Home Blog Page 4728

Chitralekha Gujarati – July 27, 2020

E-Magazine – Desktop Version PDF Version

પંચાંગ 17/07/2020

IIT-ગાંધીનગરે હાલના ડોક્ટરેટ્સ માટે અર્લી-કરિયર ફેલોશિપ જાહેર કરી

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગરે એન્જિયરિંગ, સાયન્સ તેમ જ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસનાં તમામ ક્ષેત્રના નવા ડોક્ટરેટ્સ માટે IIT- ગાંધીનગર અર્લી-કેરિયર ફેલોશિપ (IITGN-ECF) રજૂ કરી છે. આ ફેલોશિપ અસામાન્ય અને વિચારશીલ સંશોધનકર્તાઓને તેમના લાંબા ગાળાના સંશોધન અને શૈક્ષણિક આકાંક્ષાઓને આગળ વધારવા માટે સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે.

IIT-ગાંધીનગરના ફેકલ્ટી મેમ્બર્સ સાથે કામ કરવાની તક

ઉત્કૃષ્ટ શૈક્ષણિક ટ્રેક રેકોર્ડ ધરાવતા સ્કોલર્સ કે જેમણે ૦૧ જુલાઈ ૨૦૧૯ પછી ભારતની કોઈ સંસ્થામાંથી ડોક્ટરેટ ડિગ્રી મેળવી છે, તેઓ ૩૧ જુલાઈ, ૨૦૨૦ સુધીમાં IITGN-ECFમાં અરજી કરવા પાત્ર છે. જેમણે આ વર્ષે પોતાનું ડોક્ટરેટ થિસિસ સબમિટ કરી છે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. IITGN-ECF હેઠળ યુવા સ્કોલર્સને IIT-ગાંધીનગરના ફેકલ્ટી મેમ્બર્સ સાથે આકર્ષક સંલગ્ન પ્રશ્નો અને પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે, જે મહત્વપૂર્ણ સંશોધનના યોગદાનમાં પરિવર્તિત થઈ શકે છે. આ ફેલોઝ અન્ય સ્કોલર્લી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેશે, જેમ કે કોઈ કોર્સ શીખવવો અથવા અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ્સ પર માર્ગદર્શન આપવું અને આંતરરાષ્ટ્રીય વર્કશોપ્સમાં ભાગ લેવો.

ભારતમાં ઘણી સંશોધન પ્રતિભા

IITગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. સુધિર કે. જૈને જણાવ્યું હતું કે ભારતમાં ઘણી સંશોધન પ્રતિભા છે, જેને ઉત્તમતા તરફ દોરી જવામાં યોગ્ય તકો અને પ્રોત્સાહન આપીને રચનાત્મક રૂપે ચેનલાઇઝ કરવાની જરૂર છે. IIT-ગાંધીનગરે હંમેશાં યુવાન સ્કોલર્સની ક્ષમતાઓમાં વિશ્વાસ કર્યો છે. IITGN-ECF સાથે અમે પ્રતિભાશાળી અને તાજેતરના ડોક્ટરેટ્સને એક વધારાની તક પૂરી પા[rઈને તેમને આવતી કાલના શૈક્ષણિક લીડર બનવા માટે તૈયાર કરવા ઇચ્છીએ છીએ.

ECF ફેલોઝને દર મહિને એક લાખ રૂપિયાની ફેલોશિપ

આ ફેલોશિપ માટે ઉમેદવારો પાસેથી અપેક્ષા ઘણી ઊંચી છે, તે માટે સંસ્થાન લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અનુકૂળ વાતાવરણની સાથે જરૂરી સહાય પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. પ્રોગ્રામના ફેલોઝ ફક્ત તેમની સોંપાયેલી શાખામાં જ નહીં, પરંતુ સંસ્થાના સંપૂર્ણ સંશોધન માળખા અને સુવિધાનો ઉપયોગ કરી શકશે, જે સર્જનાત્મક અને આંતરશાખાકીય ઈકોસિસ્ટમમાં વિકાસ અને નેટવર્કિંગની તકો આપે છે. ECF ફેલોઝને દર મહિને એક લાખ રૂપિયાની ફેલોશિપ અને દર વર્ષે બે લાખ રૂપિયા સુધીની પ્રોફેશનલ ડેવલપમેન્ટ ગ્રાન્ટ મળશે.

IITGN-ECF માટેની એપ્લિકેશન પ્રક્રિયાની વધુ માહિતી અને વિગતો અહીં ઉપલબ્ધ છે:  https://www.iitgn.ac.in/research/early_career_fellowship#

મુંબઈમાં ફોર્ટ, મલાડમાં મકાન હોનારતઃ 4નાં મૃત્યુ

મુંબઈઃ ભારે વરસાદને કારણે આજે મુંબઈમાં બે સ્થળે મકાન દુર્ઘટના બની છે. દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન નજીક અને ફોર્ટ વિસ્તારમાં એક જૂના મકાન – ભાનુશાલી બિલ્ડિંગનો કેટલોક ભાગ તૂટી પડતાં એક મહિલા સહિત બે જણનું મરણ થયું છે જ્યારે મલાડ (વેસ્ટ)માં બે-માળનું મકાન તૂટી પડતાં બે જણનાં મરણ નિપજ્યા છે. બંને ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે.

સાંજે લગભગ પોણા પાંચ વાગ્યે દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન નજીક જનરલ પોસ્ટ ઓફિસની સામે આવેલા પાંચ-માળના ભાનુશાલી બિલ્ડિંગનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. એમાં એક મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે બીજા અમુક લોકો કાટમાળ હેઠળ ફસાયા હતા.

બીજી ઘટના મલાડ (વેસ્ટ)ના માલવણી વિસ્તારમાં બની હતી. ત્યાં ગ્રાઉન્ડ પ્લસ બે-માળવાળું મકાન જમીનદોસ્ત થયું હતું. ત્યાં કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો તથા ફાયર બ્રિગેડના જવાનોને સફળતા મળી હતી.

ફોર્ટ વિસ્તારમાંની ભાનુશાલી ઈમારત મ્હાડાની સેસ ઈમારત છે. કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને તેમજ મકાનના ઉપરના માળ પર રહેતા લોકોને સીડીની મદદથી ઉગારવાના પ્રયત્નો ચાલુ હતા. સમગ્ર મકાનને ખાલી કરાવવામાં આવ્યું છે.

રેસિડેન્શિયલ ભાનુશાલી બિલ્ડિંગનું પુનઃબાંધકામ ચાલુ હતું. એનો અમુક ભાગ તૂટી પડ્યો એ વખતે જોરદાર અવાજ આવ્યો હતો અને મકાનના તેમજ આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તત્કાળ અગ્નિશામક દળ અને પોલીસને ફોન કરી દીધો હતો અને જવાનો તરત જ ત્યાં પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો 8 ફાયર એન્જિન્સ, બે રેસ્ક્યૂ વેન અને 10 ડંપર સાથે પહોંચી ગયા હતા. મહાપાલિકાએ 50 મજૂરોને પણ કાટમાળ ઉપાડવા માટે ત્યાં મોકલ્યા હતા.

મલાડમાં બે-માળનું ચાલીવાળું મકાન તૂટી પડ્યું

મલાડમાં, માલવણી વિસ્તારમાં નુરી મસ્જિદની નજીકનું મકાન આજે બપોરે લગભગ અઢી વાગ્યાના સુમારે તૂટી પડ્યું હતું. એ દુર્ઘટનામાં બે જણના મરણ અને 13 જણ ઘાયલ થયા હોવાનો અહેવાલ છે.

ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો તાત્કાલિક આવી પહોંચ્યા હતા, પણ એ પૂર્વે સ્થાનિક લોકોએ ભેગા મળીને કાટમાળ હેઠળ ફસાયેલી બે વ્યક્તિને બહાર કાઢીને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી.

 

સુશાંત મૃત્યુ મામલે CBI તપાસની અમિત શાહને રિયાની વિનંતી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે અને તેણે આત્મહત્યા કેમ કરી એનું નક્કર કારણ હજી સુધી પોલીસ જાણી શકી નથી. હવે આ મામલે સીબીઆઇ દ્વારા તપાસ કરાવવાની સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને વિનંતી કરી છે.

રિયાએ સુશાંતનો ફોટો શેર કરતાં લખ્યું છે કે, ‘આદરણીય અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી – એના આકસ્મિક નિધનને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. મને સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે, પણ હું ન્યાય માટે બે હાથ જોડીને તમને અપીલ કરું છું કે આ મામલે સીબીઆઇની તપાસ કરવામાં આવે. હું બસ, એટલું ઇચ્છું છું કે સુશાંત એવા કયા દબાણમાં હતો કે તેણે આવું પગલું ભર્યું. સત્યમેવ જયતે.’

 

રિયાની ઇમોશનલ પોસ્ટ

અગાઉ, રિયાએ સુશાંતના નિધનને એક મહિનો પૂરો થયા પછી એક ઇમોશનલ પોસ્ટ સોશિયલ મિડિયા પર શેર કરી હતી. એમાં તેણે લખ્યું હતું કે, ‘હું હજી પણ મારી ભાવનાઓનો સામનો કરવા સંઘર્ષ કરી રહી છું. તેં જ મને પ્રેમ પર વિશ્વાસ કરવાનું શીખવાડ્યું છે. એની તાકાત વિશે અહેસાસ કરાવ્યો છે. તે મને ગણિતના એક સામાન્ય સમીકરણથી જિંદગીનો નિષ્કર્ષ શીખવાડ્યો છે. મને ખબર છે કે હવે તું એવી જગ્યાએ છો જ્યાં વધારે શાંતિ છે. આકાશગંગાએ ખુલ્લા હાથે તારું સ્વાગત કર્યું છે. હું તારી રાહ જોઈશ. તું એ બધું જ હતો, જે એક ખૂબસૂરત માનવી હોઈ શકે છે.’

 

રિયાને મળી બળાત્કાર અને હત્યાની ધમકી

દરમિયાન, રિયાએ કહ્યું છે કે એની પર બળાત્કાર ગૂજારવાની અને એની હત્યા કરવાની એને ધમકી મળી છે. રિયાએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં તેને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. રિયાએ એની ફરિયાદ સાઇબર ક્રાઇમને કરી છે. રિયાએ લખ્યું છે કે મારી ચુપકીદીનો કોઈ લાભ ન ઉઠાવે. મને હત્યારી કહેવામાં આવી છતાં હું ચૂપ રહી, પણ એનો અર્થ એ નથી કે તમને કંઈ પણ કહેવાનો અધિકાર મળી જાય છે.

સુશાંત સિંહ રાજપૂત ગઈ 14 જૂને મુંબઈના બાંદરામાં તેના નિવાસસ્થાને આત્મહત્યા કરેલી અવસ્થામાં મળી આવ્યો હતો.

મોટા ભાઈને કોરોના થયો; ગાંગુલીએ પોતાને કર્યા હોમ ક્વોરન્ટાઈન

કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. જેને પગલે ગાંગુલીએ પોતાને હોમ ક્વોરન્ટાઈન કર્યા છે. સૌરવ ગાંગુલીના મોટા ભાઈ અને બંગાળ ક્રિકેટ એસોસિયેશનના સંયુક્ત સચિવ સ્નેહાશીષ ગાંગુલીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

બંગાળ રણજી ટીમના પૂર્વ ખેલાડી રહી ચૂકેલા સ્નેહાશીષ કોરોના પોઝિટિવ હોવાનું માલૂમ પડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છેલ્લા કેટલાક દિવસોથી તાવ આવતો હતો અને આજે તેમનો ટેસ્ટ કરવામાં આવતા તે કોરોના પોઝિટિવ આવ્યો હતો. હેલ્થ પ્રોટોકોલને પગલે એક ચોક્કસ સમય સુધી ગાંગુલીને હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે.

મહત્વનું છે કે, આ પહેલા જૂનમાં સ્નેહાશીષ કોરોના સંક્રમિત હોવાના સમાચાર આવ્યા હતા પણ એ સમયે સ્નેહાશીષે પોતે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું કહ્યું હતું. સૌરવ દાદાની જેમ સ્નેહાશીષ પણ એક ક્રિકેટર હતા. બંગાળ માટે પ્રથમ શ્રેણીની તેઓ 59 મેચો રમ્યા હતા, જોકે, તેમને કદી રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાની તક મળી નહતી.

H-1B વિઝા પ્રતિબંધઃ ટ્રમ્પ વિરુદ્ધ કોર્ટમાં ગયા 174 ભારતીયો

વોશિંગ્ટનઃ H-1B વિઝા પર હાલમાં આવેલા એક વહીવટી આદેશની સામે સાત સગીર સહિત 174 ભારતીય નાગરિકોના એક જૂથે કેસ દાખલ કર્યો છે. આ આદેશ હેઠળ તેમના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લાગી શકે છે અથવા તેમને વિઝા જારી કરવામાં નહીં આવે.

શ્રમ પ્રધાન યુઝિન સ્કાલિયાને સમન્સ જારી

ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયામાં અમેરિકી ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ કિટાનજી બ્રાઉન જેક્સને વિદેશપ્રધાન માઇક પોમ્પિયો અને ગૃહ વિભાગના કાર્યકારી પ્રધાન ચાડ એફ વોલ્ફની સાથે શ્રમ પ્રધાન યુજીન સ્કેલિયાને સમન્સ જારી કર્યા છે. આ કેસ મંગળવારે અમેરિકી ડિસ્ટ્રિકક્ટ કોર્ટમાં દાખલ કર્યો હતો.

અમેરિકાના અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે

વકીલ વાસ્ડેન બેનિયાસે 174 ભારતીય નાગરિકો દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં કહ્યું હતું કે H-1B કે H-4 વિઝા પર પ્રતિબંધનો વહીવટી આદેશ અમેરિકાના અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. પરિવારોને અલગ કરી શકે છે.

આ કેસમાં H-1B અથવા H-4 વિઝા જારી કરવા પર પ્રતિબંધ લગાવવા અથવા નવા H-1B વિઝાધારકોને દેશમાં પ્રવેશ કરવાથી રોકવાવાળા વહીવટી આદેશને ગેરકાયદે જાહેર કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે કોર્ટને અનુરોધ કરવામાં આવ્યો છે કે કોર્ટ વિદેશ વિભાગને H-1B અને H-4 વિઝા માટે લંબાઈ ગયેલા ચુકાદા માટે નિર્દેશ જારી કરે.

હંગામી ધોરણે પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 22 જૂને વહીવટી આદેશને જારી કરીને આ વર્ષના અંત સુધીમાં H-1B કાર્ય વિઝા જારી કરવા પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો હતો.

‘હું શિક્ષક સાથે’ સૂત્ર સાથે કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશી ઉપવાસ પર

અમદાવાદ: ગુજરાતમાં શિક્ષણના કથળતા જતાં સ્તરથી ચિંતિત અને શિક્ષકોની 4200 વ્યાજબી ગ્રેડ પેની માંગનાં સમર્થનમાં ગુરુવારે ‘હું શિક્ષકની સાથે’ સૂત્રના નેજા હેઠળ કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનીષ દોશી પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. મનીષ દોશીએ પોતાના નિવાસસ્થાને સવારે ૧૦ વાગ્યે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા હતા. સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ, શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ પ્રતીક ઉપવાસને સમર્થન આપી રહ્યા છે.

ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, ગુજરાતનાં શિક્ષકોની ૪૨૦૦ પે ગ્રેડની વ્યાજબી માંગને સમર્થન આપવા વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને રાખીને હું આ ઉપવાસ પર ઉતર્યો છું. મારા નિવાસસ્થાન ૨૦૪, સ્કાય એવન્યુ,
મહેસાણા બેંકની બાજુમાં, બોડકદેવ, અમદાવાદ ખાતે ૧૬.૦૭.૨૦૨૦થી રોજ સવારે ૧૦ થી સાંજે ૫ સુધી પ્રતીક ઉપવાસ રહેશે. ગુજરાતમાં સરકાર શિક્ષણ વ્યવસ્થા સુધારવા ધ્યાન કેન્દ્રિત કરે. ટેટ ટાટ પાસ થયેલા હજારો યુવાનો, યુવતીઓ ભરતીની રાહ જોઈને બેઠા છે. ત્યારે સરકાર તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરે.

તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે કોરોના વૈશ્વિક મહામારીનાં સમયમાં કાયદાનું પાલન કરી આપ જે સ્થળે છો તે સ્થળેથી ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થા સુધારવા આપ સૌ ગુજરાતનાં હિત માટે જોડાશો.
કોરોનાના કપરા સમયને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સચવાય તે માટે નાગરિક ધર્મનું પાલન કરવા વિનંતી કરી છે.

માર્ચ-2021 સુધીમાં ભારતમાં 6 કરોડ લોકો કોરોનાગ્રસ્ત થવાનું અનુમાન

નવી દિલ્હી: દેશમાં પૂરઝડપે વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને ભારતીય વિજ્ઞાન સંસ્થાન(આઈઆઈએસસી) એ એક અનુમાન લગાવ્યું છે. આ અનુમાન સારી અને ખરાબ સ્થિતિને આધારે આંકવામાં આવ્યું છે. જેમાં સૌથી સારી સ્થિતિમાં માર્ચ 2021 સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 37.4 લાખ સુધી પહોંચશે. જ્યારે સૌથી ખરાબ સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન 6.18 કરોડ લોકો સંક્રમિત થઈ જશે.

આઈઆઈએસસી મોડેલ ચેપી રોગોના ગાણિતિક મોડેલિંગમાં એક દાખલો છે અને આ દેશમાં કોવિડ-19 ડેટા અને આ વર્ષે 23 માર્ચથી 18 જૂન વચ્ચે નોંધાયેલા કેસો પર આધારિત છે. જોકે, દેશમાં વર્તમાન કોવિડ-19 સ્થિતિને ધ્યાનમાં રાખતા આ અનુમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના છે.

આ મોડેલની સૌથી ખરાબ પરિસ્થિતિનો અંદાજ માર્ચ 2021ના ​​અંત સુધીમાં ભારતમાં કોવિડ-19 ચરમ પર નહીં પહોંચે તેવી સંભાવના છે. તો સૌથી સારી પરિસ્થિતિના અનુમાનમાં ભારતમાં કોવિડ-19 સપ્ટેમ્બર ના બીજા સપ્તાહ અથવા ઓક્ટોબર સુધીમાં ચરમ પર પહોંચી શકે છે.

નવા સંક્રમણના દરમાં ઘટાડો કરવા માટે આ મોડલમાં દર સપ્તાહે એક કે બે દિવસ સુધી લોકડાઉન પર ભાર મૂક્યો છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, દર સપ્તાહે એક કે બે દિવસ લોકડાઉન અને લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાથી સંક્રમણમાં ઘણા અંશે ઘટાડો થઈ શકે છે.

આ મોડલમાં ભારતમાં કોવિડ-19 રિકવરી દરમાં સતત સુધારાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે અને યોગ્ય આરોગ્ય સંભાળ અને સમય પર ક્વોરન્ટીન સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે, વેક્સીન ન હોવાને કારણે સંક્રમણને ફેલાતું રોકવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ, ક્વોરન્ટીન અને સોશિયલ ડિસ્ટન્સિંગ બેસ્ટ વિકલ્પ છે.

તો કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 32,695 નવા કેસો સામે આવ્યા છે અને 606 લોકોના મોત થયા છે. ત્યારપછી દેશભરમાં કોરોના પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 9,68,876 થઈ ગઈ છે. જેમાંથી 3,31,146 એક્ટિવ કેસ છે, 6,12,815 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં 24,915 લોકોના મોત થઈ ચૂક્યા છે.

મુંબઈઃ સ્વાસ્થ્યકર્મીઓએ રહેવાસીઓનું ટેમ્પરેચર માપ્યું…

મુંબઈમાં મહાનગરપાલિકાના સ્વાસ્થ્યકર્મીઓએ 15 જુલાઈ, બુધવારે ગોરેગાંવ ઉપનગરના ન્યૂ મ્હાડા કોલોની વિસ્તારની અથર્વ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં જઈને ત્યાંના રહેવાસીઓનું કોરોના વાઈરસની તપાસ માટે ટેમ્પરેચર માપ્યું હતું તથા એમની આવશ્યક પારિવારિક વિગતો નોંધી હતી. (તસવીરોઃ દીપક ધુરી)