મુંબઈઃ ફૂટપાથવાસી છોકરી સ્ટ્રીટલાઈટ્સ નીચે ભણીને SSC પરીક્ષામાં 40% સાથે પાસ થઈ

મુંબઈઃ જેટલો આનંદ હાલમાં એસએસસી (સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ) બોર્ડ પરીક્ષામાં 90 ટકા લાવનારી કોઈ છોકરીને થયો હશે એટલો જ આનંદ શહેરમાં એક ફૂટપાથ પર રહેતી અને 40 ટકા સાથે પાસ થયેલી એક છોકરી અનુભવી રહી છે.

10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં પાસ થઈને અસ્મા શેખ નામની 17 વર્ષની છોકરી અને એનાં પિતા સલીમ શેખ એકદમ ખુશખુશાલ થઈ ગયાં છે. પિતા-પુત્રી દક્ષિણ મુંબઈમાં આઝાદ મેદાન વિસ્તારમાં એક ફૂટપાથ પર રહે છે. સલીમ શેખ આઝાદ મેદાન પાસે જ લીંબુ સરબત અને ફ્રૂટ જ્યૂસ વેચે છે.

એક અહેવાલ અનુસાર, અસ્માએ કહ્યું કે પોતે શિક્ષણ મેળવવા માટે ખૂબ જ મહેનત કરી રહી છે. રસ્તા પરની લાઈટનો જ ઉપયોગ કરીને એ ભણી રહી છે. રાતના સમયે રાહદારીઓની ગીરદી અને અવરજવર ઓછી હોય ત્યારે એ ખાસ ધ્યાન દઈને ભણી લેતી હોય છે. ચોમાસાની મોસમમાં ભણવામાં એને ઘણી વાર તકલીફ પડી છે, પરંતુ એ વખતે એનાં પિતા પ્લાસ્ટિકનો સરસ શેડ બનાવી આપે છે. અસ્મા દક્ષિણ મુંબઈમાં હીરજીભાઈ અલ્લારખીયા અને લાલજીભાઈ સજન ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણે છે.

અસ્માએ કહ્યું કે પોતાને જેટલા માર્ક્સ મળ્યાં છે એની કરતાં વધારે મળવાની એણે અપેક્ષા રાખી હતી. પોતાને 40 ટકાથી વધારે મળશે એવું એને લાગ્યું હતું. પરંતુ, જે માર્ક્સ મળ્યાં છે એનાથી પણ પોતે ઘણી જ ખુશ થઈ છે એવું તેણે કહ્યું.

હવે આગળના શિક્ષણ માટે એને આર્ટ્સ શાખામાં જવાની ઈચ્છા છે. કોલેજમાં પ્રવેશ મેળવવા માટે એને ઘણા લોકોએ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

આગળ જતાં પોતે વધારે મહેનત કરી શકે એ માટે મદદરૂપ થવાનું એને લોકો તરફથી પ્રોત્સાહન મળ્યું છે.

અસ્માએ કહ્યું કે ફૂટપાથવાસીઓ બાળકો ભાગ્યે જ ભણતાં હોય છે પરંતુ હું ભણી શકી છું એનો મને ગર્વ છે.

પિતા સલીમ શેખ પાસે નિયમિત નોકરી નથી. મુંબઈના રસ્તા પર ફ્રૂટ જ્યૂસ કે મકાઈના ભૂટા વેચીને કુટુંબનું ભરણપોષણ કરે છે.

અસ્મા શેખની સિદ્ધિને દક્ષિણ મુંબઈના સિનિયર કોંગ્રેસી નેતા મિલિંદ દેવરાએ એમના ટ્વિટર હેન્ડલ પર બિરદાવી છે.