સરકારે દેશમાં સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ ખોલવા માટે ગંભીરપણે વિચારવું જોઈએ અને MAIને દ્રઢ વિશ્વાસ છે કે ટૂંક સમયમાં સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવશે, કમસે કમ નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં એ જરૂર ખોલવા દેવા જોઈએ.

 

થાણે, કલ્યાણ, ડોંબિવલી, મીરા રોડ, ભાયંદરમાં 10-દિવસનું લોકડાઉન…

મુંબઈની પડોશના થાણે, કલ્યાણ-ડોંબિવલી શહેરો તથા મીરા-ભાયંદર મહાનગરપાલિકા હેઠળ આવતા મીરા રોડ, ભાયંદર સહિતના વિસ્તારોમાં કોરોના વાઈરસના કેસો ભયજનક રીતે વધી જતાં 2 જુલાઈ, ગુરુવારથી 10-દિવસનું લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ બધા મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર)ના ભાગ છે.

આ લોકડાઉનમાંથી આવશ્યક સેવાઓ, તબીબી ઈમરજન્સીઓને બાકાત રાખવામાં આવી છે. ઈન્ટરસિટી બસ, ઓટોરિક્ષા અને ટેક્સીઓ, એસ.ટી. બસ સેવાને પરવાનગી નથી.

આ ઉપરાંત નવી મુંબઈ, રાયગડ જિલ્લાના પનવેલ તથા પાલઘર જિલ્લાના વસઈ-વિરારના અમુક વિસ્તારોમાં 3 જુલાઈથી 10-દિવસ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવનાર છે.

થાણે જિલ્લામાં બુધવારે 1,322 નવા કોરોના કેસો નોંધાયા હતા અને કુલ આંકડો 34,646 થયો છે. થાણે શહેરમાં 9,138 કોરોના દર્દીઓ છે. નવી મુંબઈમાં 6,823 કેસો છે જ્યારે કલ્યાણમાં આ આંકડો 7,000 છે. થાણે જિલ્લામાં કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓનો આંક 1,094 છે. આમાં 340 જણ થાણે શહેરના છે. નવી મુંબઈમાં 217, કલ્યાણમાં 120 અને મીરા-ભાયંદર ટાઉનશીપમાં 145 જણ માર્યા ગયા છે.