Home Blog Page 465

દિલ્હી બ્લાસ્ટના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવેઃ PM મોદી

નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ પર ભૂટાનમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે  આ ઘટનાની પાછળ રહેલા કાવતરાખોરોને બિલકુલ છોડવામાં નહીં આવે. બધા જવાબદાર લોકોને ન્યાયના દાયરામાં લાવવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે આજે હું અહીં ખૂબ જ ભારે દિલથી આવ્યો છું. ગઈ કાલે સાંજે દિલ્હીમાં થયેલી ભયાનક ઘટનાએ દરેકના મનને ગ્લાનિથી ભરી દીધા છે. હું પીડિત પરિવારજનોની પીડા સમજું છું. દેશ આજે તેમની સાથે છે. ગઈ કાલે રાત્રે હું તમામ તપાસ એજન્સીઓ અને મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં હતો. વિચારોનું મંથન ચાલી રહ્યું હતું, માહિતીઓના તાર જોડવામાં આવી રહ્યા હતા. એજન્સીઓ આ ષડયંત્રના મૂળ સુધી જશે. અને જેના પણ પાછળ હાથ હશે, તેમને છોડવામાં નહીં આવે.તેમણે વધુમાં કહ્યું હતું કે ગઈ કાલે રાતઆખી હું તપાસમાં સંલગ્ન તમામ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં હતો. સતત ચર્ચા-વિચારણા થઈ રહી હતી, માહિતીઓ એકઠી અને જોડવામાં આવી રહી હતી. અમારી એજન્સીઓ આ ષડયંત્રની ગંભીરતા સુધી જઈને સત્ય બહાર લાવશે.

તેમણે કહ્યું હતું કે આજનો દિવસ ભૂટાન માટે, ભૂટાનના રાજ પરિવારમાં માટે અને વિશ્વ શાંતિમાં વિશ્વાસ રાખનારા દરેક માટે ખૂબ જ મહત્વનો છે. સદીઓથી ભારત અને ભૂટાન વચ્ચે અત્યંત ગાઢ, આત્મીય અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. તેથી આ મહત્વપૂર્ણ પ્રસંગમાં હાજર રહેવું, ભારત અને મારા માટે પ્રતિબદ્ધતા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે તમારામાંથી ઘણા લોકોને ખબર નહીં હોય કે મારું જન્મસ્થાન વડનગર બુદ્ધ પરંપરાથી જોડાયેલું છે. મારી કર્મભૂમિ વારાણસી, પણ બુદ્ધ ભક્તિનું સ્થાન છે. તેથી આ સમારોહમાં આવવું મારા માટે ખાસ છે. શાંતિ માટે મારી પ્રાર્થના અને આ દીપક ભૂટાન તેમ જ વિશ્વના દરેક ઘરને પ્રકાશિત કરે.

બિહારમાં બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 31.38% મતદાન; પહેલા કરતા 3% વધુ

બિહાર:વિધાનસભાના બીજા અને અંતિમ તબક્કા માટે 20 જિલ્લાની 122 બેઠકો પર મતદાન ચાલુ છે. સવારે 11 વાગ્યા સુધીમાં 31.38% મતદાન થયું છે, જે પહેલા તબક્કા કરતાં 3 ટકા વધારે છે. આ મતદાનમાં 3.70 કરોડ મતદાતાઓ નીતિશકુમારની સરકારના અડધા ડઝન મંત્રીઓ સહિત કુલ 1,302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ,  અરેરિયા અને કિશનગંજ સહિત 11 જિલ્લામાં મતદાન ચાલુ છે. કિશનગંજ, જમુઈ સહિત 5 જિલ્લામાં 6 બૂથ પર EVM ખરાબ થવાને કારણે મતદાન મોડું શરૂ થયું. પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે કહ્યું, “જાણી જોઈને EVMમાં ખરાબીની વાત કહેવામાં આવી રહી છે, જેથી મતની ચોરી થઈ શકે.” 20 જિલ્લાના 45,399 બૂથ પર મતદાન થઈ રહ્યું છે. જેમાં 4,109 બૂથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. સંવેદનશીલ બૂથો પર સાંજે 4 થી 5 વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે અન્ય બૂથો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. પરિણામો 14 નવેમ્બરના રોજ આવશે.બીજા તબક્કાના મતદાનમાં કુલ ચાર લાખથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. કુલ 45,399 મતદાન મથકો પર મતદાન થશે, તેમાથી 40,073 મતદાન મથક ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે. કુલ મતદાતાઓમાં અડધા ઉપરાંતના એટલે કે 2.28 કરોડ જેટલા મતદાતા 30 થી 60 વર્ષની વયના છે. જ્યારે ફક્ત 7.69 લાખ મતદાતા જ 18 થી 19 વર્ષના વયજૂથમાં છે.122 મતવિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યા 1.75 કરોડ છે. 3.67 લાખ મતદારો સાથે નવાડા જિલ્લાની હિસુઓ બેઠક સૌથી મોટો મતવિસ્તાર છે. જ્યારે લૌરિયા, ચંપતિયા, રાક્સોલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બન્મખીમાં સૌથી વધુ 22-22 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 121 મતવિસ્તારોમાં 65 ટકા જેટલું ઊંચું મતદાન થયું છે.

સરકારે ભંગાર વેચીને રૂપિયા 800 કરોડની કરી કમાણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના “વિશેષ સ્વચ્છતા અભિયાન 5.0” એ ફરી એક વખત સફળતાનો નવો માપદંડ સ્થાપ્યો છે. સ્વચ્છતા અને કાર્યક્ષમતાને કેન્દ્રમાં રાખીને ચલાવવામાં આવેલા આ અભિયાન હેઠળ વિવિધ મંત્રાલયો અને વિભાગોએ ભંગાર અને ઈ-વેસ્ટ વેચાણ દ્વારા આશરે 800 કરોડ રૂપિયાની આવક કરી છે. એટલું જ નહીં, આ સમયગાળામાં 232 લાખ વર્ગફૂટ ઓફિસ જગ્યાને પણ મુક્ત કરવામાં આવી છે, જેનાથી સરકારી ઓફિસોમાં કાર્યક્ષમતા વધશે એવી અપેક્ષા છે.

અધિકારીઓના જણાવ્યાનુસાર આ અભિયાન બીજી ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાલ્યું હતું, જેમાં અંદાજે 29 લાખ જૂની ફિઝિકલ ફાઇલોને દૂર કરવામાં આવી હતી અને બિનઉપયોગી વસ્તુઓની હરાજી કરવામાં આવી, જેને કારણે મહત્વની આવક પ્રાપ્ત થઈ હતી.

2021થી અત્યાર સુધી 4100 કરોડ રૂપિયાની કમાણી

કેન્દ્ર સરકારે સ્વચ્છતા અભિયાનની શરૂઆત 2021માં કરી હતી. ત્યારથી માંડીને અત્યાર સુધી ભંગાર અને બિનઉપયોગી સંપત્તિના વેચાણ દ્વારા 4100 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 11.58 લાખ ઓફિસ સ્થળોને આવરી લેવામાં આવ્યાં છે. તેનું સંચાલન વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG) દ્વારા કરવામાં આવે છે.

84 મંત્રાલયો અને વિભાગોની ભાગીદારી

આ વખતના સ્વચ્છતા અભિયાનમાં 84 મંત્રાલયો અને વિભાગો- જેમાં વિદેશ સ્થિત ભારતનાં મિશનો પણ સામેલ છે, તેમણે પણ ભાગ લીધો હતો. આ વિશાળ આંતર-મંત્રાલય અભિયાનની દેખરેખ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કે. રામ મોહન નાયડુ અને ડો. જેટલીન્દ્ર સિંહ દ્વારા કરવામાં આવી હતી.

ઈ-વેસ્ટના વેચાણથી 3296 કરોડની આવક

સરકારે છેલ્લાં ચાર વર્ષમાં ઈ-વેસ્ટ અને ભંગારના વેચાણથી 3296.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ જ સમયગાળા દરમ્યાન 696.27 લાખ વર્ગફૂટ ઓફિસ જગ્યા સાફ કરી ઉપયોગમાં લેવામાં આવી છે. એ સાથે જ 137.86 લાખથી વધુ જૂની ફાઇલો નષ્ટ કરવામાં આવી છે અને 12.04 લાખ સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

બિહાર ચૂંટણીમાં જ્યારે પણ વધુ મતદાન, ત્યારે RJDની સરકારઃ રાજભર

નવી દિલ્હીઃ યુપીની સરકારમાં કેબિનેટ મંત્રી અને NDAમાં સામેલ સુહેલદેવ BSPના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે બિહાર ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે જો બિહારમાં 60 ટકાથી વધુ મતદાન થાય છે તો RJDની સરકાર બની છે. NDAના સાથીદાર હોવા છતાં રાજભરનું આ નિવેદન લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યું છે.

કુશીનગરમાં BSP ચીફ ઓપી રાજભરે કહ્યું હતું કે મેં એક દિવસ ગૂગલ પર જોયું તો જોવા મળ્યું કે જ્યારે પણ વધારે મતદાન થયું છે ત્યારે RJDએ સરકારે બનાવી છે. જ્યાં પણ આંકડો 60 પરથી ઉપર ગયો છે, ત્યાં RJDની સરકાર બની છે. ત્યાં ખૂબ કશ્મકશ છે. બિહારમાં ખેંચતાણ એ માટે છે કે ઓવૈસી પણ RJDની વિરુદ્ધ છે અને ત્યાં પ્રશાંત કિશોર પણ બધાના વિરુદ્ધ છે. કોઈ પણ આશ્વસ્ત નથી. ભલે કોઈ કેટલુંય કહી લે, જનતા મનનો મિજાજ પૂરેપૂરો શાંત છે. કોઈ બોલવા માટે તૈયાર નથી. નેતાઓ ભલે કંઈ પણ બોલે, તેઓ તો એક જ દિવસમાં સરકાર ઊભી પણ કરી દે અને પાડી પણ દે, પણ જનતા જ અસલી માલિક છે.

પહેલા તબક્કામાં કેટલું મતદાન?

ચૂંટણી પંચના જણાવ્યાનુસાર બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 જિલ્લાની 121 બેઠકો પર 65.08 ટકા મતદાન થયું હતું. આ આંકડો એક નવો રેકોર્ડ છે, જે અગાઉની વિધાનસભા અને લોકસભા ચૂંટણીની સરખામણીએ ઘણો વધારે છે. મતદાનમાં સૌથી વધુ ઉત્સાહ મુઝફ્ફરપુર જિલ્લામાં જોવા મળ્યો, જ્યાં 71.81 ટકા લોકોએ મત આપ્યો. જ્યારે પટનામાં 59.02 ટકા મતદાન થયું. યુપીથી સટેલા જિલ્લાઓમાં રાજભર (OBC) સમુદાયના મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. જો તેઓ બિહારમાં રાજભર મતદારોને પોતાની તરફ આકર્ષવામાં સફળ થાય છે, તો NDAને નુકસાન થઈ શકે છે.

પિતા ધર્મેન્દ્રના મોતની અફવાઓ વચ્ચે દીકરી એશાએ જણાવી હકીકત

દરેક જગ્યાએ સમાચાર વહેતા થયા છે કે અભિનેતા ધર્મેન્દ્ર હવે આ દુનિયામાં નથી રહ્યાં. એવામાં ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે આ તમામ સમાચારોને ખોટા ગણાવ્યા છે. એક પોસ્ટમાં તેણે તેના પિતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ શેર કરી છે.

પીઢ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. તેમના સ્વાસ્થ્ય અંગે અનેક અહેવાલો આવ્યા છે. તેમની પુત્રી એશા દેઓલે, તેમના પિતાના સ્વાસ્થ્ય વિશે માહિતી શેર કરી છે. આ સાથે જ તેણીએ ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવા ચાહકોને અપીલ કરી છે.

એશાએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના પિતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે માહિતી શેર કરતા લખ્યું, “મીડિયા વધુ પડતું સક્રિય થઈ ગયું છે અને ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. મારા પિતા સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. હું દરેકને વિનંતી કરું છું કે અમારા પરિવારને થોડી પ્રાઈવસી આપો. પપ્પાના ઝડપથી સ્વસ્થ થવા માટે તમારી પ્રાર્થનાઓ બદલ આભાર.”

 

View this post on Instagram

 

A post shared by ESHA DEOL (@imeshadeol)

શ્વાસ લેવામાં તકલીફ પડતાં પીઢ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેમની તબિયત ઘણી બગડી હતી. પરિવારના સભ્યોએ એક પછી એક તેમની મુલાકાત લીધી હતી. 89 વર્ષીય ધર્મેન્દ્રને પોતાના પિતા માનતા સલમાન ખાન પણ ગઈકાલે સાંજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગોવિંદા અને અમીષા પટેલે પણ ગઈ રાત્રે ધર્મેન્દ્રની મુલાકાત લીધી હતી.

સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની અફવાઓ ફેલાઈ હતી

શાહરુખ ખાન, તેમના પુત્ર આર્યન સાથે ધર્મેન્દ્રને મળવા ગયા હતા. હેમા માલિનીએ પણ તેમના પતિને મળવા ગયા હતા. ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતાં પુત્રી એશાએ તરત જ તેના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. એશા તેના પિતાની ખૂબ નજીક છે. જોકે, ધર્મેન્દ્રની ટીમે પણ એક પોસ્ટ દ્વારા પુષ્ટિ આપી હતી કે ધર્મેન્દ્રની તબિયત સારી છે અને તે સ્વસ્થ થઈ રહ્યા છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૧ નવેમ્બર ૨૦૨૫

ગૂમડું ફૂટ્યું કે વૈદ વેરી

 

ગૂમડું ફૂટ્યું કે વૈદ વેરી

માણસને ગૂમડું થાય અને જ્યાં સુધી એ પાકીને ફૂટી ના જાય ત્યાં સુધી લબકારા માટે અને અસહ્ય પીડા થાય. પણ જેવું ગૂમડું ફાટે અથવા વેરાઈ જાય એટલે એ પીડા ધીરે ધીરે સમી જાય.

આ પીડા જ્યારે ચરમસીમાએ હોય ત્યારે વૈદ વ્હાલો લાગે. એ વખતે એ જે કાંઇ કરતો હોય એનો મોટો ઉપકાર ચઢે છે એવું વૈદને પણ કહેવાઈ જાય.

જેવું કામ પત્યું એટલે વૈદને (ડોક્ટરને) એની ફી આપવી પડે. અને એ સમયે એકાએક વૈદ દુશ્મન બની જાય.

આમ ગરજ હોય ત્યાં સુધી કોઈના ગુણગાન ગાવા અને જેવી ગરજ મટી કે એના જ સામે મોરચો માંડવો એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

સંજીવકુમાર ‘ઠંડે ઠંડે પાની સે’ ગીત માટે વજન ઘટાડી શક્યા નહીં!    

ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ (1978) ના લોકપ્રિય રહેલા ‘ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિએ’ ગીતના શુટિંગ દરમિયાન સંજીવકુમાર તેમનું વધેલું વજન અને ખાસ કરીને ગીતમાં દેખાતો પેટનો ભાગ જોઈને નાખુશ થયા હતા. એ માટે કેવો પ્રયત્ન કર્યો હતો અને શું પરિણામ આવ્યું હતું એનો રસપ્રદ કિસ્સો નિર્દેશક બી.આર. ચોપરાએ એક મુલાકાતમાં તબસ્સુમને કહ્યો હતો. સંજીવકુમાર તે સમયના સૌથી પ્રતિભાશાળી અને બહુમુખી અભિનેતા ગણાતા હતા. તેમને આ ફિલ્મમાં એક એવા સામાન્ય મધ્યમવર્ગીય પતિ રણજીત તરીકે કાસ્ટ કરવામાં આવ્યા હતા જે પોતાના લગ્નજીવનમાં સંતોષ હોવા છતાં નવી સચિવના પ્રેમમાં પડે છે.

સંજીવકુમાર ક્યારેય પરંપરાગત ‘ચોકલેટી હીરો’ ની ઇમેજમાં બંધાયા નહોતા. તેમના સહજ દેખાવ અને પાત્રમાં ભળી જવાની ક્ષમતાને કારણે બી.આર. ચોપરાએ તેમને આ ભૂમિકા માટે પસંદ કર્યા હતા. તેમનો સામાન્ય માણસનો દેખાવ જ આ કોમેડી ફિલ્મને વધુ વાસ્તવિક બનાવે છે. જ્યારે ‘ઠંડે ઠંડે પાની સે’ ગીતનું શુટિંગ બાથરૂમમાં શરૂ થયું ત્યારે સંજીવકુમારે ચોપરાને કહ્યું કે મારું મોટું પેટ જોયું? એને જોઈને મારી હીરોની ઇમેજ ખરાબ થઈ જશે. ત્યારે ચોપરાએ વધેલું વજન અને તેમનો સહજ દેખાવ જ આ પાત્ર માટે સંપૂર્ણ હોવાનું સમજાવ્યું. કારણ કે તે એક બાળકના પિતા અને મધ્યમવર્ગીય સામાન્ય પતિની ભૂમિકા ભજવી રહ્યા હતા.

સંજીવકુમાર માન્યા નહીં અને કહ્યું કે એક કામ કરીએ આ ગીતનું શુટિંગ સૌથી છેલ્લું કરીશું. ફિલ્મનું શુટિંગ એક મહિનો ચાલવાનું છે. છેલ્લા દિવસે આ ગીત કરીશું. ત્યાં સુધી હું ડાયટ કરીને વજન ઉતારીશ. ચોપરાએ કહ્યું કે સારી વાત છે. વજન ઉતારવાથી તને લાભ જ થશે. એમણે સેટ પર પહેલા દિવસે પોતાના માટે અલગ સલાડ અને સૂપ મંગાવીને લીધું. ત્યાર બાદ જ્યારે ચોપરા માટે જમવાનું આવ્યું ત્યારે એમાં ફીશ કરીની સુગંધથી મન લલચાયું અને એક દિવસ માટે ડાયટ છોડી દીધું. પછી રોજ એવું જ થતું રહ્યું. બીજા દિવસથી ડાયટ કરવાનો સંકલ્પ લેતા રહ્યા.

એક મહિના પછી જ્યારે ‘ઠંડે ઠંડે પાની સે’ ગીતનું શુટિંગ શરૂ થયું ત્યારે સંજીવકુમારનું વજન પાંચ પાઉન્ડ વધી ગયું હતું! ગીતમાં તેમનું પેટ સ્પષ્ટ દેખાય છે છતાં પડદા પર સહજ લાગે છે. કેમ કે, સંજીવકુમારનો પોતાના દેખાવ પ્રત્યેનો કોઈ અસલામતી વગરનો અભિનય આજે પણ તેમની અભિનેતા તરીકેની કલા અને સાહજિકતાના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે. 1970ના દાયકામાં જ્યાં હીરોને સિક્સ-પેક કે સંપૂર્ણ ફિટ બોડીમાં બતાવવામાં આવતા હતા ત્યાં સંજીવ કુમાર આ ગીતમાં થોડા સ્થૂળ દેખાવ સાથે સંપૂર્ણ આરામથી જોવા મળ્યા હતા.

આ ગીતની સૌથી રસપ્રદ વાત એ છે કે તે હિન્દી સિનેમામાં બાથરૂમ સિંગિંગને એક મનોરંજક અને યાદગાર રીતે દર્શાવતું સૌથી લોકપ્રિય ગીત છે. કિશોરકુમારે રેકોર્ડિંગ દરમિયાન અનેક જગ્યાએ ગીતમાં સ્વતઃ ઉમેરેલું જેમ કે ‘ઓ હો હો હો’ આ ગીતની ઓળખ બની ગયું હતું. આ ગીતમાં સંજીવ કુમાર તેમના પુત્ર સાથે દેશી સ્ટાઇલમાં ડોલ- લોટાથી નહાતા અને ગાતા બતાવવામાં આવ્યા છે. વિદ્યા સિંહા પણ તેમની મસ્તીમાં જોડાય છે. ગીતકાર આનંદ બક્ષીએ અત્યંત રમુજી અને પ્રસંગને સંબંધિત શબ્દો લખ્યા છે. આ શબ્દોમાં પતિ-પત્નીની નાની-નાની તકરાર, બાળકોની શેતાની અને બાથરૂમમાં ગોપનીયતાની માંગને હળવાશથી રજૂ કરવામાં આવી છે. આ ગીત વર્ષોથી અંતાક્ષરીમાં ખૂબ લોકપ્રિય રહ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે હિન્દી ગીતોમાં ‘ઠ’ અક્ષરથી શરૂ થતા ગીતોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. તેથી આ ગીત ‘ઠ’ની શરૂઆતમાં ગાવા માટેનું એક જાણીતું વિકલ્પ બની રહ્યું છે.

પંચાંગ 11/11/2025