Home Blog Page 4673

સુપ્રીમમાં સરકારનો જવાબઃ લોન મોરિટોરિયમને બે વર્ષ સુધી વધારી શકાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને RBIએ સુપ્રીમ કોર્ટમાં લોન મોરિટોરિયમ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે લોન રિપેમેન્ટ પર મોરિટોરિયમનો સમયગાળો વધારી શકાય છે. કોવિડ-19ના રોગચાળાને જોતાં એને બે વર્ષ સુધી વધારી શકાય છે. 31 ઓગસ્ટે લોન મોરિટોરિયમનો સમયગાળો પૂરો થયો છે. કોવિડથી ઊભી થયેલી પરિસ્થિતિઓમાં લોકોને રાહત આપવા માટે RBIએ છ મહિના સુધી મોરિટોરિયમનો વિકલ્પ આપ્યો હતો.

સુપ્રીમે કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી

જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર અને RBIનું વલણ સ્પષ્ટ કર્યું હતું. હાલમાં સુપ્રીમ કોર્ટે કોવિડ-19 રોગચાળાને જોતાં મોરિટોરિયમ (લોનના હપતા ચુકવણીમાંથી છૂટ) દરમ્યાન વ્યાજને માફ કરવાને મુદ્દે કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે સરકારની કથિત નિષ્ક્રિયતાની નોંધ લીધી હતી. તેમણે નિર્દેશ આપ્યો હતો કે એક સપ્તાહની અંદર સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે.

અર્થતંત્રમાં 23 ટકાનો ઘટાડો

મહેતાએ જણાવ્યું હતું કે દબાણવાળાં સેક્ટરો માટે કેટલાંય પગલાં લેવામાં આવ્યાં છે. કોરાનાને કારણે અર્થતંત્રમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. કોવિડની જેની પર વધુ પ્રતિકૂળ અસર પડશે, એ અનુસાર સેક્ટરોને રાહત આપવામાં આવી છે.

આ પકડાકરજનક સમય

સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે કોર્ટ બુધવારે વ્યાજની માફી અથવા વ્યાજમાફીને મુદ્દે સુનાવણી કરશે. આ પહેલાં કોર્ટે કહ્યું હતું કે આ મોરિટોરિયમ દરમ્યાન વ્યાજને સંપૂર્ણ રીતે છૂટનો સવાલ નથી, બલકે આ મામલો બેન્કો દ્વારા વ્યાજની ઉપર વ્યાજ વસૂલવા સુધી સીમિત છે. કોર્ટે કહ્યું હતું કે આ પકડાકરજનક સમય છે. આવામાં ગંભીર મુદ્દો છે કે એક તરફ લોનની ચુકવણીને સ્થગિત કરવામાં આવી છે, બીજી તરફ એના પર વ્યાજ લેવામાં આવી રહ્યું છે.

 

 

 

ગેન્ગસ્ટરોએ હવે ગુંડાગીરી અથવા ગુજરાત છોડવું પડશેઃ રૂપાણી

અમદાવાદઃ રાજ્યમાં શાંતિ અને સુશાસન જાળવી રાખવા માટે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે  જાહેરમાં શાંતિ, સલામતી અને અવિરત વિકાસમાં રુકાવટ ઊભી કરનારાં ગેન્ગસ્ટરોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આવાં તત્ત્વોએ ગુંડાગીરી  છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. પ્રધાનમંડળની આગામી બેઠકમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ગુંડાવિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એકટ’ ઓર્ડિનન્સ બહાર પાડવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.

પાસા એક્ટમાં સુધારો 

રાજ્યમાં ગેરકાયદે જમીન પચાવી પાડનારાં તત્ત્વો, ભૂમાફિયાઓ, જુગાર-દારૂની પ્રવૃત્તિ કરનારાઓ સહિતનાં અસામાજિક તત્વોને સખત સજા કરવા માટે ‘પાસા’ એક્ટમાં સુધારો કરવાનો તાજેતરમાં જ નિર્ણય કર્યો છે.

તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંગ્રામ માંડતા એન્ટિ-કરપ્શનની કામગીરીને વધુ ધારદાર બનાવી છે. ACBને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓ સામે કામ ચલાવવા વ્યાપક સત્તાઓ આપી છે. ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ તેમણે ગૌવંશ હત્યા વિરુદ્ધનો અતિ કડક કાનૂન પણ અમલી બનાવ્યો છે.

આ ઓર્ડિનન્સની મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ નીચે મુજબ છે

  •  રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેને સાત વર્ષથી ઓછી નહિ અને ગુંડાગીરી કરનારાં તત્વોને ૧૦ વર્ષ સુધીની સખત કેદ અને પ૦ હજાર રૂપિયાનો દંડ કરાશે.
  • ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરાશે.
  • ગુંડા તત્ત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઈ શકશે.
  • સાક્ષીઓને પૂરતું રક્ષણ આપી નામ-સરનામાં ગુપ્ત રાખવામાં આવશે.
  • જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા અને નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા કકડક કાયદાકીય જોગવાઈનો અમલ.
  • દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ,નશાનો વેપાર, અનૈતિક માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ,વ્યાજખોરી, અપહરણ અને ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદે હથિયારો રાખવા કૃત્યોનો નાશ કરવા કડક કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવશે.
  • સરકારી કર્મચારી કે રાજકીય વગ ધરાવતી વ્યક્તિ ગુંડા તત્વોને મદદ કરે તો તેને ત્રણ વર્ષથી ઓછી નહિ, પરંતુ દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે.
  • આ અધિનિયમના નિયમોનું ઉલ્લંઘન કરનારાં ગુંડા તત્વોને 10,000 સુધી દંડનો અથવા દંડ વિના છ મહિના સુધીની મુદતની કેદની સજાની જોગવાઈ પણ વટહુકમમાં તેમણે કરી છે.
  • આ વટહુકમ હેઠળ કોઇ પણ ગૂનો સંબંધિત રેન્જ IG અથવા પોલીસ કમિશનરની પૂર્વમંજૂરી સિવાય નોંધી શકાશે નહીં તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે.
  • રાજ્યમાં નશાબંધી ધારો, કેફી ઔષધ ધારાની જોગવાઇનો ભંગ કરી દારૂ, માદક દ્રવ્યો, જોખમી ઔષધોનું સેવન કરવું, ઉત્પાદન કરવું, હેરાફેરી કરવી અથવા આયાત નિકાસ કરવા જેવી બાબતોનો પણ સજા પાત્રતામાં સમાવેશ થાય છે.
  •  સ્થાવર મિલકતોનો કબજો લેવો, તેમાં મદદ કરવી, માલીકી હકના ખોટા દાવા ઉભા કરવા કે તે  સંદર્ભમા બનાવટી દસ્તાવેજો ઊભા કરવા જેવી બાબતોને આ કાયદામાં સજા પાત્ર બાબત તરીકે આવરી લેવામાં આવી  છે.

 

મુખ્ય પ્રધાને આ વટહુકમની જોગવાઈઓના ચુસ્ત અમલની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

***

કોરોનાના 69,921 નવા કેસ, 819નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 69,921 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 819 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 36,91,167 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 65,288 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 28,39,882 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,85,996 પહોંચી છે. રિકવરી રેટ વધીને 77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 ટકા થયો છે. 

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

અનલોક 4: આજથી શું ખૂલશે, શું બંધ રહેશે,જાણો…

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે હાલમાં જ દેશમાં કેટલીક કામગીરીને ફરીથી ખોલવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને એ આજથી અમલમાં આવશે. આ દિશા-નિર્દેશો મુજબ અનલોક-4 ના રૂપમાં જાહેર કરવામાં આવી છે. મેટ્રો રેલ સર્વિસ ફરીથી શરૂ થશે, ઓફિસોમાં અને મંડીઓમાં સામાજિક અંતર, તપાસ અને સ્વચ્છતા અને વારંવાર સેનેટાઇઝેશન કરવાનું રહેશે. આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે.

દેશનાં બધાં રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોએ ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશોનું સખતાઈથી પાલન કરવાનું રહેશે. જો કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ ગાઇડલાઇન્સમાં ફેરફાર કરવા માગે તો એણે પહેલાં ગૃહ મંત્રાલય સાથે વિચારવિમર્શ કરવાનો રહેશે.

અનલોક 4માં નીચીની કામીગીરીની મંજૂરી આપવામાં આવી છે.

  • મેટ્રો રેલવે સેવાઓને તબક્કાવાર સાત સપ્ટેમ્બરથી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
  • આંતરરાજ્યમાં લોકો અને માલસામાનની હેરફેર માટે કોઈ પ્રતિબંધ નથી. એ માટે કોઈ ઈ-પાસ, પરમિટ કે વિશેષ મંજૂરીની જરૂર નથી.
  • 21 સપ્ટેમ્બરથી મહત્તમ 100 વ્યક્તિઓની સાથે બધાં પ્રકારનાં સામાજિક, શૈક્ષણિક, સ્પોર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો યોજવાની મંજૂરી આપવામાં આવશે.
  • 21 સપ્ટેમ્બરથી ઓપન-એર થિયેટરોને ખોલવાની મંજૂરી આપવામાં આવી.
  • 21 સપ્ટેમ્બરથી ઓનલાઇન શિક્ષણ –ટેલિ-કાઉન્સેલિંગ અને સંબંધિત કાર્ય માટે 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને કન્ટેઇનમેન્ટ ઝોનની બહારના વિસ્તારો સ્કૂલોને રિપોર્ટ કરવાની મંજૂરી આપવામાં આવશે.
  • કન્ટેઇનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક સર્વિસને મંજૂરી આપવામાં આવી છે.
  • 30 સપ્ટેમ્બર સુધી કન્ટેઇનમેન્ટ ઝોનમાં લોકડાઉન લાગુ રહેશે.

અહીં એ કામકાજની યાદી છે, જે બંધ રહેશે

  • દેશભરમાં સ્કૂલ, કોલેજો, શિક્ષણ અને કોચિંગ ક્લાસિસ આગામી માર્ગદર્શિકા સુધી બંધ રહેશે.
  • સિનેમા હોલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટર અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે.
  • આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા, ગૃહ મંત્રાલયની મંજૂરી વગર બંધ રહેશે.
  • 65 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ, સારવાર હેઠળની વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી નાની ઉંમરનાં બાળકોને આરોગ્ય લગતી સમયસ્યા સિવાય તેમને ઘરે રહેવાની સલાહ છે, જેથી તેઓ ઘરે સુરક્ષિત રહે.

 

 

 

 

 

પિતાને કેન્સરનું નિદાનઃ સ્ટોક્સ કદાચ IPL2020માં રમી નહીં શકે

લંડનઃ ઈંગ્લેન્ડનો ધરખમ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આ વખતની આઈપીએલ સ્પર્ધામાં રમે એ વિશે પ્રશ્નાર્થ સર્જાયો છે. આનું કારણ એ છે કે સ્ટોક્સના પિતાને બ્રેન કેન્સર હોવાનું નિદાન થયું છે.

સ્ટોક્સ હાલ એના પિતા પાસે ગયો છે જે ન્યૂઝીલેન્ડમાં એમના નિવાસસ્થાને રહે છે.

સ્ટોક્સ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો સભ્ય છે.

આ વખતની આઈપીએલ, જે 13મી આવૃત્તિ હશે એ યૂએઈમાં રમાવાની છે અને એનો આરંભ 19 સપ્ટેંબરથી થવાનો છે.

સ્ટોક્સ હાલ ઉપલબ્ધ ન હોવાથી એને ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા સામેની આગામી ટ્વેન્ટી-20 સિરીઝ માટેની ઈંગ્લેન્ડ ટીમમાં પણ સામેલ કરાયો નથી. ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે.

આ વખતની આઈપીએલમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર સુરેશ રૈના પણ અંગત કારણોસર ખસી ગયો છે. એવી જ રીતે, ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર કેન રિચર્ડસન પણ એની પત્ની એમના પ્રથમ સંતાનને જન્મ આપવાની હોવાથી એની પાસે રહેવા માગે છે તેથી આઈપીએલમાં મોડો જોડાશે અથવા આખી સ્પર્ધામાંથી ખસી જાય એવી પણ ધારણા છે.

મામો મીંઢળ લેવા જાય તે…

મામો મીંઢળ લેવા જાય તે કન્યા પરણી જાય અને ઘેર છોકરાં થાય ત્યારે પાછો આવે !

 

આ કહેવત એવા લાહરીયા અથવા લબાડ માણસ માટે વપરાય જે બતાવેલું કામ ક્યારેય ગંભીરતાથી ન લે અને મોટાભાગે અવસર વીત્યા બાદ જ હાથ હિલોળતો પાછો આવે. લગ્ન વખતે માણેકસ્તંભ તેમજ કન્યાના હાથે બાંધવા માટેનું મીંઢળ બજારમાંથી લઈ આવવું એ વધુમાં વધુ 10 થી 15 મિનિટનું કામ છે.

આ બેજવાબદાર માણસ લગભગ અનિશ્ચિત કાળ સુધીનો વિલંબ થાય એવી બેદરકારી આ કામ જે લગ્ન વિધિ માટે ખૂબ જ અગત્યનું છે તેમાં દાખવે છે અને કન્યા પરણી જાય એટલું જ નહીં, પણ એના ઘરે પણ બાળકો રમતાં થાય ત્યારે એ ક્યાંકથી પાછો પ્રગટ થાય છે. અક્ષમ્ય બેદરકારી અને લબાડગીરીને ખૂબ હળવી પણ સચોટ રીતે કહેતી કહેવત.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવશે.) 

 

૧ સપ્ટેમ્બર ૨૦૨૦

૧ સપ્ટેમ્બર ૨૦૨૦

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (84)નું નિધન

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું આજે નિધન થયું છે. એ 84 વર્ષના હતા. એમના નિધનના સમાચારની જાહેરાત એમના પુત્ર અભિજીત મુખરજીએ કરી છે.  મુખરજી છેલ્લા અનેક દિવસોથી ફેફસાંના ચેપની બીમારીથી ગ્રસ્ત હતા. એમને કોરોના પણ થયો હતો. એ વેન્ટીલેટર પર હતા.

પ્રણવ મુખરજી ભારતના 13મા રાષ્ટ્રપતિ હતા. એમને કોરોનાનો ચેપ લાગુ પડ્યા બાદ એમને દિલ્હીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુખરજી 2012ની 15 જૂને રાષ્ટ્રપતિ બન્યા હતા.

એ અત્યંત પ્રભાવશાળી નેતા હતા. એમણે કોંગ્રેસ પાર્ટી સહિત દેશની સમસ્યાઓને ઉકેલવામાં પોતાનું મોટું યોગદાન આપ્યું હતું.

પ્રણવ મુખરજીને કોંગ્રેસના સંકટમોચક તરીકે ઓળખવામાં આવતા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને એમના પૂરોગામી પ્રણવ મુખરજીના નિધન અંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શબ્દાંજલિ અર્પણ કરી છે.

લોકડાઉનમાં મદદે આવી મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. એને પગલે ટ્રાન્સપોર્ટ સેવા પણ બંધ કરવામાં આવી હતી. પરંતુ લોકડાઉનના સમયગાળામાં અને ત્યારબાદ શરૂ કરાયેલી અનલોક પ્રક્રિયામાં મુંબઈમાં રેલવેએ મદદગારની ભૂમિકા બજાવી છે. મધ્ય અને પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગોની ટ્રેનો જીવનવાહિની સાબિત થઈ છે. આ બંને વિભાગે આવશ્યક ચીજવસ્તુઓના દેશભરમાં ટ્રાન્સપોર્ટેશન કરવાની સુવિધા માટે સેંકડો સ્પેશિયલ પાર્સલ ટ્રેનો દોડાવી છે.

મધ્ય રેલવેએ સ્પેશિયલ પાર્સલ ટ્રેનો દ્વારા અત્યાર સુધીમાં 11,400 ટન આવશ્યક ચીજવસ્તુઓને પહોંચતી કરી છે તો પશ્ચિમ રેલવેએ પણ હજારો ટન દવાઓ, તબીબી સાધનસામગ્રી, અનાજ, દૂધ, ખેતઉત્પાદનો વગેરે ચીજવસ્તુઓ દેશમાં ઠેકઠેકાણે પહોંચાડી છે.

મધ્ય રેલવેના મુંબઈ વિભાગે એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં સ્પેશિયલ પાર્સલ ટ્રેનોની 356 ટ્રિપ્સ કરાવી છે. તો પશ્ચિમ રેલવેએ ત્રણ પાર્સલ સ્પેશિયલ ટ્રેનોની કુલ 293 અતિરિક્ત ટ્રિપ્સની તારીખોને 31 ડિસેંબર સુધી લંબાવી દીધી છે. આ ત્રણ ટ્રેન છે – બાન્દ્રા ટર્મિનસથી જમ્મુ-તવી (121 ટ્રિપ્સ), ઓખા-ગુવાહાટી (69 ટ્રિપ્સ) અને પોરબંદર-શાલીમાર (103 ટ્રિપ્સ). આ ટ્રેનો દ્વારા પશ્ચિમ રેલવેએ 23 માર્ચથી 28 ઓગસ્ટ સુધીમાં 1.10 લાખ ટન આવશ્યક ચીજવસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન કર્યું છે.

આ ટ્રાન્સપોર્ટેશનથી પશ્ચિમ રેલવેને રૂ. 36 કરોડથી વધુની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન રેલવેએ 80 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો દોડાવી છે અને વેગનો દ્વારા 60,700 ટન દૂધનું વહન કર્યું છે.

એવી જ રીતે, 391 કોવિડ-19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો દ્વારા 36,600 ટન ચીજવસ્તુઓ સંબંધિત સ્થળના સ્ટેશનોએ પહોંચતી કરી છે.

મધ્ય રેલવેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈથી કલ્યાણ માર્ગે થઈને હઝરત નિઝામુદ્દીન, શાલીમાર, હાવડા, સિકંદ્રાબાદ, ચેન્નાઈ, વાડી, નાગપુર વગેરે સ્થળે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, મશીનરીનાં ભાગ, પ્રિન્ટિંગ સાહિત્ય અને ટપાલ બેગો સહિત અંદાજે 8,900 ટન જડ પાર્સલનું ટ્રાન્સપોર્ટેશન કર્યું છે.

ફ્રાંસમાં વીજપુરવઠો ખોરવાતાં ટ્રેનોમાં હજારો પેસેન્જરો ફસાયા

પેરિસઃ દક્ષિણ-પશ્ચિમી ફ્રાંસમાં વીજળી પુરવઠો ખોરવાતાં હજારો પેસેન્જરોને આખી રાત TGV ટ્રેનો (ટ્રેનો આખી રાત)માં ફસાઈ ગયા હતા. તેઓ ભૂખ્યા તરસ્યા અને તાજી હવા માટે તરસી ગયા હતા. જેથી ગુસ્સે ભરાયેલા પેસેન્જરોએ સોશિયલ નેટવર્ક પર ગુસ્સો ઠાલવ્યો હતો. 

પેસેન્જરોએ 20 કલાક માસ્ક પહેરીને અને ટ્રેનોમાં સૂઈને વિતાવી હતી. સોશિયલ મિડિયા પર કેટલાય પેસેન્જરોએ ટ્રેનમાં ઊંઘતાં બાળકોની સાથે ફોટો શેર કર્યા હતા અને જણાવ્યું હતું કે સતત આશરે 20 કલાક માસ્ક પહેરીને કેટલી મુશ્કેલીઓ પડી હતી.

પ્રસારણકર્તા ફ્રાન્સ ઇન્ફોએ જણાવ્યું હતું કે કેટલાય લોકોને ત્યાંથી મેડિકલ કારણોને લીધે કાઢવામાં આવ્યા હતા. એક પેસેન્જરે કહ્યું હતું કે કોરોનાનો સમય છે અને આ સમયે માસ્ક લગાવવો જરૂરી છે.

 

તમે વિચારી જુઓ હાલના સમયમાં ટ્રેનની અંદર માસ્ક લગાવીને રાખવો અને વીજળી 20 કલાક ચાલી જાય.

રેલવે સત્તાવાળાઓએ માફી માગી

ફ્રાંસના રાષ્ટ્રીય રેલવે સત્તાવાળા SNCFએ વીજપુરવઠા સંબંધી કેટલીય ઘટનાઓ માટે સોમવારે માફી માગી હતી. વીજપુરવઠાની ખેંચ રવિવારે બપોરે શરૂ થઈ હતી. જેને કારણે પશ્ચિમી ફ્રાંસમાં રેલવે વ્યવહાર ઠપ થયો હતો. જેને કારણે આ વિસ્તારમાં પેરિસ સુધીની યાત્રા પણ થઈ શકી નહોતી.