Home Blog Page 464

બિહારમાં 67.14 ટકા મતદાનઃ રાજ્યમાં કોની બનશે સરકાર?

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થયું છે. બીજા તબક્કામાં 20 જિલ્લાની 122 વિધાનસભા સીટ માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં ડઝન જેટલા વર્તમાન મંત્રીઓ સહિત કુલ 1302 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં કુલ 3.7 કરોડ મતદાતાઓ પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે, જેમાં 1.74 કરોડ મહિલા મતદાતાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કા માટે કુલ 45,399 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સાંજે પાંચ વાગ્યા સુધી 67.14 ટકા મતદાન થયું હતું. પટનામાં ઉપમુખ્‍યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે બિહારની જનતા NDAને પૂર્ણ બહુમતી અપાવવા માટે કામ કરી રહી છે.

તેજસ્વીના નેતૃત્વમાં સરકાર બનશે — શકીલ અહમદ ખાન

કોંગ્રેસ વિધાનસભા દળના નેતા અને કડવા વિધાનસભા વિસ્તારમાંથી ઉમેદવાર શકીલ અહમદ ખાને કહ્યું હતું કે વર્તમાન સરકાર જશે અને તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનશે તેવી નવી સરકાર બનશે. મહાગઠબંધન બેઠકમાં વધારો કરશે અને સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યાથી વધુ મેળવશે. ભાજપ આગળ વધી શકશે નહીં, કારણ કે બિહારની પ્રજા છેલ્લાં 20 વર્ષથી બેરોજગારી, સ્થળાંતર અને આર્થિક મંદીથી ઝઝૂમી રહી છે.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં CM નીતીશકુમારની આગેવાનીવાળી સરકારના અડધા ડઝનથી વધુ મંત્રીઓ પણ સામેલ છે. બીજા તબક્કામાં 45,399 મતદાન કેન્દ્રો પર મતદાન થશે, જેમાંથી 40,073 મતદાન કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારોમાં છે. કુલ મતદાતાઓમાં 1.75 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. હિસુઆ બેઠક (નવાડા)માં સૌથી વધુ 3.67 લાખ મતદાતાઓ છે, જ્યારે લૌરિયા, ચનપટિયા, રક્સૌલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બનમંખીમાં પ્રતિસ્પર્ધીઓની સંખ્યા સૌથી વધુ (22-22) છે. પ્રથમ તબક્કામાં 121 સીટો પર મતદાન થયું હતું, જેમાં 65 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.

છત્તીસગઢને અમદાવાદ ઇન્વેસ્ટર કનેક્ટમાં મળ્યા મોટા મૂડીરોકાણના પ્રસ્તાવો

અમદાવાદઃ CM વિષ્ણુ દેવ સાયએ અમદાવાદમાં યોજાયેલી ઇન્વેસ્ટર કનેક્ટ બેઠક દરમિયાન દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સ સાથે છત્તીસગઢમાં રોકાણની સંભાવનાઓ પર વિચારવિમર્શ કર્યો હતો.  શહેરમાં ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમમાં છત્તીસગઢને અંદાજે રૂ. 33,000 કરોડના મૂડીરોકાણના પ્રસ્તાવો મળ્યા છે. CM વિષ્ણુ દેવ સાયએ થર્મલ પાવર પ્લાન્ટ, ગ્રીન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, સોલર સેલ, ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ફૂડ સપ્લિમેન્ટ્સ જેવાં ક્ષેત્રોની અગ્રણી કંપનીઓને ઇન્વેસ્ટમેન્ટ લેટર્સ આપ્યા હતા. આ મૂડીરોકાણોથી રાજ્યમાં 10,532થી વધુ રોજગાર તકો સર્જાશે.

ઉદ્યોગપતિઓને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ઉદ્યોગ, સાહસ અને નવીનતાની ધરતી ગુજરાતમાં આવીને આનંદ અનુભવે છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના કણ-કણમાં ઉદ્યોગની ચેતના વસેલી છે અને દુનિયામાં કોઈ એવો ખૂણો નથી જ્યાં મહેનતી ગુજરાતી ભાઈઓની હાજરી ના હોય. તેમણે કહ્યું હતું કે ગુજરાત અને છત્તીસગઢ મળીને વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેમ ગુજરાત દેશ અને વિશ્વના અર્થતંત્રને આગળ ધપાવી રહ્યું છે, તેમ જ છત્તીસગઢ પણ ઝડપથી એ જ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાત પાસે ઉદ્યોગ છે, તો છત્તીસગઢ પાસે ઊર્જા, ખનિજ, કુશળ માનવબળ અને રોકાણકાર માટે અનુકૂળ ઔદ્યોગિક નીતિ છે—જે રોકાણકારો માટે એક આશીર્વાદ સમાન છે,” એમ તેમણે ઉમેર્યું હતું.


તેમણે જણાવ્યું હતું કે છત્તીસગઢ સરકારે છેલ્લા 22 મહિનામાં 350થી વધુ સુધારાઓ કર્યા છે, જેને કારણે રાજ્યમાં ઉદ્યોગ સ્થાપિત કરવાનું વધુ સરળ બન્યું છે. સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ એનઓસી હવે ઝડપી આપવામાં આવી રહી છે. નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ઉદ્યોગોને વિશેષ સહાય અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનમાં હાઈકોર્ટ પાસે વિસ્ફોટમાં 12 લોકોનાં મોત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના G-11 સેક્ટરમાં આવેલી ન્યાયિક પરિસરમાં મંગળવારે એક શક્તિશાળી સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ શહેરની ઇમર્જન્સી સેવાઓને તરત જ સક્રિય કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અનુસાર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે કોર્ટમાં ભારે ટ્રાફિક અને મોટી ભીડ હતી.આ વિસ્ફોટમાં ઘણા વકીલ અને નાગરિકો ઘાયલ થયા છે.

પોલીસ અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ વિસ્તારમાં કડક ઘેરાવબંધી કરી દેવામાં આવી છે. આ વિસ્ફોટ બાદ ભભૂકી ઊઠેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓ તૈનાત કરવામાં આવી હતી.

કારમાંથી થયો વિસ્ફોટ

પ્રારંભિક તપાસથી જાણવા મળે છે કે વિસ્ફોટ કોર્ટના પાર્કિંગ જગ્યામાં ઊભી કારની અંદર થયો હતો. સિલિન્ડર વિસ્ફોટ બાદ વાહનમાં આગ લાગી હતી, જેને કારણે ગાઢ ધુમાડો ફેલાયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા કર્મચારીઓએ ઘટનાસ્થળે ખાલી કરાવવા દોડધામ કરતાં હાહાકાર મચી ગયો હતો.

ખૈબર પખ્તુનખ્વામાં સૈન્ય કાફલા પર હુમલો

બીજી તરફ, પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવી IED વિસ્ફોટ કરવામાં આવ્યો. આ ઘટનામાં ઓછામાં ઓછા 16 જવાન ઘાયલ થયા. પાકિસ્તાની આર્મી અને ફ્રન્ટિયર કોરના જવાનોનું કાફલું ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના લોની ચોકીથી પાછું ફરી રહ્યું હતું, ત્યારે મોડી રાતે લોની ગામમાં IED વિસ્ફોટ થયો હતો. આ વચ્ચે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલા દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના કેડેટ કોલેજના મુખ્ય દરવાજા પર એક આત્મઘાતી હુમલા બાદ થયેલા વિસ્ફોટમાં છ લોકો ઘાયલ થયા હતા.

અમેરિકામાં ગુંજશે મહા કુંભના સૂર, સાઉન્ડ્સ ઓફ કુંભ આલ્બમ ગ્રેમી એવોર્ડ્સ માટે નામાંકિત

ગ્રેમી અવોર્ડ્સમાં બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં મહાકુંભ ગીત આલ્બમના નોમિનેશન અંગે સિદ્ધાંત ભાટિયાએ કહ્યું કે ગ્રેમી નોમિનેશન એ મહાકુંભના શાંતિ અને એકતાના સંદેશની માન્યતા છે.

“સાઉન્ડ્સ ઓફ કુંભ” આલ્બમને 68મા ગ્રેમી એવોર્ડ્સ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યું છે. આ આલ્બમ મહા કુંભ ઉત્સવથી પ્રેરિત છે. ગાયક-સંગીતકાર સિદ્ધાંત ભાટિયા આ આલ્બમ રજુ કર્યુ છે. આ ભારતીય સંગીત માટે એક મોટી સફળતા છે.

50 કલાકારોએ સહયોગ આપ્યો

આ આલ્બમમાં 12 ગીતો છે. ભારત અને વિદેશના આશરે 50 કલાકારોએ આ આલ્બમમાં યોગદાન આપ્યું છે. આ આલ્બમ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાની ભાવનાને વ્યક્ત કરે છે. આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 45 દિવસ સુધી મહા કુંભ મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા.

આલ્બમમાં અસંખ્ય યોગદાન દર્શાવવામાં આવ્યા હતા

આલ્બમ “સાઉન્ડ્સ ઓફ કુંભ”માં પ્રયાગરાજના લાઇવ ફીલ્ડ રેકોર્ડિંગ છે. તેમાં પ્રાચીન મંત્રો અને બાઈનોરલ બીટ્સ સામેલ છે. સિદ્ધાંત ભાટિયા ઉપરાંત જીમ કીમો વેસ્ટ, રાઘવ મહેતા, માડી દાસ, રોન કોર્બ, ચારુ સુરી અને દેવરાજ સાન્યાલે આલ્બમમાં યોગદાન આપ્યું હતું. આલ્બમમાં વી. સેલ્વગણેશ, રાજા કુમારી, આદિત્ય ગઢવી, કનિકા કપૂર, કાલા રામનાથ, ભાનુમતિ નરસિમ્હન, પ્રવીણ ગોડખિંડી, અજય પ્રસન્ના અને કલ્યાણી નાયરના યોગદાનને દર્શાવવામાં આવ્યું છે.

સિદ્ધાંત ભાટિયાની પ્રતિક્રિયા

આલ્બમના ગ્રેમી એવોર્ડ નોમિનેશન પર સિદ્ધાંત ભાટિયાએ કહ્યું કે ગ્રેમી નોમિનેશન એ મહાકુંભના શાંતિ અને એકતાના સંદેશની માન્યતા છે. ગ્રેમી એવોર્ડ્સમાં રેકોર્ડિંગ એકેડેમી દ્વારા તેની માન્યતા ભારતીય સંગીત માટે એક સીમાચિહ્નરૂપ છે.

આવતા વર્ષે ગ્રેમી એવોર્ડ્સ યોજાશે

68મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ લોસ એન્જલસના ક્રિપ્ટ. કૉમ એરેના ખાતે યોજાશે.

દિલ્હી–NCRમાં AQI 400 પાર, GRAP-3 લાગુ

નવી દિલ્હીઃ દિલ્હીમાં હવામાં પ્રદૂષણનું સ્તર છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે વાયુ ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચતાં મંગળવારે દિલ્હી-NCRમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP-3)ના ત્રીજા તબક્કા હેઠળ કડક પ્રતિબંધો લાગુ કર્યા છે. કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ જણાવ્યું હતું કે આ નિર્ણય દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સોમવારના 362માંથી મંગળવાર સવારે 425 થઈ જવાથી લેવામાં આવ્યો હતો.

દિલ્હીની વાયુ ગુણવત્તા ધીમી પવન, સ્થિર વાતાવરણ અને પ્રતિકૂળ હવામાન સ્થિતિને કારણે ખરાબ થઈ છે. ત્રીજા તબક્કાના પ્રતિબંધોમાં બિનઆવશ્યક બાંધકામ કાર્યો પર પ્રતિબંધ તથા પથ્થર તોડતી મશીનો અને ખનન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ સામેલ છે. આ પ્રતિબંધો GRAPના પહેલા અને બીજા તબક્કા હેઠળ લાગુ કરાયેલા ઉપાયો ઉપરાંત છે.ત્રીજા તબક્કા હેઠળ ધોરણ પાંચ સુધીની શાળાઓને હાઇબ્રિડ મોડમાં ચલાવવામાં આવશે. જ્યાં શક્ય હોય ત્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ પસંદ કરવાની છૂટ છે. આ તબક્કા હેઠળ દિલ્હી અને આસપાસના NCR જિલ્લાના વિસ્તારોમાં BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ કારો (ચાર-ચક્રી વાહનો)ના ઉપયોગ પર પ્રતિબંધ છે. દિવ્યાંગ વ્યક્તિઓને આમાંથી છૂટ આપવામાં આવી છે.

શિયાળાની ઋતુમાં દિલ્હી-NCRમાં GRAP હેઠળ પ્રતિબંધો લાગુ થાય છે, જે વાયુ ગુણવત્તાને ચાર તબક્કામાં વહેંચે છે:

 તબક્કો-1 (ખરાબ, AQI 201-300)

 તબક્કો-2 (ખૂબ જ ખરાબ, AQI 301-400)

 તબક્કો-3 (ગંભીર, AQI 401-450)

 તબક્કો-4 (અતિ ગંભીર, AQI 450થી ઉપર)

 

પ્રતિકૂળ હવામાન, વાહનોથી થતા ઉત્સર્જન, ધાનની પરાળી સળગાવવી, પટાકડા તથા અન્ય સ્થાનિક પ્રદૂષણ સ્ત્રોતોને કારણે શિયાળામાં દિલ્હી-NCRની વાયુ ગુણવત્તા ખતરનાક સ્થિતિએ પહોંચી જાય છે.

CPCBના આંકડા મુજબ આનંદ વિહારનો AQI 412, અલિપુરનો 442 અને બવાના ખાતે 462નો સર્વોચ્ચ સ્તર નોંધાયો. ચાંદની ચોકમાં AQI 416 નોંધાયો. જ્યારે આર.કે.પુરમ અને પતપડગંજમાં ક્રમશઃ 446 અને 438 નોંધાયા. સોનિયા વિહારમાં પણ 433નો ‘ગંભીર’ AQI નોંધાયો, જે સમગ્ર શહેરમાં પ્રાણઘાતક વાયુ ગુણવત્તાનું સંકેત આપે છે.

દીકરીના લગ્ન પૂર્વે અનોખું કવિ સંમેલન

સુરત: જાણીતા કવિ સુરેશ વિરાણીની દીકરી હેમાક્ષી વિરાણીના લગ્ન 11 નવેમ્બર 2025ના દિવસે યોજાયા. આ આનંદપ્રસંગને અનોખી રીતે ઉજવવાનો વિચાર આવ્યો અને એ વિચારમાંથી શબ્દો ફૂટી નીકળ્યા, “કવિતાની સાંજી, સાંજીની કવિતા” સાત દિવસ, સાત સાંજ અને સાડત્રીસ કવિઓની દીકરીને શબ્દ સૌગાત…

2 નવેમ્બરથી 8 નવેમ્બર સુધીના શુભ વાનાના દિવસોમાં દરરોજ સાંજે એક નવી થીમ, નવી ભાવના અને નવી કવિતાનો રંગ છલકાયો. દરેક સાંજે પાંચથી છ કવિઓ જોડાયા અને દીકરીના રૂપમાં વસેલા પ્રેમ, વિદાય, આશીર્વાદ, સંસ્કાર અને સંવેદનાના અનેક છાંટા શબ્દોમાં ગુંથાયા. ગુજરાતી ભાષાના ૩૭ કવિઓએ હેમાક્ષી વિષે પોતાની લાગણીના રંગ ભરીને રચનાઓ રજૂ કરી. આ કાવ્યમેળાનો સંચાલનનો દોર વારાફરતી કવિ મનસુખ નારિયા, મયુર કોલડિયા અને પ્રશાંત સોમાણીએ સંભાળ્યો. તેમની સંચાલન શૈલીમાં હાસ્ય, ભાવના અને ગતિશીલતા ત્રણેયના સુંદર મિશ્રણથી કાર્યક્રમ જીવંત બની રહ્યો.

આ અનોખા કવિ સંમેલનમાં રજૂ થયેલી કવિતાઓમાં પ્રેમ, વિદાય, સંસ્કાર અને આશીર્વાદની સુગંધ વ્યાપી ગઈ હતી. કોઈ કવિએ દીકરીને ઘરની લક્ષ્મી કહી સંબોધી, તો કોઈએ પિતાના વહાલપની નદી કહી. વળી કોઈએ એને ઉરનો ઉત્સવ ગણીને પોંખી. કોઈએ વિદાયની વેળા કવિતાથી આંખ ભીની કરી, તો કોઈએ હાસ્યની છાંટાથી માહોલ હળવો કર્યો.

ચાલો થોડીક કાવ્ય પંક્તિઓ માણીએ..

માન્યતાઓ બાળવા દીકરી માંગી જુઓ
નામ કુળનું તારવા દીકરી માંગી જુઓ
– ભાવેશ શહેરી દીકરી

દીકરીનું અવતરણ થતાં એ લાગણી થઈ
વહાલપની વહેતી એક નદી ઘર ભણી થઈ
– ગૌરાંગ ઠાકર

પારણું થાકી જશે તો દીકરી જાગી જશે
સ્તબ્ધતા પામી જશે તો દીકરી જાગી જશે
-ભાવિન ગોપાણી …

નદીયુ માંથી ખળખળ લીધી, ઝાકળ માંથી ઝરમર, સાગરનો ઘુઘવાટ લીધો ને વેણુ માંથી સરગમ
ઈશ્વરના હાથોનું છે આ દીકરી નામે સર્જન
– વિપુલ માંગરોલિયા

પાંખડીઓ પર બેસાડીને ઝાકળ જેમ ઝૂલાવું
સ્હેજ નમેલી પાંપણ ઉપર તોરણીયા બંધાવું
ઘૂઘરીયુની રણઝણ ઘરના ખાલીપાને ભરતી
જુઈ સરીખું હસતી
– જયંત ડાંગોદરા

ખાલીપો ગુડબાય કહીને ભાગ્યો ઘરની બહાર
પિતા નામની પદવી આપી, તારો ખૂબ આભાર
ગરદન ઊંચી કરી હવે ફરશું નગરમાં
અમે જાણે સચરાચરમાં
– દિલીપ રાવલ

સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી
છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી
– અશોક ચાવડા

જાણે રોજે રોજ નવા તહેવારો છે
દીકરી જાણે ઉરનો ઉત્સવ ન્યારો છે
– મનસુખ નારિયા

કંકુ છાંટયા કાગળ ઉપર વાયક વહેતા થાય કે ઉત્સવ અલબેલો
લાભ શુભના ચોઘડિયા ખુદ મંગળ ગીતો ગાય કે ઉત્સવ અલબેલો
– કિશોર બારોટ …..

પાંચીકા રમતી’તી,દોરડાઓ કુદતી’તી
ઝુલતી’તી આંબાની ડાળે
ગામને પાદર જાન એક આવીને મારું બચપણ ખોવાયુ એ જ દા ‘ડે
– મુકેશ જોશી

સૌને સમજાય એવું બોલજે દીકરી
આ હ્રદય ભીંજાય એવું બોલજે દીકરી
– દિનેશ કાનાણી

વહાલી દીકરી સાસરિયું તું ખુશહાલીથી ભરજે
અમે સિંચેલા સંસ્કારોનું અજવાળું પાથરજે
– કિરણસિંહ ચૌહાણ

એક, બે, ત્રણ શિખવાડવું ત્યાં પ્રશાંત
સાસરિએ ચાલી વહાલી દીકરી
– પ્રશાંત સોમાણી

ધ્રિબાંગ ધ્રિબાંગ ઢોલ, ધ્રિબાંગ ધ્રિબાંગ દસે દિશે પડઘાય કે તમે ગીત ગાવા આવો
પોરસાતી પાનીએ ને ઉતાવળે પગલે ઓલ્યાં ઝાંઝર કહી જાય કે તમે ગીત ગાવા આવો
– સુરેશ વિરાણી

કૂંડાની વેલ હવે મોટેરી થઈ તો એને કેમ કરી કૂંડામાં રાખું
દીકરી પરણાવવાના નિર્ણાયથી આંખોનાં ફળિયામાં બેઠું ચોમાસું
-ભરત ભટ્ટ પવન

દીકરી મારી આજ ફરીથી પિયરનું આંગણ વાળે છે
પગલી વાવે,સ્મરણ ઊગે, ખાલીપાનું રણ વાળે છે
– મયુર કોલડિયા

હજી શરણાઈ સૂર ક્યાં વિલાયા
ભીંતે કંકુ થાપાય ક્યાં સુકાયા
કે વેલ મારી ઉંબરો છોડીને ક્યાં હાલી?
– પ્રજ્ઞા વશી

સાફો પહેરી જાન લઈને આવ્યો એ તો લૂંટી ગયો
માંડ સાચવેલ ઝળઝળિયાંનો કળશ
આખો લૂંટી ગયો
-યામિની વ્યાસ

ધર્મેન્દ્રની તબિયતમાં સુધાર, સની દેઓલની ટીમે આપી જાણકારી

પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયતમાં હવે સુધાર આવી રહ્યો છે. સની દેઓલની ટીમે નવીનતમ અપડેટ આપી છે. મંગળવારે સવારેથી ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કહી દીધું છે એવી અફવાઓ વહેતી થઈ હતી. ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે પોસ્ટ કરી હતી કે ધર્મેન્દ્રની તબિયત હાલમાં સ્થિર છે, જ્યારે તેમની પત્ની, હેમા માલિનીએ પણ ખોટા સમાચાર ફેલાવનારાઓને ઠપકો આપ્યો છે.

આ દરમિયાન સની દેઓલની ટીમે ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે નવીનતમ અપડેટ આપી છે. સની દેઓલની ટીમના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. સનીની ટીમે અભિનેતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. સનીની ટીમના આ નિવેદન બાદ ધર્મેન્દ્રના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.

શત્રુઘ્ન સિંહાએ નારાજગી વ્યક્ત કરી

ધર્મેન્દ્રના મિત્ર અને પીઢ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ તેમના મૃત્યુના ખોટા સમાચાર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. બોલિવૂડ હંગામા સાથે વાત કરતા અભિનેતાએ કહ્યું, “ધરમજી પાસે પોતાની કોઈ ટીમ નથી, તો તેમના મૃત્યુના સમાચાર કેવી રીતે અને કોણે પુષ્ટિ આપી?”

તેમણે વધુમાં કહ્યું કે, “હું આજે સવારે ઉઠ્યો અને માની લીધું કે આ અહેવાલો સાચા છે કારણ કે તે વિશ્વસનીય પોર્ટલ અને પ્રકાશનોમાંથી આવ્યા હતા. મને આશ્ચર્ય અને રાહત થઈ કે આ અહેવાલો ખોટા હતા. બધાના પ્રિય ધરમજી સ્વસ્થ છે અને ટૂંક સમયમાં ઘરે પાછા ફરશે. તેમના દુશ્મનો મૃત્યુ પામે.”

ધર્મેન્દ્રની તબિયત ખરાબ હોવાની જાણ થતાં જ બોબી દેઓલના નજીકના મિત્ર અને અભિનેતા નિખિલ દ્વિવેદી તેમના ઘરે પહોંચ્યા હતા. થોડા સમય પહેલા નિખિલને મુંબઈમાં ધર્મેન્દ્રના ઘરની બહાર જોવામાં આવ્યો હતો.

ભારત સાથે ટ્રેડ ડીલ ટૂંક સમયમાં થવાની શક્યતાઃ  ટ્રમ્પ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારત સાથે ટ્રેડ ડીલ ટૂંક સમયમાં થવાના સંકેત આપ્યા હતા. તેમણે એ પણ કહ્યું કે કોઈ સમય પર અમેરિકા ભારત પર લાગતા ટેરિફ ઓછા કરશે. ટ્રમ્પે આ ટિપ્પણી સર્જિયો ગોરના ભારત માટે રાજદૂત તરીકે થયેલા શપથવિધિ દરમ્યાન કરી હતી. આ પ્રસંગે તેમણે ટ્રેડ ડીલ ખાસ હોવાનું જણાવતાં કહ્યું હતું કે હાલ તેઓ મને પસંદ કરતા નથી, પણ ફરીથી અમને પસંદ કરશે.

ભારત સાથે થશે ટ્રેડ ડીલ

ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે ભારત સાથેનો વેપાર કરાર કેટલો નજીક છે અને શું તેઓ નવી દિલ્હીની સામે ટેરિફ ઘટાડવા પર વિચાર કરશે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમે ભારત સાથે એક ડીલ કરી રહ્યા છીએ. આ ડીલ પહેલાં કરતાં ઘણી અલગ છે.. તેઓ ખૂબ જ સારા વાટાઘાટકાર છે, તેથી સર્જિયો, તમારે એના પર ધ્યાન આપવું પડશે. મને લાગે છે કે અમે એક એવા કરારની નજીક છીએ જે બધાને લાભ કરાવશે, એમ તેમણે કહ્યું હતું.

રશિયન તેલને કારણે ટેરિફ વધારે

ટ્રમ્પે કહ્યું હતું કે હાલ રશિયન તેલને કારણે ભારત પર ટેરિફ ખૂબ વધારે છે, અને તેમણે રશિયન તેલનું વેપાર બંધ કરી દીધો છે. તેમાં ઘણો ઘટાડો થયો છે. હા, અમે ટેરિફ ઓછી કરવા જઈ રહ્યા છીએ. કોઈ સમય અમે તેને ઘટાડીશું. તેમણે આગળ જણાવ્યું હતું કે હું સર્જિયો પર વિશ્વાસ કરું છું કે તેઓ આપણા દેશના સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંબંધોમાંના એક — ભારત ગણરાજ્ય — સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવામાં મદદ કરશે. આ એક મોટી બાબત છે. ભારત દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક છે, વિશ્વનો સૌથી મોટો દેશ છે અને તેની વસ્તી 1.5 અબજથી વધુ છે.

દિલ્હી બ્લાસ્ટ: ફરીદાબાદના શંકાસ્પદ વિસ્તારોમાં 1000 જવાનનું મેગા સર્ચ

દિલ્હી: બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 9 થઈ ગયો છે. બીજી તરફ, ફરીદાબાદ પોલીસે નજીકના ગામોમાં મોટાપાયે કાર્યવાહી શરૂ કરી છે. ફરીદાબાદ પોલીસ ધૌજ અને ફતેહપુર ટાગા ગામોમાં શોધખોળ કરી રહી છે. અલ ​​ફલાહ મેડિકલ કોલેજમાં પણ શોધખોળ ચાલી રહી છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચ અને રિઝર્વ પોલીસ સહિત 1,000થી વધુ પોલીસ કર્મચારીઓ સામેલ છે. દિલ્હી વિસ્ફોટોની કડીઓ ફરીદાબાદમાં મળેલા એમોનિયમ નાઈટ્રેટ સાથે જોડાયેલી છે.

પોલીસ ટીમો ઘરે-ઘરે જઈને તપાસ કરી રહી છે અને રહેવાસીઓની પૂછપરછ કરી રહી છે. પોલીસ અનેક વિસ્તારમાં કાર પણ શોધી રહી છે. અહેવાલો અનુસાર, પોલીસ અલ ફલાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પૃષ્ઠભૂમિ અને પ્રવૃત્તિઓ વિશે માહિતી એકત્રિત કરી રહી છે.

ફરીદાબાદમાંથી જ 2,900 કિલો વિસ્ફોટકો જપ્ત

ફરીદાબાદ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ત્યાં કેમ્પિંગ કરી રહ્યા છે. પોલીસ કાર ખોલીને CNG સિલિન્ડરોની તપાસ કરી રહી છે. ફરીદાબાદના SHO એ જણાવ્યું કે સોમવારની ઘટના બાદ સમગ્ર ગામમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીઓએ નક્કી કર્યું છે કે દિલ્હી વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટ, બળતણ તેલ અને ડેટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમોનિયમ નાઈટ્રેટમાં બળતણ તેલ ઉમેરવાથી તે ઘાતક વિસ્ફોટક બન્યો. તપાસ એજન્સીઓ હવે ડેટોનેટરના સ્વરૂપમાં તપાસ કરી રહી છે: શું તે ઘડિયાળના રૂપમાં હતું, રિમોટના રૂપમાં હતું કે નાના બટનના રૂપમાં હતું, કે પછી અન્ય કયા સ્વરૂપમાં હતું. ઘટનાસ્થળે પુરાવાના ટુકડા કરવામાં આવ્યા છે. મર્યાદિત જગ્યામાં ઉપયોગ કરવામાં આવે તો એમોનિયમ નાઈટ્રેટ અત્યંત ઘાતક છે. વપરાયેલા બળતણ અને ડિટોનેટર અંગેના અંતિમ અહેવાલમાં બિંદુઓને જોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

દરમિયાન, આ હુમલાના આરોપી આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદનો નવો ફોટો સામે આવ્યો છે. હાલની માહિતી અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક વિસ્ફોટ થયો ત્યારે ડૉ. ઉમર મોહમ્મદ કારમાં હાજર હતા. ડૉ. ઉમર મોહમ્મદે કાળો માસ્ક પહેર્યો હતો. પોલીસે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન અને લાલ કિલ્લાને બંધ કરી દીધા છે. લાલ કિલ્લો 13 નવેમ્બર સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. ડૉ. ઉમર મોહમ્મદ અલ્ફાલાહ મેડિકલ કોલેજમાં ડૉક્ટર તરીકે કામ કરે છે. તે જમ્મુ અને કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે. તપાસ એજન્સીઓએ ડૉ. ઉમરના બે ભાઈઓ, આશિક અહેમદ અને ઝરૂર અહેમદની અટકાયત કરી છે. ડૉ. ઉમરની માતાની પણ અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસે જપ્ત કરાયેલા વિસ્ફોટકો અંગે માહિતી માંગી
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ફરીદાબાદ ક્રાઈમ બ્રાન્ચ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ પાસેથી ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકો અંગે માહિતી માંગી છે. પ્રારંભિક તપાસમાં સૂચવવામાં આવ્યું છે કે દિલ્હી વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટના નિશાન મળી આવ્યા હોઈ શકે છે, પરંતુ FSL રિપોર્ટ ચોક્કસ વિસ્ફોટક વિશે સ્પષ્ટતા કરશે. FSL રિપોર્ટ આજે અપેક્ષિત છે.

દિલ્હી પોલીસના દરોડા ચાલુ
દિલ્હી પોલીસ અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે, અને રાષ્ટ્રીય રાજધાનીને હાઇ એલર્ટ પર મૂકવામાં આવી છે, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને બસ ટર્મિનલ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર, પુલવામાના રહેવાસી અને ડૉક્ટર ઉમર મોહમ્મદ કથિત રીતે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાર્કિંગ વિસ્તાર નજીક વિસ્ફોટમાં વપરાયેલી હ્યુન્ડાઇ I-20 કાર ચલાવી રહ્યા હતા.

કારની સંપૂર્ણ ગતિવિધિ
તપાસમાં જાણવા મળ્યું કે આ I-20 કાર 10 નવેમ્બરના રોજ સવારે 8:04 વાગ્યે બદરપુરથી દિલ્હીમાં પ્રવેશી હતી. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં પરિક્રમા કર્યા પછી, તે લાલ કિલ્લા પર પહોંચી. સવારે 8:20 વાગ્યે, કાર ઓખલામાં પેટ્રોલ પંપ પાસે જોવા મળી. બપોરે 15:19 વાગ્યે, કાર લાલ કિલ્લા પાસે પાર્કિંગમાં પ્રવેશી અને સાંજે 6:22 વાગ્યે બહાર નીકળી. કાર દરિયાગંજ, કાશ્મીરી ગેટ અને ગોલ્ડન મસ્જિદમાં પણ જોવા મળી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કરનારી કાર ચલાવનાર વ્યક્તિની પહેલી તસવીર વિસ્તારના CCTV ફૂટેજમાંથી બહાર આવી છે. પોલીસે જણાવ્યું હતું કે તેનો ફરીદાબાદના આતંકવાદી મોડ્યુલ સાથે સંબંધ હતો જ્યાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ સૂચવે છે કે લાલ કિલ્લા નજીક વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટ, બળતણ તેલ અને ડેટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસના એક સૂત્રએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં દિલ્હી વિસ્ફોટ અને ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ વચ્ચે સંભવિત જોડાણ હોવાનું જણાય છે, જ્યાંથી એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે અહેવાલ આપ્યો છે કે જે કારમાં વિસ્ફોટ થયો હતો તેના સીસીટીવી ફૂટેજમાં એક “નકાબ પહેરેલો માણસ” કાર ચલાવતો દેખાય છે. તેમણે જણાવ્યું હતું કે લાલ કિલ્લા અને આસપાસના રસ્તાઓ પરથી સીસીટીવી ફૂટેજ સ્કેન કરવા માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે.

ફરીદાબાદમાં 2,900 કિલો વિસ્ફોટકો જપ્ત

લાલ કિલ્લા વિસ્ફોટ પહેલા, દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓએ એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ત્રણ ડોક્ટરો સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 2,900 કિલો વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. ફરીદાબાદમાં જપ્ત કરાયેલ 2,900 કિલો વિસ્ફોટકોમાં એમોનિયમ નાઈટ્રેટ, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફરનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, 360 કિલોગ્રામ જ્વલનશીલ પદાર્થ, જે એમોનિયમ નાઈટ્રેટ હોવાની શંકા છે, કેટલાક શસ્ત્રો અને દારૂગોળો સાથે જપ્ત કરવામાં આવ્યો હતો.

દિલ્હી બ્લાસ્ટના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવેઃ PM મોદી

નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ પર ભૂટાનમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે  આ ઘટનાની પાછળ રહેલા કાવતરાખોરોને બિલકુલ છોડવામાં નહીં આવે. બધા જવાબદાર લોકોને ન્યાયના દાયરામાં લાવવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે આજે હું અહીં ખૂબ જ ભારે દિલથી આવ્યો છું. ગઈ કાલે સાંજે દિલ્હીમાં થયેલી ભયાનક ઘટનાએ દરેકના મનને ગ્લાનિથી ભરી દીધા છે. હું પીડિત પરિવારજનોની પીડા સમજું છું. દેશ આજે તેમની સાથે છે. ગઈ કાલે રાત્રે હું તમામ તપાસ એજન્સીઓ અને મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં હતો. વિચારોનું મંથન ચાલી રહ્યું હતું, માહિતીઓના તાર જોડવામાં આવી રહ્યા હતા. એજન્સીઓ આ ષડયંત્રના મૂળ સુધી જશે. અને જેના પણ પાછળ હાથ હશે, તેમને છોડવામાં નહીં આવે.તેમણે વધુમાં કહ્યું હતું કે ગઈ કાલે રાતઆખી હું તપાસમાં સંલગ્ન તમામ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં હતો. સતત ચર્ચા-વિચારણા થઈ રહી હતી, માહિતીઓ એકઠી અને જોડવામાં આવી રહી હતી. અમારી એજન્સીઓ આ ષડયંત્રની ગંભીરતા સુધી જઈને સત્ય બહાર લાવશે.

તેમણે કહ્યું હતું કે આજનો દિવસ ભૂટાન માટે, ભૂટાનના રાજ પરિવારમાં માટે અને વિશ્વ શાંતિમાં વિશ્વાસ રાખનારા દરેક માટે ખૂબ જ મહત્વનો છે. સદીઓથી ભારત અને ભૂટાન વચ્ચે અત્યંત ગાઢ, આત્મીય અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. તેથી આ મહત્વપૂર્ણ પ્રસંગમાં હાજર રહેવું, ભારત અને મારા માટે પ્રતિબદ્ધતા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે તમારામાંથી ઘણા લોકોને ખબર નહીં હોય કે મારું જન્મસ્થાન વડનગર બુદ્ધ પરંપરાથી જોડાયેલું છે. મારી કર્મભૂમિ વારાણસી, પણ બુદ્ધ ભક્તિનું સ્થાન છે. તેથી આ સમારોહમાં આવવું મારા માટે ખાસ છે. શાંતિ માટે મારી પ્રાર્થના અને આ દીપક ભૂટાન તેમ જ વિશ્વના દરેક ઘરને પ્રકાશિત કરે.