મુંબઈ, નાલાસોપારામાં રહેણાંક મકાન હોનારત…

મુંબઈ શહેર અને નજીકના પાલઘર જિલ્લાના નાલાસોપારામાં 2 સપ્ટેંબર, બુધવારે રહેણાંક મકાન હોનારત થઈ હતી. મુંબઈના દક્ષિણ ભાગમાં આવેલા ડોંગરી વિસ્તારમાં રઝાક ચેંબર્સ નામના ચાર-માળના મકાનનો ઘણો ભાગ બુધવારે સવારે 7.30 વાગ્યાના સુમારે તૂટી પડતાં 65-વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું છે. અગ્નિશામક દળ, પોલીસ જવાનોએ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી જઈને કેટલાક લોકોને કાટમાળ નીચેથી બચાવી લીધા હતા.


નાલાસોપારાના પૂર્વ ભાગમાં અચોલે રોડ પર આવેલા સંકેશ્વર નગરમાં ચાર-માળનું સાફલ્યા મકાન મધરાત બાદ દોઢ વાગ્યાની આસપાસના સમયે આખું જમીનદોસ્ત થયું હતું. સદ્દભાગ્યે તમામ રહેવાસીઓ મકાન પડવાનો અવાજ આવતાં જોખમને પારખીને ઝડપથી બહાર નીકળી ગયા હતા. તેથી સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા થઈ નથી, પરંતુ અનેક પરિવારોનો સંસાર કાટમાળ નીચે દબાઈ ગયો છે. માત્ર 10 વર્ષ જૂના મકાનમાં 20 ફ્લેટ હતા અને 10 દુકાનો હતી.