Home Blog Page 4621

પ્રૌઢાવસ્થાની આફત

(સદગુરૂ, જગ્ગી વાસુદેવ)

પ્રૌઢાવસ્થાની સ્થિતિમાંથી પસાર થવું એટલે, અમુક અંશે એમ કહી શકાય કે યુવા ઊર્જા જતી રહેવી. જ્યારે તમે યૌવનથી છલકાતા હશો, ત્યારે તમે કદાચ બિન્દાસ જીવન ગુજાર્યું હશે. હવે એ ઊર્જા, એ જુસ્સો રહ્યો ન હોવાથી તમે સવારના ચાર વાગ્યા સુધી પાર્ટી મ્હાલી શકતા નથી, આથી, તમને લાગે છે કે કોઈ મોટી આફત આવી પડી છે. પ્રૌઢાવસ્થા સંતુલિત હોવી જોઇએ, ખરું કે નહીં? યુવાનીની સમસ્યાઓ પૂરી થઈ ચૂકી છે, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ આવવાને હજી વાર છે. પ્રૌઢાવસ્થા તમારા જીવનનો સર્વશ્રેષ્ઠ તબક્કો હોવો જોઈએ, પરંતુ તમે તેને આફત તરીકે જુવો છો. વાસ્તવમાં પ્રૌઢાવસ્થા નહીં, બલ્કે તમે આફતરુપ છો.

તમે જેને આફત કહો છો, એ કેવળ પરિવર્તન છે અને આ પરિવર્તનને કેવી રીતે સ્વીકારવું તે તમે નથી જાણતા, આથી તમે તેને આફત કહો છો. જો તમે પરિવર્તન ન ઈચ્છતા હોવ, તો કાં તો તમારે જીવન સંકેલી લેવું જોઈએ અથવા પછી પ્રબુદ્ધ થવું જોઈએ. અન્યથા, જ્યાં સુધી તમે અસ્તિત્વની શારીરિક પ્રક્રિયાના ભાગ છો, ત્યાં સુધી એવું કશું જ નથી જે પરિવર્તન ન પામતું હોય. આ ક્ષણે તમે શ્વાસ લો છો, બીજી ક્ષણે તમે શ્વાસ કાઢો છો – તે પરિવર્તન છે. જ્યારે તમે બદલાવને અટકાવો છો, ત્યારે તમે જીવનની મૂળભૂત પ્રક્રિયાનો પ્રતિકાર કરો છો અને આમ કરીને તમે તમામ પ્રકારની મુશ્કેલીઓ નોતરો છો.

જીવન એટલે જુદી-જુદી પરિસ્થિતિઓ. કેટલીક પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે આપણે જાણીએ છીએ, તો વળી, કેટલીક પરિસ્થિતિઓને કેવી રીતે થાળે પાડવી તે આપણે જાણતા નથી. જો તમે એવું જીવન જીવતા હોવ કે જેમાં તમે સામે આવનારી દરેક પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે જાણતા હોવ, તો તમે જીવનથી કંટાળી જશો. પણ, જો તમે આવનારી પરિસ્થિતિનો સામનો શી રીતે કરવો તે ન જાણતા હોવ, તો તમારે રોમાંચ અનુભવવો જોઈએ, તેને સ્થાને તમે તેને એક આફત માનો છો. તમે ચાળીસ વર્ષના હોવ અને તમે હજી પણ અઢાર વર્ષના ટીનેજરની માફક જીંદગી જીવવા ઈચ્છતા હોવ, તો ચાળીસની વય તમને સમસ્યારુપ જ લાગશે. સમસ્યા કે આફત જેવું કશું જ હોતું નથી, તમારા જીવનમાં ફક્ત પરિસ્થિતિઓ સર્જાય છે, જીવનમાં તો કોઈ પણ રીતે બદલાવ આવશે જ. તો શું આ જીવન તમે ઈચ્છો છો તે પ્રમાણે બદલાઈ રહ્યું છે કે પછી અનિશ્ચિત રીતે બદલાઈ રહ્યું છે? તે મહત્વનો પ્રશ્ન છે.

ભલે જે કોઈ પણ રીતે તે બદલાય, પણ નિષ્ક્રિયતા કરતાં તો સારું જ છે. કારણ કે, માનવ જીવન નિષ્ક્રિયતા સહન કરી શકતું નથી. ‘પ્રૌઢાવસ્થાની આફત’નો અર્થ થાય છે, ‘મારું જીવન નિષ્ક્રિય થઈ રહ્યું છે.’ ‘બધું જેમનું તેમ છે – તે જ ઘર, તે જ ડિશવોશિંગ, તે જ પતિ – બધું એકસમાન છે.’ આ ‘બધું જેમનું તેમ છે’ એ કેવળ તમારું માનસિક તારણ છે. બાકી, રોજ, પ્રત્યેક ક્ષણે અસ્તિત્વમાં પરિવર્તન આવતું રહે છે. તમારા શરીરમાં ફેરફાર થાય છે, તમારા દિમાગમાં ફેરફાર થાય છે, બધામાં ફેરફાર થાય છે – પણ તમારી પાસે જીવનનો દ્રષ્ટિકોણ નથી. જો તમે તમારી આસપાસના દરેક પાંદડાનું ધ્યાનથી અવલોકન કરતા હોવ, આસપાસમાં બનતી તમામ ઘટનાઓનું નિરીક્ષણ કરતા હોવ, તો તમે જોશો કે જીવન સતત પરિવર્તન પામતી પ્રક્રિયા છે, કશું પણ સ્થિર નથી. અંદર અને બહાર, બધું જ પરિવર્તનની પ્રક્રિયામાં ગતિશીલ રહે છે. જો તમે જીવન સાથે કદમ મીલાવશો, તો તમને કદી પણ તેમાં સમસ્યા કે આફત નહીં અનુભવાય પણ તમે ફક્ત તમારા વિચારો અને સંવેદનાઓ પર જ ધ્યાન આપો છો, આથી તમને તે આફતરુપ લાગે છે.

અત્યારે તમારે એ સમજવાની જરુર છે કે આ આફત સંપૂર્ણપણે તમારા દિમાગ અને તમારી લાગણીઓની ઊપજ છે. કુદરતની, અસ્તિત્વની કે સર્જનની નહીં – ફક્ત તમારી ઊપજ છે. જો તમને એ ન સમજાય, તો તમે એક પછી એક સમસ્યા સર્જતા રહેશો. જો તમે સમજી જશો કે આ તમે જાતેજ ઊભી કરેલી આફત છે, તો તમારે તેને અટકાવવી નહીં પડે – તે આપમેળે જ અદ્રશ્ય થઈ જશે.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)

 

પંચાંગ 12/10/2020

(મયંક રાવલ)

મુંબઈઃ આરે કોલોનીમાંથી મેટ્રો કારશેડ હટાવાશે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે એક મહત્ત્વની જાહેરાત કરી છે. એમણે કહ્યું કે ગોરેગાંવ (પૂર્વ) સ્થિત આરે કોલોની વિસ્તારમાં નક્કી કરાયેલો મેટ્રો કાર શેડ હટાવી દેવામાં આવશે અને એને કાંજુરમાર્ગ ખાતે શિફ્ટ કરવામાં આવશે.

આ જાહેરાત કરીને ઉદ્ધવ ઠાકરેએ આરે કોલોનીના જંગલ વિસ્તારનું રક્ષણ કરવામાં આવશે એવા વિધાનસભા ચૂંટણી પૂર્વે આપેલા વચનનું પાલન કરી બતાવ્યું છે.

 

ઠાકરેએ વેબકાસ્ટમાં જણાવ્યું કે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટને કાંજુરમાર્ગ ઉપનગરમાં સરકારી જમીન પર શિફ્ટ કરાશે. એ માટે કોઈ ખર્ચ કરવામાં નહીં આવે. જમીનનો પ્લોટ ઝીરો રેટ પર ઉપલબ્ધ છે.

ઠાકરેએ વધુમાં કહ્યું કે આરે કોલોનીના વનવિસ્તારમાં જે મકાન બાંધવામાં આવ્યું છે એનો ઉપયોગ કોઈક અન્ય જાહેર કામકાજ માટે કરવામાં આવશે. આ મકાન બાંધવા પાછળ જે રૂ. 100 કરોડનો ખર્ચ થયો એ ફોગટ જવા દેવામાં નહીં આવે.

સરકારે અગાઉ એવું જાહેર કર્યું હતું કે આરે કોલોનીમાં 600 એકર જમીન જંગલ છે, પરંતુ હવે એ આંકડામાં ફેરફાર કરીને 800 એકર ગણવામાં આવી છે. આરે જંગલવિસ્તારમાં વસતા આદિવાસી જનજાતિઓનાં લોકોનાં અધિકારો પર કોઈ પ્રકારની તરાપ મારવામાં નહીં આવે. આરે વિસ્તારમાં બાયોડાઈવર્સિટી (જૈવ વિવિધતા)ની કુદરતી રચનાની જાળવણી કરવામાં આવશે અને તેનું રક્ષણ કરવામાં આવશે. હવે આરેમાં 800-એકર જંગલ વિસ્તાર છે. મુંબઈનું આ પોતાનું એક કુદરતી વનકવચ છે.

ઉલ્લેખનીય છે કે નાગરિકો તથા પર્યાવરણવાદીઓએ આરેના જંગલ વિસ્તારમાં મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ નાખવામાં આવે તેની સામે ગયા વર્ષે જોરદાર વિરોધ કર્યો હતો. અગાઉની સરકારે એમની સામે નોંધેલા તમામ ક્રિમિનલ કેસોને હાલની શિવસેના-કોંગ્રેસ-એનસીપી સંયુક્ત સરકારે પાછા ખેંચી લીધા છે.

આરે વિસ્તાર મેટ્રો-3 લાઈનનો હિસ્સો છે. આ લાઈન કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ વિસ્તારોને જોડે છે, પરંતુ એનો કાર શેડ (ડેપો) આરે કોલોનીના જંગલમાં બાંધવાનો મૂળ પ્લાન હતો.

મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓએ એવો ભય વ્યક્ત કર્યો છે કે કાર શેડને જો આરે કોલોનીમાંથી ખસેડવામાં આવશે તો મેટ્રો લાઈન-3 પ્રોજેક્ટ 3 વર્ષ લંબાઈ જશે અને એની પાછળનો ખર્ચ રૂ. 2000 કરોડ જેટલો વધી જશે.

આરે કોલોનીમાંથી મેટ્રો કાર શેડને અન્ય સ્થળે ખસેડવાના સરકારના વિચારને અગાઉ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખોટી નીતિ તરીકે ઓળખાવ્યો હતો.

હોસ્પિટલની પથારી પરથી ગેલે ચાહકોને સંદેશ મોકલ્યો

દુબઈઃ આઈપીએલ-2020 ક્રિકેટ સ્પર્ધામાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ તરફથી રમતો ઓપનર ક્રિસ ગેલ હાલ પેટની તકલીફને કારણે હોસ્પિટલમાં છે. ત્યાં પથારીમાં સૂતા સૂતા એણે પોતાની તસવીર સાથે એક સંદેશ મોકલ્યો છે અને કહ્યું છે કે ‘હું લડ્યા વગર હારતો નથી.’

ઉલ્લેખનીય છે કે લોકેશ રાહુલના નેતૃત્ત્વવાળી કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ હાલ પોઈન્ટ્સ ટેબલમાં તળિયે છે અને વેસ્ટ ઈન્ડિયન આક્રમક ઓપનર ગેલ હજી સુધી એકેય મેચ રમ્યો નથી.

41 વર્ષીય સ્વયંઘોષિત ‘યુનિવર્સ બોસ’ ગેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વિક્રમ ધરાવે છે. એણે કુલ 326 સિક્સર ફટકારી છે.

ગેલે દુબઈની એક હોસ્પિટલમાં પથારીમાં સૂતા સૂતા પોતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને એની કેપ્શનમાં (દેખીતી રીતે જ પ્રશંસકોજોગ) લખ્યું છે કેઃ ‘હું તમને આ જણાવી દઉં. હું લડ્યા વિના ક્યારેય હારતો નથી. હું યુનિવર્સ બોસ છું – અને આ પદ ક્યારેય બદલાશે નહીં. તમે મારી પાસેથી શીખી શકો છો… પણ તમે દરેક વાતમાં મારું અનુસરણ કરો એવું હું નહીં કહું. મારી સ્ટાઈલ અને ચમકારાને ભૂલશો નહીં…’

તસવીરમાં એ ફોન પર કોઈકની સાથે વાત કરી રહ્યો છે અને બીજા હાથમાં વાઈન જેવું ભરેલો ગ્લાસ પકડ્યો છે.

ગઈ કાલે, શનિવારની મેચમાં પંજાબ ટીમનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પરાજય થયો હતો. અત્યાર સુધીમાં રમેલી સાત મેચોમાંથી પંજાબ ટીમનો આ છઠ્ઠો પરાજય હતો. પંજાબ ટીમ સ્પર્ધામાં તેની બાકીની સાતેય મેચ જીતે તો પણ પ્લે-ઓફ્ફમાં પહોંચી શકે એમ નથી.

ગેલ ટ્વેન્ટી-20 મેચોમાં સૌથી વધારે રન કરનાર બેટ્સમેન છે. એણે 125 મેચોમાં 4,484 રન કર્યા છે અને આઈપીએલમાં એનો સ્ટ્રાઈક રેટ 151થી વધારે છે.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન થયા ૭૮ વર્ષના

હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચન આજે એમનો ૭૮મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમની પર ચારેકોરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. બચ્ચન ગઈ કાલે રાતે સોશિયલ મિડિયા પર રાબેતા મુજબ કાર્યરત રહ્યા હતા અને આજે સવારે તે મુંબઈમાં એમના બંગલા જલસાની બહાર ચાલતા જતા જોવા મળ્યા હતા.

પ્રેસ ફોટોગ્રાફરોને મહામૂલી તસવીરો ક્લિક કરવા મળી ગઈ. અમિતાભ એમની ઓફિસે જવા માટે એમના બંગલાની બહાર નીકળ્યા હતા. એમની ઓફિસ એમના બંગલાની નજીકમાં જ આવેલી છે. આજે તે ત્યાં ચાલતા ગયા હતા.

દેશના ધરખમ સેલિબ્રિટી હોઈ અમિતાભના નિવાસસ્થાનની બહાર હંમેશની જેમ સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પ્રશંસકો તથા અન્ય સેલિબ્રિટી વ્યક્તિઓ તરફથી દર વર્ષની જેમ આ વખતે પણ બચ્ચનને જન્મદિન નિમિત્તે અનેક ભેટસોગાદો મોકલવામાં આવી છે જે બધી ચીજવસ્તુઓને બંગલાની બહાર ગોઠવાયેલા સિક્યુરિટી જવાનો ભેગી કરીને અંદર લઈ જતા જોવા મળ્યા હતા.

અમિતાભઃ પાંચ આલિશાન બંગલાના માલિક

‘ઝંજીર’, ‘દીવાર’, ‘શોલે’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ત્રિશુલ’, ‘ડોન’, ‘અમર અકબર એન્થની’, ‘હેરાફેરી’, ‘સત્તે પે સત્તા’, ‘શરાબી’ જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં દમદાર અભિનયથી કરોડો દર્શકોને પોતાના ચાહક બનાવનાર અમિતાભ મુંબઈમાં પાંચ બંગલાના માલિક છે, પણ એ વર્ષોથી ‘જલસા’ બંગલામાં જ રહે છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલાહાબાદ)માં મશહૂર કવિ ડો. હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનનાં પરિવારમાં 1942ની 11 ઓક્ટોબરે અમિતાભનો જન્મ થયો હતો.

ફિલ્મી ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો નિશ્ચય કરીને અમિતાભ મુંબઈ આવ્યા હતા. પણ શરૂઆતમાં એમને કોઈ કામ મળતું નહોતું. રહેવા માટે કોઈ ઘર પણ નહોતું. એ વખતે એમને મુંબઈમાં કોમેડી એક્ટર અને નિર્માતા મેહમૂદે પોતાના ઘરમાં એમને ઉતારો આપ્યો હતો. એ જ અમિતાભ સમય જતાં સ્ટાર અને સુપરસ્ટાર અને આજે મેગાસ્ટાર બન્યા છે. આજે મુંબઈમાં એમના પાંચ-પાંચ બંગલા છે. ‘જલસા’ ઉપરાંત ‘પ્રતીક્ષા’, ‘જનક’ અને ‘વત્સ’. આ પાંચેય બંગલા વિલે પારલેના પશ્ચિમ ભાગના જુહૂ વિસ્તારમાં આવેલા છે.

જલસા બંગલો આશરે 10 હજાર સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલો છે.

અમિતાભ જલસામાં શિફ્ટ થયા એ પહેલાં ‘પ્રતીક્ષા’ બંગલામાં રહેતા હતા. ‘પ્રતીક્ષા’માં એ તેમના માતા-પિતા સાથે અનેક વર્ષો સુધી રહ્યા હતા. પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેકનું બાળપણ આ જ બંગલામાં વીત્યું હતું. માતા-પિતાનાં દેહાંત બાદ ‘પ્રતીક્ષા’માં અમિતાભનો જીવ લાગતો નહોતો એટલે તેઓ પત્ની જયા અને સંતાનો સાથે ‘જલસા’માં શિફ્ટ થયા હતા.

અમિતાભને પુસ્તકો અને પેઈન્ટિંગ્સનો પણ શોખ છે. એમણે ઘરમાં ઘણા પુસ્તકો વસાવ્યા છે અને ઘણા મશહૂર ચિત્રકારોના પેઈન્ટિંગ્સ દીવાલો પર સજાવ્યા છે.

‘જલસા’થી થોડેક જ દૂર અમિતાભનો અન્ય બંગલો ‘જનક’ આવેલો છે. અહીંયા જ એમણે પોતાની ઓફિસ બનાવી છે. ત્યાં એ મિડિયાકર્મીઓ તથા મહેમાનોને મળતા હોય છે.

અમિતાભનો એક અન્ય બંગલો પણ છે જે તેમણે એક મલ્ટીનેશનલ બેન્કને ભાડેથી આપ્યો છે. જોકે એના અમુક હિસ્સાનો ઉપયોગ બચ્ચન પરિવાર ક્યારેક પાર્ટીઓ માટે કરે છે.

આજે પોતાના જન્મદિવસ માટે શુભેચ્છા આપનાર તમામ પ્રશંસકો, સેલિબ્રિટી વ્યક્તિઓનો અમિતાભે આભાર માન્યો છે.

અમિતાભની આગામી ફિલ્મો છે

બ્રહ્માસ્ત્રઃ જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય, નાગાર્જુન જેવા અન્ય કલાકારો પણ છે.

ચેહરેઃ ભેદભરમવાળી થ્રિલરમાં અમિતાભ સાથે ઈમરાન હાશ્મી, રિયા ચક્રવર્તી, અનુ કપૂર છે.

ઝૂંડઃ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ના દિગ્દર્શક નાગરાજ મંજુળે ઝૂંડ બનાવી રહ્યા છે. ‘સ્લમ સોકર’ના સર્જક વિજય બારસેના જીવન પર આધારિત આ ફિલ્મમાં અમિતાભ એમાં એક પ્રોફેસરનો રોલ કરી રહ્યા છે, જે શેરીના બાળકોને ફૂટબોલ ટીમ બનાવવા પ્રેરિત કરે છે.

તામિલ ફિલ્મઃ અમિતાભ પહેલી જ વાર એક તામિલ ફિલ્મ – Uyarndha Manithan માં જોવા મળશે.

આદીમાનવઃ પ્રભાસ અને દીપિકા પદુકોણ અભિનીત ‘આદીમાનવ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. પ્રભાસે આનો સંકેત સોશિયલ મિડિયા પર એક વિડિયો ક્લિપ દ્વારા આપ્યો છે. આ ફિલ્મ 2022માં રિલીઝ થવાનું નિર્ધારિત છે.

આંખે 2: 2002માં આવેલી ‘આંખે’ ફિલ્મની સીક્વલમાં અમિતાભ કામ કરે એવો અહેવાલ છે.

ગુજરાત પેટા-ચૂંટણીઃ ભાજપના 7 ઉમેદવારોના નામ જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકોની આવતી ૩ નવેમ્બરે નિર્ધારિત પેટા-ચૂંટણીમાંથી સાત બેઠકો માટે શાસક ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની આજે જાહેરાત કરી છે.

આ ઉમેદવારો છેઃ પ્રદ્યુમન સિંહ જાડેજા (અબડાસા), બ્રિજેશ મેરજા (મોરબી), જે.વી. કાકડિયા (ધારી), આત્મારામ પરમાર (ગઢડા), અક્ષય પટેલ (કરજણ), વિજય પટેલ (ડાંગ) અને જીતુ ચૌધરી (કપરાડા).

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક માટે ઉમેદવારની પસંદગી હજી બાકી છે.

૮ વિધાનસભ્યોએ રાજીનામા આપ્યા હોવાથી આ તમામ બેઠકો પર પેટા-ચૂંટણી યોજાઈ રહી છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ

પેટા-ચૂંટણી માટે ૯ ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. ૧૬ ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો ૧૯ ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. ૩ નવેમ્બરે મતદાન થશે અને ૧૦ નવેમ્બરે પરિણામ જાહેર થશે.

નિલેશ શાહ AMFIના ચેરમેન, સૌરભ નાણાવટી વાઈસ-ચેરમેન

મુંબઈઃ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ  ફંડ્સ ઈન ઈન્ડિયા(AMFI) ના ચેરમેન પદે ફરી એકવાર નિલેશ શાહ ચુંટાયા છે. જયારે કે વાઈસ ચેરમેન પદે સૌરભ નાણાવટીની વરણી થઈ છે. આ બંને ગુજરાતી મ્યુચ્યુઅલ ફંડ ઉધોગમાં અગ્રેસર નામ ધરાવે છે . નિલેશ શાહ કોટક એસેટ મેનેજમેન્ટ કંપનીના (મ્યુચ્યુઅલ ફંડ) મેનેજિંગ ડિરેકટર છે અને સૌરભ નાણાવટી ઈન્વેસ્કો એસેટ મેનેજમેન્ટ ઈનિડયા પ્રા.કંપનીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર છે. એમ્ફી એ દેશના તમામ મ્યુચ્યુઅલ ફંડનું સેબી માન્ય એસોસીએશન છે. મ્યુચ્યુઅલ ફંડ ઉધોગનું તે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન છે.

(ડાબે) નિલેશ શાહ, સૌરભ નાણાવટી (જમણે)

શાહ AMFI ફાઈનાન્સિયલ લિટરસી કમિટીના એક્સ-ઓફિશિયો ચેરમેન પદે પણ ચાલુ રહેશે.  AMFI વેલ્યુએશન કમિટીના ચેરમેન પદે આદિત્ય બિરલા સન લાઈફ એસેટ મેનેજમેન્ટ કંપનીના CEO એ. બાલાસુબ્રહમણ્યનને અને AMFI ઓપરેશન એન્ડ કોમ્પ્લાયન્સ કમિટીના ચેરમેનપદે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન એસેટ મેનેજમેન્ટ કંપનીના CEO સંજય સપ્રેને પુનઃ ચૂંટવામાં આવ્યા છે.

આઈડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીના CEO વિશાલ કપૂરને AMFI સ્ટેન્ડિંગ કમિટી ઓફ સર્ટિફાઈડ ડિસ્ટ્રિબ્યુટર્સના ચેરમેન પદે અને એડલવિસ એસેટ મેનેજમેન્ટનાં CEO રાધિકા ગુપ્તાને AMFI ઈટીએએફ કમિટીના ચેરમેન પદે ચૂંટી કાઢવામાં આવ્યાં છે.આ તમામ હસ્તીઓ મ્યુચ્યુઅલ ફંડ ઉધોગના અગ્રણીઓમાં સ્થાન ધરાવે છે.

35-દિવસમાં 10 મિસાઈલનું સફળ પરીક્ષણઃ ભારતની કમાલ

નવી દિલ્હીઃ ભારતની મિલિટરી રિસર્ચ અને ડેવલપમેન્ટની કામગીરી સંભાળતી એજન્સી ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) આવતા અઠવાડિયે 800 કિ.મી. રેન્જ ધરાવતી ‘નિર્ભય’ સબ-સોનિક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કરવાની છે. ભારતીય સેનામાં સામેલ કરાતા પહેલાં આ સોલિડ રોકેટ બુસ્ટર મિસાઈલનું તે આખરી પરીક્ષણ હશે.

DRDO દ્વારા છેલ્લા 35 દિવસમાં આ 10મું મિસાઈલ પરીક્ષણ હશે.

સરહદ પર વાસ્તવિક નિયંત્રણ રેખા પરથી પીછેહઠ કરવામાં ચીનને વટથી ના પાડી દીધા બાદ DRDO એજન્સી વ્યૂહાત્મક અને પરંપરાગત મિસાઈલોને વિકસીત કરવામાં વ્યસ્ત છે. એણે છેલ્લા એક મહિનામાં દર ચાર દિવસે એક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે અને સફળતા મેળવી છે.

ચીનની સેના ‘પીપલ્સ લિબરેશન આર્મી’એ ગયા મે મહિનામાં લદાખના ઉત્તર ભાગમાં ભારતના સૈનિકો સાથે અથડામણ કરી હતી. ત્યારથી બંને દેશ વચ્ચે સીમા પર તંગદિલી વધી ગઈ છે અને તે હજી પણ ચાલુ છે.

DRDO એજન્સીએ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું પણ હાલમાં જ પરીક્ષણ કર્યું હતું. હવે આ મિસાઈલ 400 કિ.મી. દૂરના ટાર્ગેટને તોડી પાડવામાં સક્ષમ બની છે. તે ઉપરાંત, અણુબોમ્બ ફેંકવા સક્ષમ શૌર્ય સુપરસોનિક મિસાઈલ અવાજ કરતાં બેથી ત્રણ ગણી સ્પીડે ભાગી શકે છે.

DRDO વિજ્ઞાનીઓએ અણુબોમ્બ ફેંકવા સક્ષમ અન્ય બેલિસ્ટિક મિસાઈલ પૃથ્વી-2નું પણ સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ આકાશમાંથી આકાશમાં રહેલા ટાર્ગેટને તોડી પાડી શકે છે. એ 300 કિ.મી.ની રેન્જમાં આવેલા દુશ્મન ટાર્ગેટને તોડી પાડી શકે છે. આ ભારતની પ્રથમ સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી સરફેસ-ટુ-સરફેસ વ્યૂહાત્મક મિસાઈલ છે.

ભારતે 7 સપ્ટેમ્બરે HSTDV ટેસ્ટ વેહિકલ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ 22 સપ્ટેમ્બરે અભ્યાસ મિસાઈલ, 23 સપ્ટેમ્બરે પૃથ્વી-2, 30 સપ્ટેમ્બરે બ્રહ્મોસ SR, 3 ઓક્ટોબરે શૌર્ય NG, પાંચ ઓક્ટોબરે સ્માર્ટ ASW, 8 ઓક્ટોબરે રૂદ્રમ ARM મિસાઈલોનું સફળ પરીક્ષણ કર્યું હતું.

વાહ ભાઈ વાહ! ૧૧ ઓક્ટોબર, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૧ ઓક્ટોબર, ૨૦૨૦

૧૧ ઓક્ટોબર ૨૦૨૦

૧૧ ઓક્ટોબર ૨૦૨૦