‘હું શિક્ષક સાથે’ સૂત્ર સાથે કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશી ઉપવાસ પર

અમદાવાદ: ગુજરાતમાં શિક્ષણના કથળતા જતાં સ્તરથી ચિંતિત અને શિક્ષકોની 4200 વ્યાજબી ગ્રેડ પેની માંગનાં સમર્થનમાં ગુરુવારે ‘હું શિક્ષકની સાથે’ સૂત્રના નેજા હેઠળ કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનીષ દોશી પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. મનીષ દોશીએ પોતાના નિવાસસ્થાને સવારે ૧૦ વાગ્યે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા હતા. સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ, શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ પ્રતીક ઉપવાસને સમર્થન આપી રહ્યા છે.

ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, ગુજરાતનાં શિક્ષકોની ૪૨૦૦ પે ગ્રેડની વ્યાજબી માંગને સમર્થન આપવા વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને રાખીને હું આ ઉપવાસ પર ઉતર્યો છું. મારા નિવાસસ્થાન ૨૦૪, સ્કાય એવન્યુ,
મહેસાણા બેંકની બાજુમાં, બોડકદેવ, અમદાવાદ ખાતે ૧૬.૦૭.૨૦૨૦થી રોજ સવારે ૧૦ થી સાંજે ૫ સુધી પ્રતીક ઉપવાસ રહેશે. ગુજરાતમાં સરકાર શિક્ષણ વ્યવસ્થા સુધારવા ધ્યાન કેન્દ્રિત કરે. ટેટ ટાટ પાસ થયેલા હજારો યુવાનો, યુવતીઓ ભરતીની રાહ જોઈને બેઠા છે. ત્યારે સરકાર તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરે.

તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે કોરોના વૈશ્વિક મહામારીનાં સમયમાં કાયદાનું પાલન કરી આપ જે સ્થળે છો તે સ્થળેથી ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થા સુધારવા આપ સૌ ગુજરાતનાં હિત માટે જોડાશો.
કોરોનાના કપરા સમયને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સચવાય તે માટે નાગરિક ધર્મનું પાલન કરવા વિનંતી કરી છે.