Home Blog Page 4710

મુંબઈઃ ફૂટપાથવાસી છોકરી સ્ટ્રીટલાઈટ્સ નીચે ભણીને SSC પરીક્ષામાં 40% સાથે પાસ થઈ

મુંબઈઃ જેટલો આનંદ હાલમાં એસએસસી (સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ) બોર્ડ પરીક્ષામાં 90 ટકા લાવનારી કોઈ છોકરીને થયો હશે એટલો જ આનંદ શહેરમાં એક ફૂટપાથ પર રહેતી અને 40 ટકા સાથે પાસ થયેલી એક છોકરી અનુભવી રહી છે.

10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં પાસ થઈને અસ્મા શેખ નામની 17 વર્ષની છોકરી અને એનાં પિતા સલીમ શેખ એકદમ ખુશખુશાલ થઈ ગયાં છે. પિતા-પુત્રી દક્ષિણ મુંબઈમાં આઝાદ મેદાન વિસ્તારમાં એક ફૂટપાથ પર રહે છે. સલીમ શેખ આઝાદ મેદાન પાસે જ લીંબુ સરબત અને ફ્રૂટ જ્યૂસ વેચે છે.

એક અહેવાલ અનુસાર, અસ્માએ કહ્યું કે પોતે શિક્ષણ મેળવવા માટે ખૂબ જ મહેનત કરી રહી છે. રસ્તા પરની લાઈટનો જ ઉપયોગ કરીને એ ભણી રહી છે. રાતના સમયે રાહદારીઓની ગીરદી અને અવરજવર ઓછી હોય ત્યારે એ ખાસ ધ્યાન દઈને ભણી લેતી હોય છે. ચોમાસાની મોસમમાં ભણવામાં એને ઘણી વાર તકલીફ પડી છે, પરંતુ એ વખતે એનાં પિતા પ્લાસ્ટિકનો સરસ શેડ બનાવી આપે છે. અસ્મા દક્ષિણ મુંબઈમાં હીરજીભાઈ અલ્લારખીયા અને લાલજીભાઈ સજન ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણે છે.

અસ્માએ કહ્યું કે પોતાને જેટલા માર્ક્સ મળ્યાં છે એની કરતાં વધારે મળવાની એણે અપેક્ષા રાખી હતી. પોતાને 40 ટકાથી વધારે મળશે એવું એને લાગ્યું હતું. પરંતુ, જે માર્ક્સ મળ્યાં છે એનાથી પણ પોતે ઘણી જ ખુશ થઈ છે એવું તેણે કહ્યું.

હવે આગળના શિક્ષણ માટે એને આર્ટ્સ શાખામાં જવાની ઈચ્છા છે. કોલેજમાં પ્રવેશ મેળવવા માટે એને ઘણા લોકોએ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

આગળ જતાં પોતે વધારે મહેનત કરી શકે એ માટે મદદરૂપ થવાનું એને લોકો તરફથી પ્રોત્સાહન મળ્યું છે.

અસ્માએ કહ્યું કે ફૂટપાથવાસીઓ બાળકો ભાગ્યે જ ભણતાં હોય છે પરંતુ હું ભણી શકી છું એનો મને ગર્વ છે.

પિતા સલીમ શેખ પાસે નિયમિત નોકરી નથી. મુંબઈના રસ્તા પર ફ્રૂટ જ્યૂસ કે મકાઈના ભૂટા વેચીને કુટુંબનું ભરણપોષણ કરે છે.

અસ્મા શેખની સિદ્ધિને દક્ષિણ મુંબઈના સિનિયર કોંગ્રેસી નેતા મિલિંદ દેવરાએ એમના ટ્વિટર હેન્ડલ પર બિરદાવી છે.

મોદીએ મોરિશસ સુપ્રીમ કોર્ટ ભવનનું ઉદઘાટન કર્યું: ચીનની ટીકા કરી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મોરિશસના તેમના સમકક્ષ પ્રવિંદ જુગનૌથે મોરિશિયસના સુપ્રીમ કોર્ટના નવા બિલ્ડિંગનું આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંયુક્ત રૂપે ઉદઘાટન કર્યું હતું. એનું નિર્માણ ભારતના સાથસહકારથી થયું છે. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે પોર્ટ લુઈસમાં સુપ્રીમ કોર્ટનું ભવન ભારત-મોરિશસના સહયોગ અને ભાગીદારીનાં મૂલ્યોનું પ્રતીક છે. વડા પ્રધાને આ દરમ્યાન ચીનની ઝાટકણી કાઢી હતી.

ભવનનું નિર્માણ ભારતના આર્થિક સહયોગથી

આ ભવનનું નિર્માણ ભારતના આર્થિક સહયોગથી થયું છે. આ ઉદઘાટન સમારોહમાં જજ, ન્યાય વિભાગના અધિકારી સિવાય બંને દેશોના ગણમાન્ય લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મોરિશસ વડા પ્રધાન પ્રવિંદ જુગનૌથે  હિન્દીમાં કહ્યું હતું કે ‘मोदी जी, हमारा देश, हमारी जनता आपके समर्थन के लिए आभारी है’.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે વિકાસ પ્રતિ ભારતનું વલણ માનવ કેન્દ્રિત છે. અમે માનવતાના કલ્યાણ માટે કામ કરવા ઇચ્છીએ છીએ. ઇતિહાસ આપણને જણાવે છે કે વિકાસાત્મક ગઠબંધનને નામે દેશોને નિર્ભર રહેતા ગઠબંધન માટે મજબૂર કરવામાં આવ્યા હતા. એણે સામ્રાજ્યવાદી શાસનને પ્રોત્સાહન આપ્યું છે. એણે વૈશ્વિક સત્તા બ્લોકને પ્રોત્સાહન આપ્યું છે.

ચીને વિકાસને નામે પોતાનાં દેવાંની જાળમાં અનેક દેશોને ફસાવ્યા

વડા પ્રધાન મોદીએ ચીનની ટીકા કરતા કહ્યું હતું કે ચીને કેટલાય દેશોને વિકાસને નામ પર પોતાનાં દેવાંની જાળમાં ફસાવ્યા છે, અને પછી પોતાની શરત માનવા માટે મજબૂર કર્યાં છે. પાકિસ્તાન, શ્રીલંકાથી માંડીને દક્ષિણ આફ્રિકા સુદીના કેટલાય દેશો ચીનની આ નીતિનો શિકાર થઈ ચૂક્યા છે. બીજી તરફ ભારતે હંમેશાં મિત્ર રાષ્ટ્રોને વગર શરતે મદદ કરી છે. તેમણે કહ્યું હતું કે ભારત વિકાસ આધારિત ગઠબંધનનો દ્રષ્ટિકોણ સન્માન, વિવિધતા, ભવિષ્યનું ધ્યાન રાખવા પર અને સતત વિકાસ પર આધારિત હોય છે. તેમણે કહ્યું હતું કે અમારા વિકાસના સહયોગના માર્ગે કોઈ શરત નથી હોતી.

બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ

વર્ચ્યુઅલ ઇવેન્ટને સંબોધિત કરતાં વડા પ્રધાન મોદીએ બંને દેશોની વચ્ચે મૈત્રીના સંબંધ વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત મોરિશસ મૈત્રી અમર રહે. તે આ વાક્ય મોરિશસની સ્થાનિક ભાષામાં બોલ્યા હતા.

હાર્દિક પંડ્યા પપ્પા બન્યો; ફિયાન્સી નતાશાએ પુત્રને જન્મ આપ્યો

વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પપ્પા બની ગયો છે. એની ફિયાન્સી નતાશા સ્ટેન્કોવિચે પુત્રને જન્મ આપ્યો છે. 26 વર્ષીય હાર્દિકે એના સોશિયલ મિડિયા હેન્ડલ મારફત આ સમાચાર આપ્યા છે.

હાર્દિકે ટ્વિટર પોસ્ટમાં લખ્યું છેઃ ‘અમારે ત્યાં પુત્રરત્નનો જન્મ થયો છે.’ આ સાથે એણે નવજાત બાળકના હાથનું ચિત્ર પણ પોસ્ટ કર્યું છે.

નતાશાની પ્રસૂતિ વડોદરામાં કરવામાં આવી છે.

હાર્દિક અને નતાશાએ મે મહિનાના આરંભમાં જ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ એમના પરિવારમાં ત્રીજા સભ્યનું આગમન થવાનું છે. નતાશા ગર્ભવતી હોવાની જાહેરાત હાર્દિક કરી હતી અને ત્યારબાદ નતાશાએ પણ ગર્ભથી ફૂલી ગયેલા તેનાં પેટ સાથેની તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી હતી.

હાર્દિકે મે મહિનામાં એના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની પોસ્ટમાં લખ્યું હતું: નતાશા અને મેં એક બહુ જ મસ્ત સફર શરૂ કરી હતી અને હવે એ સફર વધારે સારી બનવાની છે. અમે બંને જણ ટૂંક સમયમાં જ અમારી જિંદગીમાં એક નવી જિંદગીને આવકારવા માટે ઉત્સૂક બન્યાં છીએ. અમે અમારા જીવનના આ નવા તબક્કા માટે રોમાંચિત છીએ અને આપના આશીર્વાદ અને શુભેચ્છા માગીએ છીએ.

ત્યારબાદ તરત જ હાર્દિક ઉપર અભિનંદનનો વરસાદ વરસવાનું શરૂ થયું હતું. કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટરોમાં પહેલો જ હતો.

હાર્દિક અને નતાશાએ ગઈ 1 જાન્યુઆરીએ એમની સગાઈની સોશિયલ મિડિયા પર જાહેરાત કરી હતી. એ વખતે નતાશાને પ્રપોઝ કરતી પોતાની તસવીર પોસ્ટ કરીને હાર્દિકે લખ્યું હતું: ‘મૈં તેરા તૂ મેરી જાને સારા હિન્દુસ્તાન.  01.01.2020 #engaged’

નતાશા સર્બિયાની અભિનેત્રી અને મોડેલ છે. એણે સત્યાગ્રહ હિન્દી ફિલ્મમાં પણ કર્યું છે. હાર્દિક પંડ્યા સાથે સગાઈ કરી એ પહેલાં તે મુંબઈમાં સ્થાયી થઈ હતી.

(તસવીરોઃ હાર્દિક પંડ્યાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સાભાર)

મુંબઈઃ કોરોના વાઈરસ બાયોમેડિકલ કચરાનો નિકાલ…

મુંબઈના ઉત્તર છેડેથી પહેલા ઉપનગર દહિસરના પૂર્વ ભાગના ચેકનાકા વિસ્તારમાં 29 જુલાઈ, બુધવારે મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ એક ‘કોવિડ-19 હેલ્થ સેન્ટર’ ખાતે કોરોના વાઈરસ બાયોમેડિકલ કચરાનો નિકાલ કરી રહ્યા છે. મુંબઈમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યા એટલે એની સાથે બાયોમેડિકલ કચરાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવો કચરો ટનના હિસાબે નીકળતો હોય છે. આ કચરો અત્યંત ચેપી હોય છે એટલે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર જ ખૂબ જ તકેદારીપૂર્વક એનો નિકાલ કરવો પડે છે. (તસવીરોઃ દીપક ધુરી)

મુંબઈમાં અનિલ અંબાણીના મુખ્યાલય પર યસ બેન્કે કબજો લીધો

મુંબઈ: ખાનગી ક્ષેત્રની યસ બેંક લિમિટેડે મુંબઈમાં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ(ADAG)ની મુખ્ય કચેરી, રિલાયન્સ સેન્ટરનો કબ્જો લઈ લીધો છે. બુધવારે બેંકે એક અખબારમાં આપેલી જાહેરાત અનુસાર યસ બેન્કે મુંબઈના સાંતાક્રુઝમાં ADAGની 21,000 ચોરસ ફૂટથી વધુ જગ્યા ધરાવતી મુખ્ય કચેરી તેમજ દક્ષિણ મુંબઈમાં ‘નાગિન મહેલ’માં બે માળની ઈમારતનો કબ્જો લઈ લીધો છે, જે તેનું તત્કાલિન મુખ્યાલય હતું.

સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ (SARFESI) અંતર્ગત 22 જુલાઈના આ કબ્જો લેવાયો હતો. બેંકે આ પગલું ત્યારે ભર્યું જ્યારે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપે બેંક પાસેથી લીધેલા રૂ. 2,892 કરોડના બાકી નાણાં ચૂકવવામાં નિષ્ફળ ગયું. ચાલુ વર્ષના માર્ચમાં અનિલ અંબાણીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જણાવ્યું હતું કે યસ બેંક માટે એડીએજીનું જોખમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કાયદા તેમજ નાણાકીય નિયમોનું પાલન થઈ રહ્યું છે. અનિલ અંબાણી ગ્રુપ પાસે યસ બેંકનું કુલ રૂ. 12,000 કરોડનું લેણું બાકી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપનો યસ બેંકના રાણા કપૂર, તેમના પત્ની અથવા તેમની પુત્રીઓ સાથે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક નથી અને તેમના દ્વારા સંચાલિત કોઈ પણ સંસ્થાના સંપર્કમાં પણ તેઓ નથી.

મહત્વનું છે કે, મે મહિનામાં ઈડીએ રાણા કપૂર, તેમની પુત્રીઓ રોશની કપૂર, રાધા કપૂર અને રાખી કપૂર વિરુદ્ધ યસ બેંક ફ્રોડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઉપરાંત ચાર્જશીટમાં મોર્ગન ક્રેડિટ્સ, યસ કેપિટલના નામ પણ સામેલ છે. હાલમાં પ્રશાંત કુમાર યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. 2008માં અનિલ અંબણી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં છઠ્ઠા ક્રમે હતા પરંતુ ટેલિકોમ, પાવર અને એન્ટરટેઈન્મેન્ટ ક્ષેત્રમાં નુકસાનને પગલે તેમના પર બોજો વધતો ગયો હતો.

યુવા મરાઠી અભિનેતાએ ઘરમાં ગળાફાંસો ખાધોઃ કારણ ડિપ્રેશન

મુંબઈઃ બોલિવુડ પછી હવે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ આપઘાતનો મામલો સામે આવ્યો છે. મરાઠી અભિનેત્રી મયૂરી દેશમુખના પતિ અભિનેતા આશુતોષ ભાકરે 29 જુલાઈના બુધવારે મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં એનાં ઘરમાં આત્મહત્યા કરી હતી. તે ડિપ્રેશનમાં હતો. આ ઘટનાથી આશુતોષના કુટુંબને બહુ મોટો આઘાત લાગ્યો છે. તે 32 વર્ષનો હતો. સંપૂર્ણ મરાઠી ફિલ્મ ઉદ્યોગ એ અભિનેતાના મોત પર શોક વ્યક્ત કરી રહ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ આશુતોષનો મૃતદેહ એના બંગલામાં લટકતી સ્થિતિમાં મળી આવ્યો હતો. આશુતોષ એક મહિના પહેલાં જ નાંદેડ આવ્યો હતો. આશુતોષના મોતથી એના ફેન્સ આઘાતમાં છે. આશુતોષે આ પગલું કેમ ભર્યું એ હજી સ્પષ્ટ નથી થઈ શક્યું.

આશુતોષ બહુ ચર્ચિત એક્ટર હતો

આશુતોષે ફિલ્મ એન્ડ ટીવી એક્ટ્રેસ મયૂરી દેશમુખનો પતિ હતો. 21 જાન્યુઆરી, 2016એ મયૂરી અને આશુતોષનાં લગ્ન થયાં હતાં. તેમનો બંગલો નાંદેડના ગણેશનગર વિસ્તારમાં હતો. તેણે  ‘इच्यार ठरला पक्का’ નામની ફિલ્મ કરી હતી. તે સિરિયલ ‘खुलता कळी खुलेना’ ઘર-ઘરમાં જાણીતો થયો હતો. બંનેની એકટિંગને ઘણી પસંદ કરવામાં આવતી હતી. મયૂરી પણ મરાઠી ઇન્ડસ્ટ્રીની બહુ જાણીતી અભિનેત્રી છે.

બંનેના મિત્ર અને સહકકર્મચારીઓ હજી પણ આઘાતમાં

બંનેના મિત્ર અને સહકર્મચારીઓ હજી પણ આઘાતમાં છે. મયૂરી-આશુતોષના મિત્રોમાંથી એક અભિનેતા કેતકી પાલવે કહ્યું હતું કે તે કલ્પના પણ નથી કરી શકતી કે મયૂરી અને તેનો પરિવાર આશુતોષે જે આત્યંતિક પગલું ભ્યું છે એના આઘાતમાંથી કેવી રીતે બહાર આવશે. તેણે કહ્યું હતું કે તે દુઃખનો સામનો કરવામાં અસમર્થ છે અને આશુતોષે ભરેલાં અચાનક આવા પગલાને સમજવામાં અસમર્થ છે. તેણે કહ્યું હતું કે મારા માટે આ દર્દનાક ખબર છે.

આશુતોષના સુસાઇડના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે દેશ બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના આઘાતથી બહાર આવી રહ્યા છે. સુશાંત સિંહે 14 જૂને મુંબઈસ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. સુશાંત 34 વર્ષનો હતો.   

 

સુશાંત મૃત્યુ કેસની તપાસ મામલે હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય અને વિવાદાસ્પદ બની ગયેલા મૃત્યુના કેસની તપાસ કેન્દ્રીય એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરાવવાનો આદેશ આપવાની માગણી કરતી એક જનહિતની અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે.

આ કેસની તપાસ મુંબઈ પોલીસને બદલે સીબીઆઈ દ્વારા કરાવવાની દાદ ચાહતી પીટિશન પર સુનાવણી કરવાનો ઈનકાર કરતાં દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડેએ કહ્યું કે પોલીસ તંત્રને એનું કામ કરવા દો.

ચીફ જસ્ટિસ બોબડેએ અરજદાર અલખ પ્રિયાને કહ્યું કે આ બાબતમાં સુપ્રીમ કોર્ટને કોઈ લેવાદેવા નથી, તમારે આ બાબતમાં મુંબઈ હાઈ કોર્ટમાં જવું જોઈએ.

34 વર્ષીય સુશાંત સિંહ ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)સ્થિત તેના નિવાસસ્થાનમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ કહ્યું હતું કે સુશાંતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. કહેવાય છે કે પોતાને ફિલ્મો ન મળવાથી એ ડિપ્રેશનમાં આવી ગયો હતો. જો કે એના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

બાન્દ્રા પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે અને કેટલીક બોલીવૂડ હસ્તીઓ સહિત અસંખ્ય લોકોની પૂછપરછ કરી છે.

સુશાંતની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તિએ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને વિનંતી કરી છે. આવી જ માગણી બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ પણ કરી છે.

સુશાંત મૃત્યુ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણીને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પણ ફગાવી દીધી છે અને કહ્યું કે પોલીસ આ કેસમાં બરાબર તપાસ કરી રહી છે.

દેશમાં કોરોનાના 52,123 નવા કેસો, વિશ્વમાં 2.80 લાખ નવા કેસો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 52,123 નવા કેસ સામે આવ્યા છે અને 775 લોકોનાં મોત થયાં છે. દેશમાં ગઈ કાલે સૌપ્રથમ વાર કોવિડ-19ના સંક્રમણના 50,000 નવા કેસ નોંધાયા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 15,83,792 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 34,968 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 10,02,582 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,28,242એ પહોંચી છે. રિકવરી રેટ 64.25 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં 1,81,90,382 ટેસ્ટ

29 જુલાઈ સુધીમાં કોવિડ-19ના કુલ 1,81,90,242 સ્મ્પલોના ટેસ્ટિંગ થઈ ચૂક્યાં છે, એમ ICMRએ કહ્યું હતું.

વિશ્વમાં કોરોના પાછલા 24 કલાકમાં 2.80 લાખ કેસ

વિશ્વમાં અત્યાર સુધી 213 દેશોમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. અમેરિકા, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં કોરોનાની સંખ્યા ઝડપથી વધી રહી છે. વિશ્વમાં પાછલા 24 કલાકમાં 2.80 લાખ નવા કેસ નોંધાયા છે અને 6649 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં અત્યાર સુધી 1.71 કરોડ લોકોના સંક્રમણના કેસ નોંધાયા છે અને 6.69 લાખ લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

CBDTએ ઇન્કમ ટેક્સ રિટર્નની છેલ્લી તારીખ વધારીને 30 સપ્ટેમ્બર, 2020 કરી

નવી દિલ્હીઃ સરકારે નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ બે મહિના એટલે કે 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. આવકવેરા વિભાગે કહ્યું છે કે કોરોના વાઇરસના રોગચાળાને ધ્યાનમાં રાખતાં આવકવેરાદાતાઓને રાહત આપતાં કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે (CBDTએ)  નાણાકીય વર્ષ 2018-19 (આકલન વર્ષ 2019-20) માટે આવકરવેરા રિટર્ન ભરવાની તારીખ 31 જુલાઈ,2020થી વધારીને 30 સપ્ટેમ્બર, 2020 કરી દીધી છે. જોકે નાણાકીય વર્ષ 2018-19ના મૂળ અથવા સંશોધિત આવકવેરા રિટર્ન ભરવાની તારીખ ત્રીજી વાર વધારવામાં આવી છે.

ત્રીજી વાર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારાઈ

CBDTએ આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પહેલાં 30 જૂન સુધી વધારવામાં આવી હતી. નાણાં વર્ષ 2018-19 માટે 31 માર્ચ, 2020 સુધી ITR ભરવાનું હતું. જોકે એને 30 જૂન સુધી વધારવામાં આવી હતી, પછી એને વધારીને 31 જુલાઈ છેલ્લી તારીખ કરવામાં આવી હતી અને હવે એને વધારીને 30 સપ્ટેમ્બર, 2020 કરવામાં આવી છે.

CBDT કેમ વધારી રહ્યું છે તારીખ

CBDTએ જણાવ્યું હતું કે અત્યાર સુધી રિટર્નના ફાઇલિંગથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવાથી એવા ટેક્સપેયર્સની માહિતી મળી છે, જેમણે ઘણી વધારે લેવડદેવડ કરી છે, પણ એમણે એસેસમેન્ટ યર 2019-20 (નાણાકીય વર્ષ 2018-19ના સંદર્ભમાં) રિટર્ન ભર્યું નથી.રિટર્ન નહીં ભરવાવાળા સિવાય રિટર્ન ફાઇલ કરવાવાળા કેટલાય લોકોની ઓળખ થઈ છે, જેમણે વધુ નાણાના વ્યવહારો અને તેમના આવકવેરા રિટર્ન આપસમાં મેળ નથી ખાતાં.

ઈ-કેમ્પેન 31 જુલાઈ, 2020એ પૂરું

વિભાગે જણાવ્યું હતું કે 11 દિવસો સુધી ચાલનારા ઈ-કેમ્પેન 31 જુલાઈ, 2020એ પૂરું થશે અને આ દરમ્યાન આ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમમણે રિટર્ન ભર્યું છે અથવા તેમના રિટર્નમાં કેટલીક ખામીઓ છે. આ કેમ્પેન હેઠળ આવકવેરા વિભાગ ઓળખી કાઢવામાં આવેલા ટેક્સપેયર્સને ઈમેઇલ અથવા SMS મોકલશે. જેથી પ્રાપ્ત સૂચના અનુસાર તેમના નાણાકીય વ્યવહારોને વિગતવાર ચકાસી શકાય.

આવકવેરા વિભાગને આ સૂચના નાણાકીય વ્યવહારોની વિગતો Statement of Financial Transactions (SFT), Tax Deduction at Source (TDS), Tax Collection at Source (TCS), Foreign Remittances (Form 15CC) જેવા દસ્તાવેજોમાંથી મળી છે.

બોર્ડે કહ્યું છે કે ઈ-ઝુંબેશનો હેતુ ટેક્સપેયર્સને ટેક્સ અથવા નાણાકીય વ્યવહારો સંબંધી માહિતી ઓનલાઇન ખરાઈ કરવામાં મદદ કરવાનો અને સ્વૈચ્છિક સ્વીકારને પ્રોત્સાહન આપવાનો છે. આ કેમ્પેન હેઠળ ટેક્સપેયર્સ પોર્ટલ પર નાણાકીય વ્યવહારો સંબંધી એક્સેસ કરી શકશો અને ઓનલાઇન રિસ્પોન્સ પણ સબમિટ કરી શકશો, જેનાથી તેમણે ઇન્કમ ટેક્સ ઓફિસ નહીં જવું પડે.

 

સુવિચાર – ૩૦ જુલાઈ, ૨૦૨૦

સુવિચાર – ૩૦ જુલાઈ, ૨૦૨૦