મુંબઈમાં બહુમાળી મકાનનો મોટો ભાગ તૂટી પડ્યો; એક મહિલાનું મૃત્યુ

મુંબઈઃ દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં આજે સવારે લગભગ 7.30 વાગ્યે 8-માળવાળા એક રહેણાંક મકાનના ત્રીજાથી લઈને સાતમા માળ સુધીના ભાગો અચાનક તૂટી પડ્યા હતા. દુર્ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું છે, જેની વય 65 વર્ષ હતી.

મુંબઈ અગ્નિશામક દળને જાણ કરાયા બાદ જવાનોએ તરત એસ.ટી. બિલ્ડિંગ ચોક વિસ્તારમાં આવેલા એ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે પહોંચી જઈને 6 જણને બચાવી લીધા હતા.

અગ્નિશામક દળના જવાનો પોલીસો તથા એમ્બ્યુલન્સીસ સાથે પહોંચી ગયા હતા અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ મકાન ડોંગરી વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર આવેલું છે.

મકાન જૂનું છે અને એના ત્રીજાથી લઈને સાતમા માળ સુધીના સમગ્ર પાછળના ભાગ તૂટી પડ્યા હતા.
એક સીડી પરના કાટમાળમાં એક મહિલા ફસાઈ હતી. એને કાટમાળમાંથી બહાર કાઢીને જે.જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તપાસીને એને મૃત લાવેલી ઘોષિત કરી હતી.