મુંબઈ શહેર અને નજીકના પાલઘર જિલ્લાના નાલાસોપારામાં 2 સપ્ટેંબર, બુધવારે રહેણાંક મકાન હોનારત થઈ હતી. મુંબઈના દક્ષિણ ભાગમાં આવેલા ડોંગરી વિસ્તારમાં રઝાક ચેંબર્સ નામના ચાર-માળના મકાનનો ઘણો ભાગ બુધવારે સવારે 7.30 વાગ્યાના સુમારે તૂટી પડતાં 65-વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું છે. અગ્નિશામક દળ, પોલીસ જવાનોએ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી જઈને કેટલાક લોકોને કાટમાળ નીચેથી બચાવી લીધા હતા.
નાલાસોપારાના પૂર્વ ભાગમાં અચોલે રોડ પર આવેલા સંકેશ્વર નગરમાં ચાર-માળનું સાફલ્યા મકાન મધરાત બાદ દોઢ વાગ્યાની આસપાસના સમયે આખું જમીનદોસ્ત થયું હતું. સદ્દભાગ્યે તમામ રહેવાસીઓ મકાન પડવાનો અવાજ આવતાં જોખમને પારખીને ઝડપથી બહાર નીકળી ગયા હતા. તેથી સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થઈ નથી, પરંતુ અનેક પરિવારોનો સંસાર કાટમાળ નીચે દબાઈ ગયો છે. માત્ર 10 વર્ષ જૂના મકાનમાં 20 ફ્લેટ હતા અને 10 દુકાનો હતી.
નવી દિલ્હીઃ સરહદે ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ફરી એક વાર કેન્દ્ર સરકારે કેટલીય ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર PUBG સહિત 118 ચીની મોબાઇલ એપ્સને બેન કરવામાં આવી છે. સરકાર દ્વારા આ પહેલાં પણ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સરકારે હાલમાં જ 59 એપને બેન કરી હતી, જેમાં લોકપ્રિય એપ TikTok પણ સામેલ છે. ત્યાર બાદ સરકારે 47 એપ વધુ એપને બેન કરી હતી. આજે ફરી એક વાર સરકારે PUBG સહિત 118 એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
IT મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશ અનુસાર PUBG સિવાય Baidu,APUS લોન્ચર પ્રો એપને પણ સરકારે પ્રતિબંધિત કરી છે. જૂનના અંતમાં કેન્દ્ર સરકારે TikTok સિવાય 58 ચીની એપ્સને ભારતમાં પ્રતિબંધિત કરી હતી. જેમાં ShareIt, UC Browser, Shein, Club Factory, Clash of Kings, Helo, Mi Community, CamScanner, ES File Explorer, VMate જેવી એપ્સ સામેલ હતી. ત્યાર બાદ સરકારે આ બધી એપ્સ કેટલી એ પ્રકારની કામગીરીમાં સામેલ હતી, જેમાં દેશની અખંડતા, દેશની સુરક્ષા, રાજ્યોની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા વગેરેને જોખમ ઊભું થાય એવી શક્યતા હતી.
ભારતે આજે જેની પર પ્રતિબંધ મૂક્યો છે તે 118 ચાઈનીઝ મોબાઈલ એપ્સના નામોની યાદી આ મુજબ છેઃ
મુંબઈઃ ‘સિંઘમ’ સહિતની હિન્દી ફિલ્મોમાં પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકાને કારણે દર્શકોમાં લોકપ્રિય બનેલો અભિનેતા અજય દેવગન હવે એક નવી ફિલ્મમાં સુપરવિલન બનવાનો છે.
આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવશે.
આ પ્રોડક્શન હાઉસ તેની સ્થાપનાનું આ 50મું વર્ષ ઊજવી રહ્યું છે અને આવતી 27 સપ્ટેંબરે તે એની નવી ફિલ્મોના નામોની જાહેરાત કરે એવી ધારણા છે. એમાંની એક ફિલ્મ સુપરહિરો ફિલ્મ હશે અને એમાં જ અજય સુપરવિલનનું પાત્ર ભજવવાનો છે.
અજય દેવગન આમ તો વિવિધ ભૂમિકાઓ પણ ભજવી ચૂક્યો છે, જેમ કે, ‘ખાકી’માં પણ એણે નેગેટિવ રોલ કર્યો હતો જ્યારે ‘ગોલમાલ’માં કોમેડી ભૂમિકા કરી હતી, તો ‘તાન્હાજીઃ ધ અનસંગ હિરો’માં મરાઠા યોદ્ધો બન્યો હતો.
અજયની નવી ફિલ્મ આવી રહી છેઃ ‘મૈદાન’ અને ‘ગોલમાલ 5’. આ ઉપરાંત ‘સૂર્યવંશી’ ફિલ્મમાં તે એક્શનસભર રોલમાં જોવા મળશે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને તેમનાં પત્ની જિલે અમેરિકામાં વસતા જૈનોને પર્યુષણ અને દસ લક્ષણોના ઉત્સવ માટે શુભેચ્છા પાઠવી છે. ‘જિલ બિડેન અને હું પર્યુષણ પર્વ અને દસ લક્ષણોના ઉત્સવની સમાપ્તિ પર જૈન ધર્મના તમામ સભ્યોને મારી શુભકામના આપું છું. આપણા સૌને જીવનમાં સુખ-શાંતિ અને સૌહાર્દ વધે’, એમ તેમણે ટ્વીટ કર્યું હતું.
તેમણે પોતાના ટ્વીટમાં સંસ્કૃત શબ્દો – ‘મિચ્છામિ દુક્કડમ’ અને ક્ષમાવાણીનો ઉપયોગ કર્યો છે જે જૈનો દ્વારા ક્ષમા માગવા માટે કરવામાં આવે છે.
પર્યુષણ પર્વ એ જૈનો સામે સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક તહેવાર છે, જ્યારે દસ લક્ષણા ઉત્સવ આત્મશુદ્ધિ અને પરમ સુખ માટે એટલે કે નિર્વાણ અથવા મોક્ષ માટે કરવામાં આવે છે.
ભારતીય મૂળના લોકોને આકર્ષવા માટે ભરપૂર પ્રયાસો
અમેરિકામાં રાષ્ટ્રપતિપદની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ભારતીય મૂળના લોકોને આકર્ષવા માટે ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે. ડેમોક્રેટિક અને રિપબ્લિક પાર્ટી –બંને મતદાતાઓનાં દિલ જીતવાના પ્રયત્નો કરી રહી છે. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી થવાની છે. ડેમોક્રેટ્સ અને રિપબ્લિક પાર્ટીના ઉમેદવારો મતદાતાઓને આકર્ષવાનો એક પણ તક ચૂકતા નથી.
ગાઝિયાબાદઃ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી 13મી આવૃત્તિમાં રમવાનું અચાનક પડતું મૂકીને યૂએઈથી સ્વદેશ પાછા ફરવા વિશેના તેના નિર્ણય અંગે ચાલી રહેલી અફવાઓનું ખંડન કર્યું છે. ક્રિકબઝ અને એનડીટીવીને આપેલી મુલાકાતમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના આ ડાબોડી બેટ્સમેને કહ્યું કે અમુક પારિવારિક જવાબદારીઓને કારણે પોતાને યૂએઈમાંથી તાબડતોબ સ્વદેશ પાછા ફરવાની ફરજ પડી છે.
33 વર્ષીય સુરેશ રૈના ગઈ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો છે.
એવી અફવા ઊડી છે કે રૈનાને ચેન્નાઈ ટીમના સંચાલકો સાથે કોઈક વાતે ઝઘડો થયો હતો, પરંતુ રૈનાએ એ બધી અફવાઓનું ખંડન કર્યું છે.
મુલાકાતમાં એણે કહ્યું કે ચેન્નાઈ ટીમના માલિક એન. શ્રીનિવાસન પ્રત્યે મને ખૂબ જ માન છે અને હું એમને પિતાસમાન વ્યક્તિ ગણે છે. એ પણ મને એમના નાના દીકરાની જેમ ગણે છે. કોઈ પિતા એના પુત્રને ઠપકો આપી શકે છે.
રૈનાએ કહ્યું કે પંજાબમાં એના ફુઆ તથા એમના પરિવારજનો પર કરાયેલા જીવલેણ હુમલાને પગલે એને પોતાના પરિવારના સભ્યોની ચિંતા ઊભી થઈ હતી.
રૈનાએ એવો સંકેત આપ્યો છે કે પોતે આઈપીએલ-2020ના કેમ્પમાં પાછો ફરે એવું બની શકે છે.
રૈનાએ કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તો મારા માટે એક પરિવાર જેવી છે અને માહી ભાઈ (કેપ્ટન એમ.એસ. ધોની) મારે મન ખૂબ જ મહત્ત્વના છે. સ્વદેશ ઓચિંતા પાછા ફરવાનો બહુ કપરો નિર્ણય મારે લેવો પડ્યો હતો અને એ મારો પોતાનો જ નિર્ણય હતો. મારે અને સીએસકે ટીમ સાથે કોઈ અણબનાવ નથી. કોઈ પણ ખેલાડી કોઈ નક્કર કારણ વગર રૂ. 12.5 કરોડને ઠોકર કેવી રીતે મારે. હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છું, પણ હું હજી યુવાન છું અને આઈપીએલમાં ચાર-પાંચ વર્ષ રમવા ઈચ્છું છું.
હું ભારત પાછો ફર્યો છું, પરંતુ હાલ હું ક્વોરન્ટાઈનમાં છું. હું હજી મારા પરિવારજનોને મળી શક્યો નથી. પંજાબના પઠાણકોટમાં થયેલી ઘટનાથી મારા ફઈબા તથા મારા માતા-પિતા, સૌ ખૂબ જ દુઃખી થઈ ગયા છે, એમ રૈનાએ વધુમાં કહ્યું.
અમદાવાદઃ કચ્છમાં આજે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજના આંચકાની તીવ્રતા 4.1ની નોંધાઈ છે. કચ્છ, અંજાર ભૂજ અને ભચાઉની આસપાસના વિસ્તારોમાં આ આંચકો બપોરે 2.09 કલાકે અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ દુધઈ નજીક આઠ કિલોમીટર દૂર નોંધાયું છે. આ ધરતીમાં ધ્રૂજારી થતાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. જોકે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી મળ્યા.
આ આંચકાની તીવ્રતા વધુ હોવાથી કચ્છવાસીઓને 2001 ના વર્ષના ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી. જો આંચકો થોડો વધુ સમય લાંબો ચાલ્યો હોત તો ભારે ખાનાખરાબી થઈ જાત.
ભૂકંપ પર કચ્છમાં થયેલું મહત્વનું સંશોધન
ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા આંચકા આવતા રહે છે.
કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનું જોખમ છે.
કચ્છમાં એક મોટો ભૂકંપ ગમેત્યારે આવી શકે છે તેમ સંશોધકો કહે છે.
ભૂસ્તરશાસ્ત્રીઓને મત કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર છેલ્લા એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીનની ઊર્જા વધી રહી છે. જેથી ગમે ત્યારે મોટો ભૂકંપ આવશે.
લખપતથી લઈને ભચાઉ સુધી 180 કિમી જેટલી લાંબી ફોલ્ટ લાઇન આવેલી છે.
કચ્છમાં અંજાર અને ગાંધીધામ આ ફોલ્ટ લાઇનના કિનારે હોવાથી ત્યાં નુકસાન વધુ થવાનો અંદાજ છે.
હૈદરાબાદઃ ભારતની ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ આ વર્ષની ઉબર કપ બેડમિન્ટન સ્પર્ધાઓમાંથી અંગત કારણો જણાવીને ખસી ગઈ છે.
સિંધુનાં પિતા પી.વી. રામનાએ કહ્યું છે કે સિંધુ અંગત કારણોસર આ વર્ષની ઉબર કપ સ્પર્ધાઓમાં ભાગ લેવાની નથી.
પુરુષ ખેલાડીઓ માટેની થોમસ કપ અને મહિલાઓ માટેની ઉબર કપ – આ બંને પ્રતિષ્ઠિત સ્પર્ધાઓ આ વર્ષની 3-11 ઓક્ટોબરે ડેન્માર્કના આહસમાં યોજાવાની છે.
વાસ્તવમાં, સિંધુ થોમસ અને ઉબર કપમાં ભાગ લઈને બેડમિન્ટન કોર્ટ પર પુનરાગમન કરવાની જ હતી. આ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીએ હૈદરાબાદમાં પુલ્લેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી ખાતે રાષ્ટ્રીય કેમ્પના આરંભ સાથે ગયા મહિનાથી પ્રેક્ટિસ કરવાની ફરી શરૂઆત પણ કરી દીધી હતી. ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર આઠ બેડમિન્ટન ખેલાડીઓ સાથે સિંધુએ પ્રેક્ટિસ શરૂ કરી હતી.
સિંધુ ઉપરાંત કિદામ્બી શ્રીકાંત, બી. સાઈ પ્રણીત અને એન. સિક્કી રેડ્ડીએ પણ પ્રેક્ટિસ શિબિરમાં ભાગ લીધો હતો, પરંતુ સાઈના નેહવાલ, સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી, ચિરાગ શેટ્ટી અને અશ્વિની પોનપ્પા હજી સુધી કેમ્પમાં હાજર થયાં નથી.
મુંબઈઃ દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં આજે સવારે લગભગ 7.30 વાગ્યે 8-માળવાળા એક રહેણાંક મકાનના ત્રીજાથી લઈને સાતમા માળ સુધીના ભાગો અચાનક તૂટી પડ્યા હતા. દુર્ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું છે, જેની વય 65 વર્ષ હતી.
મુંબઈ અગ્નિશામક દળને જાણ કરાયા બાદ જવાનોએ તરત એસ.ટી. બિલ્ડિંગ ચોક વિસ્તારમાં આવેલા એ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે પહોંચી જઈને 6 જણને બચાવી લીધા હતા.
અગ્નિશામક દળના જવાનો પોલીસો તથા એમ્બ્યુલન્સીસ સાથે પહોંચી ગયા હતા અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ મકાન ડોંગરી વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર આવેલું છે.
મકાન જૂનું છે અને એના ત્રીજાથી લઈને સાતમા માળ સુધીના સમગ્ર પાછળના ભાગ તૂટી પડ્યા હતા.
એક સીડી પરના કાટમાળમાં એક મહિલા ફસાઈ હતી. એને કાટમાળમાંથી બહાર કાઢીને જે.જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તપાસીને એને મૃત લાવેલી ઘોષિત કરી હતી.
ન્યૂયોર્કઃ ભારતની વિરુદ્ધમાં પ્રચાર કરવામાં આવતો હોવાની ફરિયાદો થયા બાદ જોરદાર સપાટો બોલાવીને સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકે 453 પાકિસ્તાની એકાઉન્ટ્સને પોતાના પ્લેટફોર્મ પરથી સસ્પેન્ડ કર્યા છે.
આ પાકિસ્તાની એકાઉન્ટ્સ પરથી ભારતની વિરુદ્ધમાં પ્રચાર કરાતો હતો અને ખોટા સમાચારો ફેલાવવામાં આવતા હતા.
453 ફેસબુક એકાઉન્ટ્સ ઉપરાંત 103 ફેસબુક પેજીસ, 78 ગ્રુપ્સ અને 107 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને આ જ આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બધું પાકિસ્તાનમાંથી ઓપરેટ કરવામાં આવતું હતું.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને હજી ગયા મંગળવારે જ પત્ર લખીને જણાવ્યું હતું કે ફેસબુકની સામુદાયિક માર્ગદર્શિકાઓએ ભારતીય નૈતિક મૂલ્યોનો આદર કરવો જ જોઈએ.
પ્રસાદે કહ્યું હતું કે ફેસબુકને અમારી મુખ્ય ફરિયાદ એ છે કે ફેક્ટ-ચેકિંગનું થર્ડ-પાર્ટી ફેક્ટ-ચેકરને આઉટસોર્સ કરવામાં આવી રહ્યું છે. જેની કોઈ વિશ્વસનીયતા ન હોય એવી શંકાસ્પદ સંસ્થાઓને આઉટસોર્સ કરીને ફેસબુક પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. ગેરમાહિતીના ફેલાવામાંથી યૂઝર્સને રક્ષણ આપવાની ફેસબુકની જવાબદારી બને છે.
મુંબઈઃ બીએસઈ ઓપ્શન્સ ઈન ગુડ્સ ફ્રેમવર્કમાં ગોલ્ડ મિની કોન્ટ્રેક્ટ્સમાં સતત ત્રીજા મહિને ડિલિવરી પૂરી કરનારું સૌપ્રથમ એક્સચેન્જ બન્યું છે. એક્સચેન્જના અમદાવાદ ખાતેના નિયુક્ત વોલ્ટ ખાતે સમાપ્ત થયેલા ગોલ્ડ મિનીના ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સની ત્રીજી ફુલ ડિલિવરી સાઈકલ પાર પાડવામાં આવી હતી.
આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે બુલિયન સેગમેન્ટમાં ફિઝિકલ માર્કેટના ખેલાડીઓના ટેકા અને સામેલગીરીનો અમને આનંદ છે . અમે માનીએ છીએ કે આ ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સ સ્થાનિક બજારના ફંડામેન્ટલના આધારે ગોલ્ડના ભાવશોધન (પ્રાઈસ ડિસ્કવરી)ને વેગ આપશે. બીએસઈનું અવરોધહીન ટ્રેડિંગ પ્લેટફોર્મ અને વિરાટ ડિલિવરી ફ્રેમવર્ક સાથેના ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સ ઝવેરીઓ, બુલિયન વેપારીઓ અને અન્ય સહભાગીઓ માટે અત્યંત લાભકારી બની રહ્યાં છે. આ કોન્ટ્રેક્ટ્સ દ્વારા તેઓ પ્રાઈસ રિસ્કને હેજ કરી શકે છે એટલું જ નહિ પણ કોન્ટ્રેક્ટની સમાપ્તિ સમયે ડિલિવરી પણ પ્રાપ્ત કરી શકે છે.