સિનેમા હોલ્સ બંધ રાખવાના સરકારના નિર્ણયથી મલ્ટીપ્લેક્સ માલિકો નારાજ

મુંબઈઃ કેન્દ્ર સરકારે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા લોકડાઉન લાગુ કર્યા બાદ હવે ‘અનલોક-2’ની માર્ગદર્શિકા જાહેર કરી છે, તેમાં અનેક ગ્રાહક સંબધિત સેવાઓને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, પણ સિનેમા અને જિમ્નેશિયમ્સ સહિત અનેક સેવાઓ, ઉદ્યોગોને મંજૂરી આપવામાં નથી આવી. સિનેમા હોલ્સ અને મલ્ટીપ્લેક્સીસને હજી બંધ રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (MAI) નારાજ છે.  

ગુરુવારે MAIએ સરકારના નિર્ણય સાથે અસંતોષ દર્શાવતું નિવેદન જારી કર્યું છે. તેમાં કહ્યું છે કે અર્થતંત્ર પુનઃ ધબકતું થઈ રહ્યું છે, જેમાં સ્થાનિક ટ્રાવેલ, ઓફિસો, હાઇ સ્ટ્રીટ, માર્કેટો અને શોપિંગ કોમ્પ્લેક્સીસ વગેરેનો સમાવેશ થાય છે, ત્યારે સિનેમા અને મલ્ટીપ્લેક્સને કેન્દ્ર સરકારે અનલોક-2ની માર્ગદર્શિકામાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓની યાદીમાં સામેલ કર્યાં છે, જે માટે MAI ખેદ અનુભવ છે.

સિનેમા અને મલ્ટીપ્લેક્સ એક સારું ઉદાહરણ બની રહેત

વાસ્તવમાં સિનેમા અને મલ્ટીપ્લેક્સ સરકારની માર્ગદર્શિકા સોશિયલ ડિસ્ટન્સિંગ અને ભીડને નિયંત્રણમાં કેવી રીતે રાખવી એનું એક સારું ઉદાહરણ બની રહેત, એમ MAIએ જણાવ્યું હતું. અસંગઠિત ક્ષેત્રે રિટેલ અને દુકાનોની તુલનામાં મલ્ટીપ્લેક્સ અને સિનેમા સંગઠિત ક્ષેત્રનો હિસ્સો છે અને સરકારને ગ્રાહકો પાસેથી મનોરંજન કર વસૂલ કરી આપે છે.

મલ્ટીપ્લેક્સ ઉદ્યોગ બે લાખ લોકોને રોજગાર આપે છે

સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ બંધ થવાને કારણે એનાથી સંકળાયેલા લોકો પ્રભાવિત થયા છે, એમ કહેતાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં મલ્ટીપ્લેક્સ ઉદ્યોગ સીધી રીતે બે લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. અમે ભારતીય ફિલ્મ ઉદ્યોગની કરોડરજ્જુ છીએ, જેનો ફિલ્મ વેપારની આવકમાં 60 ટકાનો હિસ્સો છે.

એક લાખથી વધુ લોકોની આજીવિકા

સ્પોટ બોય, મેકઅપ કલાકારો, સંગીતકારો, ડિઝાઇનરો, ટેક્નિશિયનો અને એન્જિનિયરોથી માંડીને સિનેમા કર્મચારીઓ સુધી, ડિરેક્ટર અને કલાકારો સહિત 10 લાખથી પણ વધારે લોકોની આજીવિકા ભારતીય સિનેમાના અસ્તિત્વ નિર્ભર છે.

20થી વધુ મોટાં સિનેમા માર્કેટ ખૂલી ચૂક્યાં છે

વાસ્તવમાં સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ ખોલ્યા પછી પણ સ્થિતિ સામાન્ય થતાં આશરે ત્રણથી છ મહિના થશે. જોકે વૈશ્વિક સ્તરે ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા જેવા દેશ, સંયુક્ત આરબ અમીરાત, અમેરિકા, બેલ્જિયમ અને મલેશિયાએ સુરક્ષા પ્રોટોકોલની ઉચ્ચતમ સુરક્ષા સાથે સામાન્ય જનતા માટે સિનેમા ઘરોને ખોલી દીધા છે અને દર્શકો દ્વારા એની સાનુકૂળ પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિશ્વભરમાં 20થી વધુ મોટાં સિનેમા માર્કેટ ખૂલી ચૂક્યા છે, ત્યારે સરકારે દેશમાં સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ ખોલવા માટે ગંભીરપણે વિચારવું જોઈએ અને MAIને દ્રઢ વિશ્વાસ છે કે ટૂંક સમયમાં સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવશે, કમસે કમ નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં એ જરૂર ખોલવા દેવા જોઈએ.